Archive for January 18, 2022
વાત એક નાનકડી- ૨
–હૈયે રાખી હામ, ઉજાળીએ આપણું નામ–
જેફરી પ્રેસ્ટન બેઝોસ.
આ નામ થોડું અજાણ્યું લાગ્યું, ખરું ને? ઓકે. ચાલો એ નામ થોડું જાણીતું લાગે એવી રીતે નાનું કરીને વાંચીએ. જો કે નામ નાનું કરવાથી એમનું કામ નાનું નથી થવાનું કે એમના વ્યક્તિત્વની પ્રતિભાય નાની નથી થવાની. પણ વધુ ઓળખ છતી થશે.
આજે ચારેકોર જેની કંપનીની બોલબાલા છે. જેની સફળતાની ગાથા વિશ્વભરમાં ગવાઈ રહી છે એવી વ્યક્તિ એટલે જેફ બેઝોસ. જેનું પૂરું નામ જેફરી પ્રેસ્ટન બેઝોસ.
જેને દૂરંદેશી અથવા દીર્ઘદૃષ્ટિ કહીએ, એ આ વ્યક્તિની મૂળ પ્રકૃતિ. જ્યાં સામાન્ય માણસના વિચારો અટકે, કદાચ ત્યાંથી એના વિચારો શરૂ થાય.
એક ઇન્ટરવ્યુમાં એમણે કહ્યું હતું કે, હું પાંચ વર્ષનો હતો ત્યારથી અવકાશયાત્રાએ જવાનું મારું સપનું હતું. જે એમણે સાકાર કર્યું. ઉદ્યોગપતિ, મીડિયા પ્રોપરાઇટર, ઇન્ટરનેટ ઉદ્યોગપતિથી માંડીને અનેક સફળ બિઝનેસમેન તરીકે જેમની ખ્યાતિ છે એવા જેફ બેઝોસે ૧૯૯૪માં એમોઝોન કંપનીની શરૂઆત સિયેટલના એમના ઘરના ગરાજમાં કરી હતી, જે જોત જોતામાં એ એક નાનકડી જગ્યામાંથી વિશ્વવ્યાપી બની ગઈ.
જેફ બેસોઝની કંપનીઓ અને એમની કમાણીની વાત કરવાનો અહીં આશય નથી. વાત કરવી છે એમની વિચાર શક્તિની, કાર્યક્ષમતાની, ડેડીકેશનની. એમેઝોન કંપની શરૂ કરી ત્યારે એમણે જાતે પુસ્તકો પેક કર્યા છે. અને આપણે જોઈએ, જાણીએ છીએ વર્તમાનમાં અનેક ક્ષેત્ર સુધી આ એમેઝોન કંપની વ્યાપી છે.
એક સમય હતો જ્યારે એ નોકરી કરતા હતા. પણ અંદરની ધગશ કંઈક જુદું જ કરવા પ્રેરતી હતી. સપના પૂરા કરવા નોકરીને તિલાંજલિ આપી દીધી. તે સમયે સપના પૂરા થશે કે કેમ, એની મનમાં નિશ્ચિતતા નહીં હોય. પણ એક વાત મનમાં નિશ્ચિત હતી કે, સપના પૂરા કરવા પ્રયાસ તો કરવો જ છે. પ્રયાસ નિષ્ફળ જશે એનો અફસોસ નહીં થાય પણ, પ્રયાસ પણ ન કર્યો હોત તો એનો અફસોસ હંમેશા રહી જાત.
નામ ગણાવા બેસીએ આપણા ભારતના સન્માનીય ઉદ્યોગપતિથી માંડીને વિશ્વભરના અનેક ઉદ્યોગપતિના લઈ શકાય. એ સૌ દીર્ઘદૃષ્ટા જ હશે ત્યારે વિશ્વવ્યાપી નામના પામ્યા છે.
પણ આજે આ એક જ વ્યક્તિનું નામ યાદ આવવાનુંય એક કારણ તો છે જ. વર્તમાનમાં વિશ્વ આખાને ભરડામાં લઈ બેઠેલા કોવિડના સમયમાં લોકમાનસ કે લોકજીભે સૌથી વધારે રમતું નામ એમેઝોનનું છે.
સાવ ઘરમાં જ પૂરાઈ રહેવાના દિવસો આવ્યા ત્યારે જીવન જરૂરિયાત માટે સૌથી મોટો આશરો હતો એમેઝોનનો. અમેરિકા જ નહીં દેશ-વિદેશમાં નાનામાં નાની ચીજની ડિલિવરી માટે ઘેર ઘેર અમેઝોન ડિલિવરી વાન પહોંચી છે. એટલું જ નહીં જીવન ઉપયોગી તમામ ચીજો માટે ય આજે એમેઝોન યાદ આવે એવી પરિસ્થિતિ ફરી ઊભી થવા માંડી છે. ઇન્સ્ટાકાર્ટ અને એમેઝોનની સર્વિસ થકી છેલ્લાં બે વર્ષથી આપણને ઘણી સગવડ અને સલામાતી મળી છે.
