૪૫ વાર્તા અલકમલકની-
પિંજર-
પ્રાથમિક અભ્યાસ પૂર્ણ કર્યા પછી મારા વૈદકીય અભ્યાસ માટે પિતાજીએ એક એવા અનુભવી ગુરુની નિયુક્તિ કરી જે દેશી વૈદું જ નહીં પણ ડૉક્ટરી પણ જાણતા હતા. માનવ શરીર રચનાની જાણકારી માટે એમણે એક હાડપિંજર મંગાવ્યું અને એક રૂમમાં ગોઠવ્યું. આમ તો હાડપિંજર જોઈને નાનાં છોકરાંઓ તો શું કાચાપોચાની જેમ મારા પણ હાંજા ગગડી જાય એમ હતું. હું એ રૂમમાં એકલો જઈ શકતો નહી. મારો એક મિત્ર નિર્ભય હતો. એ એવું કહેતો કે જીવંત વ્યક્તિ જેટલું આપણને નુકશાન પહોંચાડે એટલી મૃત વ્યક્તિ નથી પહોંચાડતાં. અને આ તો હાડકાં છે થોડા સમયમાં માટીમાં ભળી જશે. જો કે મારી માન્યતા જુદી હતી. હું એવું માનતો કે આ તો એમનું માટીનું મકાન છે જ્યાં એમનો આત્મા હજુ રહેતો પણ હોય. અથવા સમયાંતરે આવીને લટાર મારી જાય. અને ખરેખર એવી ઘટના બની જેમાં મારી માન્યતા સાચી ઠરી.
થોડા દિવસ પહેલાંની જ વાત છે. કોઈ કારણસર મારે એ જ રૂમમાં ઊંઘવાનું થયું. ઊંઘ તો આવી નહીં. ઘણી વાર સુધી આમથી તેમ પાસા ફેરવતો રહ્યો. રાતના બાર વાગ્યાના ડંકા સંભળાયા. રૂમમાં મૂકેલો લેમ્પ ધીમો પડીને બંધ થઈ ગયો અને અંધારું છવાઈ ગયું. વિચાર આવ્યો કે માનવ જીવન પણ દિવસ,રાત અને પછી અનંતમાં ભળી જતાં ચક્ર જેવું જ છે.
વિચારોમાં ગરકાવ હતો અને એવું લાગ્યું કે કોઈ અદીઠ ચીજ મારા પલંગની ચારેકોર ફરી રહી છે. કોઈ દુઃખી વ્યક્તિના ઘેરા વ્યથિત શ્વાસો અને ધીમા પગરવનો ધ્વનિ સંભળાયો.
સહસા હું બોલી ઊઠ્યો, “કોણ છે?”
કોઈ વ્યક્તિનો અવાજ સંભળાયો,“ હું છું, મારું પિંજર જોવા આવી છું.”
“હેં, આ તે કંઈ પિંજર જોવાનો સમય છે અને વળી કયું પિંજર જોવાની વાત છે?”
“સમય ગમે તે હોય, પિંજરું મારું છે, મને એ ગમે ત્યારે જોવાનો હક છે. આ જે પાંસળીઓ છે ને એમાં છવ્વીસ વર્ષો મારું હૃદય બંધ હતું. એ મારું ઘર હતું એ જોવા આવું એમાં તને શું વાંધો હોવો જોઈએ?
હું ભયભીત થઈ ગયો, છતાં હિંમત કરીને કીધું, “ભલે તારે જે જોવું હોય એ જોઈ લે. મને ઊંઘવા દે.” મનમાં થયું કે એ ક્યારે અહીંથી ખસે અને હું બહાર ચાલ્યો જાઉં.
પણ એ ક્યાં જાય એવી હતી? એણે સામે પૂછ્યું, “તું અહીં એકલો ઊંઘે છે? તો ચાલ વાતો કરીએ.”
આ વળી નવી ઉપાધી આવી. જાણે મોત મારી આંખોની સામે આવીને ઊભું. છતાં કહ્યું,“ ભલે બેસ અને કોઈ મનોરંજનવાળી વાત કર.”
“તો સાંભળ. પચ્ચીસ વર્ષ પહેલાં હું પણ તારી જેમ માનવ હતી અને માનવની જેમ વાત કરતી. હવે ભેંકાર સ્મશાનમાં ભમ્યા કરું છું. કેટલાય સમયથી જીવંત માનવ સાથે વાત કરવી હતી. સાચે ખુશ છું કે તેં મારી વાત સાંભળવાની તૈયારી બતાવી.” સામો અવાજ આવ્યો અને જાણે એ મારા પલંગની પાંગતે આવીને બેઠી હોય એવું લાગ્યું. હું ભયથી ફફડી ઊઠ્યો. એણે વાત શરૂ કરી.
