એષા-ખુલ્લી કિતાબ (૬)- વિજયશાહ
એષા રહેલી મુંબઈ અને અમદાવાદમાં. અંગ્રેજી માધ્યમમાં ભણેલી એષાએ લેબોરેટરીનું કામ સરસ રીતે સંભાળી લીધું હતું. રોહિતે પણ જનરલ સર્જન તરીકે પોતાની ઓળખ ઊભી કરવા માંડી હતી.
ઘરની બહાર અને કાર્યક્ષેત્રે સૌને રોહિત અને એષાનું જીવન દેખીતી રીતે સરળ વહેણની જેમ વહેતું લાગતું તેથી અંદરનાં વમળની ભાગ્યેજ કોઈને જાણ થતી.
એષાને ખુલ્લા આસમાનની ઝંખના હતી જ્યારે વિરસદ જેવા નાનાં ગામમાં ઉછરેલા રોહિતનું વિચારવિશ્વની એક નિશ્ચિત સીમા વચ્ચે બંધાયેલું રહેતું. રોહિતે બાળપણથી જોયેલું કે બા, દાદી, બહેન કે ઘરનાં સ્ત્રી વર્ગનો કોઈ અલગ અભિપ્રાય હોય જ નહીં. બધાં બાપુજીને જ પૂછતા તેથી જ ઘરનાં નિર્ણયો લેવાનો અધિકાર માત્ર પુરુષનો જ એવો જડબેસલાક વિચાર મનમાં સ્થાયી થઈ ગયો હતો. પરિણામે એષા અને એની વચ્ચે ક્યારેક કોઈ વાતે ચણભણ થાય ત્યારે અંતિમ શબ્દ તો હંમેશા રોહિતનો જ રહેતો.
એષા સાથે લગ્ન પછી એષા દ્વારા ઘરમાં વધેલી આવક તો તેને ગમતી હતી પણ નાણાંકીય બાબતોમાં એષાનાં સૂચનો જરા ઓછા ગમતાં. ઘરની વર્ષો જૂની પ્રથાને જ અનુસરતા રોહિતના કુટુંબથી એષા સાવ જુદી પડતી. એષા ખુલ્લા મનની હતી. આટલાં વર્ષોમાં એ એ જે રીતે જીવી હતી એ રીતે સાચી વાત કહેવાનું એને સાવ સ્વાભાવિક લાગતું. એષાની વાતો રોહિતના પરિવાર માટે અકલ્પનીય તો ખરી જ સાથે અસ્વીકાર્ય પણ હતી. પરિણામે કુટુંબમાં એષા તરફ છાના રોષની આછી ધુમ્રસેર રોહિત જોઈ શકતો. કૌટુંબિક વિખવાદોથી રોહિતને પરેશાની થતી.
ઘરની ઘરેડ પ્રમાણે ઘડાયેલી માનસિકતાના લીધે એને મોટે ભાગે દરેક નિર્ણયો એષાને પૂછ્યા વિના લેવાની આદત હતી. ઘરની પરંપરા પ્રમાણે એ પણ એવું જ માનતો કે એષા ભલે કામ કરે પણ ઘર સંભાળવાની અને છોકરાઓને ઉછેરવાની જ એની મુખ્ય જવાબદારી હોવી જોઈએ.
એષા બંને ત્રાજવાનું સમતોલન રાખવા સક્ષમ હતી. ઘરની જવાબદારી સાથે હોસ્પિટલની લેબોરેટરીનું કામ પણ એ સંપૂર્ણ કાર્યદક્ષતાથી સંભાળી લેતી. જીવનમાં વિધાતાએ જે આપ્યુ તેનો સ્વીકાર કરીને જ એ વહેતી રહી હતી.
ઘર, પરિવાર અને મિત્રમંડળમાં પ્રસંગોપાત હાજરી આપવાનો વ્યહવાર પણ એ સાચવી લેતી. ક્યારેક મિત્રો ટીખળ કરી લેતા, રોહિત ભારે નસીબદાર કે એને, કાર્યેષુ દાસી, કર્મેષુ મંત્રી, ભોજ્યેષુ માતા, શયનેષુ રંભા,ઋપેષુ લક્ષ્મી, કર્મેષુ ધારિત્રી, શત ધર્મ યુક્તા, કુલ ધર્મ પત્ની. જેવી એષા મળી.
