‘નિર્લજ્જ’ -મમતા મેગેઝિનમાં પ્રસિદ્ધ વાર્તા-
‘મમતા’ મૅગેઝિન માટે ટીન એજરની વાણી, વર્તન,સમસ્યાઓ,ભાવનાઓ, ગમા.. અણગમા, તેમની મૂંઝવણો,સમજ.. ગેરસમજ.. વગેરે વગેરે વિશે વાર્તા
આ વાર્તા વિશે જ્યારે સંપાદક મંડળી વાર્તા માટે એમ કહે કે ,
“વહાલા વાચકો શીર્ષકથી ઉત્સુકતા જાગી કે જાણવાની કે કોણ છે નિર્લજ્જ? લેખિકાની રસાળ કલમે જકડી રાખે એવા વિષયે નિર્લજ્જની મનોદશા બખૂબી રજૂ કરી છે. ના વાંચો તો વાર્તાના સમ તમને.
ત્યારે સાચે જ આનંદ થાય.
*********
“Get out, Get lost, Don’t show me your face again.”
પપ્પાની ત્રાડ સાંભળીને મમ્મા કિચનમાંથી રસોઈ પડતી મૂકીને અને દીદી એના રૂમમાંથી કાનમાં ભરાવેલા હેડફોન સાથે બહાર ધસી આવી. એનો અર્થ કે પપ્પાની એ બૂમ કેવા સપ્તમ સૂરે નીકળી હશે કે દીદીનાં હેડફોનને વીંધીને એના કાન સુધી પહોંચી હશે?
મમ્મી એને કાને પહેરેલું ભૂંગળું કહેતી. એ કહેતી, “ એક વાર આ ભૂંગળાંમાં તમે પેસો છો ને એટલે તમને બહારની દુનિયામાં શું ચાલે છે, એનું સાનભાન નથી રહેતું. પણ આજે તો આ ભૂંગળાને ભેદીને પહોંચેલો પપ્પાનો રોષ તત્ક્ષણ દીદીનેય બહાર ખેંચી લાવ્યો.
પપ્પાની સામે જરા નત મસ્તકે મને ઊભેલો જોઈને મમ્મી અને દીદીને આરોપી કોણ છે , એ કહેવાની જરૂર ના રહી. હા! આરોપ શેનો છે એ જાણવા બંને મ્હોં વકાસીને ઊભા રહ્યાં. દુર્વાસાની જેમ કોપેલા પપ્પાને કશું પૂછવાની કોઈની હિંમત નહોતી.
“આ નિર્લજ્જને ને કહી દો મારા ઘરમાંથી અબઘડી ચાલ્યો જાય.” ક્રોધથી કાંપતા પપ્પા મારી તરફ આંગળી ચીંધીને બોલ્યા.
મમ્મી હજુ હેબતાયેલી હાલતમાં બુતની જેમ ઊભી હતી. એને લાગ્યું કે ગુસ્સામાં પપ્પા નીરજના બદલે નિર્લજ્જ બોલ્યા હશે, પણ દીદીને કદાચ આ પુણ્યપ્રકોપનું કારણ સમજાઈ ગયું.
એક દીદી જ તો હતી જે હું નાનો હતો ત્યારથી હંમેશા મારી તરફેણમાં વકીલાત કરતી આવી હતી. મારા તોફાનોને લઈને મમ્મી કે પપ્પા ગુસ્સે થતાં ત્યારે એ ઢાલ બનીને ઊભી રહેતી. પણ આજે? એના માથેથી હેડફોન કાઢીને કંઈક બોલવા જાય તે પહેલાં પપ્પાએ એને હાથના ઈશારે જ રોકી લીધી.
“આજે તો તારો એક શબ્દ પણ સાંભળવા માંગતો નથી. દરેક વખતે ઉપરાણાં લઈને તેં આ વાંદરાને સીડી આપી છે અને એ મઝાથી ચઢતો રહ્યો છે. આજે તો બસ…..”કહીને પપ્પા અટક્યા.