“મહાશય, જ્યારે હું માનવરૂપમાં હતી ત્યારે એક વ્યક્તિ, માત્ર મારા પતિથી ડરતી હતી. જાણે એ પતિ નહીં મોતનો દેવતા હતો. કોઈ વ્યક્તિ માછલીને કાંટામાં ફસાવીને પાણીની બહાર લાવે એવી રીતે એ મારા માત-પિતાના ઘરમાંથી બહાર લઈ ચાલ્યો. મને ક્યાંય જવા દેતો નહીં. જો કે સારું થયું કે લગ્નના બીજા મહિને જ એ મરી ગયો. મેં લોકલાજે વૈષ્ણવ પરંપરા પ્રમાણે ક્રિયાકર્મ કર્યા, પણ અંદરથી હું ખૂબ ખુશ હતી. હાંશ, મારા જીવનનો કાંટો નીકળી ગયો. થોડા દિવસ પછી મને મારા માતા-પિતાના ત્યાં જવાની છૂટ મળી. હુ અત્યંત પ્રસન્ન હતી. હું ખરેખર સુંદર હતી એવું સૌ કહેતાં. તને શું લાગે છે હું સાચે જ સુંદર છું ને?”
“હું શું કહું? મેં તને ક્યાં જીવિત જોઈ છે.”
“કેવી રીતે તને વિશ્વાસ આપું કે મારી લજ્જાશીલ આંખો જોનારને ઘાયલ કરી દેતી. ખેર. મારા ચહેરાના આ અસ્થિ જોઈને તને ન લાગ્યુ કે મારું સ્મિત કેવું સુંદર હશે? મારા જીવનકાળ દરમ્યાન કોઈ ડૉક્ટરે પણ ક્યાં કલ્પના કરી હશે કે મારું હાડપિંજર અભ્યાસ માટે કામ આવશે? કોઈને પણ આસક્તિ થઈ જાય એવું મારું સૌંદર્ય હતું. તેં મને યૌવનકાળમાં જોઈ હોત તો તારા હોશ ઊડી જાત અને આ વૈદુ ભૂલી જાત.
“મારા ભાઈએ લગ્ન નહીં કરવાનો નિર્ણય લીધો. મને મારા સૌંદર્ય પર ઘમંડ હતો. જમીન પર ચાલતી ત્યારે પગ નીચે કચડાતાં ઘાસમાં જાણે સમસ્ત સંસારના પ્રેમીઓને મારા પગ તળે ભાળતી પણ શું ધાર્યું હતું ને શું બની ગયું?
“મારા ભાઈનો એક મિત્ર, સતીશકુમાર જેણે ડૉકટરી પાસ કરી હતી. એ અમારા પરિવારનો પણ ડૉક્ટર હતો. એને જોઈને હું એના પર મોહી પડી.”
“હું સતીશકુમાર હોત તો કેવું સારું થાત?” ઊંડો શ્વાસ લઈને હું બોલ્યો
“પ્રેમાલાપ પછી કરજે. પહેલાં મારી વાત સાંભળી લે. વરસાદી મોસમમાં મને તાવ આવ્યો. મારા પ્રિય એવા ડૉક્ટર સતીશકુમાર મને જોવા આવ્યા. પહેલી વાર અમે એકમેકને જોયા. મને જોઈને એ સ્તબ્ધ બની ગયા. મારી રગ પારખતા એમની આંગળીઓ કાંપતી હતી. જાણે હું નહીં એ બીમાર હોય એવી એમની દશા હતી.
“થોડો સમય ગયો અને મને સમજાયું કે ડૉક્ટર સિવાય મારા મનને હવે કોઈ જચશે નહીં. સાંજ પડે વસંતી રંગની સાડી પહેરી, તૈયાર થઈ હું ઘરના ઉદ્યાનમાં ફરતી. દર્પણમાં જોતી તો મને મારા બે સ્વરૂપ નજરે આવતાં. સ્વંય સતીશકુમાર બનીને એની પર ન્યોછાવર થઈ જતી. કલાકો સુધી આમ સમય પસાર કરતી. સતીશકુમારના વિચારોમામ જ ગરકાવ રહેતી.” એ અટકી.
“તને ઊંઘ આવતી હોય તો હું જાઉં.”
“ ના…ના. તું તારી વાત કર.” હવે મારી ઉત્સુકતા વધતી ચાલી.
“અચ્છા તો સાંભળ. થોડા સમયમાં સતીશકુમારની વ્યસ્તતા વધી. એમણે અમારા મકાનની નીચે દવાખાનું ખોલ્યું. જ્યારે એમને ફુરસદ હોય ત્યારે હુ એમની પાસે જઈને બેસતી. થોડી ઠઠ્ઠા-મશ્કરીની સાથે દરેક જાતની દવા વિશે જાણકારી લેતી. સમય જતા મને એવું લાગ્યું કે જાણે ડૉક્ટરના હોશ-હવાસ ઠેકાણે નહોતા રહેતા. સમજાતું નહોતું કે કેમ પણ, હું એમની સન્મુખ જતી ત્યારે જાણે એમના ચહેરા પર મોતની છાયા પ્રસરી જતી.
