વાત એક નાનકડી-૧૦ – મૂર્છિત સંવેદના
-કીવ ઉપર ભીષણ હુમલાની તૈયારી
-યુક્રેન યુદ્ધ – ભારત માટે આગળ કૂવો , પાછળ ખાઈ
-યુક્રેનની સરહદ પર રશિયાના ૧.૩૦ લાખ સૈનિકોનો ખડકલો
-રશિયા-યુક્રેન યુદ્ધની આશંકા વચ્ચે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાએ પરમાણુ યુદ્ધની પ્રેક્ટિસ શરૂ કરી.
-સમાચારોમાં ફરી એક વાર યુદ્ધે પગદંડો જમાવ્યો છે. અખબાર હાથમાં આવે અને એની સાથે હેડલાઇનોમાં વિધ્વંસક સમાચારથી કાંપી જવાય છે.
કોવિડના સકંજામાંથી માંડ મુક્તિ મળશે એવી આશા બંધાય એ પહેલાં ચોમેર યુદ્ધના ડાકલાં વાગવાં માંડ્યાં છે.
યુદ્ધ તો સદીઓથી માણસજાત સામે તોળાતું જ રહ્યું છે. વાત આજકાલની ક્યાં છે? દેવ-દાનવથી માંડીને રામાયણ, મહાભારતના યુદ્ધની કથા અને એ પછી પણ વેરાયેલા વિનાશની વ્યથાથી ક્યાં કોઈ અજાણ છે?
કોની જીત, કોની હાર, કોના હાથમાં શું આવ્યું ? અને જેની જીત થઈ એવા પાંડવોએ શું ગુમાવ્યું એનો ચિતાર અને વિચાર આજે પણ મનને વ્યથિત કરી દે છે.
બીજા અનેક યુદ્ધો, એ ઉપરાંત સતત ચાર વર્ષ ચાલેલું પ્રથમ વિશ્વ યુદ્ધ, છ વર્ષ સુધી કેર વર્તાવતું બીજું વિશ્વ યુદ્ધ. એ યુદ્ધ દરમ્યાન હિરોશીમા અને નાગાસાકી પર ઝીંકાયેલા અણુબોંબ અને એનાથી સર્જાયેલી તારાજી હજુ ક્યાં ભૂલાઈ છે?
એ પછી પણ જમીન,ધર્મ, સત્તા- રાજકારણ અને ન્યાયના નામે અનેક યુદ્ધો ખેલાયાં અને કેટલાયની જાનહાની થતી રહી.
હતાશા, વેદનાથી વધીને શું મળશે? જે મળશે એ કેવા અને કોના ભોગે? જો કે યુદ્ધ છેડનારના મનમાં આવા વિચાર કે સંવેદના હશે કે કેમ? સ્વ રક્ષણ માટે હાથ ઉગામવો પડે એ અલગ વાત પણ રાજકારણીઓ દ્વારા અપાતા So called કારણોને લઈને જે ખુવારી થઈ રહી છે ત્યારે યાદ આવી ગઈ ઘરમાં જ બનેલી એક ઘટના.
વાત જાણે એમ છે કે, હવે તો બધે જ બાળકોના જન્મદિનની ઉજવણી થાય ત્યારે મહેમાન તરીકે બોલાવામાં આવેલાં બાળકોને રિટર્ન ગિફ્ટ આપવાનો રિવાજ છે.
એવા જ એક જન્મદિનની રિટર્ન ગિફ્ટમાં બે નાના પાણી ભરેલા જારમાં આપણી તર્જની જેટલી લંબાઈની એક એક એવી બે માછલીઓ મહેમાન બનીને અમારા ઘરમાં આવી. આવી રિટર્ન ગિફ્ટ આપવા પાછળનો યજમાનનો આશય એવો હતો કે, ઘરમાં નાના જીવને રમતા જોઈને બાળકોને આનંદ થાય અને સાથે એમની સંભાળ લેવાની જવાબદારી પણ આ બધા પાંચ-સાત વર્ષના બાળકો શીખે.
આમ તો આ કોઈ પણ નાનાં કે મોટાં ઍક્વેરિયમમાં માછલીઓને સમૂહમાં એક સાથે રાખેલી જ જોઈ છે. પણ આ રિટર્ન ગિફ્ટમાં આવેલી માછલીઓની પ્રકૃત્તિ લડાકુ હોવાથી બંનેને અલગ અલગ જારમાં રાખવાની યજમાન તરફથી અમને ભલામણ કરવામાં આવી હતી.
