Archive for January, 2022
વાત એક નાનકડી-૫
ભયનો ઓથાર
વર્ષ તો અત્યારે ચોક્કસ યાદ નથી પણ એ ઘટના બની હશે આશરે ૩૦ વર્ષ પહેલાંની. અમદાવાદના બે પરિવાર, બે કાર લઈને મુંબઈ અને મુંબઈથી માથેરાન જવા નીકળ્યાં.
ઉનાળાના લાંબા દિવસો. અતિ પ્રસન્નતાપૂર્વક એમના પ્રવાસનો આરંભ થયો. મઝાથી મુંબઈ ફરીને માથેરાન જવા નીકળ્યાં.
માથેરાનનો અર્થ થાય છે -ટોચ પર આવેલ જંગલ-
માથેરાનનું કુદરતી સૌંદર્ય અકબંધ રહે એ હેતુથી સહ્યાદ્રી પર્વતમાળાના આ ટોચ પર આવેલ જંગલ સુધી પહોંચવા માટે અમુક હદ સુધી જ વાહનને પ્રવેશ છે.
આમ તો નેરળથી માથેરાન જવા ટ્રેનની પણ સગવડ તો છે જ. તળેટીથી ટોચ સુધી પહોંચવું હોય તો ૮ કિ.મીનો માર્ગ આશરે અઢી કલાકે તય થાય.
તળેટીથી ટોચ સુધી પહોંચવા બે કાર લઈને નીકળેલા એ પરિવારની માથેરાન તરફની સફર શરૂ થઈ. આરંભે તો માથેરાનની પર્વતમાળાનાં ચઢાણ આસાન હતાં. શરૂઆત તો ખૂ…બ મઝાની હતી. આસપાસનું નૈસર્ગિક સૌંદર્ય માણવાની એ ક્ષણો હતી. હજુ સુધી તો સૌ પોતાની મસ્તીમાં, આનંદપૂર્વક આગળ વધી રહ્યાં હતાં.
ખાસ્સા ઉપર સુધી પહોંચ્યાં પછી થોડાં કપરાં ચઢાણ શરૂ થયાં. બંને કારમાં પતિ-પત્ની અને બે બાળકોનો પરિવાર હતો. ધીમે ધીમે કપરાં ચઢાણ શરૂ થતાં કારમાં બેઠેલાં સૌના પ્રસન્ન ચહેરા પર પરેશાનીના ભાવ છવાવા માંડ્યા. સૌથી વધુ માનસિક દબાણ તો કાર ચાલકો અનુભવી રહ્યા હતા, સ્વાભાવિક છે. કારમાં બેઠેલી પત્નિ અને બાળકોની એમને પૂરેપૂરી પરવા હતી. કારમાં પણ ચુપકીદી પ્રસરવા માંડી હતી. ધીમે ધીમે જેમ ચઢાણ કપરું બનતું ચાલ્યું એમ હૃદયના ધડકારા પણ તેજ થવા માંડ્યા હશે.
એવામાં એક એવો વળાંક આવ્યો જેનું ચઢાણ જરાય સરળ નહોતું. પર્વતમાળાનાં એક ઊંચા ખડકના લીધે જેને શાર્પ યુ ટર્ન કહીએ એવા એ યુ ટર્ન પછીનો રસ્તો તો જરાય દેખાતો નહોતો. સીધા ચઢાણ પર કાર ચલાવવી કે ચઢાવવી અતિ મુશ્કેલ હતી.
કારનું એંજિન પણ ગરમ થવા માંડ્યું. ટર્ન લેવામાં વધુ મુશ્કેલી લાગવા માંડી. કાર જાણે આગળ ઉપર ચઢવાના બદલે નીચે પાછી લસરતી જશે એવો ભય, અને જો એમ થયું તો એ પછીની કલ્પના…
સાંકડા રસ્તા પર પાછળ આવતી કારનો કાફલો વધવા માંડ્યો હતો. એવામાં જો કાર પાછી લસરવા માંડે તો ? કારની હેન્ડબ્રેક ખેંચીને ઊભી રાખી. પાછળ ઊભેલી કારમાંથી આવીને કોઈએ ઝડપથી કારના વ્હીલ પાછળ મોટા પત્થર ગોઠવી દીધા.
હવે શું?
પણ ત્યાં એક અનુભવી ટેક્સી ડ્રાઇવરે આવીને મદદ કરવાની તૈયારી દર્શાવી. બંને કારને એ વળાંક પરથી આગળ ન દેખાતા રસ્તા સુધી ચઢાવી આપવાની અમુક રકમ ઠરાવી. એ ક્ષણે તો તારણહાર જેવા એ ડ્રાઇવરને મ્હોં માંગ્યા પૈસા બંને પરિવારે પહેલેથી જ ચૂકવી દીધાં.
