એષા- ખુલ્લી કિતાબ- ૪ વિજય શાહ
બીજે દિવસે આશિત અને રિવા રોહિતની રુમ ઉપર આવ્યાં. બેચલર રૂમ રિવાએ ધાર્યો હતો તેના કરતા સાવ જુદો હતો.એક ખૂણામાં ચાર પુસ્તકો વ્યવસ્થિત રીતે ગોઠવીને મૂકેલાં હતાં. એક સોફા અને બે ખુરશી હતી. એક બાજુ દિલરુબા હતી. એક સરસ અજંટાનું ચિત્ર કાળી જાડી ટેપથી ભીંત ઉપર ચીટકાડેલું હતું. બીજા ખૂણે સ્વામીનારાયણ બાપાનું ચિત્ર હતું. ત્યાં મૂકેલા ધૂપની સુગંધથી રૂમ સુવાસિત હતો. કોઈ બેચલરના અસ્તવ્યસ્ત રૂમના બદલે કોઈક વ્યવસ્થિત અને સંસ્કારી છોકરાનો રૂમ લાગતો હતો.
રોહિત રિવાને જોઈને સહેજ ચોંક્યો પછી પહેલોજ પ્રશ્ન આશિતને પૂછ્યો…”તો તને વાતની ખબર પડી ગઈ છે નહીં?”
“હા કાલે સાંજે બે બેનપણીઓ તારો ફોટો જોતી હતી અને મારી તેમની ઉપર નજર પડી એટલે મેં અમસ્તું પૂછ્યું, કોનો રોહિતનો ફોટો છે? અને પછી મારું તો જે આવી બન્યું છે! રિવાએ પ્રશ્નો પૂછી પૂછીને મારું માથુ ફેરવી નાખ્યું. વધારામાં વટહુકમ બહાર પાડ્યો કે, મારી એષાને રોહિતભાઈ પસંદ કે નાપસંદ કરે તે પહેલા હું રોહિતભાઈને મળીશ.” અને તેથી મારે તને જાણ કર્યા વગર એને લઈને આવવું પડ્યું ”
રોહિતે સહેજ પણ સંકોચાયા વિના કહ્યું કે, “કેટલાક સમયથી એષાને હું દૂરથી જોતો હતો. કાલે રાઉન્ડ પર એને સાવ નજીકથી જોઈ અને થોડી જાણી પણ ખરી, અને સાંજે બાપુજીએ મોકલેલી ટપાલમાં તેનો ફોટો જોયો અને..”
“અને?” રિવાએ અધ્ધર શ્વાસે પ્રશ્ન કર્યો. “અને શું?
“હું તો માનીજ ના શક્યો કે પ્રભુ મારી પર આમ મહેરબાન થશે… મને એષા ગમવા માંડી હતી.”
રિવાની અને આશિતની પણ નજરો ખુશીથી તરબતર હતી…
“તારું શું માનવું છે રિવા, એષાને હું ગમીશ ખરો?” રોહિતે હવે રિવાને જ પૂછી લીધું.
“અરે જુગતે જોડી જામશે. પણ તમારી કોઈ પૂર્વ શરતો છે ખરી?” રિવાએ રોહિતને વિશ્વાસ આપવાની સાથે એનું માનસ સમજવા સવાલ કર્યો.
“જો ભાઈ, એષાના વડીલો મળવા આવશે તો મારે ખાલી જવાબ આપવાનું નાટક જ કરવાનું છે. બાપુજીને તો મારે માત્ર હા કે ના જ કહેવાની છે ને! આમ પણ એ એમનો અધિકાર મેં હંમેશા સ્વીકાર્યો છે.”
રિવાને આ સીધી વાત ગમી જો કે તેને ખબર હતી કે એષા પણ આવી જ છે જે હોય તે સ્પષ્ટ કહેવું અને પછી જે થાય તે જોઈ લેવું.
પછી તો આશિત અને રોહિત તેમના પેશન્ટોની વાતે ચઢ્યા. વાતો કરતા કરતા રોહિતે ગામથી આવેલા ડબ્બા ખોલીને એમાંથી મગસની બે લાડુડી અને સેવગાંઠીયા પ્લેટમાં કાઢીને મૂક્યા.
આ જોઈને આશિત મસ્તીએ ચઢ્યો. ” જોને કેવો ગઠીયો છે બે લાડુડીમાં તને પટાવે છે.”
