-વાત એક નાનકડી- ૧
January 2, 2022 at 10:59 am 1 comment
– સપનાનું આકાશ-
૨૦૨૨નાં શરૂ થતાં નવા વર્ષની સૌને શુભેચ્છા. હિંદુ પંચાગની તિથિથી શરૂ થાય કે અંગ્રેજી કેલેન્ડરની તારીખથી, નવું વર્ષ હંમેશા સૌના જીવનમાં નવી આશા, અનેરો ઉમંગ લઈને જ આવે. ચાલો , મનમાં કંઈક નવું કરવાની, નવી સિદ્ધિઓ પામવાનાં સપનાં સાથે શરૂ થતાં આ વર્ષને એટલા જ ઉમંગભેર આવકારીએ.૨૦૨૧ના વર્ષમાં ન્યૂઝ ઓફ ગાંધીનગર- જન ફરિયાદમાં ‘સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ’ લેખમાળાને વાચકોને દિલથી આવકારી. સ્નેહભર્યો પ્રતિસાદ આપ્યો એ માટે આપ સૌનો આભાર.
આ વખતે સૌને મળવું છે, બસ સાવ નાનકડી અમથી વાત લઈને. ક્યાંક ગમી ગયેલી, સ્પર્શી ગયેલી ક્ષણોની વાત લઈને.
દિલ યે છોટા સા. છોટી સી આશા…..પણ ખરેખર વિચારીએ તો સપનાં નાનાં કે મોટાં નથી હોતાં. સપનાંય આપણાં અને સિદ્ધિય આપણી. જે મારી પાસે છે એ જ મારી સાથે રહેવાનું છે. આ કોઈ ભૌતિક ચીજ-વસ્તુઓની વાત નથી. આ મારું એટલે કાર્ય સિદ્ધિ પ્રાપ્ત કરવા માટેનો મારો આત્મવિશ્વાસ, જવાબદારી લેવાની મારી હિંમત. શૂન્યમાંથી સર્જન કરવાની ક્ષમતા.
હમણાં થોડા દિવસ પહેલાં કૌન બનેગા કરોડપતિનો ૧,૦૦૦મો ઍપિસૉડ જોયો. સતત એકવીસ વર્ષથી માંડીને આજ સુધી સફળ રહેલા આ શૉનો ગ્રાફ જોઈએ તો સર્વાનુમતે એક ચૂકાદો તો આપી જ શકાય કે આજે આટલા વર્ષો દરમ્યાન અમિતાભ બચ્ચન જેવી લોકપ્રિયતા ભાગ્યેજ કોઈએ પ્રાપ્ત કરી હશે.
એક સમય હતો જ્યારે તેઓ સફળતાની ટોચે પહોંચ્યા હતા. અને એ પછી સતત એમની સફળતાનો ગ્રાફ નીચો ઊતરતો જતો હતો પરંતુ આજે ફરી એ સફળતા અને લોકપ્રિયતાની ટોચે પહોંચી શક્યા છે એમાં એમની મહેનતની સાથે આત્મવિશ્વાસ જ કામ કરી ગયો છે. ત્યારે એમણે જાતને કહ્યું હશે કે,
“તું ઘણી મજબૂત અને ઘાતક હોઈ શકે ‘નિષ્ફળતા’
પણ મનોબળને મારા તોડી શકે એવી તારામાં ધાર નથી,
ઘણું મેળવ્યું છે મેં આ જિંદગીની કસોટીઓ માંથી તું ખુશ ના થતી ..
કારણ કે આ મારી હાર નથી.”
નિષ્ફળતા અને હાર સામે મનોબળ ટકાવીને ફરી એક ઊંચાઈને આંબવાની વાત”
અને એ શો જોતાં જોતાં, મુલ્લા નસરુદ્દીનના જીવનની એક વાત યાદ આવી.
મુલ્લા નસરુદ્દીન હતા તો સૂફી સંત પણ, એમની વાતોમાં સાવ સહજતાથી મર્મની સાથે હળવો મજાકનો સૂર રીતે ભળી જતો. હવે બન્યું એવું કે મુલ્લા એક જૂતાંની દુકાનમાં ગયા. જુદા જુદા જૂતાં પહેરી જોયાં પણ માપનાં જૂતાં ન મળ્યાં કારણકે મુલ્લાજીના પગનો પંજો સાધારણ સાઈઝ કરતા જુદો પડતો હતો.
દુકાનદારના અનેક પ્રયત્નો છતાં કોઈ રીતે મુલ્લાજીના જૂતાંનું ઠેકાણું પડ્યું નહીં.
મુલ્લાજી રસ્તો કાઢ્યો. દુકાનદારને પૂછ્યું, “ભાઈ તારી પાસે ચામડું છે?”
“હા છે.” દુકાનદારે કહ્યું.
“ખીલી અને સોય?” મુલ્લાજીએ પૂછ્યું.
“હાસ્તો, એ તો હોય જ ને?” દુકાનદારને આ સવાલો સમજાતા નહોતા, છતાં ધીરજથી જવાબ આપ્યો.
“તો પછી સમસ્યા શું છે? લે મારા પગનું માપ અને સીવવા માંડ જૂતાં. વાત પૂરી કર.”
મુલ્લાએ સમસ્યાનો ત્વરિત ઉકેલ આણી દીધો.વાત છે સમસ્યામાંથી બહાર આવવાની. જે પાસે હાજર છે એને હાથો કે હથિયાર બનાવીને જંગ જીતવાની. અમિતાભ બચ્ચન પાસે એક સમય હતો કે જ્યારે એ સતત નિષ્ફળતાનો સામનો કરી રહ્યા હતા, ત્યારેય એમનામાં આત્મવિશ્વાસ, હિંમત, જવાબદારીની ભાવના તો હતી જ. સાથે મિષ્ટભાષા, શિષ્ટ વર્તન.કદાચ આ બધું સૌમાં હશે જ. પોત પોતાનું આકાશ શોધવાની ઇચ્છા અને હક દરેકને હોય પણ એના માટે દોડવાની હિંમત જોઈએ. સમયની સ્પીડને અતિક્રમીને આગળ નથી વધી શકાતું પરંતુ સમય સાથે તાલ મેળવવાનો સંનિષ્ઠ પ્રયાસ તો કરી જ શકાય છે ને? એના માટે જોઈએ છે હિંમત, ધૈર્ય અને ધગશ.સફળતાનું આકાશ આંબવાની હિંમત, ધૈર્ય અને ધગશ ઈશ્વર સૌને આપે એવી નવા વર્ષની પ્રાર્થના.મળતા રહીશું.
Entry filed under: વાત એક નાનકડી, Rajul.
1.
Dr Induben Shah | January 7, 2022 at 2:06 pm
સાચી વાત રાજુલ બહેન, અભિતાભ બચ્ચનનો ઉત્સાહ અને આત્મવિશ્વાસે જ એને
સફ્ળતાની ટોચ અપાવી છે.
LikeLiked by 1 person