અને ડ્રાઇવરે બંને કારને વારાફરતી એ કપરો લાગતો વળાંક પાર કરાવીને વચ્ચે નડતા એ ઊંચા ખડકની બીજી બાજુના રસ્તા પર મૂકી દીધી.
અને જો મઝા… માત્ર એ એક જ નાનું અમસ્તું એવું માંડ દોઢસોથી બસ્સો ફૂટનું જ એ ચઢાણ હતું. પેલા ઊંચી આડશ ધરીને ઊભેલા ખડક પાસેના યુ ટર્ન પછી તો સીધું સપાટ મેદાન જ હતું. દૂર નજર પહોંચે ત્યાં સુધી રળિયામણો વિસ્તાર હતો.
કેવું છે નહીં? નજર સામે જે દેખાય છે એનાથી બીજી કોઈ શક્યતા પણ હોઈ શકે એવો વિચાર કર્યા વગર આગળ પણ આ જે છે એવી જ પરિસ્થિતિ હશે એમ માની લઈએ છીએ.
ભય ક્યારેક કાલ્પનિક પણ હોઈ શકે. એવા જ કાલ્પનિક ભયને ઓળંગીને જ્યારે આગળ વધીએ ત્યારે પ્રકૃતિ કે ઈશ્વરે સર્જેલા આ વિશ્વમાં આપણાં માટે કોઈક અનોખું તત્વ આપણી રાહ જોતું હોય એમ પણ બને.
નજર સામે દેખાતા રળિયામણા એ વિસ્તારને જોઈને એ પરિવારના સભ્યોને જે અનુભૂતિ થઈ એ ચિરસ્થાયી બની રહી. આવો અનુભવ કદાચ ઘણાંને થતો હશે.
આજે બન્યું કે એ વાતના અનુસંધાનમાં કોઈ બીજી એક વાતના અંકોડા જોડાયા.
લગભગ એ પરિવારના અનુભવને મળતી વાત છે.
રાત્રીના અંધકારમાં ચાલ્યા જતા એક માણસનો પગ લપસ્યો. એને એવી ખબર હતી કે એ પર્વતાળ પ્રદેશમાં ઊંડી ખીણ હતી. જેવો એનો પગ લપસ્યો કે એ બચવાના ફાંફા મારવાના આશયે આમતેમ હાથમાં જે આવ્યું એ પકડી લીધું. એ પર્વતના પત્થરમાંથી ફૂટી નીકળેલી એક મજબૂત ડાળી હતી.
આસપાસ અંધકારમાં કંઈ કળાતું નહોતું. ધરતી પરથી લસરી પડેલી એ વ્યક્તિની ઉપર આસમાન અને નીચે ખીણ, ક્યાં જાય, કેવી રીતે જાય?
બચાવ માટે કેટલીય બૂમો મારી પણ કોઈ હોય તો સાંભળે ને? ખીણની ઊંડાઈમાંથી એની બૂમોના પડઘા માત્ર જ સંભળાયા. જીવન અને મૃત્યુ વચ્ચે કેટલી ક્ષણો બચી છે એનીય ગણતરી કે વિચાર કરવાનું છોડીને ઈશ્વરનું નામ લેવા માંડ્યું. હાથમાં જેટલી તાકાત હતી એટલી મજબૂતીથી ડાળી પકડી રાખી હતી. પણ ધીમે ધીમે હાથમાંથી તાકાત અને હૈયામાંથી હામ ઓસરતી જતી હતી. કદાચ હાથમાંથી એ ડાળ સરકી જશે એવો ભય હોવા છતાં હવે ટકાશે એવું નહોતું લાગતું.
અને ત્યાં તો સૂર્યનારાયણે દેખા દીધી.
અને એણે શું જોયું? નીચે ખીણ તો હતી જ નહીં. પગથી થોડાક ઈંચ નીચે જ એક સપાટ ખડક હતો, જેના પર ઉતરીને એ ફરી પાછો ખડકના ખાંચામાં પગ ભરાવીને, પેલી ડાળીના સહારે જ ઉપર આવી ગયો.
પરંતુ એની આખી રાત તો પેલા પરિવારની જેમ અશક્ય લાગતી પરિસ્થિતિના ડરથી જ પસાર થઈ.
ક્યારેક એવું બને જે નજરે દેખાતી પરિસ્થિતિ કરતાં વાસ્તવિકતા કોઈ જુદા સ્વરૂપે આપણને મળવાની હોય, બસ ખાલી નજરે જે દેખાય છે એ જ સત્ય છે એમ માનીને સ્થિર થવાના બદલે બે ડગ આગળ માંડવાની તૈયારી હોવી જોઈએ.
Recent Comments