એક માછલી હતી સરસ મઝાના ચમકતા લાલ રંગની. એનું નામ પાડ્યું ટાઇગર. બીજી એવી જ ચમકતા બ્લૂ રંગની, એનું નામ પાડ્યું ગુસ્તોવ.
રોજ સવારે રાઈ જેટલા નાના બે દાણા એ માછલીઓને આપવાના. દર અઠવાડિયે જારનું પાણી બદલવાનું. માછલીઓની સંવેદના કે પ્રકૃતિની આપણને જાણ નથી છતાં માનવસહજ આપણી પ્રકૃતિથી પ્રેરાઈને બંને જાર સામસામે ગોઠવ્યા જેથી માછલીઓને સતત એક બીજાની હાજરીનો અનુભવ રહ્યા કરે.
ભલે જાર નાનકડા હતા પણ એટલામાંય રાજી રહીને બંને માછલીઓ તર્યા કરતી. કદાચ આ જ એમનું પોતાનું સામ્રાજ્ય હશે એમ માનીને મહારાજા અને મહારાણીનો વૈભવ માણતી હોય એમ એમાં ફર્યા કરતી.
લાંબા સમય સુધી બધું વ્યવસ્થિત ચાલતું રહ્યું. પણ એક દિવસ પાણી બદલવા જતાં એક જારની માછલી સિંકમાં સરકી પડી. ત્વરાથી એને લઈને જારના પાણીમાં પાછી મૂકવાની મથામણ કરી પણ સિંકમાં અડધી સરકી ગયેલી માછલીને પાછી જારના પાણીમાં મૂકીએ ત્યાં સુધીમાં એનું પ્રાણ પંખેરું ઊડી ગયું.
અજાણતાં જે ભૂલ થઈ એની સજા એ નાનકડા જીવને થઈ એનો શોક આખા દિવસ સુધી ઘરમાં સૌના મન પર છવાયેલો રહ્યો. આજે પણ એ ક્ષણ યાદ આવે છે ને અત્યંત ખેદ થાય છે. એ દિવસે પણ ખાલી પડેલો જાર કાઢતાં જાણે કોઈને અંતિમ વિદાય અપાતી હોય એવું દુઃખ થયું. વળતી સવારે ઊઠીને નજર ગઈ તો બીજી માછલી એના જારના પાણીમાં નિર્જીવતાથી સ્થિર હતી.
અરેરાટી છૂટી ગઈ.
બંનેમાંથી એકને પણ શોખથી તો લાવ્યા જ નહોતાં પણ આવ્યા પછી એ બે નિર્દોષ જીવનું જતન કરવાની જવાબદારી તો આપણી છે એ સ્વાભાવિક વાત સમજી લીધી હતી અને સમય જતા પોતાની મસ્તીમાં મોજથી તર્યા કરતા એ ટાઇગર અને ગુસ્તોવ ઘરના નાનાકડા સદસ્ય બની ગયા હતા. જાણે એમની હાજરીથી એ જગ્યા જીવંત લાગતી. તરવરાટથી ટહેલતા એ બંનેને જોવા ગમતાં હતાં.
આ ઘટના આપણા માટે દુઃખ કે શોકની હોય એ સાવ સ્વાભાવિક છે પણ વધુ અસ્વાભાવિક વાત તો એ હતી કે બંને માછલીઓની પ્રકૃતિ લડાકુ હતી છતાં એકની ગેરહાજરી બીજી માટે જીવલેણ સાબિત થઈ.
આગળ કહ્યું એમ અમને માછલીઓની સંવેદનાની ઝાઝી જાણ નહોતી પણ એટલું તો સમજાયું કે સતત નજર સામે રહેતા એક જીવને ગુમાવ્યાની વેદના લડાકુ હોવા છતાં બીજી માછલી સુધી પહોંચી તો નિર્દયતાથી માનજાતનો સંહાર કરતા અન્ય માનવોના દિલમાં એક કસક સુદ્ધાં નહી ઊઠતી હોય ? સંવેદનાઓ જડ કે મૂર્છિત થતી જાય છે કે પછી માનવમાં માનવતા જ રહી નહીં હોય?
અને ત્યારે કવિ શ્રી સુંદરમ્ લિખિત પંક્તિઓ યાદ આવે અને થાય કે માનવી માનવ થાય તો ય ઘણું.
અસ્તુ
રાજુલ કૌશિક
Entry filed under: Rajul.
Recent Comments