સોનાનું માદળિયું
ટેન, નાઈન, એઇટ, સેવન…….
કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું અને બીજી થોડી ક્ષણો પછી અવાજ સંભળાયો…હુર્રા…..
ઈટ’સ રેડી….. યસ મમ્મા, વી હેવ ડન ઈટ. ક્રિબ ઇઝ રેડી. નાઉ વી જસ્ટ નીડ અ પિંક બલૂન, રાઈટ ડૅડી?”
“યસ, બેટા. મમ્મા કાલે સવારે હોસ્પિટલ જશે અને પાછી આવશે ત્યારે પિંકીને લઈને આવશે એ પહેલાં પિંક બલૂન લાવીને ડેકોરેટ કરી દઈશું. નાઉ ગો ટુ સ્લીપ અને મમ્માને પણ સૂવા જવા દો..”
કેટલો બધો કોલાહલ હતો. આટલો બધો તો આજ સુધી ક્યારેય સાંભળ્યો નહોતો પણ આ અવાજમાં કેટલો આનંદ, કેટલો ઉત્સાહ છલકાતો હતો! આ બધા અવાજ મારા જાણીતા હતા.
આ શું ચાલી રહ્યું હતું એની મને કંઇ ખાસ ખબર ન પડી પણ એ અવાજ, એ ઉત્સાહના પડઘા છેક મારા સુધી ઝીલાયા અને હું પણ ખુશ ખુશ..
મારી ખુશી એમના સુધી કેવી રીતે પહોંચે? મેં પણ અંદર રહ્યા રહ્યા એ લોકોની જેમ હુર્રા…કર્યું
“ઓ માય ગોડ, લૂક શી ઇઝ કિકિંગ….”
અવાજ સંભળાયો. આ અવાજને તો હું સૌથી પહેલાં ઓળખતી થઈ હતી. એ મારી મમ્મી હતી. કેવી દેખાતી હશે એ? ખબર નહીં પણ એક દિવસ જ્યારે મારી ઓળખ છતી થઈ ત્યારે એની સાથે કોઈક વાત કરતું એ મને સંભળાતું હતું.
“આરતી, મારી આ દીકરી અસલ તારા જેવી થાય એવી હું પ્રભુને રોજ પ્રાર્થના કરીશ. ઘરમાં એક દીકરી હોય એવા અભરખા મનમાં ભરીને કેટલા સમયથી બેઠી હતી. આરવ પછી અન્વી આવે એવી પ્રભુને રોજ પ્રાર્થના કરતી. અને આવ્યો આ ગોલુ-મોલુ અમન. પછી તો અમે બે, અમારા બે એવું જેમ તમે સ્વીકારી લીધું એવું મેં પણ સ્વીકારી લીધું હતું હોં કે. પણ જો નસીબમાં દીકરી હતી તો આમ અનાયાસે એ શક્ય બન્યું ખરું. બાકી એક વાત ખરી હોં કે, ક્યારેક અકસ્માત લાભદાયી નિવડે ખરા.”
“આ વારે વારે કોઈ હોં કે બોલે છે એ કોણ હશે? જો કે એમનું હોં કે મને સાંભળવું બહુ ગમવા માંડ્યું હતું ખરું.”
પછી ધીમે ધીમે એમની વાતો પરથી મને સૌની ઓળખ થતી હતી. મારી મમ્મી, પપ્પાની જેમ મારા દાદી પણ મને ખૂબ સ્નેહ કરતાં હશે એવું મને સમજાતું હતું. કદાચ મારે બે ભાઈઓ પણ હશે..
હશે કેમ વળી, છે કારણકે એક દિવસ દાદી કોઈને કહેતાં હતાં કે,
“અમન તારે અને આરવને બહેન જોઈતી હતી ને? જો આ રહી.” એમ કહીને મમ્મીના પેટ પર હાથ ફેરવ્યો હતો.
“હં…મ.. તો અમન અને આરવ, બે ભાઈઓ છે મારા. કેવા દેખાતા હશે? દાદી કહેતાં કે હું મમ્મી જેવી બનું તો સારું, તો પછી ભાઈઓ પપ્પા જેવા બને તો દાદી ખુશ થાય?”
એક દિવસ દાદી મમ્માની સાથે વાત કરતાં હતાં.