એષા અને રોહિતના પરિવારમાં ધ્રુમિલ અને ઋચાનો ઉમેરો થયો હતો. સમયની પાંખે ઊડીને દિવસો પસાર થતા હતા. હોસ્પિટલની નોકરી છોડીને રોહિતે પોતાની પ્રેક્ટિસ શરૂ કરી.
ઋચા અને ધ્રુમિલની સાથે એષાએ રોહિતની હોસ્પિટલની લેબોરેટરીની જવાબદારી પણ સંભાળી લીધી. એના લીધે રોહિતને કેટલી રાહત હતી એ તો એ પણ સમજતો હતો, માત્ર સ્વીકારવામાં પુરુષસહજ સ્વભાવ આડે આવતો.
*****
દિવસો, મહિનાઓ અને વર્ષો પસાર થતાં રહ્યાં. રોહિતની હોસ્પિટલ અને જનરલ સર્જન તરીકે રોહિતની ખ્યાતિ વધતી ચાલી.
બે વર્ષનાં અંતરે ધ્રુમિલ અને પછી ઋચાએ પણ કૉલેજ પાસ કરીને જીવનના અગામી પડાવ તરફ પગરણ માંડ્યા.
જીવવના એકધારા પ્રવાહમાં પ્રમાણમાં ઠીક ઠીક કહી શકાય એવાં એ ચારેય ખુશ હતાં. અને એમની ખુશીમાં ઉમેરો કરતી એક ઘટના બની. ઋચા માટે ડૉ.કાર્તિક પટેલના પરિવારમાંથી માંગુ આવ્યું.
“આને સોનામાં સુગંધ ભળી એમ જ કહેવાય ને?” રોહિત એષાને પૂછતો.
એષાએ આછા સ્મિત સાથે આ પ્રભુકૃપા માટે એનાં ઘરમંદિર તરફ ભાવથી નજર કરતી. બંને કુટુંબોના વડીલોની હાજરીમાં વિવાહ સંપન્ન થયા.
રોહિત અને એષા આ પરિવારને જાણતાં હતાં. ઋચા અને કાર્તિક બંને એકબીજાને પસંદ કરતાં હતાં એ તો પછી જાણ થઈ. એષાને એક વાતનો આનંદ થયો કે લગ્ન જેવા જીવનભરના સંબંધના નિર્ણય માટે પોતાને જે સ્વતંત્રતા નહોતી મળી, એ ઋચાને આપી શકી હતી.
જો કે રોહિતની પ્રકૃતિ પહેલાં કરતાં ઘણી બદલાઈ હતી. વિરસદના વાતાવરણથી દૂર થયા પછી, ડૉક્ટર્સ ગ્રુપ સાથે ભળીને એની વિચારધારા પણ બદલાઈ હતી. મનની મોકળાશ વધી હતી.
એષાનો ઋચા અને ધ્રુમિલ સાથે મૈત્રીભર્યો વ્યહવાર હતો એવી મૈત્રી કેળવતા રોહિતને થોડો સમય લાગ્યો હતો પણ ધીમે ધીમે ઋચા અને ધ્રુમિલની સાથેના એના વ્યહવારમાંય મિત્રતાનો અંશ ભળ્યો હતો ખરો.
હા, ક્યારેક આ બદલાયેલા સ્વરૂપ પર મૂળ પ્રકૃતિ હાવી થઈ જતી. ઘર પૂરતી એષાની મરજી કે નિર્ણયો સ્વીકારતો થયો હતો પણ હોસ્પિટલના નિર્ણયોમાં તો એ પોતાની સર્વોપરીતા એષાએ સ્વીકારી લેવી એવો આગ્રહ રાખતો. મહદ અંશે એષાને એમાં કોઈ વાંધો નહોતો પણ ક્યારેક લેબોરેટરીને લઈને જરૂરી વાતમાં એ પોતાનું મંતવ્ય આપતી, ત્યારે પણ રોહિતનો અહં એની સાચી વાત સમજવા આડે આવતો.
રોહિતનું માનવું હતું કે એ જેવો છે એવો એષાએ સ્વીકારતા શીખવું જ રહ્યું. અને એષાને લાગતું કે રોહિતે અભણ ગામડાની છોકરી અને ભણેલી શહેરની છોકરી વચ્ચેનો તફાવત તો સમજવો જોઈએ.
ધીરે ધીરે એષા પણ સમજી ગઈ હતી કે પાકા ઘડે કાંઠા નહીં ચઢે.
આલેખનઃ વિજય શાહ
Entry filed under: એષા ખુલ્લી કિતાબ-, Rajul.
Recent Comments