Archive for May 8, 2022

એષા ખુલ્લી કિતાબ( ૭) – રાજુલ કૌશિક


આજે પણ રિવાને સાંજ યાદ છે. અણધાર્યા અતિથિ જેવી એષા ઢળતી સાંજે આવીને ઊભી રહી. પણ નવાઈની વાત હતી કે સાથે રોહિત પણ હતો. આણંદ પોતાની હોસ્પિટલ કર્યા પછી રોહિતને ભાગ્યે બહાર નીકળવાનો સમય રહેતો.

******

આમ પણ રોહિતને સામાજિક કે કૌટુંબિક પ્રસંગોમાં હાજરી આપવાનું અનુકૂળ નહોતું આવતું. અને હવે તો પોતાની હોસ્પિટલની જવાદારી એટલી તો વધી ગઈ હતી કે નિકટના કે અગત્યના પ્રસંગ વગર તો રોહિતને ભાગ્યેજ અમદાવાદ આવવાનું થતું.

હા, રિવા અને કરણના કે એષાની નાની બહેન અને ભાઈના લગ્ન પ્રસંગે પણ રોહિતે આવશ્યક, સમય પૂરતી હાજરી આપી હતી.

એષાનો પરિવાર હજુ પણ સંયુક્ત હતો. એષાના મોટાઇ-મોટીબહેન કે કાકા-કાકી સૌની સ્નેહગાંઠ યથાવત હતી. એક વડલાને જેમ શાખાઓ ફૂટે , એ શાખાઓ એકમેકમાં વીંટળાઈને અને વધુ ઘેઘૂર, વધુ મજબૂત બને એમ એષાના પિતરાઈ ભાઈ-બહેનો વચ્ચે એકસૂત્રતા જળવાઈ રહી હતી.

પણ હવે જે ઘટના બની એનાથી તો વળી સોને પે સુહાગા જેવો ઘાટ ઘડાયો.

એષા અને રોહિતની વ્યસ્તતા જાણતાં એષાનાં કાકા-કાકી એક વાર આણંદ જઈ પહોંચ્યા.  હોસ્પિટલમાં એષા અને રોહિત અતિ વ્યસ્ત રહેતાં હતાં. ‘શ્રી જી હોસ્પિટલની શાખ બંધાઈ રહી હતી. જનરલ સર્જન તરીકે રોહિતની ખ્યાતિ વધી રહી હતી. આણંદ, વલ્લભ વિદ્યાનગર અને આણંદની આસપાસના નાના મોટા શહેરોમાંથી ‘ શ્રી જી હોસ્પિટલ’ સુધી દર્દીઓ આવતા.

કાકા-કાકીને આનંદ થયો પણ  જે બેચાર દિવસ બાબુકાકા અને સરોજકાકી આણંદ રહ્યાં ત્યારે એક વાત સમજાઈ કે આ એવો પણ સમય હતો જે ઋચા અને ધ્રુમિલના ઉછેર માટે પણ એટલો જ મહત્વનો હતો. સાતથી દસ વર્ષની ઉંમરે જે ઘાટ ઘડાય એ તો જીવનભરની મૂડી.  આણંદ કે વલ્લભ વિદ્યાનગરમાં સારી સ્કૂલો હતી જ પણ ઋચા કે ધ્રુમિલના ભવિષ્ય માટે  અમદાવાદ કે મુંબઈ જેવું વાતાવરણ મળે એ વધુ  જરૂરી હતું.

અને બસ, બાબુકાકા અને કાકી  લઈ આવ્યા ઋચા અને ધ્રુમિલને અમદાવાદ. મોટાઇ-મોટીબહેન, કાકા-કાકીની હાજરીમાં આ એમની ત્રીજી પેઢીનો ઉછેર શરૂ થયો.

વડીલોની વહાલભરી કાળજીમાં ધ્રુમિલ અને ઋચાનો વિકાસ વધતો જતો હતો,  એવી  રીતે એષા અને રોહિતના સંનિષ્ટ પ્રયાસોથી હોસ્પિટલનું પણ નામ થતું જતું હતું. એષાએ રોહિતને ખાલી સપ્તપદીના સાત ફેરામાં સાથ આપ્યો હતો એવું નહોતું પણ રોહિતની તમામ પ્રગતિમાં પણ પૂરો સાથ આપ્યો હતો. એષાએ તો સઘળી જવાબદારી સંભાળી લીધી હતી. પેથોલોજી લેવાનો એષાનો નિર્ણય આજે કેટલો સાર્થક થયો એષાથી વિશેષ રોહિતને સમજાતું હતું.

