વાત એક નાનકડી- ૯ ‘આનંદી જીવન’
વાત એક નાનકડી- ૯ ‘આનંદી જીવન’
-લોસ એન્જેલસ નિવાસી સાહિત્યકાર, જાણીતા લેખક શ્રી આનંદ રાવ લિગાયતજી, ઉંમર-વર્ષ ૯૦. સાહિત્યક્ષેત્રે એમનું પ્રદાન નોંધપાત્ર છે.
એક દિવસ એમની સાથે વાત થઈ ત્યારે એમના ઘરની વાડીમાં ફળ, ફૂલોની માવજતમાં એ પ્રવૃત્ત હતા. શ્રી આનંદ રાવ કહેતા હતા કે, “ઉંમરને હું આંકડામાં ગણતો નથી. ઉંમર એનું કામ કરે, હું મારું કામ કરું. ”
કેટલી સરસ વાત!
-રોજ સવારે ઊઠીને બારીની બહાર મારી નજર જાય અને બાજુમાં રહેતા પાડોશી અને એમના પત્નીને ગાર્ડનની માવજત કરતા જોઉં છું. પતિ એટલે કે માઇકલ, સંતાનને વહાલ કરતા હોય એમ ફૂલ, ઝાડપાનની સંભાળ લેતા હોય. એમનાં ૮૦ વર્ષની ઉંમરે પહોંચેલાં પત્ની એટલે કે લિઝાબેલ, લૉન મૂવર ટ્રેક્ટર પર બેઠાં ઘરની આગળ-પાછળની લૉન એવી તો લહેરથી કાપતાં હોય કે જાણે એમ લાગે કે એ લૉન કાપવાનું કામ કરવાં નહીં પણ ટ્રેક્ટરની સવારી માણવાં નીકળ્યા ના હોય!
પંચ્યાસી વર્ષની ઉંમર અને પાર્કિન્સનની બીમારી સાથે નોર્થ કૅરોલિનાથી અપ સ્ટેટ ન્યૂયોર્ક સુધી ડ્રાઇવ કરીને જતી વ્યક્તિને જોઈએ કે પીઠ પાછળ ઑક્સિજનની ટેંક સાથે વ્હીલચેરમાં બેસીને ગ્રાન્ડ કૅન્યનના કોઈ એક પોઇન્ટ પર તન્મયતાથી સૂર્યાસ્ત માણતી એટલી જ ઉંમરની વ્યક્તિને જોઈએ ત્યારે સાચે જ એમ થાય કે ઉંમરને આંકડાંમાં ગણીને બેસી રહેવાની કે પરાણે ઘરની ચાર દિવાલોના કોચલામાં પૂરી રાખવાની શી જરૂર ?
જે વ્યક્તિ જીવનના કોઈ પણ પડાવે આનંદપૂર્વક પ્રવૃત્ત રહી શકે એને આંકડામાં ઉંમર ગણવાની વળી શી તથા? જે આ પળને માણવામાં મસ્ત છે એનું જીવન જ આનંદમય.
અને મને યાદ આવી ગયા જાપાનના સો કરતા વધુ વર્ષ જીવતા અને મઝાથી જીવન માણતા લોકો અને જાપાની ભાષાનો શબ્દ ઈકિગાઈ. જાપાનના ઑકિનાવા આઇલેન્ડના લોકોમાં બીમારીનું પ્રમાણ ઘણું ઓછું છે. એટલું જ નહીં પણ ઑકિનાવા એક માત્ર એવો આઇલેન્ડ છે જ્યાં એંસી વર્ષથી વધુ ઉંમરના લોકોનું પોતાનું મ્યુઝિક બેન્ડ છે. આ મ્યુઝિક બેન્ડ આખા જાપાનમાં ટુર કરીને મ્યુઝિક આપે છે. કદાચ નિવૃત્તિ જેવા શબ્દને એમણે પોતાની ડિક્શનરીમાંથી રદ કરી નાખ્યો હશે.
ઈકિ એટલે જીવન અને ગાઈ એટલે ઉદ્દેશ. ઈકિગાઈનો અર્થ છે, જીવનમાં જ્યારે જે મળે છે એમાં સુખ શોધવું. ખુદની ખૂબીઓ અને ત્રુટિઓ શોધવી, સમજવી અને સ્વીકારવી. સ્વ સાથે, સમષ્ટિ સાથે અને પ્રકૃતિ સાથે તાદામ્ય સાધવું. નાની નાની બાબતોમાંથી સુખ શોધવાના પર્યાયો જ કદાચ આપણને સ્વસ્થ અને સુખી રાખશે.
