વાત એક નાનકડી- ૮ ‘ઈશ્વરેચ્છા બલીયસી’
‘ઈશ્વરેચ્છા બલીયસી’
આવું તો આપણે કેટલીય વાર સાંભળ્યું છે પણ એનો ખરા દિલથી સ્વીકાર કરનારા કેટલા?
છેલ્લા બે વર્ષથી કોવિડે સર્જેલી જાનહાની સંખ્યા કેટલે પહોંચી એ આંકડા તરફ આપણે થોડા ઉદાસીન થવા માંડ્યા છીએ. એવું નથી કે આપણાંમાં જડતા પ્રવેશી છે, પણ સતત એક ભયને મન પર લઈને ફરવાનો બોજ લાગવા માંડ્યો છે. પ્રયત્નપૂર્વક એ ઓથારમાંથી બહાર આવીને રોજિંદી ઘટમાળમાં ગોઠવવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ.
“ક્યાં સુધી આમ ગભરાયેલાં રહીને જીવી શકાશે? કામ કર્યા વગર છૂટકો નથી. કામ કરીશું તો કદાચેય સર્વાઇવ થઈ શકીશું. એવી માનસિકતા કેળવાતી જાય છે. માંડ બેઠા થવાનો પ્રયાસ કરવા મથીએ છીએ અને ફરી પાછા પડીએ છીએ.”
“જન્મ્યા છીએ તો એક દિવસ મરવાનુંય છે જ, તો પછી આમ ડરી ડરીને ક્યાં સુધી જાતને કોચલાંમાં બંધ રાખી શકાય?”
આવી એક નહીં અનેક જાતની વાતો રોજ રોજ સાંભળવા મળે છે.
ઘરમાં કોઈ એકને કોવિડ થયો હોય તો બીજી વ્યક્તિને એનાથી સતત દૂર રહેવાનું કહેવામાં આવે છે અને જાત સલામતી માટે એ જરૂરી પણ છે એટલે એમ કર્યા વગર છૂટકોય નથી.
આવા સંજોગોમાં આજે સાવ જુદી વાત, જુદો રણકો સાંભળવા મળ્યો.
એક મિત્રનું કોવિડમાં અવસાન થયું.
સાવ નાનપણથી સાથે રમેલા એવા એ મિત્રને અમેરિકા આવ્યાં પછી મળવાનું ઘણું ઓછું થઈ ગયું હતું. જો કે કેટલાક સંબંધ એવા છે જે ન મળવાથી તૂટતા નથી. જ્યારે મળીએ ત્યારે એ જ આત્મિયતાનો ભાવ બંને પક્ષે અનુભવાય.
એમના પત્ની સાથે વાત કરી. હંમેશા સાંભળતાં આવ્યા છીએ એ, ‘ઈશ્વરેચ્છા બલીયસી કે પછી ઈશ્વર જે કરે એ સારા માટે જ કરે છે. એવા ભાવનો રણકો એમનાં અવાજમાં હતો.
કારણ માત્ર એટલું કે પહેલાં પતિને અને એમના લીધે પત્નીને પણ કોવિડ થયો. બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. નસીબે બંને એક જ રૂમમાં હતાં. લગભગ ચૌદ દિવસ સુધી બંને ટ્રીટમેન્ટ અપાઈ.
પતિને તો કોવિડ થયો એ પહેલા બીજી અન્ય શારીરિક સમસ્યાઓ હતી એટલે કોવિડ સામે ઝાઝી ઝીંક ન ઝીલી શક્યા અને ચૌદ દિવસ પછી પત્નીની નજર સામે જ વિદાય લીધી.
આ કેવી વસમી વિદાય હશે? રૂમમાં ફક્ત પતિ અને પત્ની. પળે પળે પતિના કથળતા જતા સ્વાસ્થ્ય સામે કશું જ ન કરી શકવાની લાચારીમાં એ ચૌદ દિવસ કેવા પસાર થયા હશે એની કલ્પના કરવી કપરી હતી ત્યારે પત્નીના અવાજમાં જે સંતોષ છલકાતો હતો એ સાંભળીને આશ્ચર્ય થયું.
“કોવિડ થાય એવું કોઈ ના ઇચ્છે, પણ ઈશ્વરનો આભાર કે મહેશની સાથે મને પણ કોવિડ થયો. મહેશ માટે કશું કરવાની મારામાં તાકાત નહોતી પણ એના અંતિમ સમય સુધી સાથે તો રહી શકી. કેટલાય લોકો એવા છે, જેમને કોવિડ થયો હોય અને હોસ્પિટલમાં દાખલ કર્યા હોય એ પછી કુટુંબમાંથી કોઈ એમને જોઈ-મળી શક્યા નથી. કોવિડ પેશન્ટના અવસાન પછી કુટુંબના સભ્યોને માત્ર સમાચાર જ મળે અને એ પેશન્ટની અંતિમક્રિયા પણ બારોબાર થઈ જાય એવું ય સાંભળ્યું જ છે ને?
“જ્યારે મહેશના અંતિમ શ્વાસ સુધી હું એની સાથે રહી શકી. એના છેલ્લા શ્વાસ સુધી એ મારી સામે જોઈ રહ્યો હતો, મને કોવિડ ન થયો હોત તો એને હું જોવા પણ ના પામી શકત. ભગવાને મારી સાથે જે કર્યુ એ ઠીક જ કર્યું.
“બધું જ આપણું ધાર્યું નથી થતું. જે થવાનું હોય એ થઈને જ રહે છે. રોજ મેં ઠાકોરજીની સેવા કરી છે અને હંમેશા એમ જ વિચાર્યુ છે કે તું રાખીશ એમ રહીશ. હવે ઠાકોરજીએ જે નિયતી ઘડી એનો સ્વીકાર જ હોય ને? પણ સાચું કહું છું કે મહેશની છેલ્લી પળો સુધી મને એની સાથે રહેવા મળ્યું એનો મને સંતોષ છે. ઠાકોરજીના આશીર્વાદ હતા અને સાથ હતો ત્યાં સુધી સાથે રહ્યાં. હવે આત્માને ઠાકોરજીનો સાથ, ઠાકોરજીનું શરણ એમ માનીને એમની મરજી માથે ચઢાવીને સમય પસાર કરું છું. આખો ભોજનથાળ સૌના નસીબમાં ન હોય પણ જે મળ્યું એને પ્રસાદ ગણી લીધો છે.”
કહેવું અને સહેવું, એ બંનેમાં ઘણો ફરક છે. લખીએ ત્યારે બારાખડીના ક થી શરૂ કરીને ત્રીસ શબ્દો વટાવીએ ત્યારે સ સુધી પહોંચાય છે ત્યારે પત્નીના એટલે કે દક્ષાના અવાજમાં ક્યાંય કોઈ કકળાટ નહોતો. ક્યાંય કોઈ ફરિયાદ નહોતી. એની સાથે વાત પૂરી થઈ અને મને યાદ આવી મીરાંની તટસ્થતા,
કોઈ દિન ખાજા ન કોઈ દિન લાડુ,
કોઈ દિન ફાકામફાકા જી……
કરના ફકીરી ફિર ક્યા દિલગીરી,
સદા મગન મૈ રહેના જી…
મીરાં કહે પ્રભુ ગીરીધર નાગર,
આંન પડે સૌ સહેના જી.
અસ્તુ
રાજુલ કૌશિક
Entry filed under: વાત એક નાનકડી, Rajul.
Recent Comments