હોસ્પિટલમાં પેથોલોજી ડીપાર્ટમેન્ટ હોવાથી પેશન્ટોને પણ બહાર ક્યાંય જવાની જરુર રહેતી નહીં. દિવસોમાં એષા ભરપૂર જીવન જીવી હતી.  મનગમતી પ્રવૃતિ વચ્ચે દિવસો એના સાર્થક થતા જતા. સમયની પાંખે ઊડીને ધ્રુમિલ વધુ અભ્યાસાર્થે લંડન પહોંચી ગયો. ઋચા ગ્રેજયુએટ થઈને પાછી એષા પાસે આણંદ આવી ગઈ.

એષા જ્યારે પાછું વળીને ભૂતકાળ પર નજર કરતી ત્યારે સડસડાટ પસાર થઈ ગયેલા સમયનો સંતોષ, સાર્થકતા એના રાજીપામાં ડોકાતા. ધ્રુમિલ કે ઋચાનાં વર્તમાન કે ભાવિને લગતા  નિર્ણયોમાં ક્યારેય એણે પોતાના મંતવ્યનો ભાર ઠાલવ્યો નહોતો. ધ્રુમિલને ક્યારેય એણે મેડિકલ લાઇન લઈને પોતાની  ” શ્રી જી હોસ્પિટલ” નો ભાર ઉપાડી લેવા કહ્યુ સુધ્ધાં નહોતું. ધ્રુમિલને જે પસંદ આવ્યું તેમાં આગળ વધવાની અનુમતિ આપી હતી . તો ઋચાને એના મનપસંદ જીવનસાથી જોડે જીવન જોડવાની પણ સંમતિ પણ પ્રેમથી આપી. જે રીતે લગ્ન અંગે પોતાની ઉપર નિર્ણયો ઠલાવાયા હતા રીતે ફરી ક્યારેય છોકરાઓને એમાંથી પસાર થવું પડે નહીં એનો પૂરેપૂરો ખ્યાલ રાખ્યો હતો. અને આમ પણ ઋચાની પસંદગીમાં ક્યાં કંઈ વિચારવા જેવું હતુંજાણીતો સુખી, well educated,very well thought –પરિવાર. કાર્તિક પણ સૌમ્ય અને સમજુ હતો.

જીવન એક સામાન્યસરળ પ્રવાહમાં વહી રહ્યું હતું. રોજનું કામ personal commitments અને બાકીનો સમય મનગમતી પ્રવૃતિઓમાં, દિવસો મઝાથી પસાર થઈ રહ્યા હતા.

પણ જ્યારે એકધારા પ્રવાહમાં અચાનક વળાંક આવે ત્યારે ફંટાઈ તો જવાય પરંતુ તેના ફાંટા કેવા કારમા હોય તેનો એહસાસ થાય તે પહેલા પરિસ્થિતિ હાથ બહાર જતી રહે એવા કંઈક અનુભવમાંથી સૌને પસાર થવાના દિવસો શરૂ થયા..

દિવસે સાંજે અણધારી એષાને રોહિત સાથે આવેલી જોઈને રિવા કેટલી ખુશ થઈ હતી! પણ રોહિતને જોઈને એનાં પેટમાં ફાળ પડી.

એષા કરતાં ઘણો ઉધડતો વાન, સરસ મજાની હાઇટ અને સપ્રમાણ એકવડીયો ટટ્ટાર બાંધો, સદાયના શાંત સૌમ્ય ચહેરા પર જરાક અમસ્તુ નાનું અકળ સ્મિત. સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ સંત જેવી રોહિતની પર્સનાલિટી હતી.

પણ આજનો રોહિત! આજના રોહીતને જોઈને રિવા છળી ઊઠી. સહેજ નિસ્તેજ ચહેરો.માથા પરના પેલા આછા પણ કાળા વાળનું પણ નામનિશાન નહીં. અને સાવ નંખાઈ ગયેલા રોહિતનું આવું સ્વરુપ તદ્દન કલ્પનાની બહારનું હતું અને એની સાથે એષા પણ ચિંતાતુર લાગી. એની મૂળ નફિકરી પ્રકૃતિ તો ક્યાં ગુમ થઈ ગઈ હશે!  કયા આફતની છાયા આ બંનેને ઘેરી વળી હશે એની રિવાને સમજણ નહોતી પડતી. સાવ ડઘાઈને એ બંનેને જોઈ રહી.

