એષા ખુલ્લી કિતાબ-પ્રસ્તાવના
March 20, 2022 at 6:40 pm 3 comments
મિત્રો ‘વાત એક નાનકડી’ લઈને દર રવિવારે હું આપને મળતી રહી. આપે ઉમળકાથી નાનકડી વાત વાંચી અને આપના પ્રતિભાવ પણ આપ્યા.
કેટલીય વાતો સાચે જ નાનકડી હોય છે પણ આપણને ક્યાંકને ક્યાંક સ્પર્શતી હોય છે એટલે એ સાવ આપણી જ હોય એવું લાગે.
પણ હવે જે વાત કરવી છે એ નથી મારી, તમારી કે નથી આપણી. છતાં એક એવી વ્યક્તિની જે જ્યારે જેને મળી છે એને એ પોતાની લાગી છે.
એ વહેતાં, ચંચળ ઝરણાંની જેમ મારા જીવનમાં આવી. એ પછી બે કિનારા વચ્ચે વહેતી નદી જેવી સ્થિરતા મેં એનામાં જોઈ. નદીનાં પાણીને સમુદ્રમાં ભળી જઈને ખારાં થતાં સૌએ જાણ્યાં છે. સંસાર સાગરમાં ભળીનેય આજ સુધી એની પ્રકૃતિમાં ખારાશ ભળી નથી.
એની પાસે જે છે એ કોઈ અપેક્ષા વગર સૌને આપતી રહી છે. જે જીવન આજે મળ્યું છે એ જીવી લેવું છે. સ્વ માટે સ્વજન માટે અને સમસ્ત માટે એવું વચન એણે પોતાની જાતને આપ્યું છે.
એ ધાર્મિક જરાય નથી પણ સાચો ધર્મ એ માનવધર્મ છે એમ એ સમજે છે. એનું વલણ આધ્યાત્મિકતા તરફ નહોતું છતાં એની આધ્યાત્મિકઉન્નતિ હું જોઈ રહી છું.
નામ એનું……
ચાલોને એષા જ રાખીએ. એષા એટલે ઇચ્છા. પણ એ ક્યારેય ઇચ્છા અનિચ્છા વચ્ચે અટવાઈ નથી. નસીબમાં જે નિર્માણ થયું છે એને જો બદલી શકવાના ના હોઈએ તો આપણી ઇચ્છા અનિચ્છા પર ઝાઝો વિચાર કેમ કરવાનો? જે સમય, જે સંજોગો છે એને જીરવી અને જીવી લેવાના…
બસ આ સ્વીકાર સાથે એ મોજથી જીવન માણે છે. જીવનચક્ર જેમ ચાલતું રહે એને સમભાવથી જુવે છે. એષા એનું જીવન પૂરેપૂરી નિષ્ઠાથી જીવે છે છતાં ક્યારેક એ સ્વમાંથી અલિપ્ત થઈ શકે છે.
એષા એટલે એક એવી વ્યક્તિ જે ક્યાંય, ક્યારેય બંધાઈને રહી નથી કે નથી એણે કોઈને એના બંધનોમાં જકડ્યા.
આવતી કાલ કોણે દીઠી છે અને ગઈકાલ જે જીવાતા જીવનની ક્ષણોમાંથી ચાલી ગઈ છે અને પાછી નથી આવવાની એવી ક્ષણોને યાદ કરીને કોઈ ફરક નથી પડવાનો એટલે આ ક્ષણ મળી છે એને આ ક્ષણે જ માણી લેવી એની પ્રકૃતિ.
એષાની વાત શરૂ થાય છે ૧૯૭૦ના સમયથી.
બસ એ જ અરસામાં એષાને પહેલીવાર મળવાનું થયું. મળવાનું થયું ત્યારે તો એ રોજેરોજની ઘટના. કોઈ એક દિવસ પણ એવો નહોતો કે એષાને મળ્યાં વગરનો પસાર થયો હોય.
પણ રોજેરોજના ઘટનાક્રમનેય ઈશ્વર ક્યાં રોજે રિપીટ કરે છે? એક સમય એવો આવ્યો કે જ્યારે આ રોજ મળવાની ઘટનાનો સમય લંબાતો ગયો. ક્યારેક બે-ચાર કે છ મહિનાથી માંડીને વરસ સુધી લંબાતો છતાં કેટલીયવાર ન મળવાં છતાં સતત એ મને અને હું એને મળતી રહી.
