Archive for October 18, 2021
૪૦-વાર્તા અલકમલકની-
સૌભાગ્યનું વિસર્જન
આપણે ગયા અંકમાં જોયુ કે, અન્ય યુવતી સાથે પ્રભુતામાં પગલાં માંડતા કેશવના જીવનને આખરી અંજામ સુધી પહોંચાડવાનો નિર્ણય સુભદ્રા કરી ચૂકી છે. પણ એ કેવી રીતે? તો ચાલો આપણે જઈએ સુભદ્રાની સાથે મંદિરે જ્યાં કેશવ ઉર્મિલા સાથે લગ્નના ફેરા લઈ રહ્યો છે.
*********
સંધ્યા સમયે આર્ય મંદિરમાં સુભદ્રા પહોંચી. બરાબર ત્રણ વર્ષ પહેલાં એ અને કેશન લગ્ન વેદીની સામે બેઠાં હતાં, એમ એનો કેશવ, એનો પ્રાણવલ્લભ, એનું જીવન સર્વસ્વ ઉર્મિલાની સામે બેઠો હતો. કેશવને જોઈને એ સુધબુધ વિસરવા માંડી. કેટલા અપાર પ્રેમ, કેવી અભિલાષાથી જીવન-પ્રભાતનો ઉદય થઈ રહ્યો હતો! અનન્ય મધુર સંગીત જેવું બધું સુખદ ભાસતું હતું. આ એ કેશવ છે? આજ સુધી એના માટે કેશવ જેવો રૂપવાન, તેજસ્વી, સૌમ્ય, શીલવાન પુરુષ આખા સંસારમાં બીજો કોઈ હતો જ નહીં. પણ આજે એ અહીં બેઠેલા અન્ય પુરુષો જેવો સાવ સામાન્ય પુરુષ લાગ્યો. જેની પર એનો પૂર્ણ અધિકાર હોવો જોઈએ એના પર અન્યનો અધિકાર સ્થાપિત થવા જઈ રહ્યો હતો. એક થાંભલાની આડશે ઊભી એ સ્તબ્ધ બનીને જોઈ રહી.
મંત્રોચ્ચાર સાથે વિવાહ સંપન્ન થયો. મિત્રોની વધાઈ, સહેલીઓના મંગલગાનની સાથે દાવત શરૂ થઈ. થાંભલાની આડશે ઊભેલી સુભદ્રાની દુનિયા ઉજડી ગઈ. જીવન-સંગીત બંધ થઈ ગયું. જીવન જ્યોતની જાણે રોશની બુઝાઇ ગઈ. સૌ મંદિરમાંથી બહાર નીકળ્યા. પાષાણવત એ પણ નીકળી. રાતનો અંધકાર ઘેરો થવા માંડ્યો, પણ જેનું જીવન અંધકારમય બન્યું હોય એને બહારનો અંધકાર ક્યાં નડે? ઘરનો અતોપતો ભૂલી ગઈ હોય એમ,ઘરની ગલીની બહાર મોડી રાત સુધી રસ્તા પર ભટકતી રહી.
હજુ તો માંડ સવાર પડી હતી અને ઉર્મિલા આવી. કોઈ યુવતી એકાગ્ર થઈને શણગાર સજે એમ સુભદ્રા કપડાં સીવી રહી હતી. ઉર્મિલાનું રોમરોમ પ્રેમભાવથી છલકાતું હતું. એને જોઈને સુભદ્રાના હૃદયમાં અનન્ય ભાવ છલકાયા. નાની બહેનને જોઈને રાજી થાય એમ એ દોડીને ઉર્મિલાને ભેટી પડી.
“કાલે મંદિર કેમ ન આવી?” કવિની કોમળ કલ્પના જેવી લાગતી ઉર્મિલાએ પૂછ્યું.
“આવી હતી.”
“કેશવને જોયા? કેવા લાગ્યા?”
“તારા માટે જરાય યોગ્ય ન લાગ્યા. તું ઠગાઈ ગઈ છું” સ્નેહથી હસીને એણે જવાબ આપ્યો.
“મને તો એવું લાગે છે કે, મેં એમને ઠગી લીધા છે.” ઉર્મિલા ખીલખીલાટ હસી પડી.
“એક વાર વસ્ત્ર અને અલંકારથી સજીને આયનામાં તારી છબી જો. સમજાઈ જશે.”
