એષા ખુલ્લી કિતાબ- પ્રકરણ ૧
એષા ખુલ્લી કિતાબ– પ્રકરણ ૧
એક સરસરી નજર એષાએ મુંબઈ સેન્ટ્રલના એક છેડાથી બીજા છેડા તરફ વહેતા માનવ મહેરામણ પર નાખી. હ્રદયમાં બાઝેલો ડૂમો જાણે અધવચ્ચે જ અટકી ગયો. નજર કોને શોધતી હતી ?મન કોને ઝંખતુ હતું? એષાને કઈ સમજાતું નહોતુ. મુંબઈથી અમદાવાદ જતી ગુજરાત મેલને ઉપડવાને હજુ થોડી વાર હતી. પણ એ સમય વધુ ને વધુ લંબાતો જાય એવું એષા શા માટે ઝંખતી હતી? એવું પણ નહોતુ કે આપ્તજનને છોડીને પરાઈ જગ્યાએ જવાનું હતું.
અમદાવાદમાં પણ પોતાનું જ ઘર હતું. મોટીબેન હતા, મોટાઇ હતા રક્ષાબેન, ઈલેશભાઇ અને અલ્પેશ પણ તો હતા જ ને? સમજણ આવી ને બોલતા શીખ્યા ત્યારથી જ મમ્મી–પપ્પાના બદલે મોટીબેન –મોટાઇ જ જીભે ચઢી ગયું હતું. મોટીબેન –મોટાઇ એટલે ત્રણે પરિવારની સાંકળતી એક કડી. કેટલો મોટો પરિવાર ? મોટાઇથી નાના રજનીકાકા અને એમનાથી નાના પંકજકાકા .બાબુકાકા મુંબઈમાં અને પંકજકાકા બેંગ્લોરમાં–પણ પરિવારનું મૂળ તો અમદાવાદમાં મોટીબેન –મોટાઇના અનિકેત બંગલામાં બંગલાનું નામ પણ સમજીને રાખ્યુ હતું.
ત્રણે ભાઈઓના સંતાનોનાં નામમાંથી બનેલું એક નામ એટલે ” અનિકેત”.સમગ્ર પરિવારની ધરોહર હતા મોટીબેન અને મોટાઇ. આટલે સુધીની તો વાત તો સૌ કોઈ સમજી શકતા હતા કારણકે રજનીકાકા અને પંકજકાકાને સાવ નાનપણથી મોટીબેન –મોટાઇએ પાંખમાં લીધા હતા. પણ હવેની જે વાત હતી તે જરા સમજવી લોકો માટે મુશ્કેલ હતી. વાત જાણે એમ હતી કે એષા મુંબઈમાં રજનીકાકા–કાકી પાસે રહી તેમ રજનીકાકાનો કેતન અને પકંજકાકાની નિરા મોટીબેન –મોટાઇ પાસે મોટા થયા. તો વળી એષાથી નાની ટીયાઅને ઈલેશભાઇ બેંગ્લોર પકંજકાકા–કાકી પાસે .લોકો માટે જે કોયડો હતો તે જ તો આ પરિવારની એક સૂત્રતાનું રહસ્ય હતું.
વડાલાના એ ફ્લેટમાં બાળપણ ક્યારે પસાર થયું અને ક્યારે મુગ્ધાવસ્થામાં પ્રવેશ થયો એ તો અત્યારે એષાને બરાબર યાદ આવતું નહોતું. પણ હા એટલું તો ચોક્કસ યાદ હતું કે બાળપણના એ દિવસો સાવ જ નફિકરાઈથી –સાવ સરળતાથી પસાર થઈ ગયા હતા. ક્યારેય કોઈ અભાવ નહીં ક્યારે કોઈ અધૂરપ નહી. નિજાનંદમાં, મોજ મસ્તીમાં વહી ગયેલુ બાળપણ મન પર કોઈ ખાસ યાદો પણ કંડારી ને ગયું નહોતું. ધરતી અને આસમાન મળે એને ક્ષિતિજ કહેવાય પણ એ ક્ષિતિજની કોઈ જુદી ઓળખ રેખા પામવી મુશ્કેલ હોય તેવી અણદીઠી ક્ષિતિજને ઓળંગીને એષાનું બાળપણ ટીન એજ વટાવીને એક એવા સમયમાં પ્રવેશી ગયું હતું જ્યાંથી એક નવી એષા આકાર લઈ રહી હતી.
