‘અય મુહબ્બત તેરે અંજામ પે રોના આયા’…….
April 27, 2022 at 2:09 pm 1 comment
दो दीवाने शहर में, रात में या दोपहर में
आबदाना ढूंढते है, आशियाना, ढूंढते है….
‘ઘરોંદા’ ફિલ્મ આવી ત્યારે સુપર હિટ થયેલું આ ગીત આજ સુધીમાં કેટલીય વાર સાંભળ્યું હતું, પણ આમ આજે આટલા વર્ષે એ જીવવાનું આવશે એવી તો કલ્પના પણ ક્યાં કરી હોય? એ ગીતમાં તો બે જણ- એક દિવાના અને બીજી દિવાની હતી. આજે એવા બંને દિવાના-દિવાની સાથે મારેય જોડાવું પડ્યું છે. નથી એમને કશું કહી શકતો, નથી એમને સહી શકતો અને છતાં નથી એમને છોડી શકતો.
વાત છે સથ્યા શેટ્ટી, નૈકજ નારાયણ અને મારી.
હવે એક તો આ સાઉથ ઈન્ડિયન લોકો સીધું સાદું સત્યા બોલવા કે લખવાના બદલે સથ્યા કેમ લખતા હશે એ મારા માટે મોટો કોયડો છે. એવી રીતે આ સથ્યા અને નૈકજનું મારે શું કરવું એ પણ મારા માટે મોટો કોયડો તો છે જ. પણ હશે, સથ્યાને તો હું સત્યા જ કહીશ અને નૈકજને નિકુ.
જો કે, હું એ બંનેને કોઈ પણ નામે બોલાવું એ બંને તો એક બીજાને સ્ટ્યૂપિડ અને ઇડિયટ કહીને જ બોલાવે છે.
બંને એકમેકના ગળાડૂબ પ્રેમમાં છે. એક ક્ષણ એકબીજા વગર રહી નથી શકતાં, છતાં એક ક્ષણ ઝગડ્યા વગર નથી રહેતાં. સત્યા સોફ્ટવેર એન્જિનિઅર અને નિકુ ગ્રાફિક ડિઝાઈનર. સત્યા ખૂબ મહત્વકાંક્ષી અને નિકુ એકદમ શેખચલ્લી. સત્યાનાં પગ હંમેશાં જમીન સાથે જોડાયેલા અને નિકુ હવાઈમહેલ ચણવામાંથી નવરો નથી પડતો. સત્યા સતત સપના સાકાર કરવા સતર્ક અને નિકુ સપના ભરેલી આંખે અને સપનાની પાંખે સમય પસાર કરાવાવાળો.
નિકુ ઉર્ફે નૈકજને સ્ટેજ પર નામ બનવાના ભારે ધખારા. કોઈ શિખાઉ, નવા નિશાળીયા જેવી નાટક મંડળીમાં એ જોડાઈ ગયો હતો. એને તો એક્ટર, રાઇટર અને ડિરેક્ટર- એમ થ્રી ઇન વન પાસા સંભાળવા હતા. પછી અનુભવે એટલું તો સમજાયું કે ત્રણ ઘોડા પર સવારી કરવી એટલી સહેલી નથી. એટલે હાલ પૂરતા તો ‘’વો મુરારી ચલા સિર્ફ હીરો બનને’’ની જેમ એણે એક્ટર બનવા પર બધું ધ્યાન ફોકસ કર્યું.
હવે આ બંનેની વચ્ચે હું ક્યાં ભરાયો એની વાત કરું.