આવી જ એક ત્રુટિ સાથે જીવનને ઉજાળવા નીકળેલી એક વ્યક્તિની વાત યાદ આવી.
વાત છે ફ્રાંસના ચિત્રકાર પિયરી ઓગસ્ટ રિનોરની. એમને આર્થરાઈટિસ એટલે કે સંધિવા થઈ ગયો. આ રોગના કારણે એમના હાથ જકડાઈ ગયા હતા.
એમના મિત્ર હેન્રી મેટિસ એક દિવસે એમને મળવા ગયા ત્યારે એમણે જોયું કે પિયરી ખૂબ પ્રયત્નપૂર્વક આંગળીઓના છેડેથી બ્રશ પકડીને ચિત્રકામ કરી રહ્યા હતા. ચિત્રકામ કરતી વખતે પિયરીને અપાર વેદના થતી હશે એ હેન્રીને સમજાતું હતું.
મિત્રને આટલી પીડા સહીને કામ કરતા જોઈને હેન્રીએ પૂછી લીધું,
“આટલી પીડા થાય છે છતાં ચિત્રકામ પાછળ આટલી મથામણ શા માટે? છોડી દે ને.”
હવે પિયરીએ હેન્રીને જે જવાબ આપ્યો એ જાણીએ.
પિયરીએ કહ્યું, “ આ પીડા તો મારા મૃત્યુની સાથે જ ચાલી જશે. એ ક્યાં કોઈએ જાણી કે સમજી? પણ કેન્વાસ પર દોરેલાં ચિત્રો તો ચિરકાળ સુધી સૌના સ્મરણમાં રહેશે.”
આવા પિયરી જેવી દૃઢતા ધરાવતી અનેક વ્યક્તિઓ છે જે સાચા અર્થમાં જીવન જીવી અને માણી જાણે છે.
પિયરી વિશે વાંચેલી વાત છે પણ આગળ વાત કરી એ પંચ્યાસી વર્ષની ઉંમરના પાર્કિન્સનની બીમારી ધરાવતા શ્રી નવનીત અમીનને સતત ધ્રૂજતા હાથે કેન્વાસ પર ઓઇલ પેન્ટિંગ કરવા મથતા મેં જોયા છે.
એમણે ચિત્રકામ શીખવાના કોઈ ક્લાસ ભર્યા નહોતા કે નહોતી એ એમની જન્મજાત આવડત. માત્ર પાર્કિન્સનના લીધે ધ્રૂજતા હાથ પર કાબૂ મેળવવાનો આ આયાસ હતો. સતત ધ્રુજતા હાથના લીધે જમીન પર રંગ ઢોળાયો હોય, કપડાં ખરડાયાં હોય, છતાં નિરાંતે મનની દૃઢતા સાથે ચિત્રકામ કરતા જોઈને સાનંદ આશ્ચર્ય થયા વગર રહે ખરું?
ઉંમર વધવાની સાથે બીમારીઓ વધતી ગઈ. બીમારીની સાથે દવાઓનું પ્રમાણ વધતું ગયું. દવાઓની અસર મગજ સુધી ન પહોંચે એના માટે થઈને મનને પણ પ્રવૃત્ત રાખવા ગઝલ, શેર-શાયરી લખવાની શરૂ કરી. આ પણ એક નવિન અભિગમ તો ખરો જ ને?
જીવ્યા કરતાં જોયું ભલુંની થિયરી મુજબ શ્રી નવનીત અમીને શક્ય હતું ત્યાં સુધી દેશ–વિદેશની મુલાકાત લીધી છે. જીવનના અંત સુધી ક્ષણે ક્ષણને જીવી લેવાની એમની મસ્તી ક્યારેય વિસરાશે નહીં.
વાત છે આનંદમય જીવનની. ઈકિગાઈ શબ્દનો મર્મ સમજીને એને જીવનમાં ઉતારવાની. શક્ય છે આવી વ્યક્તિઓનો પરિચય આપણને પણ કોઈ નવી દિશા સૂચવી જાય.
અસ્તુ
રાજુલ કૌશિક
Entry filed under: વાત એક નાનકડી, Rajul.
Recent Comments