“ઠીક છે. પણ આભૂષણ હું ક્યાંથી લાઉં? તાત્કાલિક તો એ ના બની શકે ને?” ઉર્મિલા બાળકની જેમ બોલી.
“હું તને મારા આભૂષણ પહેરાવીશ.” કહીને સુભદ્રા પોતાના અલંકાર લઈ આવી ને તમામ ઉર્મિલાને પહેરાવી દીધા.
ઉર્મિલા માટે આ નવો અનુભવ હતો. આયનામાં જોયું તો જાત પર એ મુગ્ધ થઈ ગઈ. એ આટલી સુંદર લાગશે એવી એને કલ્પના નહોતી.
“કેશવ મને આ રીતે જોઈને મારી પર હસશે. પણ તમારી અનુમતિ હોય તો હું બે-ચાર દિવસ પહેરી શકું?”
“બે-ચાર દિવસ નહીં બે-ચાર મહીના માટે પહેરી રાખ.”
“તમને મારી પર એટલો બધો વિશ્વાસ છે?”
“હા,” સુભદ્રા બોલી. ઉર્મિલા અત્યંત આનંદપૂર્વક પોતાના ઘરનું સરનામું આપીને ચાલી ગઈ. સુભદ્રા બારી પાસે ઊભી ઊભી એને મોટી બહેન જેવા વહાલથી જોઈ રહી. એના મનમાં ક્યાંય ઈર્ષ્યા, દ્વેષ કે રોષનું નામ-નિશાન નહોતું.
માંડ કલાક પસાર થયો અને ઉર્મિલા પાછી આવી.
“માફ કરજો. હું તમારો બહુ સમય લઉં છું. પણ કેશવ તમને મળવા બહાર ઊભા છે.”
એક ક્ષણ સુભદ્રા અચકાઈ. પછી સ્વસ્થ થઈને અંદર આવવાનો માર્ગ મોકળો કરી આપ્યો. અંદર પ્રવેશતાની સાથે સામે સુભદ્રાને જોઈને કેશવ ચમક્યો. પગમાં અંગારા ચંપાયા હોય એમ બે ડગલાં પાછો ખસ્યો. મ્હોંમાંથી ચીસ નીકળતાં પહેલાં ગળામાં અટવાઈ ગઈ. શાંત, ગંભીર, નિશ્ચલ એવી સુભદ્રા કોઈ અપરિચિતને જોઈને આવકાર આપતી હોય એમ બોલી.
“આવો મિસ્ટર કેશવ, ઉર્મિલા જેવી સુશીલ, સુંદર વિદુષી સ્ત્રીને પામવા માટે અભિનંદન. કેશવના ચહેરા પરથી રોનક ઊડી ગઈ. રસ્તો ભૂલેલા પથિકની જેમ ઊભો રહી ગયો. શરમ અને ગ્લાનિથી કેશવનો ચહેરો કાળો પડી ગયો. જ્યારે સુભદ્રા સાથે મુલાકાત થશે ત્યારે. એના આક્ષેપોના જવાબમાં શું કહેશે એ વિચારી લીધું હતું. પત્રમાં શું લખવું એ પણ વિચારી લીધું હતું. પણ સાવ આમ અચાનક મુલાકાત થશે એવું સપનામાંય વિચાર્યું નહોતું.
સામે ઊભેલી સુભદ્રાની સ્વસ્થતા જોઈને એ વધુ અસ્વસ્થ બન્યો. સુભદ્રાના ચહેરા પર આશ્ચર્ય, દુઃખ કે આઘાતનું એક ચિહ્ન નહોતું. સુભદ્રા એને ધિક્કારશે. નિર્દય કે નિષ્ઠુર કહેશે. ઝેર ખાવાની ધમકી આપશે, એવી બધી આપત્તિને પહોંચી વળવા એણે પોતાની જાતને સજ્જ કરી હતી. પણ એવું કશું ન બન્યું. સુભદ્રાની ગર્વયુક્ત ઉપેક્ષા માટે એ તૈયાર નહોતો.
અહીંયા ક્યારે અને કેવી રીતે આવી, એનું ગુજરાન કેવી રીતે કરતી હશે એવા અસંખ્ય સવાલોથી ચિત્ત ચંચળ બની ગયું. પણ એક સવાલ ન કરી શક્યો. સ્તબ્ધ બનીને ખુરશી પર ફસડાઈ પડ્યો.