સરળતાથી વહી ચુકેલા એ દિવસોએ એષાને પણ બધે જ સરળતાથી ગોઠવાઈ જવા જેવી આદતતો પાડી દીધી હતી . આમ પણ બધું આપોઆપ ગોઠવાતું જતું હતું, ક્યારે કોઈ આયાસ કે પ્રયાસ પણ ક્યાં કરવા પડ્યાં હતાં? વડાલાનીએ અગણિત સાંજ સહીયરોની કંપનીમાં ક્યાંય પસાર થઈ જતી !
એષાને આ બધુ સાગમટે યાદ અવતું હતું. ખબર તો હતી કે ક્યારેક તો આ માયા સમેટી લેવી જ પડશે, પણ સાવ આમ જ, અચાનક ? એવું તો ક્યારે વિચાર્યું નહોતું.
સ્કૂલનું વેકેશન પૂરું થવા આવ્યું હતું. એક દિવસ મોટાઇ અમદાવાદથી બેંગલોર જતા એક દિવસ માટે મુંબઈ રોકાયા હતા. અને બસ સવારના પહોરમાં એષાશાને અમદાવાદ આવવા કહી દીધું. કૉલેજનું એડમિશન અમદાવાદમાં થઈ જશે એવી એષાને ખાતરી પણ આપી દીધી. અને એષાએ મુંબઈની માયા સમેટી લીધી–કહો કે સમેટી લેવી પડી. પણ આ માયા સમેટવાનું એટલું સહેલુ પણ નહોતું. પરિવાર સાથે લોહીનું સગપણ હોય છે, પણ લાગણીનાં સગપણ પણ ક્યાંક તો જોડાયેલા હોયને? આ સગપણ બસ આમ જ તોડીને ચાલવા માંડવાનું ? મોટાઇના એક આદેશ સમાન વાક્ય માત્રથી? મોટીબેન–મોટાઇ બધાનું સારું જ ઇચ્છતા હશે. ભવિષ્યની કોઇ રૂપરેખા પણ મનમાં દોરી હશે.પણ એથી શું? એષાને પુછવાનું પણ નહીં? બસ કહી દીધું– અમદાવાદ આવવાનું– વાત પતી ગઈ? ના! વાત પતી નહોતી ગઈ, પતાવી દેવાની હતી. આજ સુધી ક્યાં ઘરમાં કોઈએ સવાલો કર્યા હતા કે હવે એષા કરી શકે?
સ્કૂલ અને કૉલેજ વચ્ચેના સંધિકાળ સમો સોનેરી સમય બસ આમ જ સમેટી લેવાનો? ક્યાંક કદાચ કંઈ લાગણીનાં કૂંણાં અંકુર ફૂટતાં હોય એને મદારી એનાં કરંડીયામાં સાપને ગુંચળું વાળીને ગોઠવી દે તેમ ગોઠવી દેવાનાં હતાં. મસ્તીથી ઉડવા શીખેલા પંખીને માળો બદલવાનું કહેવામાં આવ્યું હતું. ઉઘડતું આકાશ જોવા શીખેલી આંખોએ આકાશ બદલવાનું હતું. અને આમાં કોઈ વિકલ્પ તો બાકી રહેતો જ નહોતો. એષાએ પણ પોતાની પાંખો અને આંખોં બંધ કરી બીજા એક માળખામાં જવાની તૈયારી કરી લીધી.