એ જ્યારે બસ કહીને અટકી જતા તે પછી આ ઘરમાં કોઈની મજાલ નહોતી કે એમની સાથે વાત કરી શકે.
*****
સોળે સાન અને વીસે વાન, એવું મમ્મી જ્યારે દીદીને કહેતી ત્યારે દીદી વીસની થવા આવી હતી. સાન એનામાં પહેલેથી હતી જ. વાન પણ હવે ઊઘડ્યો હતો. સાચે જ મારી દીદી ખૂબ સરસ લાગતી હતી.
અને હું? હું સોળે પહોંચ્યો ત્યારે મારામાં સાન આવી…પણ જરા જુદી રીતે.
મને મારો એ સોળમો જન્મદિન હજી યાદ છે.
સોળ વર્ષ એટલે સપના આંજેલી આંખે વિશ્વ જોવાની ઉંમર.
“પાપા કહેતે હૈ બડા નામ કરેગા…બેટા હમારા ઐસા કામ કરેગા….” એ ગીતને સાકાર કરતી કેડી કંડારવાની ઉંમર.
એ સાંજે ફેરવેલ પાર્ટીમાં એકઠા થયેલા સ્કૂલના ત્રીસ-પાંત્રીસ જેટલા સ્ટુડન્ટ્સની વચ્ચે એક ચહેરો મને આકર્ષી ગયો.
ના, એ કોઈ છોકરીનો નહોતો. એ હતો ટ્વેલ્થના બી ક્લાસના સૌરભનો.
છેલ્લા કેટલાક સમયથી હું કોઈ જુદા અનુભવોમાંથી પસાર થતો હોય એવું મને લાગતું હતું. કિંગ ફિશરની મૉડલો જેવી છોકરીઓના બદલે સ્માર્ટ, પૌરુષીય બદન, સિક્સ ઍપ્સવાળા મૉડલો મને ગમવા માંડ્યા હતા. મેગેઝીનમાં આર્ય ભટ્ટ કે કરણ ઑબેરૉયના ફોટા જોતો અને મારા શરીરમાં કંપન અનુભવતો. એમના કસાયેલા બાવડાને સ્પર્શી લેવાનું મન થઈ જતું. રાત્રે ઊંઘમાં હું મારી જાતને એમની એ કસાયેલી બાહોમાં લપેટાયેલો જોતો. કોઈ સ્ત્રી મૉડલની સાથે એમના ફોટા જોઈને હું અકળાઈ જતો.
કોને કહું?
એક દિવસ મારા રૂમમાં અચાનક આવી ચઢેલી દીદીએ પથારી પર ખુલ્લું રહે ગયેલું મેગેઝીન જોયું. એમાં કરણ ઑબેરૉયના ફોટા પર મેં લખેલી કવિતા વાંચી.
દીદી થોડુંક સમજી, પણ સમજીને ચૂપ રહી. એક સવાલ કર્યા વગર રૂમની બહાર નીકળી ગઈ.
ન સમજાય એવી અજાણી લાગણીઓના ધુમ્મસમાં કશું સ્પષ્ટ કળાતું નહોતું. શા માટે એવું થતું એ સમજાતું નહોતું. મારી અંદરની કોઈ અજાણી સુસુપ્ત લાગણીઓ મને સૂવા નહોતી દેતી. અંદરથી કશું તોડીને બહાર આવવા ઝાંવા મારતું. એ શું હતું એ પણ સમજાતું નહોતું.
સ્કૂલના છેલ્લા દિવસે સૌરભને જોઈને એક ધસમસતાં પૂરની જેમ મારી અંદર ધરબાયેલી એ સુસુપ્ત લાગણીઓ વહી આવી હતી. મને એવું લાગતું હતું કે સૌરભની દૃષ્ટિમાં કોઈ ખેંચાણ છે, જે મને એની નજીક ખેંચી રહ્યું છે અને અવશપણે મને ખેંચાવું ગમ્યુંય ખરું.