“એમના પતિ અત્યારે જર્મની છે. બિચારી સંગીત શીખવાડીને, કપડાં સીવીને પોતાનું ગુજરાન કરે છે. એ આવી જાય તો …”
એનું વાક્ય પૂરું થાય એ પહેલાં સુભદ્રા બોલી,
“નહીં આવે, એ મારાથી નારાજ છે.”
“કેમ તું એમના પ્રેમ ખાતર, ઘર-બાર છોડીને અહીં રહી છું. મહેનત- મજૂરી કરીને નિર્વાહ ચલાવે છે. છતાં તારાથી એ નારાજ છે? આશ્ચર્ય.” ઉર્મિલાના અવાજમાં સહાનુભૂતિ અને અકળામણ બંને હતાં.
“પુરુષની પ્રકૃતિ હોય છે જ એવી. બરાબર ને મિસ્ટર કેશવ?”
ઉપરાઉપરી આવતા આંચકાથી સન્ન કેશવ શું જવાબ આપે?
“કેશવ સ્ત્રી અને પુરુષ, બંનેને સમાન અધિકાર આપવામાં માને છે.”
“ડૂબતાને તરણું મળે એમ કેશવે એ તરણું પકડી લીધું.
“વિવાહ સમજૂતી છે. બંને પક્ષને અધિકાર છે, જ્યારે ઇચ્છે ત્યારે તોડી શકે.”
“હા હવે તો સભ્ય સમાજમાં પણ આ આંદોલન જોર પકડી રહ્યું છે.” ઉર્મિલાએ પતિદેવની વાતને ટેકો આપ્યો.
“પણ સમજૂતિ તોડવાનું કોઈ કારણ તો હોવું જોઈએ ને” સુભદ્રાનો શાંત સ્વર પણ કેશવને તીરની જેમ વાગ્યો.
“જ્યારે કોઈ એકનો અનુભવ એવો હોય કે આ બંધનથી મુક્ત થઈને વધુ સુખી થઈ શકાશે, તો એ કારણ છૂટા થવા માટે પૂરતું છે. જો સ્ત્રીને પણ એમ લાગે કે એ અન્ય પુરુષ સાથે……” કેશવ માંડ બોલવા ગયો અને એની વાત કાપીને સુભદ્રા બોલી,
“માફ કરજો, મિસ્ટર કેશવ, મારામાં એટલી બુદ્ધિ નથી કે આ વિષય પર હું તમારી સાથે ચર્ચા કરી શકું. મારા મતે આદર્શ સમજૂતિ એ છે, જે જીવન-પર્યંત ટકે. હું માત્ર ભારતની વાત નથી કરતી. ત્યાં તો સ્ત્રી પુરુષની દાસી છે. પણ અહીં ઇંગ્લેન્ડમાં પણ અનેક સ્ત્રીઓ સાથે મારે વાત થઈ છે, એ લોકો પણ છૂટાછેડાના વધતા કેસોથી ખુશ નથી. વિવાહ એની પવિત્રતા અને સ્થિરતાના લીધે સૌથી ઊંચો આદર્શ સંબંધ ગણાય છે. પુરુષોને એ આદર્શ તોડવામાં કોઈ છોછ નહીં લાગતો હોય પણ સ્ત્રીઓ હંમેશા આ આદર્શ નિભાવે છે. હવે પુરુષોનો અન્યાય સ્ત્રીઓને કઈ દિશામાં લઈ જાય છે. એ કહેવાય નહીં.” સુભદ્રાએ ગંભીર અને સંયત શબ્દોમાં પોતાનો અભિપ્રાય આપીને ચર્ચાનો અંત આણ્યો અને ચા બનાવવા ઊભી થઈ.
ઊભા થતાં કેશવથી પૂછાઈ ગયું, “ તમે અહીંયા ક્યાં સુધી છો?”
“કહેવાય નહીં.” સુભદ્રાએ એના તરફથી નજર ફેરવીને જવાબ આપ્યો.
“કોઈ જરૂર હોય તો મને કહી શકો છો.” કેશવે વિવેક કર્યો.
“આ આશ્વાસન માટે આભાર.” બે હાથ જોડીને સુભદ્રા બોલી.