લાંબા સમય પછી મળેલી એષાએ વચગાળાના એ દિવસોનો હિસાબ થોડી જ મિનિટોમાં એષાએ રિવા આગળ ધરી દીધો.   

પળવારમાં પરિસ્થિતિની ગંભીરતા સ્પષ્ટપણે સમજાઈ ગઈ. અને એ પછીના બાકીના અડધા કલાકમાં તો રિવા અને કરણ એષારોહિત સાથે હિમેટોલોજીસ્ટ ડૉકટર સંદિપ શાહની

ક્લિનિક પર હતા. સદ્દનસીબે ડૉ સંદિપ સાથે રિવાકરણને પારિવારિક સંબંધો હતા તેથી રોહિત માટે અપૉઇન્ટમેન્ટ તરત મળી ગઈ.

રોહિતથી વધુ લાંબો સમય બેસાય તેવી તેની ફીઝિકલ કંડીશન નહોતી એટલે ચેમ્બરમાં હાજર પેશન્ટની મુલાકાત પતાવવા સુધી ડૉ સંદિપે ખાલી રુમમાં રોહિતને સુવડાવવાની વ્યવસ્થા ગોઠવી આપી. કરણે રોહીત પાસે રહેવાનું મુનાસિબ માન્યું. બહાર વેઇટિંગ રુમમાં હવે રિવા અને એષા એકલા પડયા. કદાચ  જરુરી પણ હતુંકેટલીક કહેવાયેલી વાતો રોહિતની હાજરીમાં કહી શકાય તેવી પણ નહોતી.

એક હાથે રિવાનો હાથ સજ્જડ રીતે પકડીને એષા થોડીક વાર તો એમ બેસી રહી. રિવાએ પણ કશુંક પુછયા વગર એને એમજ બેસી રહેવા દીધી.. જાણતી હતી રિવા એષાને,ઓળખતી હતી એના સ્વભાવને,ખબર હતી રિવાને કે લાંબો સમય એષા બોલ્યા વગર ચૂપચાપ રહી શકે તેમ નહોતી . અને એની ધારણાં સાચી હતી. અંદરથી એક ધક્કાની એષા રાહ જોતી હતી. હ્રદયમાં બાઝેલો ડૂમો ઓગળે તેટલી ક્ષણો પસાર કરવાની હતી. મોટાભાગે સ્વસ્થ રહેતી એષાને ભાગ્યેજ કોઈએ રડતા કે ઢીલી પડતા જોઇ હશે.

મોટાઇની અંતિમ ક્ષણો અને અંતિમ સંસ્કાર સુધી મક્ક્મ રહેલી એષા જરા મોકળાશ મળતા રિવા પાસે રડી પડી હતી. આજે પણ સહેજ મોકળાશ મળવાની રાહ જોવાની હતી. ના! માણસો વચ્ચેની મોકળાશ નહીં પણ આટલા સમય સુધી સતત અટવાયેલા રહેલા મનની મોકળશ.

સાથે લાવેલી પાણીની બોટલમાંથી પાણીના બે ઘૂંટડા ગળાની નીચે ઉતાર્યા એષાએ ..જાણે હ્રદયની વેદનાના ડૂમાને હોઠે ઉતાર્યો. ભારઝલ્લી ક્ષણો પણ હવે તો રિવાને લાંબી લાગતી હતી. અંદરની અધિરાઈને દીવાની વાટ સંકોરે તેમ સંકોરીને બેઠી હતી. હળવેકથી એષાનો હાથ પસવાર્યો ,પંપાળ્યો જાણે હિંમત બંધાવતી હોય તેમ,અને એષાએ પણ મૂક સધિયારાની ભાષા સમજી લીધી. મન મક્કમ કર્યુ અને જાણે મન સાથે વાત કરતી હોય તેમ રિવા પાસે મન ઠાલવી રહી.

આલેખનઃ રાજુલ કૌશિક

May 8, 2022 at 4:12 pm


Blog Stats

  • 144,632 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 128 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

May 2022
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

Aksharnaad.com

અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

મારી બારી

દીપક ધોળકિયા

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!