સ્કૂલના છેલ્લા દિવસની એ પાર્ટી પછી એક્ઝામની તૈયારી, એક્ઝામ પછી લાંબુ વેકેશન. ક્યાં કોઈને મળવાની શક્યતા હતી? પણ સૌરભની આંખોના સંમોહનપાશમાંથી હું મારી જાતને છૂટો પાડી શકતો નહોતો.
હવે મેગેઝીનમાં કોઈ સ્માર્ટ, રફ એન્ડ ટફ મૉડલોના ફોટા જોતો ત્યારે એમના ચહેરામાં સૌરભનો ચહેરો આવીને ગોઠવાઈ જતો. સ્ત્રી મૉડલો સાથે આર્ય ભટ્ટ કે કરણ ઑબેરૉયના ફોટામાં હું સતત મને અને સૌરભને ગોઠવવાનો પ્રયાસ કરતો.
મનની કલ્પનાઓથી ક્યારેક અંદરનો ઉન્માદ સાગરના તોફાની મોજાંઓની જેમ બમણા વેગે ઉછાળા મારતો. ન પરખાય, ન કહેવાય, ન સહેવાય એવી અજાયબ સૃષ્ટિના સાગરમાં હું લહેરાયા કરતો. તો ક્યારેક આ મુગ્ધ ભાવની મખમલી સપાટી પર લસરવાની લહેજત માણતો.
અવ્યક્ત લાગણીઓ ચોસલાં બનીને મન પર એક અભેદ કિલ્લો રચતી. ક્યારેક એવું લાગતું કે એ લાગણીઓ ઘગધગતો લાવા બનીને ગમે ત્યારે મારા મનનું તળ ફાડીને બહાર ધસી આવશે. જો એમ થશે તો એ ધસમસતી લાગણીઓનો લાવા ક્યાં જઈને રેલાશે એની મૂંઝવણમાં મન ભીંસાતું.
ક્યારેક એમ લાગતું કે પેલા બજાણીયાની જેમ હું મારા આવેગોનાં દોરડાં પર સમતોલન જાળવવા મથતો નટ છું.
આ બધું કોને કહું, દીદીને? દીદી મારી દોસ્ત હતી. આજ સુધી દીદી જ હતી જેની સાથે હું સ્કૂલની, મારા મિત્રોની ખૂબ વાતો કરતો.. એ મારી બધી વાત સાંભળતી, સમજતી, પણ સૌરભ? એના વિશે હું દીદીને શું કહું, કેવી રીતે કહું?
રાતની ઊંઘ તો ક્યારની દુશ્મન બનીને બેઠી હતી. ખુલ્લી આંખે સપનાં જોવાની ટેવ પડવાં માંડી હતી. પળવારમાં શરીર જાણે ધખી જતું તો ઘડીભરમાં ઠરી પડતું. માંડ આંખ મીંચાય અને સૌરભ મારી બાજુમાં આવીને બેસી જાય. અને જાણે મને ઢંઢોળી નાખે, “કેમ મારી રાહ જોયા વગર જ ઊંઘવા માંડ્યું?” અને મારી આંખ સાથે માંડ દોસ્તી કરવા મથતી નિંદ્રારાણી રિસાઈ જતી.
જાગતો હોઉં ત્યારે ઘણી વાર સૌરભને મળવાની અદમ્ય ઇચ્છા થઈ આવતી. પણ એને હું એટલોય ક્યાં ઓળખતો હતો ! મારી લાગણીઓ એ સમજી શકશે કે કેમ એનીય મને ક્યાં ખબર હતી?
કંઈ કેટલીય વાર નોટમાં એના નામની જોડે મારું નામ લખ્યું. ફેસબુકમાં એની પ્રોફાઇલ શોધવા મથ્યો. પ્રોફાઇલ મળ્યા પછી ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલવાની ઇચ્છાય થઈ, પણ પછી મારી નિરંકુશ લાગણીઓ, આવેશના અદમ્ય આવેગને હું રોકી નહીં શકું એ વિચારે ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલીને તરત ડિલીટ કરી દેતો.