એ પછીનો કેશવનો આખો દિવસ બેચેનીમાં પસાર થયો. સુભદ્રા પ્રેમવશ થઈને અહીં એના માટે આવી છે એ ખાતરી થઈ ગઈ. એના ત્યાગ અને વેઠવી પડેલાં કષ્ટનું અનુમાન એ કરી શકતો હતો. જો સુભદ્રા અહીં આવી છે એવી સહેજ પણ જાણ હોત તો એને ઉર્મિલા પ્રત્યે આટલું આકર્ષણ ન થાત. સુભદ્રાને જોઈને એની કર્તવ્યપરાયણતા જાગ્રત થઈ હોત. સુભદ્રાના પગ પકડીને એની માફી માંગવાનું મન અધીરું થઈ ગયું. જેમ તેમ દિવસ પસાર કર્યા પછી ન રહેવાયુ તો કોઈને મળવાના બહાને ઘરેથી નીકળ્યો.
કેટલા વિચારો, તરંગોથી એનું મન ચંચળ થઈ ગયું. સુભદ્રાને આશ્વાસન આપવા પોતે કહી દેશે કે, એ ખૂબ બીમાર પડી ગયો હતો. બચવાની કોઈ આશા નહોતી, ત્યારે ઉર્મિલાએ જે સેવા-સુશ્રુષા કરી. પણ આ કથાથી સુભદ્રા એને માફ કરી દેશે? એ સાથે રહેવા તૈયાર થશે? પોતે બંનેને એક સમાન પ્રેમ કરી શકશે? જો કે આજે પણ પોતાના હૃદયમાં સુભદ્રાનું સ્થાન ખાલી છે. ઉર્મિલા એ સ્થાન પર આધિપત્ય જમાવી શકી નથી. ઉર્મિલા પ્રત્યેનો પ્રેમ તો એક એવી તૃષ્ણા છે, જે સ્વાદયુક્ત પદાર્થોને જોઈને થાય. એવું કહીને, સુભદ્રાના પગ પકડીને મનાવી લેશે એવા વિચારો સાથે એ પહોંચ્યો.
પણ સુભદ્રા ન મળી. મકાન માલકણ મળી.
“એ તો નથી. આજે જ અહીંથી ચાલી ગઈ.”
“ક્યાં, ક્યારે?” આઘાતથી કેશવ એટલું પૂછી શક્યો.
“બપોરે.”
“એનો બધો અસબાબ લઈને ગઈ છે?”
“અહીં એનું છે કોણ, તે એના માટે મૂકીને જાય? હા પણ, એક પેકેટ એની સાહેલી માટે મૂકીને ગઈ છે. એની પર મિસિસ કેશવ લખ્યું છે. એ આવે તો એને આપવા. નહીં તો એક સરનામું આપ્યું છે એના પર મોકલવા કહીને ગઈ છે.”
કેશવનું હૃદય બેસી ગયું. એક ભારે શ્વાસ લઈને બોલ્યો.
“મારું નામ કેશવ છે. મને આપી શકો છો.”
“તમારા મિસિસને વાંધો લેશે .”
“તમે કહો તો એને બોલાવી લાવું. પણ સમય ઘણો લાગશે.”
“ઠીક છે. લઈ જાવ, પણ કાલે મને એક રસીદ મોકલી આપજો.”
એ પેકેટ લઈને કોઈ ચોર ભાગે એમ કેશવ ભાગ્યો. એમાં શું હશે એ જાણવા વ્યાકુળ થઈ ઊઠ્યો. ઘરે જઈને જોવા જેટલો વિલંબ સહન કરી નહોતો શકતો. પાસેના એક પાર્કમાં જઈને, કાંપતા હાથે પેકેટ ખોલ્યું. પેકેટમાં એક પીળા રંગની સાડી, સિંદૂરની ડબ્બી, કેશવના ફોટા સાથે એક ચિઠ્ઠી હતી. જેમાં લખ્યું હતું,
“બહેન હું જઉં છું. આ મારા સુહાગની જોડી છે. એનું થેમ્સ નદીમાં વિસર્જન કરી દેજો. તમારા હાથે એના સંસ્કાર થઈ જાય તો સારું. તમારી સુભદ્રા.”
કેશવની આંખોમાં થેમ્સ નદીના પાણીનું પૂર ઉમટ્યું.
Copyright © 2021 Khulasaa. All rights reserved.
પ્રેમચંદ મુનશીજીની વાર્તા ‘सोहाग का शव‘ પર આધારિત ભાવાનુવાદ
Copyright © 2021 Khulasaa. All rights reserved.
Recent Comments