Archive for January 23, 2022
વાત એક નાનકડી-૪
-જો અને તો’ વચ્ચેની સંભવના –
‘જો અને તો’ વચ્ચેની સંભવના -જીવનમાં અનાયાસે કેટલીક ઘટનાઓ એવી બની જાય અને પછી સમયના સ્તર ચઢતાં જાય એમ એ નામશેષ થઈ જાય. તો કેટલીક ઘટનાની સ્મૃતિઓ ચઢતા જતા સમયના સ્તરની પાછળ ધકેલાતી જાય. વળી પાછી ધરતીનું તળ ફાડીને ફૂટી નીકળતાં ઝરણજળની જેમ માનસપટની સપાટી પર ધસી આવે.
આવું જ કંઈક હમણાં બન્યું. વાત તો ઘણાં વર્ષ પહેલાંની હતી. લગભગ પચાસ-પંચાવન વર્ષ પહેલાનો એ સમય હતો. ત્યારે ઘર સત્તર તાલુકા સોસાયટીમાં. જમણી બાજુ નજર પડે ત્યાં નવજીવન પ્રેસ, ચાલીને જઈ શકાય એટલાં નજીક ગુજરાત વિદ્યાપીઠ લાયબ્રેરી, રેડિયો સ્ટેશન, હાઈ કોર્ટ. જાણે કેવો વટભેર કહી શકાય, રહી શકાય એવો એરિઆ. સાથે ઘરની સામે, સાવ પાસે રેલ્વે ટ્રેક.
દિવસની કેટલીય ટ્રેનો ધડધડાટ કરતી પસાર થઈ જાય. નાનાં હતાં એટલે શરૂઆતમાં તો એ ધડધડ ભકછૂક ભકછૂક કરતી પસાર થતી ટ્રેન કે માલગાડી જોવાનું ગમતુંય ખરું ને રાત્રે બાર વાગ્યે પસાર થતી છેલ્લી ટ્રેનથી તો ઊંઘમાંથી ઝબકીને જાગીય જવાતું. પણ આસ્તેઆસ્તે કાન અને મન ટેવાવા માંડ્યાં. પછી તો રાતની ટ્રેન ક્યારે પસાર થઈ જતી હશે એની નોંધ સુદ્ધાં લેવાની બંધ થઈ એટલી હદે એ અવાજ કોઠે પડવા માંડ્યો.
પણ ક્યારેક એવી દુર્ઘટના બની જતી કે એની છાપ દિવસો સુધી મન પરથી ભુસાતી નહીં. ક્યારેક કોઈ વખાનું માર્યું કે જીવનની કશ્મકશથી હાર્યું આવીને ત્યાંથી તેજ રફ્તારે ધસી આવતી ટ્રેનની આગળ પડતું મૂકતું. તીણી ચિચિયારીના અવાજથી ટ્રેન ઊભી રહી જતી. ટ્રેનની ગતિ સાથે ટ્રેક પર પડતું મૂકેલી વ્યક્તિ થોડે આગળ સુધી ઘસડાતી. ટ્રેનમાંથી લોકો ઉતરી આવતા. શક્ય હોય અને જો શરીરમાં થોડોક અમસ્તો જીવ રહ્યો હોય તો એ વ્યક્તિને બચાવવાની પ્રયાસો થતા.
ઘટના સ્થળ સુધી જવાની હિંમત તો નહોતી જ અને છૂટ પણ નહોતી. સ્વાભિક છે કે ત્યારે નજરે જોનારની વાતો પરથી આગળ શું થયું હશે કે થશે એ જાણવાનું કુતૂહલ અમારા બાળમાનસમાં કૂદકા મારતું.
મોટે ભાગે આવી ઘટના ભરબપોરે કે રાતના અંધકારના ઓળા ઉતરે પછી જ ઘટતી. એ સમયે અવરજવર નહીંવત હોય એટલે જેનો આત્મહત્યા કરવાનો પાક્કો નિર્ધાર હોય એને મોકળાશ મળતી. જો કે આત્મહત્યા કરવામાં જીવવા કરતાં વધારે હિંમત જોઈતી નહીં હોય? એવો વિચાર ત્યારે આવતો પણ ખરો જેનો આજ સુધી જવાબ મળ્યો નથી.
એક દિવસે એવી ગોઝારી ઘટના બની ગઈ કે ચારેકોર એનો હાહાકાર મચ્યો. અખબારમાં એ સમાચારની નોંધ લેવાઈ.
બન્યું એવું કે કોઈ મધ્યમવર્ગી પરિવારના દીકરાએ મેડિકલના છેલ્લા વર્ષની પરીક્ષા આપી હશે. એ દિવસે પરિણામ બહાર પડવાનું હતું. કદાચ પેપરો જોઈએ એટલા સારા નહીં ગયા હોય એટલે પાસ થવાશે કે કેમ, પાસ નહીં થઉં તો મારા ભાવિનું શું? મારા ભાવિ પર જેમનું ભાવિ નિર્ભર છે એ મા-બાપ પર શું વીતશે એના વિચારે એ યુવકે ટ્રેનની નીચે પડતું મૂક્યું. પોલીસે આવીને એના શરીરનો કબજો લીધો ત્યારે એના ખીસ્સામાં મૂકેલી નામ, સરનામાની કાપલી અને માતા-પિતાને લખેલી ચિઠ્ઠી પરથી એની આત્મહત્યા પાછળનું કારણ છતું થયું.