“એક દિવસ ખબર પડી કે એના વિવાહ થવાના હતા. આ જાણીને હું અવાક રહી ગઈ, જાણે ચેતના ગુમાવી બેઠી હોઉં એવી માનસિક મૂર્છામાં સરી ગઈ. હું વર્ણન નથી કરી શકતી કે આ વાત મારા માટે કેવી અસહ્ય કષ્ટદાયી હતી. ડૉક્ટરે મને શા માટે વાત નહીં કરી હોય? હું એમને રોકત એવું વિચારતા હશે?
“મધ્યાન સમયે ડૉક્ટર મળ્યા ત્યારે આ સમાચારનું સત્ય જાણવા એમને જ પૂછી લીધું. ડૉક્ટર જરા છોભીલા પડી ગયા. મેં ડૉક્ટરને એ પણ પૂછી લીધું કે, તમારા લગ્ન થશે પછી પણ તમે દર્દીઓની રગ પારખવાના? ડૉક્ટરો માટે એવું કહેવાય છે કે તમે શરીરના તમામ અંગોની દશાથી માહિત છો, પણ મને એ તો કહો કે, આમ તો હૃદય શરીરનું જ એક અંગ કહેવાય તો મને ખેદ છે કે ડૉક્ટર થઈને તમને કોઈના હૃદયના હાલ ના ખબર પડી?
“મારા શબ્દો એમને હૃદયમાં તીરની જેમ વાગ્યા હશે પણ એ મૌન રહ્યા.
“લગ્નનો સમય રાતના બાર વાગ્યાનો હતો. એ અને મારો ભાઈ રોજની જેમ શરાબ લઈને બેઠા. ધ્યાન ન રહ્યું અને વાતોમાં ઘણો સમય પસાર થઈ ગયો. એમને ઊભા કરવાના બહાને હું ત્યાં ગઈ અને તક મળતાં એમના શરાબમાં વિષની પડીકી ભેળવી દીધી. થોડા સમય પછી ડૉક્ટર તૈયાર થવા ઊભા થયા.
“હું મારા રૂમમાં ગઈ. નવી બનારસી ઓઢણી ઓઢી. માથે સિંદૂર ભરી સૌભાગ્યવતીની જેમ ઉદ્યાનમાં જ્યાં હંમેશા એમની પ્રતીક્ષા કરતી ત્યાં ગઈ. ધવલ ચાંદનીનો ઉજાસ રેલાઈ રહ્યો હતો. હવાની હળવી લહેર સાથે ઉદ્યાનમાં ચમેલીની સુગંધ પ્રસરી ગઈ. ડૉક્ટરના શરાબમાં ભેળવ્યા પછી વધેલી વિષની પડીકીને ઘૂંટડા પાણીમાં ભેળવીને મેં પી લીધી. થોડા સમયમાં ચક્કર આવવા માંડ્યા. આંખોની સામે ધુંધળાપણું છવાવા માંડ્યું. એવું લાગ્યું કે ચાંદનીનો પ્રકાશ ઝાંખો થવા માંડ્યો છે. પૃથ્વી, આકાશ, જળ, સ્થળ બધું જાણે એકાકાર થવા માંડ્યું. હું મીઠી નિંદ્રામાં સરવા માંડી.
“લગભગ ઘણા સમય પછી સુખ-સ્વપ્નમાંથી જાગી તો કંઈક અલગ અનુભવ થયો. ત્રણ વિદ્યાર્થીઓ મારા અસ્થિને લઈને તબીબી અભ્યાસ કરી રહ્યા હતા. એક આધ્યાપક એ વિદ્યાર્થીઓને વિભિન્ન અસ્થિના નામ કહી રહ્યા હતા. હાથની સોટીથી ઈશારો કરીને એક પોલાણ દર્શાવીને કહી રહ્યા હતા કે આ એ સ્થાન છે જ્યાં યૌવનકાળે ફૂલો ખીલી ઊઠે છે. અરે અહીં! અહીં તો મારું હૃદય રહેતું હતું જે સુખ-દુઃખના સમયે ધડકતું રહેતું. જ્યાંથી મારું હૃદય ડૉકટરના વિવાહ સમયે છેલ્લી વાર ધડક્યું હતું.
“બસ આટલી મારી કથા છે. હું હવે વિદાય લઈશ. તું શાંતિથી ઊંઘી જા.”
પણ પછી મારી આંખોમાં ઊંઘ ક્યાં આવવાની હતી?
રવીન્દ્રનાથ ટાગોરની વાર્તા ‘પિંજર’ પર આધારિત અનુવાદ.
Entry filed under: Rajul.
Recent Comments