૪૪- વાર્તા અલકમલકની-
–અંતરવ્યથા-
“આ કથા એવી વ્યક્તિની છે જે પોતાના જીવન સાથે જોડાયેલ નામ કોઈ એક વ્યક્તિ સુધી પહોંચાડવા માંગતી હતી.
“જેના મનની પીડા લઈને આ વાર્તા લખી છે એની સાથે એક વાર જ મુલાકાત થઈ હતી. હવે તો એનું નામ પણ યાદ નથી. એ જ્યારે મળવા આવી ત્યારે બીમારીના લીધે એનો સુંદર ચહેરો અને મનનો રંગ ફિક્કો પડી ગયો હતો. એને વિશ્વાસ હતો કે એની વ્યથા પર હું કથા લખીશ.
“એને લાગતું હતું કે એ લાંબુ નહી જીવે એટલે એવી આશાએ એની વ્યથાની કથા કપડાં સાથે મૂકી દેવા ઇચ્છતી હતી જેથી એ ચીઠ્ઠીઓ કોઈ વાંચે ત્યારે સાથે એની કથા જાણે. અત્યારે એને જે સમજી નથી શકતાં, શક્ય છે એ વાંચીને એને, એની પીડા સમજી શકે. એને બીજા કોઈની પરવા નહોતી, એનો દીકરો, જે અત્યારે નાનો છે, એ મોટો થઈને એને સાચી રીતે સમજે, એવું એ કહેતી હતી.
“એના જીવનની હાલત બહુ ગૂંચવાયેલી હતી. એને કેવી રીતે કથામાં સમાવવી એ સમસ્યા હતી. વચન કે વાયદો આપી શકાય એમ નહોતો, પણ લખવાનો પ્રયાસ કરીશ એમ આશ્વાસન આપ્યું. ઘણાં સમય સુધી એના વિશે લખી શકી નહીં.
“અંતે કથા પ્રકાશિત થઈ. એનો કોઈ અતો-પતો મારી પાસે હતો નહીં એટલે આ કથા એના સુધી કેવી રીતે પહોંચશે એની ખબર નહોતી.
“ઘણાં લાંબા સમય પછી દિલ્હીની બહારથી આભાર માનવા મારી પર ફોન આવ્યો. એ કહેતી હતી કે એની કથા “આંતઃવસ્ત્ર” એણે ઇચ્છી હતી ત્યાં મૂકી દીધી છે.
“વાત જાણે ખાના-બદોશ (ઘર-વખરી સાથે લઈને ફરનારી) જાતિની હોય એવી લાગતી હતી. ક્યાંક વાંચ્યું હતું કે આ લોકો કમરથી નીચે કોઈ વસ્ત્રો પહેરતાં નહોતાં. આ જાતિની સ્ત્રીઓ ઘાઘરી ઊતારતી નથી. મેલી ઘાઘરી બદલવી હોય તો માથેથી નવી ઘાઘરી પહેરીને અંદરથી મેલી ઘાઘરી ઊતારે. એમનું મૃત્યુ થાય ત્યારે સ્નાન કરવતાં નીચેની ઘાઘરી પહેરાવેલી રાખે. કહે છે, એમની ઘાઘરીના નેફાની ધારમાં પોતાના પ્રેમનું રહસ્ય સંતાડી રાખે છે. ત્યાં એ પોતાની પસંદગીના મર્દનું નામ કોતરાવીને રાખે, જેને ઈશ્વરની આંખ સિવાય કોઈ ન જોઈ શકે. કદાચ આ રિવાજ મર્દોમાં પણ હશે.
“પણ, આ નામ કોતરવાવાળો તો સ્ત્રી કે મર્દની કમરની ધારે નામ જોઈ શકે. કદાચ એક ક્ષણ માટે એને ઈશ્વરની આંખ નસીબ થતી હશે?
“અંતે એના જે દીકરાને ચીઠ્ઠી પહોંચડવા માંગતી હતી, એને ચીઠ્ઠી મળી ગઈ.
“હવેની વાત એ દીકરાના શબ્દોમાં……..