હું અને નિકુ લિવરપૂલમાં માસ્ટર્સ કરીને લંડન મૂવ થયા. સ્ટેટફર્ડ એરિઆમાં એક ફ્લોર પરના બે બેડ, બે ક્લૉઝેટવાળા એક મોટા રૂમમાં મારો અને નિકુનો સમાવેશ કરવો પડ્યો. એ જ અરસામાં વર્ક પરમિટ પર મુંબઈથી લંડન આવેલી સત્યાની ગોઠવણ બીજા એક બેડવાળા નાના રૂમમાં થઈ ચૂકેલી હતી. રૂમ જુદા પણ બાથરૂમ, કિચન, ડાયનિંગ ટેબલ અને ફ્રીજ અમારે સત્યા સાથે શેર કરવાનાં હતાં. ફ્રીજનાં બે ખાના પર સત્યાનાં નામનું લેબલ એણે મારેલું હતું. બીજા બે ખાના અમારા હતા. કંઈ વાંધો નહીં, ચાલો કામચલાઉ કામ ચાલુ થઈ ગયું.
પણ ના, અહીંથી જ કામ વગરની બબાલ શરૂ થઈ. બબાલ એટલે કહું છું કે જે થયું એના લીધે અત્યારે અમે ત્રણે જણ ઘરની બહાર અને અમારા ત્રણે જણનો સામાન રસ્તા પર છે.
હવે જે થયું એની વાત.
સવારે બાથરૂમ વાપરવાથી માંડીને રસોઈ કરવા સુધી અમારે જ એડજેસ્ટ કરવું પડતું. લેડિઝ ફર્સ્ટના નિયમે સત્યા દરેક વાતે આગળ રહેતી. શરૂઆતમાં ઑફિસે જતા માત્ર સ્મિત આપનારી સત્યા સમય જતાં સ્ત્રી દાક્ષિણ્યની અમારી ભાવના પર વારી ગઈ હતી એટલે ક્યારેક એની સાથે અમારા માટે પણ ઈડલી-સાંભાર બનાવતી.
ક્યારેક વીકએન્ડમાં હું અને નિકુ ગ્રોસરી કરવા જતા ત્યારે સત્યા માટે પણ ગ્રોસરી લાવતા. હા, એની સામે એ દિવસ પૂરતી અમારા માટે પૂરી રસોઈ એ બનાવી રાખતી. બંને પક્ષે આ ગોઠવણ અને વાત કરવા માટે ભાષા તરીકે હિંદી ગોઠી ગઈ. કારણ સથ્યા સાઉથની, નૈકજ નાગપુરનો પણ ઉછરેલો લખનૌમાં અને હું રહ્યો ગુજરાતી. ભાષાના આ ત્રિવેણી સંગમનો મેળ તો હિંદી તટે જ થાય એમ હતો.
નૈકજ મારા કરતાં બે વર્ષ નાનો એટલે એ મને બડે ભૈયા કહેતો. એનું જોઈને સત્યા પણ બડે ભૈયા કહેતી થઈ ગઈ.
ધીમે…ધીમે, હોલે…હોલે પણ, મને ખબર પડે એમ સત્યા અને નિકુની પહેલાં આંખો મળી અને પછી તો દિલ પણ મળી ગયા.
ચાલો, એક નવી કથા શરૂ થઈ.
નવીસવી પ્રેમિકાને ઇમ્પ્રેસ કરવાની હોડમાં ઉતર્યો હોય એમ અમારો નિકુ પોતાના વિશે અતિ સોજ્જી સોજ્જી વાતો સત્યાને કરતો. સત્યા શાંતિથી એને સાંભળતી. થોડું ધીમું ધીમું મલકતી અને હું દંગ રહી જતો. મને થતું કે અરે, નિકુની સાથે આટલું રહ્યાં પછી પણ હું એનું કૌશલ્ય, એનું હીર પારખી ના શક્યો?
સમય જતાં ક્યારેક અમે વીકએન્ડમાં સાથે બહાર જવા માંડ્યાં. ક્યારેક પિક્ચર, ક્યારેક કોઈ મ્યૂઝિયમ, તો ક્યારેક લંડનના જાણીતા ટ્રફાલગર સ્ક્વેર પર જઈને બેસતાં. ક્યારેક થેમ્સ નદીના તટે તટે લંડન બ્રીજથી ટાવર બ્રીજ સુધી લાંબો વૉક લેતાં.
