બકુલની બોલબાલા
દેખાવે ભોળિયા પણ નસીબના બળિયા એવા એક અમારા મઝાના દોસ્તની ખાટીમીઠી યાદોની વાતો.
બકુલની બોલબાલા
“બે યાર જો જે ને , આજે તો હું મારી મમ્મી, પપ્પાને પગે લાગીને અને મંદીરમાં ભગવાનના દર્શન કરીને નીકળ્યો છું. અંકે સો ટકા પાસ થઈ જવાનો.”
આ બે યાર કહીને વાત શરૂ કરવાની બકુલની ખાસિયત હતી.
“પણ તું બરાબર વાંચીને તો આવ્યો છું ને?” બકુલની સાવ બેવકૂફ જેવી વાત સાંભળીને મારાથી પૂછાઈ ગયું
“અરે વાંચવાની ક્યાં વાત જ છે, રાત્રે વાંચવા બેઠો તો પપ્પાએ કહ્યું કે મોડી રાત થઈ. ક્યાં સુધી જાગીશ? સવારે વહેલો ઊઠીને વાંચજે. એટલે હું તો ઊંઘી ગયો.” બકુલે નિરાંતે જવાબ આપ્યો.
“હા તો પછી સવારે વહેલા ઊઠીને તો વાંચી લીધું છે ને?”
“ના બે યાર, સવારે ઊઠીને વાંચવા બેઠો તો મમ્મીએ કહ્યું કે આખી રાત જાગ્યો છું તો જરી જંપી જા. સહેજ ઊંઘ ખેંચી લે.”
હા, તો?”
“તો શું, મમ્મીએ કીધું એટલે હું તો ઊંઘી ગયો.” બકુલે આજ્ઞાંકિત બાળક જેવી વાત કરી.
“અરે ભગવાન !” મારાથી કપાળ કૂટાઈ ગયું.
આ બકુલ એટલે અમારા યારોનો યાર, પણ વાતો એની સાવ બેકાર. મેં કપાળ કૂટ્યું એ જોઈને એણે પૂછ્યું,
“કેમ શું થયું? બે યાર મમ્મી કે પપ્પા કહે તો આપણે સાંભળવું તો જોઈએ ને?”
બોલો, હવે કરવાનું શું આ બકુલનું? તારક મહેતાના ઊંધા ચશ્માનો બાઘો તો આજ કાલની પેદાશ પણ અમારો બકુલ તો ચાલીસ વર્ષ પહેલાંની પેદાશ. દેખાવ એનો સાવ ભોળિયો. વાતોય કરતો સાવ બાળક જેવી. પણ કોણ જાણે એનામાં એવી તો શું ખૂબી હતી કે એ અમને સૌને બહુ વહાલો હતો. ક્યારેક એની પર ચીઢ ચઢતી તો ક્યારેક એની વાતો પર હસવું કે રડવું એનીય સમજણ નહોતી પડતી. કૉલેજના એક પછી એક વર્ષ બદલાતાં ગયાં, પણ ના બદલાઈ એની વાતો કે એની હરકતો અને કૉલેજના ચાર વર્ષ પૂરાં થવાં આવ્યાં.
કૉલેજની ફાઈનલ એક્ઝામ પછી દસેક દિવસે અમારી વાઇવા શરૂ થઈ.
“શું થયું? કેવી તોપ ફોડી આવ્યો? ‘ જેવો બકુલ વાઇવાના અડધા કલાકે બહાર આવ્યો કે મારાથી પૂછાઈ ગયું.
“થવાનું શું હોય? આપણે તો જેવા છીએ એવી જ ચોખ્ખી વાત કરીને આવ્યા.”
આતુરતાનું દેડકું ગળામાં અટવાયું હતું. ખબર હતી કે વાત શરૂ કરીને એક મિનિટનો પૉઝ તો એ લેશે જ. એટલે ન પૂછાય કે ના ચૂપ રહી શકાય એવા સંજોગોમાં પણ ચૂપ રહ્યો.
“બે યાર, સાહેબે તો મને ફર્સ્ટ ટર્મમાંથી પહેલો સવાલ કર્યો. મેં તો કહી દીધું કે આ તો બહુ જૂનું થયું, અત્યારે ક્યાંથી યાદ હોય.” બકુલે બોલવાનું શરૂ કર્યું.
“હે…?”
“હા, પછી તો સાહેબે બીજી ટર્મમાંથી સવાલ પૂછ્યો. અને તને તો ખબર જ છે ને ત્યારે તો આપણાં લગન થયા હતા..”
“આપણાં નહીં , તારા.”
“બે યાર, સમજી જા ને.”
“સમજી ગયો..આગળ વધ.”
“હા, એટલે મેં તો સાહેબને કહી દીધું કે બીજી ટર્મમાં બહુ ધ્યાન નથી અપાયું. પછી એમણે ત્રીજી ટર્મમાંથી સવાલ પૂછ્યો. પણ યાર એ તો હમણાંનું સાવ નવું, એટલે ક્યાંથી પાકું થયું હોય?”
“હેં….?” આ વખતે મારા હેં નો એં…જરા લંબાયો. પણ એને કંઈ ફરક ના પડ્યો.