“કાલથી મા હોસ્પિટલમાં છે. એના શ્વાસ સાથે પ્રાણ નીચે ઊતરી રહ્યો છે. આવું પહેલાં બે વાર થયું હતું. પણ લાગે છે આ વખતે એને પોતાને જ જીવવાની ઇચ્છા નથી રહી. હોસ્પિટલમાં પાપા, મોટો ભાઈ, દાદી સૌ હતાં. છતાં એણે એની આંગળી પરની હીરાની વીંટી મને કબાટમાં મૂકવા આપી. એની પાસે કબાટની બે ચાવી હતી એમાંની એક ચાવી આપી. એક એણે પોતાની પાસે રાખી. પણ જેમ નસીબ બદલાઈ જાય છે એમ ચાવી બદલાઈ ગઈ. આપવાની ચાવી એની પાસે રહી અને પાસે રાખવાની ચાવી મને આપી. સાથે મુંબઈવાળા કાકાને દિલ્હી બોલાવવા એક પત્ર લખવાનું કહ્યું.
“ઘરમાં એક મા ની અને બીજી વધારાની ચીજો મૂકવાનાં એમ બે કબાટ હતાં. એમાં જૂના કપડાં હતાં. ઘેર પહોંચીને હું મા નું કબાટ ખોલવા મથ્યો, પણ એ ખૂલ્યું નહીં. અંતે એ ચાવીથી કોઠારનું કબાટ ખૂલ્યું. કબાટ સાવ જૂનું થઈ ગયું હતું. ખબર નહીં કેમ પણ મા એ એને ફેંક્યું નહોતું. કબાટ ખોલીને જૂનાં-ફાટેલાં કપડાંની ગડીઓ ખોલતો ગયો. જૂનાં પણ સાચી જરીનાં વણાંટવાળા કપડાં હતાં. પાપાનો ગરમ કોટ હતો. કદાચ મા એ આ કપડાંની સામે વાસણો લેવાં સાચવ્યાં હતાં. એ તો સમજી શક્યો પણ એમાં મારા તૂટેલાં રમકડાં હતાં એ જોઈને બહુ નવાઈ લાગી. ચાવીથી ચાલતી ટ્રેન એવી રીતે ઊંધી પડી હતી, જાણે ભયાનક દુર્ઘટનાના લીધે ટ્રેક પરથી ઊતરી ના ગઈ હોય? જાણે બધા મુસાફરો ઘાયલ અવસ્થામાં હતાં. પ્લાસ્ટિકની ઢીંગલીની એક આંખ કાણી થઈ ગઈ હતી. હાથીની સૂંઢ વચ્ચેથી તૂટી હતી, માટીના ઘોડાના આગલા પગ કપાઈ ગયા હતા. કેટલાક રમકડાંના હાથ, પગ, ધડ કે માથું માત્ર છૂટાંછવાયાં પડ્યાં હતાં. આ ઘાયલ રમકડાંની સાથે માટીની બનેલી શિવજીની મૂર્તિ હતી, જે બંને હાથોથી લૂલી પડી ગઈ હતી. એવું લાગ્યું કે મારા દેવ અપાહિજ ના થઈ ગયા હોય?
“જ્યાં સુધી મને યાદ હતું ત્યાં સુધી મારું બાળપણ આનંદમાં પસાર થયું હતું. મોટા ભાઈના જન્મ પછી સાત વર્ષે મારો જન્મ થયો, એટલે હું બહુ લાડ પામ્યો. પાપાની પદોન્નતિ થવા માંડી હતી. મારા માટે રમકડાંથી માંડીને કપડાંય સરસ મઝાના આવતાં..તો આ જૂના તૂટેલાં રમકડાં, ફાટેલાં કપડાં મા એ કેમ સંઘર્યા હશે? જાણે અભાનાવસ્થામાં મે મારી જાતને ગોટો વળીને એમની વચ્ચે પડેલો જોયો. મને જાણે કશી સમજણ નહોતી પડતી.
“હવે કબાટનાં ખાનામાં કાગળો જોયા. હર એક કાગળ પર કેટલીય વ્યથાઓ આલેખાયેલી હતી. હર એક તનના તાપની, હર એક તનના પસીના જેવી, જાત જાતની ગંધ એમાંથી ઊઠીને મારા શ્વાસમાં ભળી રહી હતી.