ઘરના સામાન સાથે આમતેમ ફરતા રહેતા ખાનાબદોશની જેમ એષા સંબંધોનાં, માયાનાં પોટલાં ઊંચકીને એક શહેરથી બીજા શહેર ઘૂમતી રહી. થોડી સ્થાયી થાય ત્યાં નિયતીનું વરદાન હોય એમ વળી એ શહેર, એ સ્થળની માયાને સંકેલીને બીજે પ્રસ્થાન કરવાના સંજોગો ઊભા થતા.
કોઈ રાવ વગર એ સંજોગોનો સ્વીકાર કરી લેતાં મેં એને જોઈ છે.
એષા મારાથી દૂર રહેવા છતાં ક્યારેય મારાં મનથી દૂર થઈ જ નથી. કેટલાય દિવસો સુધી વાત ન થઈ હોય અને જે દિવસે એનો વિચાર આવે અને એ સદેહે આવીને મળી જ હોય કે પછી ફોનથી રણકી જ હોય.
ટેલિપથી માટે સાંભળ્યું હોય પણ એષા સાથે તો જાણે વિચારોનો કોઈ અદૃશ્ય તાર જોડાયેલો હોય એમ સતત અનુભવ્યું છે.
કોણ જાણે કેમ પણ થોડા સમય પહેલા મનમાં સતત એષાના વિચારો ઘોળાયા કરતા. એવું લાગતું કે એષા ઠીક નથી અને સાચે જ ફોન પર વાત થઈ તો એમ જ હતું.
હમણાંની જ વાત છે. ત્રણ દિવસથી એવું લાગતું કે એષા અહીં જ છે. અહીં જ ક્યાંક મારી આસપાસ અને સાચે જ એનો ફોન આવ્યો કે એ અમેરિકા આવી છે.
હવે આને તો ટેલિપથી કહું કે બીજું શું ?
આ તો વાત થઈ મારી અને એષાની. પણ હવે વાત કરવી છે એ એષાની જે પ્રેમ અને વ્યવહાર વચ્ચે તાલમેલ સાચવતી રહી. એષાની એવી સંવેદનશીલ કથા જેમાં એ સામાન્ય લાગતાં, સરળતાથી વહી જતાં જીવનની સામે ઊતરી આવેલા મૃત્યુના ઓળા સામે ઝઝૂમી.
એષાના જીવનની સત્યકથાના પાત્રો પહેલેથી મારી એટલે કે રાજુલ કૌશિક (બૉસ્ટન-અમેરિકા) અને શ્રી વિજય શાહ( હ્યુસ્ટન-અમેરિકા) વચ્ચે વહેંચાયેલા છે.
આ લઘુ નવલકથા શરૂ કરતાં પહેલા મારા સહ-લેખક શ્રી વિજયભાઈ શાહનો છેલ્લા કેટલાક સમયથી સંપર્ક કરવા મથી છું. લાંબા અરસાથી એ સાહિત્યિક પ્રવૃત્તિથી વિમુખ થઈ ગયા હોય એમ કોઈને મળતા નથી. આ લઘુ નવલકથા આપ સૌ સુધી પહોંચે એમાં સાવ સરળ પ્રકૃતિના વિજયભાઈની સંમતિ હશે એમ માનીને એમનો આગોતરો આભાર માની લઉં છું .
તો આવો મિત્રો આવતાં અઠવાડિયાથી મળીએ એ એષા જેને હું અને વિજયભાઈ ઓળખીએ છીએ અને જેને એષા ઓળખે છે એવા ડૉ. રોહીતને -‘એષા ખુલ્લી કિતાબ’ના પાનાં પર.
Stay tuned
રાજુલ કૌશિક
Entry filed under: એષા ખુલ્લી કિતાબ-, Rajul.
1.
Vimala Gohil | March 21, 2022 at 12:29 pm
“વાત એક નાનકડી” પછી રાહ છે એષા સાથે મુલાકતની ……
LikeLiked by 1 person
2.
Setu | March 22, 2022 at 1:30 am
બહુ સરસ રાજુલબેન…
LikeLiked by 1 person
3.
Rajul Kaushik | March 22, 2022 at 1:22 pm
આભાર.
LikeLike