ખેર, સ્કૂલનું પરિણામ આવે ત્યાં સુધી એન્ટ્રન્સ એક્ઝામ અપાતી રહી. સમય પસાર થતો રહ્યો. જો કે એને પસાર થઈ ગયાં એમ પણ કેવી રીતે કહું ? અંદરથી એક ન સમજાય એવો તરફડાટ જીરવ્યો છે. તરફડાટ સાથે એ દિવસો જીવ્યો છું.
*****
સ્કૂલનું પરિણામ આવી ગયું. બરોડાની મ.સા.યુનિવર્સિટીમાં BBAમાં ઍડમિશન મળ્યું અને અંતે કંટાળાજનક વેકેશન પૂરું થયું.
નવું શહેર, નવા મિત્રો, ઘરથી દૂર સાવ નવું અને અલગ હોસ્ટેલનું વાતાવરણ. હાંશ! એક નવી દિશા ખૂલી. ખબર નથી કોનાથી, શેનાથી પણ સાચે જ ખૂબ દૂર જવું હતું મારે.
હોસ્ટેલમાં રૂમ બે સ્ટુડન્ટ વચ્ચે શેર કરવાનો હતો એવી ખબર હતી. સામાન લઈને રૂમ પર પહોંચ્યો. રૂમ પાર્ટનર કોણ છે એની ખબર નહોતી. હશે, જે હશે એની સાથે દોસ્તી તો કરી લેવાશે એવા વિચાર સાથે રૂમમાં એન્ટર થતા પહેલાં દરવાજા પર ટકોરા માર્યા.
“Yes, come in please. The door is open.” અંદરથી અવાજ આવ્યો.
મારો રૂમ પાર્ટનર બેગ ખાલી કરીને એના કપડાં કબાટમાં ગોઠવતો હતો. પીઠ બારણાં તરફ હતી.
“Hi, This is Niraj. Your roommate.”
એણે મારી તરફ પીઠ ફેરવી.
ચમત્કારોમાં માનવું કે માનવું, એના અંગે મારી, દીદી અને મમ્મા વચ્ચે હંમેશા ડિબેટ થતી, નાનો હતો, બાળવાર્તાઓ વાંચતો ત્યારે એમાં આવતા ચમત્કારોની વાતોમાં ભારે રસ. ત્યારેય મમ્મા સમજાવતી કે આ ચોપડીઓમાં લખે છે એવા કોઈ ચમત્કારો જીવનમાં સાચે જ થતાં હોતા નથી.
“તો?” બાળમાનસનું કુતૂહલ સવાલો કરવા પ્રેરતું.
“ચમત્કાર એટલે જે તમે ખરા દિલથી પામવા ઇચ્છતા હો. અથાક પ્રયત્નો કર્યા પછી એક સમય એવો આવે કે જે શક્ય જ નથી એમ વિચારીને એની પાછળ સમય આપવાનું બંધ કરી દો, તમે એ દિશામાં વિચારવાનું જ છોડી દો. અને ઓચિંતુ એ સામે આવીને ઊભું રહે એને ચમત્કાર માની લેજે.” મમ્મા મને સમજાવવા મથતી.
અને સાચે જ મમ્મા કહેતી હતી એવા આ ચમત્કારથી હું ચકરાઈ ગયો. જેના વિશે સતત ત્રણ મહિનાથી વિચાર્યા કર્યું હતું. જેને મળવાની પ્રત્યેક પળે ઝંખના કરી હતી, એ સૌરભ સામે હતો.
મમ્મીના શબ્દો મારા માટે પણ આવી રીતે સાચા પડશે એવી તો ક્યાં ખબર હતી?
અત્યારે પપ્પા સામે ખોડાઈને ઊભો છું ત્યારે હૃદયના ધબકારાની ગતિ એટલી જ તેજ હતી જેટલી સૌરભને જોઈને એ સમયે વધી હતી. હૃદય ફાડીને લોહી બહાર ધસી આવશે એવી એ ક્ષણો હતી.
“Hello, I am Saurabh.”