“બસ, સાહેબ પણ આમ તારી જેમ જ હેં…. બોલ્યા. પણ આપણે તો જે સાચું હતું એ જ કહી દીધું, કે આ ટર્મનું તો હજુ કાચું છે. પછી તો સાહેબ લમણે હાથ દઈને બેસી રહ્યા. બે યાર, એમને જોઈને ને તો મને ચિંતા થઈ. મેં સાહેબને પૂછ્યું, પ્યૂનને બોલાવીને પાણી મંગાવી દઉં? અને તમને ઠીક ન હોય તો આપણે વાઇવા ફરી બીજા દિવસ પર રાખીએ. શું છે કે મનેય થોડું પાકું કરવાનો ટાઇમ મળે.”
હવે તો હેં શબ્દ પણ મારાથી ના ઉચ્ચારાયો. પણ તમે જ કહો કે, હવે આ બકુલકુમારને શું કહેવું? એના ભોળપણ પર વારી જઈએ કે એને વારવો જોઈએ? હું ય એના સાહેબની જેમ લમણે હાથ દઈને બેસી રહ્યો. પણ જેમ મને ખબર હતી કે બકુલકુમારનું ગાડું ક્યાંય અટકવાનું નથી એમ એના સાહેબને પણ ખબર જ હશે કે બકુલના પિતાશ્રીની વગ કેટલી અને ક્યાં સુધી પહોંચેલી છે.
અને ખરેખર એમ જ થયું. અમારા બકુલકુમારે ફર્સ્ટ ક્લાસના સર્ટિફિકેટવાળી ડીગ્રી લઈને વટભેર અમને એની મોસ્ટ ફેવરિટ રજવાડુંમાં પાર્ટી આપી.
પાર્ટી તો મઝાથી પતી ગઈ. પણ પાછા ફરતાં એક નવી સમસ્યા ઊભી થઈ. અમારા બકુલકુમાર એમની સેન્ટ્રો તો લઈને આવ્યા હતા, પણ ગાડીનું લાઇસન્સ ઘેર ભૂલીને આવેલા. થોડા મોજમાં ને વધુ સ્પીડમાં ગાડી ચલાવવા ગયા અને એક સાયકલ પર જતા મજૂરને અડફેટે લીધો.
નસીબનું કરવું કે આ બનાવના સમયે એક પોલીસ ઈન્સ્પેક્ટર ડ્યૂટી પરથી પાછા ફરતા હશે તે એમણે એમની સગ્ગી નજરે આ જોયું. બસ, પછી તો પોલીસ ઈન્સ્પેક્ટરે ગાડી લેવડાવી પોલીસ ચોકી પર. તે રાત્રે બકુલકુમાર જરા એમના ભોળપણને ભૂલીને ગાંડપણ પર ઊતરી આવ્યા અને પોલીસ ઈન્સ્પેક્ટર સામે અકડાઈથી વાત કરવા લાગ્યા. ખીસ્સામાંથી મોબાઈલ કાઢીને ફોન જોડવા લાગ્યા.
બસ, પછી તો પૂછવું જ શું? બકુલકુમારના હાથમાંથી ફોન ઝૂંટવીને ઇન્સ્પેક્ટરે હવાલદારને બોલાવીને ચાર્જશીટ બનાવવાનું ફરમાન આપ્યું. પણ કહે છે ને કે, ભોળિયાનો ભવ ભગવાન પાર ઊતારે.
બકુલકુમારે જેમને ફોન જોડ્યો હશે એમણે સામેથી ફોન ઊપડ્યો. ગુસ્સાથી આગ બબુલા બની ગયેલા ઈન્સ્પેક્ટર હાથમાંથી ફોન દિવાલ પર ફેંકવા જતા હતાને મોબાઈલ પર ફ્લેશ થતું નામ જોઈને અટકી ગયા….ના, ના ફફડી ગયા.
ફોન બકુલકુમારના પિતાશ્રીનો હતો. અને એ નામ ઈન્સ્પેક્ટર જ નહીં આખેઆખા પોલીસ તંત્રને ફફડાવી દેવા પૂરતું હતું.
અને પછી તો ફિલ્મોમાં કહે છે ને એમ બકુલકુમારને પોલીસ ચોકીમાંથી બાકાયદા મુક્ત કરવામાં આવ્યા. એટલું જ નહીં, એમને પડેલી તકલીફ માટે માફી માંગવામાં આવી. અમારા સૌ માટે ઠંડા પીણાનો બંદોબસ્ત કરવામાં આવ્યો.
કહે છે કે, ત્યાર પછી એ ઈન્સ્પેક્ટરને અમદાવાદની કોઈ પોલીસ ચોકીમાં કોઈએ જોયા નથી.
આજે એ વાતને બાવીસ વર્ષનો સમય પસાર થઈ ગયો. હવે જ્યારે બકુલકુમારને ફોન કરીએ છીએ તો ફોન પહેલાં એમની સેક્રેટરી લે છે. બકુલકુમારની ડાયરી ચેક કરીને મળવાનો સમય આપે છે. મળવા જઈને ત્યારે વિશાળ કૅબિનમાં રીવોલ્વીંગ ચેરમાં બેઠેલા બકુલકુમારના ચહેરા પર હજુ આજે ય એવા જ ભોળપણના ભાવ તરી આવે છે.
ભોળપણના એ ભાવ સાચા હશે કે ખોટા, તે આજે પણ હું નક્કી કરી શક્યો નથી. અને હા, પેલા એમનો વાઇવા લેનાર કૉલેજના સાહેબ આજે બકુલકુમારની ઑફિસમાં મોટો હોદ્દો ધરાવે છે.
રાજુલ કૌશિક
Recent Comments