“આ બધા કાગળો મુંબઈવાળા કાકા અને મારી મા ના નામે હતા. કોઈક પત્રમાં ખુશી અને ઉદાસી મિશ્રિત ગંધ હતી. લખ્યું હતું, “વીનૂ, જે આદમ અને ઈવનું ઈશ્વરે સર્જન કર્યું છે, એ આદમ હું અને ઈવ તું હતી. વીનૂ, હું સમજુ છુ કે તું તારા પતિને અવગણી નહીં શકે. પણ મારી નજરે તારું શરીર ગંગાની જેમ પવિત્ર છે જેને શિવજીની જેમ હું જટામાં ધારણ કરી શકીશ.”
“કોઈ કાગળમાં લખ્યું હતું. “હું એવો રામ છું જે પોતાની સીતાને રાવણ પાસેથી નથી છોડાવી શકતો. કેમકે ઈશ્વરે આ જન્મમાં રામ અને રાવણને સગા ભાઈ બનાવ્યા છે.”
“ક્યાંક દિલાસાના ભાવમાં લખાયું હતું કે, “વીનૂ, તું મનમાં ગુનાનો ભાવ ન અનુભવીશ. ગુનો તો એણે કર્યો હતો જેણે મિસિસ ચોપ્રા જેવી સ્ત્રી માટે તારા જેવી પત્નીને વિસારે પાડી?”
“અચાનક એક કાગળ વાંચીને હું દંગ રહી ગયો. લખ્યું હતું કે, “તું કેટલી નસીબદાર કે આપણાં દીકરાને તું દીકરો કહી શકે છે, પણ હું ક્યારેય એને દીકરો નહીં કહી શકું. છતાં તું ઉદાસ ના થઈશ, હું અક્ષયની સૂરતમાં હંમેશા તારી પાસે રહીશ. દિવસે તારા ખોળામાં રમુ છુ, રાત્રે તારી સાથે સૂઈ જઉં છું.”
“એ ક્ષણે એવું લાગ્યું કે કદાચ આને જ પ્રલયની ક્ષણ કહેવાતી હશે. જે વ્યક્તિને આટલા વર્ષોથી પાપા કહેતો હતો, આજે એને પાપા કહેવા માટે મારી જીભ ખોટી પડતી હતી. બાકીના પત્રો વાંચવા જેટલી સૂધ હું ખોઈ બેઠો. પણ એટલું સમજાયું કે જન્મથી આજ સુધી મેં જે કપડાં પહેર્યાં હતા એ કપડાં, મારા રમકડાં મા એ એના પતિની કમાણીમાંથી ખરીદ્યાં નહોતા. અરે! સ્કૂલ કે કૉલેજની ફી પણ ઘરખર્ચમાંથી આપી નહોતી. મુંબઈ રહેતા એ આદમીના પત્રોમા મા ની ઝાટકણી,માફી, એવું ઘણું બધું હતું માત્ર મા અને એ આદમીની અંગત કહેવાય એવી વાતો હતી. મા, પાપા, કાકા, મિસિસ ચોપ્રામાંથી કોઈ પેલી ખાના-બદોશ જાતિના નહોતાં, પણ એવું લાગે છે કે કદાચ એ જાતિની પરંપરા સમગ્ર મનુષ્ય જાતિને ક્યાંક લાગુ તો પડે જ છે. સૌનાં નીચેના અંતઃવસ્ત્રના નેફાની ધારીએ કોઈક એક નામ તો હશે, જે માત્ર ઈશ્વર જ જોઈ શકે છે. જો ઈશ્વર જોઈ શકે તો એ એના માટે વરદાન છે, પણ કોઈ માનવીની આંખે ચઢે તો એના માટે શાપ બની જાય. એ સમયે એવું લાગ્યું કે એ શાપનો તાપ મારા જ નસીબમાં કેમ લખાયો હશે?”
અમૃતા પ્રિતમની વાર્તા “અંતરવ્યથા” પર આધારિત અનુવાદ.
Entry filed under: વાર્તા, વાર્તા અલકમલકની, Rajul.
Recent Comments