”એષા , આમ જો આપણા આગળના બંને બંગલામાં લગભગ તારી ઉંમરની જ કંપની છે. તને ફાવી જશે ” મોટીબેન આસપાસના ઘરના લોકોની ધીમે ધીમે એષાને ઓળખાણ આપતા જતા હતા. આમ તો એષા ક્યારેક અમદાવાદ આવતી ,પણ એનાથી તો કઈ એ અમદાવાદથી ટેવાઈ નહોતી. વળી ઘરમાં જ પૂરતી કંપની હતી. ઈલેશભાઈ પણ પોતાની કૉલેજ પતાવીને બેંગ્લોરથી અમદાવાદ મોટાઇના બિઝનેસમાં જોડાવા પાછા આવી ગયા હતા. અલ્લડ અલ્પેશ પણ હતો. કેતન અને નિરા પણ ક્યાં નહોતાં? વળી પાછો બધે સરળતાથી ગોઠવાઈ જવાનો એષાનો સ્વભાવ પણ અહીં કામ કરી ગયો. દિવસો પસાર થતા એષા આપોઆપ ગોઠવાવા લાગી.
જ્યાં જગ્યા મળે ત્યાં રેલાઈ જવાનાં પાણીનાં ગુણધર્મની જેમ એષાનો જગ્યા શોધી લેવાનો ,જગ્યા કરી લેવાનો સ્વભાવ પણ સહાયભૂત બન્યો. અહીં વળી ગુણધર્મ શબ્દ ક્યાં આવ્યો? એષા મનથી વિચારતી , જવાબ પણ એને એની સાયન્સની જનરલમાંથી જ મળતો. એષાએ અમદાવાદ આવીને સૌથી પહેલું કામ તો એડમિશન લેવાનું કર્યું. મુંબઈનું વાતાવરણ અને એજ્યુકેશન જો ક્યાંયથી મળી શકે તો તે ઝૅવિયર્સમાં જ મળશે એવી એને ચોક્કસ ખાતરી હતી, એટલે સેન્ટ ઝૅવિયર્સની સાયન્સ સ્ટ્રીમમાં વહેલામાં વહેલી તકે એડમિશન લેવાનું કામ કર્યું.
“એષા…! ભઈસાબ આ છોકરીથી તો તોબા .ઘરમાં તો ટાંટિયો ટકતો જ નથી ને. કોઈ દિવસ એવું બન્યું છે કે એ કૉલેજથી સીધી ઘર ભેગી થઈ હોય?” મોટીબેન સાંજ પડે એષાના નામની ફરિયાદ લઈને નિકળ્યા ના હોય એવું ભાગ્યે જ બનતું ..સાથે એમને પાકી ખાતરી પણ હોતી કે એષા ક્યાં હશે. એમની ખાતરી ભાગ્યેજ ખોટી પડતી ..એષાનો ચંચળ સ્વભાવ ,એની મસ્તી એની વાતો ,એની બડબડ સાંભળનાર એને ન મળે તો જ નવાઈ. કૉલેજથી ઘેર આવતા એષાનું સૌથી પહેલું સ્ટોપ એટલે સોસાયટીનો પહેલો બંગલો..”.ભૂતનું ઘર આંબલી”… રિવા એને કહેતી…પણ રિવાને હંમેશ એ ભૂતની રાહ જોવાની હવે ટેવ પડી હતી. સાંજના પાંચ વાગે રિવા પણ કોઈ ને કોઈ બહાને ઘરના ઓટલા પર અથવા ઘરના બગીચામાં પાણી છાંટવાના બહાને બહાર આવીને રહેતી રખેને મોટીબેન શાક લેવા નીકળ્યા હોય ને એષાને ઘરે મોકલી દે તો? અજબનો મનમેળ થઈ ગયો હતો બંને વચ્ચે. આમ જોવા જઈએ તો ઉત્તર–દક્ષિણ ધ્રુવ જેટલું અંતર હતુ બેઉના સ્વભાવમાં. એષા તો વાયરા જોડે વાતો કરતી જાય અને રિવા થોડી અંતર્મુખી પણ એક વાર જેની સાથે ભળે એટલે અંતરથી સ્વીકારી લે.
અને એષા તો અમસ્તી ય સાવ પારદર્શક. ખુલ્લી કિતાબ જેવો એનો સ્વભાવ..
અસ્તુ
રાજુલ કૌશિક
Entry filed under: એષા ખુલ્લી કિતાબ-, Rajul.
Recent Comments