“બેટા, નસીબદાર છું હું હોં કે.. આજે આટલા વર્ષે મારી દીકરીની અબળખા પૂરી થશે. બાકી ધૈવતના જનમ વખતે મનેય દીકરીની બહુ હોંશ હતી પણ ધૈવતના દાદીને તો દીકરો જ ખપતો હતો. કહી દીધુ’તું કે પથરો પેદા કરે તો ત્યાં જ મૂકીને આવજે નહીં તો એનું ગળું ઘોંટીને જ્યાંથી આવી છે ત્યાં પાછી મોકલતા મને જરાય વાર નહીં લાગે.” દાદી મમ્મી સાથે વાત કરતાં હતાં.
આ ગળું ઘોંટવું એટલે શું? મને વિચાર આવ્યો. હજુ દાદી મમ્મીને કંઈક તો કહેતાં હતાં.
“પહેલાં ક્યાં આ અત્યારની જેમ દીકરો છે કે દીકરી એની પહેલેથી ખબર પડતી. એટલે છેક છેલ્લે સુધી હું તો બીતી ફફડતી જ રહી. દવાખાને ગઈ ત્યારેય પ્રભુ પાસે ખોળો પાથરીને દીકરો માંગ્યો હતો હોં કે. એટલે નહીં કે મારે દીકરો જોઈતો હતો પણ કમનસીબે દીકરી આવે અને એના શા હાલ થાય એના કરતાં તો ધૈવતના દાદીને જે ખપે એ જ મોકલજે એવું કહેતી રહી.”
“આ તે કેવી વાત મમ્મીજી? મા ઊઠીને એક જીવને રહેંસી નાખે?”
“હા, ભઈ હા, એ કહેતાં કે અમારી સાત સાત પેઢીથી દીકરાઓ જ અવતર્યા છે એમાં તું કંઈ નવાઈની છું કે દીકરી લઈને આવે ને હું તને પોંખું?”
સાચું કહું તો મને આ બધી વાતોમાં કંઈ ખાસ સમજણ પડતી નહોતી પણ એટલું તો સમજાઈ ગયું કે મારી મમ્માથી માંડીને સૌ કોઈ મારી રાહ જોઈ રહ્યા છે. હવે તો હું પણ આ બધાને જોવા, મળવા ઉતાવળી બનતી જતી હતી. અને મેં પણ જાણે બહાર નીકળવા ધાંધલ આદરવા માંડી હતી. ક્યારેક હાથ તો ક્યારેક પગથી રસ્તો કરવા મથતી. મારી આ ધાંધલથી મમ્મા પણ ખુશ થઈને ડૅડાને કહેતી,
“જો તો બહેનબા કેવા ઉતાવળા બન્યા છે!”
અને ડૅડા મમ્માના ટમી પર હાથ પસવારીને કહેતા કે ધીરી બાપુડીયા. દાદી કહેતાં કે ખમ્મા કર દીકરા, જ્યારે તારું નિમિત્ત આવશે ને ત્યારે ઘડીભરની રાહ જોવી નહીં પડે.
એ દિવસે તો અમન અને આરવે પણ પૂછ્યું કે, “હાઉ લોંગ શી વિલ ટેક ટાઈમ ટુ કમ મમ્મા?”
એ દિવસ હતો કે પછી રાત એની તો ખબર નહોતી પડતી પણ મમ્મા કહેતી હતી કે “જસ્ટ વન ડે ઓન્લી. અત્યારે રાત પડી ગઈ છે તમે સૂવા જાવ. કાલે સ્કૂલેથી આવશો ને ત્યારે ડૅડા તમને અન્વીને મળવા હોસ્પિટલ લઈ આવશે.”
“અન્વી, તો આ લોકો મને અન્વી કહેશે.. અન્વી, નામ તો સરસ છે નહીં?”
ઓ… તો અત્યારે રાત પડી હતી. જો કે મારા માટે તો દિવસ હોય કે રાત કશો ફરક પડતો નહોતો. જાણે એક ઊંડા, અગાધ દરિયામાં હું મોજથી તરતી રહેતી. આજે બધાની વાતો સાંભળીને એવું લાગ્યું કે કદાચ અહીં રહેવાનો મારો આ છેલ્લો દિવસ કે રાત હશે.
હુર્રે….…હું પણ કાલથી મમ્મા, ડૅડા, દાદી, આરવ અને અમનની જોડે મસ્તી કરતી હોઈશ. મારે મારો રૂમ, મારી ક્રિબ. ક્રિબનો પિંક બેડ, પિંક બલૂન જોવા હતાં. મને જોઈને બધા કેવી રાજી થાય છે એ મારેય જોવું હતું. દાદી કહેતાં કે મારી સોનપરી આવશે એના ગળામાં તો હું સોનાનું માદળિયું પહેરાવીશ. આ માદળિયું કેવું હશે હેં? જો કે દાદી પહેરાવાનું કહે છે ને તો એ સરસ જ હશે.”