આ નેટવર્ક કંઈ રાતોરાત તો ઊભું નહીં થયું હોય ને?
ત્યારે વિચાર આવ્યો કે બેઝોસે જ્યારે પણ નવી શરૂઆત કરી હશે, સાહસનાં પગરણ માંડ્યા હશે ત્યારે મનમાં કોઈ ચોક્ક્સ દિશા કે ધ્યેય હશે? એમના મનમાં સફળતા અંગે કોઈ અવઢવ રહી હશે ખરી? કયા બળ કે બુદ્ધિના સહારે આવા સાહસો ખેડ્યાં હશે?
આવા સાહસિકો એવું વિચારતા હશે ખરા કે,” જો હું ચાલવાનું શરૂ કરીશ તો નિશ્ચિત લક્ષ્યાંક સુધી પહોંચવાની શક્યતા રહેશે. પહોંચાશે કે નહીં એના ભયથી વિચાર્યા કરીશ કે ચાલવાનું ટાળ્યા કરીશ તો કશે નહીં પહોંચું.”
ક્યારેક એવું બને કે મનના કેટલાક અટપટા સવાલોના જવાબ અનાયાસે મળી જાય. આજે એવું જ બન્યું. મારા મનના આવા સવાલોના જવાબરૂપે જ જાણે આજે એક વાત વાંચવામાં આવી.
*****
પહાડી પ્રદેશના તીર્થસ્થાનની તળેટીએ એક માણસની દુકાન હતી. દર્શને જતા યાત્રીઓને ભગવાનને ચરણે ધરવાના જે સામાનની જરૂર પડે એ આ દુકાને મળી રહેતો.
એક દિવસ એ દુકાનદારને વિચાર આવ્યો કે આટલા બધા યાત્રીઓ દેવ દર્શને જાય છે એમ હું પણ આજે નહીં તો કાલે દેવ દર્શને જઈશ ખરો. વર્ષો પસાર થઈ ગયા અને એ દુકાનદારની વય પણ વધી ગઈ. યુવાનીમાંથી પ્રૌઢાવસ્થા અને પ્રૌઢાવસ્થામાંથી વૃદ્ધાવસ્થા સુધી પહોંચવાનો સમય આવ્યો ત્યારે એ સફાળો જાગ્યો. દર્શને જવાનો નિરધાર કરીને એ નીકળ્યો. ઉંમરના લીધે ગતિ ઘટતી ગઈ હતી. સવારનો નીકળેલો, રાત પડવા આવી. જો કે સંપૂર્ણ તૈયારી સાથે એ નીકળ્યો હતો. ફાનસ પેટાવીને ચાલવાનું શરૂ કર્યું. પણ મનમાં અનિશ્ચિતતા હતી કે આ ફાનસના અજવાળે છેક ઉપર સુધી કેવી રીતે પહોંચાશે?
એટલામાં બીજો એક પ્રવાસી ત્યાંથી પસાર થયો. એના હાથમાંય ફાનસ હતું. આમ અધવચ્ચે ઊભેલા યાત્રીને જોઈને એણે પૂછ્યું,
“કાં વડીલ, આમ અટકીને કાં ઊભા રહી ગયા?”
“ભાઈ, વિચારું છું કે ફાનસના આટલા અજવાળામાં આ અંધારપટ શે કપાશે?”
“બસ આટલી જ વાત ! અંધકાર તો ત્યાં છે જ્યાં ફાનસનું અજવાળું નથી પહોંચતું. પણ તમે જેટલાં ડગલાં આગળ હાલશો એમ એટલાં ડગલાં ફાનસનું અજવાળુંય આગળ હાલવાનું કે નહીં?”
અને પેલા વયસ્કના મનમાંય અજવાસ ફેલાઈ ગયો.
વાત નાનકડી પણ કેવી મઝાની?
એમેઝોન કંપનીના સ્થાપક જેવી અનેક સફળ વ્યક્તિઓ છે, જેમણે આમ હૈયે હામ લઈને ડગલાં ભરવાની શરૂઆત કરી ત્યારે સફળતાની ટોચે પહોંચ્યા હશે.
આપણાંય હાથમાં હામનું ફાનસ છે તો આગળ માર્ગ તો દેખાવાનો જ છે.
Recent Comments