એણે આગળ વધીને હેન્ડશેક માટે હાથ લંબાવ્યો. એના હાથમાં હાથ મૂકતા મારા હાથની કંપન ચોક્કસ એણે અનુભવી જ હશે.
“Are you ok? Feeling nervous or home sick?”
“No nothing. Just excitement.” મારાથી બોલાઈ ગયું.
“Excitement of what?”
“Nothing specific. Just about new environment, new friends. That’s it.”
‘’Relex yaar. Just chill.” હું જેટલું અસ્વાભાવિક અને નાદાન બિહેવ કરતો હતો એ એટલો જ સ્વાભાવિક હતો.
બસ, એ અમારી પહેલી મુલાકાત અને પછી તો રોજેરોજનો સહવાસ. સૌરભને જોઈને મારામાં જે લાગણીઓ ઉછાળા મારતી, એની પાસે હું જે ઇચ્છતો હતો, ઝંખતો હતો એ એને કહી શકતો નહોતો. પણ કદાચ સૌરભ હવે એ સમજવા લાગ્યો હતો. સ્વીકારવા લાગ્યો હતો. એનામાં એવું કોઈ ચુંબકીય આકર્ષણ હતું જે હું ખાળી કે ટાળી શકવા અસમર્થ હતો કે પછી ખાળવા કે ટાળવા માંગતો જ નહોતો.
સતત સહવાસ, ઉંમરનો તકાજો, ફિઝિકલ નીડ કે આકર્ષણ, શું એની ખબર નહોતી પડતી. પણ સૌરભને મારી લાગણીઓની પ્રતીતિ થવા માંડી હતી. ક્યારેક જસ્ટ ફોર ફન જેવું માણેલું સુખ અમને બંનેને માફક આવી ગયું. આટલા સમયથી બાંધી રાખેલું આવેગનું પૂર નિર્બંધ વહેવા માડ્યું અને વહેતું રહ્યું. પણ હવે હું સૌરભથી એક ક્ષણ પણ અલગ રહી શકતો નહોતો.
પણ, Man Proposes, God Disposes,
આ કોવિડે જે કેર ફેલાવા માંડ્યો એમાં કૉલેજો બંધ થઈ. હોસ્ટેલમાંથી સૌ ઘરભેગા થયાં. ઑન લાઇન એજ્યુકેશન શરૂ અને પ્રેમકથા? એ તો એવી અટવાઈ કે જેનો કોઈ ઉકેલ નહોતો દેખાતો.
પણ આ અદ્યતન ટેક્નોલૉજીએ સૌને ટકાવી રાખ્યા. મને અને સૌરભને પણ. અને જેણે અમને ટકાવી રાખ્યા, એણે જ આજે ઝંઝાવાત સર્જી દીધો.
કદાચ, ના..ના કદાચ નહીં, ચોક્કસ હું રૂમનું બારણું લૉક કરવાનું ભૂલી જ ગયો હોઈશ. હું ભણતો હોઈશ એમ માનીને પપ્પાએ હળવેથી બારણું ખોલ્યું હશે, જેની મને ખબર જ ના પડી. અનાયાસે રૂમમાં આવી ચઢેલા પપ્પાએ મને અને સૌરભને વિડીયો કૉન્ફરન્સ પર વાતો કરતા, એમના શબ્દોમાં કહું તો અણછાજતી હરકતો કરતા જોઈ લીધા હશે.
અને પછી તો એ જ થયું. આ ક્ષણે હું પપ્પાની કોર્ટમાં આરોપી તરીકે ઊભો હતો. કાલની મને નથી ખબર પણ આ ક્ષણે તો સૌના મનમાં કોલાહલ ઊમટ્યો જ હશે. એ પછીની ક્ષણોથી ઘરમાં ન ભેદી શકાય એવી શાંતિ છે. એ શાંતિ વચ્ચે પણ મને પપ્પાના અવાજના પડઘા સંભળાય છે.
“નિર્લજ્જ…. નિર્લજ્જ….. નિર્લજ્જ…
રાજુલ કૌશિક
Recent Comments