હવે ઘરમાં જાણે એકદમ શાંતિ છવાઈ ગઈ. મમ્મા કહેતી હતી એમ રાત પડી હતી ને એટલે સૌ સૂઈ ગયા હશે. પણ આજે મને જરાય ઊંઘ આવતી નહોતી. જલદી સવાર પડે અને હું આ એકદંડિયા મહેલમાંથી બહાર નિકળીને સૌને મળું, બહારનો અજવાસ જોઉં એવી અધીરાઈ આવવા માંડી હતી. મમ્માને કહેવું હતું કે મારે હવે જલદી બહાર આવવું છે. ક્યારેક કરતી એવી ધાંધલ મેં કરવા માંડી. ઘડીકમાં હાથ તો ઘડીકમાં પગથી મમ્માને બોલાવા માંડી. પણ લાગે છે કે મમ્મા પણ સૂઈ ગઈ છે. ઓ ભગવાન શું કરું? કોને કહું? ઘડીક શાંત પડીને મેં તો ફરી ધાંધલ મચાવવ માંડી.
કદાચ મારી જાતે હું બહાર નીકળી શકાય એવી મથામણમાં મેં તો આમ તેમ હલનચલન શરૂ કર્યું. થોડી વાર પછી તો જીવ પર આવીને મારી જાતને બહાર ધકેલવાની જીદ પર ઉતરી આવી.
અરે! અરે! પણ આ શું થઈ રહ્યું છે મારી સાથે? મારી તાકાત ઓસરતી જાય છે. હાથ-પગ ઢીલા પડવા માંડ્યા છે. અત્યાર સુધી મને જેનાથી તાકાત મળતી હતી, જેનાથી હું ચેતનવંતી હતી, એવું કશુંક ક્યાંક રોકાઈ રહ્યું છે. ઓ…હવે તો મારો શ્વાસ રૂંધાતો હોય એવું લાગે છે. મારું ગળું કોઈ ઘૂંટતુ હોય એવું લાગે છે. આ દાદી કહેતા હતાં એમ એ મારું ગળું તો ઘોંટી નથી રહ્યું ને? ના….ના… દાદી તો મને સોનાનું માદળિયું પહેરાવાનું કહેતાં હતાં. એ કંઈ એવું ના કરે…ના કરે…..ના જ કરે. તો પછી આ શું? …..આ તરફડાટ શેનો….”
*****
“સોરી મિસિસ આરતી. તમે થોડા મોડા પડ્યા. કદાચ તમને રાત્રે ઊંઘમાં ખબર નહીં પડી હોય પણ બેબીનો અમ્બિલાઇકલ કૉર્ડ ટ્વીસ્ટ થઈ ગયો હતો. એને ઑક્સિજન સપ્લાય અને પોષક તત્વો મળતાં બંધ થઈ ગયા. તમે પોતે ગાયનેક સર્જન છો એટલે અમ્બિલાઇકલ કૉર્ડનું ફંક્શન જાણો છો, સમજો છો. ક્યારેક એવું થાય કે જન્મ સમયે અમ્બિલાઇકલ કૉર્ડ ગળે વીંટળાયો હોય તો પણ સી-સેક્શનથી બાળકને બચાવી લેવાય, પણ ……”
જનરલ એનિસ્થીઝ્યામાંથી બહાર આવતી આરતીને હવે આથી વધારે કશું જ સંભળાતું નહોતું, પણ એટલું યાદ આવતું હતું કે સવારે એ ઊઠી ત્યારે ક્યાંય સુધી જાણે અન્વી ઘેરી ઊંઘમાં સરી પડી હોય એમ એની હલનચલન અનુભવાતી નહોતી. કશાક અજાણ્યા ડરથી એ ઊભી થઈ ગઈ. અમન અને આરવને સ્કૂલે ડ્રોપ કરીને હોસ્પિટલ આવવાનું ધૈવતને કહીને મમ્મીજીને સાથે લઈને એ હોસ્પિટલ જવા નીકળી. આખા રસ્તે ડ્રાઈવ કરતા કરતા જાણે ઊંઘતી અન્વીને ઊઠાડતી હોય એમ પેટ પર હાથ ફેરવતી રહી.
પણ અન્વી ન ઊઠી અને એને ગળે પહેરાવાનું સોનાનું માદળિયું દાદીની મુઠ્ઠીમાં જ રહી ગયું.
Recent Comments