શરૂઆતમાં તો અમે ત્રણે સાથે ચાલતાં. પછી હળવેથી એ બંને જણ હાથમાં હાથ પકડીને મૌન સંવાદ સાધતા હોય એમ ચાલતાં અને હું એમનાથી થોડું અંતર રાખીને એમની રખેવાળી કરતો હોય એમ ચાલતો.
હવે તમને એમ થશે કે આ બંને પ્રેમી પંખીડાની વચ્ચે મારી શી જરૂર? જરૂરનું કારણ પણ કહું તમને..આગળ કહ્યું એમ બંને મને બડે ભૈયા કહેતા. હવે બડે ભૈયા તરીકે મારી પણ કોઈ ફરજ તો ખરી ને?
ક્યારેક એવું બનતું કે અમારા નિકુભાઈની નાટ્ય મંડળીના કોઈ મિત્રનો ફોન આવે ત્યારે અચાનક એનામાં ઉચ્ચકોટિના અદાકારનો આત્મા આળસ મરડીને બેઠો થઈ જતો. ન કરે નારાયણ અને એવું બને ત્યારે સત્યાને ઇમ્પ્રેસ કરતી અમારા નૈકજ નારાયણની સોજ્જી, ઓપ ચઢાવેલી પ્રકૃતિ પરનો ઓપ ઉતરી જતો. થિયેટરની યાદ આવતાં એણે સત્યા સાથે લીધેલી સાથ જીને કી કસમે, સાથ મરને કે વાદેની ઐસી કી તૈસી થઈ જતી. સત્યાને જીવનભર જ નહીં ક્ષણે ક્ષણે સાચવનાં, સઘળાં વચનો વિસારે પાડીને તાત્કાલિક થિયેટર ભણી દોટ મૂકતો. આવા સમયે રખેને નારાજ થઈને થેમ્સમાં પડતું ન મૂકે એ વિચારે સત્યાનો મૂડ અને મિજાજ સાચવીને મારે એને ઘેર લઈ આવવી પડતી.
અને પછી જો મઝા. જ્યારે નિકુ ઘેર પાછો આવે ત્યારે જે સંવાદો સર્જાતા એનાં મૂક સાક્ષી બનીને મારે અડધી રાત સુધીની ઊંઘ એમની પાછળ કુરબાન કરવી પડતી.
એ સમયે જે વાક્ યુદ્ધ છેડાતું ત્યારે સત્યા નિકુના કોઈ પણ નાટકની હીરોઈન કરતાં વધુ પાવરપેક્ડ પરફોર્મન્સ આપતી. એ જ્યારે ગુસ્સે થતી ત્યારે તાર સપ્તમમાં એનો અવાજ નીકળતો. ગુસ્સામાં હોય ત્યારે સત્યાની જીભે સરસ્વતીની જેમ સાઉથની ભાષા ઉતરી આવતી. તુંબડીમાં કાંકરાં ખખડે એવી એની વાણી ન તો મને સમજ પડતી કે ન તો નિકુની.
એની સામે સત્યાને મનાવવાના પ્રયાસોમાં નૈકજ નારાયણ વધુ સોબર બની જતા. લખનૌમાં ઉછરેલા નિકુભાઈની ભાષામાં વધુ વિનય ભળતો. એમની હિંદીમાં લખનવી તહેજીબ ભળતી. ઉર્દુ મિશ્રિત હિંદી સત્યાને સમજવું અઘરું પડતું. વિનમ્ર બનેલા નિકુની ઉચ્ચ સાહિત્યિક ભાષા સાંભળીને સત્યા વધુ ભડકતી. એને લાગતું કે એનો મુરારી હજુ હીરોના પાત્રમાં જ જીવે છે અને એને ઇમ્પ્રેસ કરવા નાટક માટે ગોખેલા ડાયલોગ્સની પ્રેક્ટિસ કરે છે.