અરેરાટી પ્રસરી ગઈ હતી. જો પરિણામ હાથમાં આવે ત્યાં સુધી એણે થોડી રાહ જોઈ હોત તો? જો એની સમસ્યા અંગે કોઈની સાથે ચર્ચા કરી હોત તો? જો એ ટ્રેક પાસે જતો હશે ત્યારે કોઈની નજરે ચઢ્યો હોત તો? જો ટ્રેન આવે ત્યારે ફાટક બંધ કરવાની જવાબદારી હતી એ શંકરકાકાનું ધ્યાન ગયું હોત તો?
એવું કશું નહીં જ બન્યું હોય અને સંભાવનાના આ જો અને તો વચ્ચે એ યુવક કે જેની આગળ ચિરંજીવ લખાતું એની આગળ સ્વર્ગસ્થ લખાઈ ગયું.
ઘણાં સમય પહેલાં બનેલી એ ઘટના આજે યાદ આવવાનું કારણ?
કારણ આજે એક એવા જ યુવકની વાત વાંચી.રાતના ઓળા પથરાવાની તૈયારી હશે. અંધકારનું વર્ચસ્વ વધતું જતું હશે એવા સમયે શાંત નદીના તટ પાસે બેઠેલા એક વૃદ્ધે એમની પાસેથી અત્યંત ઝડપથી પસાર થતા એક યુવકને જોયો.
અનુભવના આધારે વૃદ્ધ સમજી શક્યા કે આવા શાંત સ્થળે કોઈ જુવે કે રોકે તે પહેલાં એ યુવક આત્મહત્યા કરવાનું નક્કી કરીને આવ્યો હશે.
ઝડપથી નદી તરફ ધસી જતા એ યુવકને વૃદ્ધે બૂમ મારીને કહ્યું,“ઓ ભાઈ, મારે તારું કામ છે. ઘડીક થોભી જા.”
યુવક થોભ્યો. વૃદ્ધે કહ્યું કે,“તારા નિર્ણયને બદલનારો હું કોણ? પણ મને એટલું તો કહેતો જા કે એવું તો તારા જીવનમાં શું બન્યું છે કે તારે આમ જીવનનો અંત આણવો પડે છે?’“
યુવકે કહ્યું કે “હું પરીક્ષામાં નાપાસ થયો છું. જીવન અકારું લાગવા માંડ્યું છે.”
વૃદ્ધે સહાનુભૂતિના સ્વરે કહ્યું, “ વાત તો સાચી. આવું બને તો જીવન અકારું જ લાગે. પણ એટલું વિચાર કે આમ કરવાથી સર્વ દુઃખનો અંત આવી જશે એની કોઈ ખાતરી?”
“હાસ્તો કેમ વળી, ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી.” યુવકે જવાબ આપ્યો.“
“આત્મહત્યા કરવાથી આ જીવવનો અંત આવશે એ વાત સાચી. આ જીવનના દુઃખોમાંથી તારો છૂટકારો થશે એ વાત પણ સાચી. પણ એ પછી તારો ફરી જન્મ થશે. ફરી એકડે એકથી ભણવાનું શરૂ કરવું પડશે, ખરું ને? એની સામે અત્યારે તે જેટલાં ધોરણ પાસ કર્યા છે એ પણ ફરી પાસ કરવા પડશે એનો વિચાર કર્યો ભલા માણસ? એનાં કરતાં અત્યારે જ્યાં અટક્યું છે ત્યાંથી જ તારે આગળ વધવાનો નિર્ણય લે તો? વિચાર કર કે વધુ સરળ શું, અટક્યો છું ત્યાંથી આગળ વધવાનું કે નવેસરથી એકડો ઘૂંટવાનું ?”
વૃદ્ધની વાત સાંભળીને યુવક ઘર ભણી પાછો વળી ગયો.
ઘણાં સમય પહેલાંની એ ભૂતકાળની ઘટના યાદ આવી. ત્યારે સમજાયું નહોતું જે આજે સમજાય છે કે આ જો અને તો શબ્દોની વચ્ચે અથવા એની પેલે પાર એવી કોઈ સંભવના છે જે ક્યારેય કોઈના હાથમાં જ નથી.છતાં આશાના તાંતણે ટકેલા આપણે, એટલે સ્વાભાવિક વિચાર આવે કે “ઈશ્વર કરે ને આ જીવનમરણની સંભાવના જેવા ‘જો અને તો’ ની વચ્ચે પેલા યુવકને મળી ગયેલા વૃદ્ધ જેવું કોઈક આવી જાય.
Recent Comments