“અરે ના રે આતો તારી બેન પહેલી વખત રૂમ પર જણાવ્યા વિના આવી એટલે જરા આદર સત્કાર…”
આશિત હજી મજાકનાં મુડમાં જ , “એમ કહે ને જો હા પડી પછી તારા ઘરનાં પણ ચક્કર વધશેને? એટલે ..”
રિવા જોકે રોહિત સાથે હજી વાતો કરવા માંગતી હતી તેથી એ મજાકને અવગણતા બોલી,” રોહિત પ્રેક્ટીસ તમે વિરસદ કરશો કે બહાર જવાનો વિચાર છે?”
“ શરુઆત તો વિરસદથી જ કરવાનો છું. પણ આ ટર્મ પતી જાય પછી વધુ ખબર પડે.”
“મને એક જ વાત નથી સમજાતી કે વડીલોએ એવું કેવી રીતે માની લીધું કે એષા તો મુંબઈ અને અમદાવાદમાં ઉછરી છે તે વિરસદમાં કેવી રીતે ટકશે?”
રોહીતે બહુ ઠાવકાઈથી કહ્યું ” જો થડ મજબુત હોય તો ડાળા પાંદડાની ચિંતા નહીં કરવાની. એષા પણ આ સહજ રીતે સમજશે એવું મને લાગે છે.”
રિવા વિચારમાં પડી ગઈ અને આશિત ફરીથી તેની વહારે આવ્યો કે “એષા રોહિતને ગમે છે ને તેથી કશું નહીં થાય ચિંતા નહીં કર.”
રોહિતે સીધો જ પ્રશ્ન કર્યો ” રિવા બોલ હવે તારે એષાની બેન થવું છે કે નણંદ?” લગ્ન પહેલા નક્કી કરી લેજે.
રિવા એ તરત જ કહ્યું, “એષા અને તે પણ ભાભી? નો વે…”
બીજે દિવસે રોહિત અને એષા વડીલોની હાજરીમાં મળ્યાં. એષાને તો જે પ્રશ્નો હતા તેની જવાબો રિવા લઈ આવી હતી તેથી તે ખુશ પણ હતી અને નાખુશ પણ. એને હજી ભણવું હતું પણ મોટીબેન જે કરતાં હશે તે મારા માટે સારું જ હશેને… વિચારી ને તેણે બહુ વિરોધ ન કર્યો. જોકે તેને કલ્પના પણ નહોંતી કે મુંબઈ છોડીને તે અમદાવાદ આવી અને હવે વિરસદ જવાનું થશે ! લોકો ગામડું છોડી શહેરમાં આવે અને તે શહેર છોડીને…! હશે, જેવી પ્રભુની મરજી. છ મહિનામાં લગ્ન લેવાયાં.
આ છ મહિનામાં બંને અલપઝલપ મળી લેતાં.
રોહિત તો સમજી ચૂક્યો હતો કે આજની એષા એણે જોઈ હતી એ એષા કરતા સાવ જુદી હતી.. જાણે રમતિયાળ નદી બે તટ વચ્ચે શાંત થઈને વહી રહી હતી.
અને એષાએ પણ આ સમય દરમ્યાન રોહિતનો પુરુષપ્રધાન સ્વભાવ જોઈ લીધો. તેનું મગજ થોડું સુન્ન તો થઈ જ ગયું. પણ હવે જે તખ્તો ગોઠવાઈ ગયો હતો ત્યાં જે નાટક ભજવવાનું હતું તે ભજવી લેવાનું નક્કી કરી લીધુ. એષા ગંગોત્રીથી નીકળતું જે ઉછળતું ઝરણું હતી તે હવે કાંઠા પહોળા થતા નદીમાં ફેરવાવા લાગી. નવાઈની વાત એ હતી કે મોટી બહેન ને કે મોટાઇને તેમાં જરાય અજુગતુ લાગતુ નહોતું.
રોહિતના બાપુજીની જેમ તેઓ પણ એમ જ માનતાં કે પુરુષોએ કમાવાનું અને સ્ત્રીઓએ ઘર સંભાળવાનું. સૌએ કર્યું એમ જ એષા કરશે, એમાં કોઈ નવી વાત ક્યાં હતી?
આલેખનઃ વિજય શાહ
Entry filed under: એષા ખુલ્લી કિતાબ-, Rajul.
Recent Comments