નિકુ જેમ જેમ એને સમજાવવા પ્રયત્ન કરતો એમ એમ એ વધુ વિફરતી. જેમ જેમ નિકુનો અવાજ ધીમો પડતો એમ એમ સત્યાનો વાજ વધુ તીણો અને ઊંચો જતો.
થોડી વાર તો શ્રોતા અને પ્રેક્ષક બનીને હું આ શો જોયા કરતો. પણ લાકડાંના ફ્લોર પર નીચેથી કોઈ લાકડી થપકારીને આ શો બંધ કરવાની ફરજ પાડતું.
પંચોતેર વર્ષની ઉંમરે પહોંચેલી અમારાં લેન્ડ લેડી રાતના નવ પછી એમની શાંતિનો ભંગ થાય એ સહી લે એમ નહોતાં. નીચેથી ઠોકાતી લાકડીનાં પ્રહારથી પીક પર પહોંચેલા આ શો પર એકદમ પડદો પાડી દેવો પડતો. કરફ્યૂ લાગ્યો હોય એમ અમારા ફ્લોર પર સંચારબંધી છવાઈ જતી.
વળી થોડા દિવસ બધું સરખું ચાલતું. નિકુ સત્યાને મનાવી લેતો. સત્યા માની જતી. વળી હાથમાં હાથની ઉષ્મા અનુભવતાં બંને જણ લટાર મારવા નીકળી પડતાં. જો કે હવે એ બંને જણ જોડે જવાનું મેં માંડી વાળ્યું હતું. શું છે કે, કબાબમાં ક્યાં સુધી હડ્ડી બનવું?
અને એક દિવસ ફરી એવું જ કશું બન્યું. રવિવારની સવારે કોઈ ફિલ્મનો શો જોવા નીકળેલાં નિકુ અને સત્યામાંથી માત્ર સત્યા જ પાછી આવી. શું બન્યું છે એ પૂછવું એટલે સત્યાના સાતમા આસમાને પહોંચેલા રોષને વધુ હવા આપવા જેવો ઘાટ બને. ક્રોધથી ધૂંઆપૂંઆ સત્યા નિકુ પાછો આવે ત્યાં સુધી એની રૂમમાં આંટા મારતી રહી.
અને પછી જે બન્યું એ પહેલાંની જેમ જ રિપીટ શો જેવું હતું. સત્યાની તુંબડીમાં કાંકરા જરા જોરથી ખખડ્યા. આ વખતે તો નિકુભાઈ પણ એવા ખખડ્યા કે લખનવી તહેજીબથી માંડીને બધી તહેજીબ ભૂલી ગયા. દર વખતની જેમ નમ્ર બનવાના બદલે થોડા અક્કડ બની ગયા. પોતાની ભૂલ ભૂલીને સત્યાની જેમ તાર સપ્તમમાં પહોંચી ગયા. અમારાં વયસ્ક લેન્ડ લેડી એમની શાંતિમાં ભંગ પડે એ તો સહી શકે એમ નહોતા. વળી આજે તો એમની જેમ જ એમના ઘેર લંચ આમંત્રિત મહેમાનની શાંતિનો પણ સવાલ હતો.
અને પરિણામે અત્યારે કોઈ નોટિસ વગર અમને અમારા સામાન સાથે રસ્તા પર મૂકી દેવામાં આવ્યાં છે.
બાજુનાં ઘરમાંથી રેલાતા બેગમ અખ્તરના સૂર સંભળાઈ રહ્યા છે….
“અય મુહબ્બત તેરે અંજામ પે રોના આયા.
જાને ક્યૂં આજ તેરે નામ પે રોના આયા….”
1.
Vimala Gohil | April 29, 2022 at 1:58 pm
ભાષાના ત્રિવેણી સંગમનો મેળ તો હિંદી તટે જ થાય .✔👍
LikeLike