વાત એક નાનકડી- ૩
-ધૈર્યની ચાળણી-
એક પરિવારમાં દીકરાનો જન્મ થયો. સાવ સ્વાભાવિક રીતે પરિવારમાં આનંદ છવાઈ ગયો. પણ થોડા જ કલાકોમાં આ આનંદ વ્યથામાં પલટાઈ ગયો, કારણકે એમને જાણ થઈ કે નવજાત બાળકને જન્મજાત મોતિયો છે. બંને મગજ ખામીવાળાં છે. તાળવું, મોઢું અને નાક પણ નથી.
થોડા સમય પહેલા ચિત્રલેખામાં આ વાત વાંચવામાં આવી, મનમાં એક થડકારો થઈ ગયો. એકાદ ક્ષણ તો થયું કે હવે આનાથી વધારે આગળ નહીં વાંચી શકાય. અને ત્યારે એ પરિવારના સદસ્યો વિશે વિચાર આવ્યો કે આવા વજ્રાઘાત જેવા સમાચારથી એમને કેવો આઘાત લાગ્યો હશે? આઘાત એમણે કેવી રીતે જીરવ્યો હશે! આ પડકાર કેવી રીત ઝીલ્યો હશે?
શું થયું હશે એ બાળકનું, એ પરિવારે એને કેવી રીતે સાચવ્યો હશે એ જાણવા આગળ વાંચ્યું તો એ પરિવારના સદસ્યો તરફ આદરભાવ જાગ્યો.
એ પરિવારના મોભી એવા દાદાએ આ બાળકને જેવો આવ્યો છે એવો ઈશ્વરની પ્રસાદી સમજીને સ્વીકારી લીધો. એનો ઉછેર એક યજ્ઞ હોય એમ ધીરજથી હાથ ધર્યો.
આજે એ બાળક વીસ વર્ષની ઉંમરે પહોંચીને સંસ્કૃત વિષય લઈને બી.એ.ના છેલ્લા સેમેસ્ટરમાં છે અને આગળ એમ.એ પણ કરશે. અગામી વર્ષોમાં આ બાળકના જીવનને, સંઘંર્ષને મનોવૈજ્ઞાનિક અને સામાજિક રીતે મૂલવવા સોશિયોલૉજી અને સાઈકોલૉજીના વિષયના એક હિસ્સા તરીકે ભણાવવામાં આવશે.
આ બાળકની વ્યથાની કથા વાંચી અને વાહવાહી મેળવી રહેલા એ યુવકના વર્તમાનની વાતોય વાંચી.
અનેક સર્જરીમાંથી પસાર થયેલા એ બાળકની શારીરિક વેદનાની નહીં, પણ એના વ્યક્તિત્વની, એના વ્યક્તિત્વના ઘડતર પછી જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી એની વાત કરવી છે. એને ૧૦૩ શિલ્ડ, રાષ્ટ્રીય સ્તરે બાળકોને મળતો બાલાશ્રી એવૉર્ડ પણ મળ્યો છે.
યુવકનું નામ છે ઉત્તમ. અને ખરેખર એણે પોતાની જાતને ઉત્તમ સાબિત કરી છે. એ ગીતા જ નહીં, કઠોપનિષદ, કેનોપનિષદ, ઈશાવાસ્યોપનિષદના કોઈપણ શ્લોકનો એક શબ્દ સાંભળીને એ આખો શ્લોક બોલી જાય. એને નારદજીનું ભક્તિસૂત્ર પણ કંઠસ્થ છે. સ્વામી વિવેકાનંદનું વ્યક્તત્વ મોઢે છે.
એ તબલાં, હાર્મોનિયમ, ગાયનમાં વિશારદ છે. બંસરી, એકોર્ડિયન, માઉથ ઑર્ગન પણ વગાડી જાણે છે. ૧૭૦થી વધ ભજન-કિર્તન મોઢે છે. કૉલેજના દરેક વર્ષે એ પ્રથમ ક્રમાંકે પાસ થયો છે.
એને મળેલી આટઆટલી પારંગતતાની પાછળ છે એનો પરિવાર. ડૉક્ટરોએ જ્યારે કહ્યું હશે કે, આ બાળકનું કંઈ નહીં થાય ત્યારે એ સૌના મનને કેટલો આઘાત પહોંચ્યો હશે? કેટલોય વલોપાત થયો હશે? પણ એ સઘળું વિસારે પાડીને ઉત્તમ સાથે ધીરજથી કામ લેવાનું નક્કી થયું. જાણે કે હવામાં બાચકા ભરવા જેવું અશક્ય લાગ્યું હશે. પણ એ પરિવારે સિદ્ધ કરી દીધું કે ધીરજ ધરનાર માટે કશું જ અશક્ય નથી.
ઘણી વાતો એવી વાંચી હોય કે ત્યારે તો એ માત્ર પાનાં પરના શબ્દો પુરતી સીમિત રહી જાય. જ્યારે આવા કોઈ ઉત્તમ કે એની ઉત્તમ પરવરિશ વિશે જાણીએ ત્યારે ઘણાં સમય પહેલાં એ વાંચેલી વાતનો મર્મ સમજાય.
કહે છે કે, “સપનાંની સિદ્ધિ માટે ધીરજ અને ખંતપૂર્વકના પ્રયાસો અનિવાર્ય છે.”
એક પ્રવક્તાના પ્રવચન પછી એમને સવાલ કરવામાં આવ્યો કે, “ગમે એટલી ધીરજ હોય પણ ચાળણીમાં પાણી ભરવું હોય તો ક્યાં સુધી ધીરજ રાખી શકાય કે ધીરજ કેટલી કામમાં આવે?”
જવાબ હતો, “અવશ્ય ભરી શકાય, એક વાર જો એ પાણી બરફ થઈ જાય એટલી વાર રાહ જોવા જેટલી ધીરજ હોય તો ચાળણીમાંય પાણી ભરી શકાય.
ઉત્તમ માટે જ્યારે જે કેડી કંડારવાનું શરૂ કર્યું હશે એ કેડી એક લક્ષ્યાંક સુધી પહોંચે, એ સપનાં સિદ્ધ થાય ત્યાં સુધી ઉત્તમના પરિવારે આદરેલા એ યજ્ઞમાં પ્રેમ અને પુરુષાર્થની આહુતિ આપ્યા કરી હશે. પાણીને ચાળણીમાં ભરવા પાણીનો બરફ થયો ત્યાં સુધી રાહ જોઈ હશે ને?
ક્યારેક વાંચેલા શબ્દો આમ યથાર્થ થતાં જોઈને શબ્દોની સાર્થકતા સમજાય છે.
અસ્તુ
Entry filed under: વાત એક નાનકડી, Rajul.
Recent Comments