૩૯-વાર્તા અલકમલકની-
સૌભાગ્યનું વિસર્જન
મધ્યપ્રદેશના પહાડી વિસ્તારનું એ ગામ. ગામના નાનકડા ઘરની એ છત. એ છત પર ઢળતી સંધ્યા સમયની નિસ્તબ્ધતામાં લીન બેઠેલો એ યુવક. સામે ચંદ્રના આછા મલિન પ્રકાશમાં દેખાતી પર્વતમાળા. આખું દૃશ્ય જાણે મનોહર, સંગીતમય પણ ગંભીર, રહસ્યમય અંતહીન સપના જેવું ભાસતું હતું. એ પહાડીઓની નીચેથી વહી જતી જળ-ધારા દૂરથી ચાંદીની રેખા જેવી લાગતી હતી. જાણે પર્વતોનું સમસ્ત સંગીત, સમસ્ત ગાંભીર્ય, સંપૂર્ણ રહસ્ય એ ઉજ્જવળ પ્રવાહમાં લીન ના થઈ ગયું હોય?
અસ્તવ્યસ્ત વાળ, આછી દેખાતી મૂછો, સાવ સામાન્ય વેશભૂષા, ઘડીયાળ વગરનું કાંડુ જોઈને લાગે કે ક્યાંતો એ સિદ્ધાંતપ્રેમી હશે ક્યાંતો આડંબરનો શત્રુ. પણ, એના ચહે્રા પર તેજ અને મનસ્વિતા છલકાતી હતી. વિચારોમાં લીન એ યુવક સામેની પર્વતમાળાને જોઈ રહ્યો હતો. પર્વતોમાં ઘોર સંગ્રામ છેડાયો હોય એમ સહસા વાદળોનો ભીષણ ગડગડાટ સંભળાયો. નદીનો મંદ પ્રવાહ એ ભીષણ નાદમાં ડૂબી ગયો. દૂરથી એક રલગાડી આવતી દેખાતી હતી.
એટલામાં એક યુવતી બહાર છત પર આવી. રેલગાડી જોઈને એણે નિસાસો નાખ્યો. આ રેલગાડીમાં કદાચ પેલા યુવકને ક્યાંક જવાનું હતું. યુવક ભાવુક બની ગયો. આ ભાવુક યુવક એટલે કે કેશવ એ યુવતી એટલેકે સુભદ્રાનો હાથ પકડીને બોલ્યો,
“તારા ખાતર મેં જવાની સંમતિ આપી હતી પણ તારા વગર ત્રણ વર્ષ કેવી રીતે પસાર થશે? મારું મન કહે છે હું ક્યાંય ન જાઉં.”
યુવતી જરા અધીર અવાજમાં બોલી,
“ત્રણ વર્ષના વિયોગ પછી જીવનભર કોઈ આપત્તિ નહીં નડે એ વિચારીને પણ જે નિર્ણય લીધો છે એ અમલમાં મૂકવો જ રહ્યો. અનંત સુખની આશામાં હું બધા કષ્ટ સહન કરી લઈશ.”
આંસુ ખાળવા પાણી લેવાના બહાને એ અંદર ચાલી ગઈ. એમના વૈવાહિક જીવનની એ પ્રથમ વર્ષગાંઠ હતી. મુંબઈ વિશ્વવિદ્યાલયમાંથી એમ.એ. ની ડીગ્રી પ્રાપ્ત કરીને નાગપુરની કૉલેજમાં પ્રોફેસર તરીકે જોડાયો હતો. પ્રોફેસર બન્યા પછી માતા-પિતાએ સૂચવેલી છોકરી સાથે એણે લગ્ન કરી લીધા. લગ્ન પછી પ્રેમ પ્રગાઢ બનતો ચાલ્યો. યુવક કેવળ રજાઓમાં આવી શકતો. બે-ચાર દિવસ મધુરા સ્વપ્નની જેમ પસાર થઈ જતા અને નાના બાળકોની જેમ રડીને બંને છૂટા પડતાં.
આટલું ઓછું હોય એમ એમના વિરહના દિવસો વધુ લાંબા બને એવી સમાચાર આવ્યા. કેશવને વિદેશમાં વધુ અભ્યાસ માટે એક યોગ પ્રાપ્ત થયો. વિના માંગેલી આ તકથી કેશવ પ્રસન્ન હતો. જો કે કેશવને તો પિતાંબર હોય કે કૌપિન, માથે મુગટ હોય કે જટા, એનાથી કશો ફરક નહોતો. ઘરમાં માતા-પિતાનો ઘણો વિરોધ હતો , પણ સુભદ્રાની મહત્વકાંક્ષાઓ અસીમ હતી.
એ હંમેશા કેશવને ઉચ્ચ સ્થાને જોવા ઇચ્છતી હતી. પતિ જ્યારે નજર સામે હતો ત્યારે પતિની સેવા એ જ એનો ધર્મ છે એમ માનતી. સામે પતિ એના માટે સોનાની લંકા વસાવશે એવી અપેક્ષાય હતી. સુભદ્રાએ કેશવને વિદેશ જવા મનાવી જ લીધો. આમ તો સુભદ્રા માટે કેશવ વગર ત્રણ વર્ષ ત્રણ યુગ જેવા લાંબી હતા. સાથે વિલાયતમાં એના માન-સન્માનની કલ્પના કરતી તો ત્રણ વર્ષ ત્રણ દિવસ જેવા લાગતા.
કેશવ વિદ્વાન લોકો અને અપ્સરા જેવી લલનાઓની વચ્ચે રહીને સુભદ્રાને ભૂલી નહીં જાય. સુભદ્રાને નિયમિત પત્રો લખશે..જેવા પ્રેમભર્યા વચનો લઈને એણે કેશવને ભારે દિલે વિદાય આપી.
સુભદ્રાને દિવસો પહાડ જેવા અને રાત કાળી નાગણ જેવી ભાસતી, રડી રડીને એના દિવસો પસાર થવા માંડ્યા. ઘર કે પીયર, ક્યાંય એનો જીવ ગોઠતો નહોતો. બીમાર માંડ પાસા બદલીને રાત કાઢે એમ એનો સમય પસાર થતો.
શરૂઆતમાં કેશવના પત્રો નિયમિત આવતા જેમાં વિરહ ઓછો અને નવી દુનિયાનું વર્ણન વધું રહેતુ. ધીમે ધીમે પત્રોમાં વિલંબ થવા માંડ્યો. અને પછી તો કામના બોજાના લીધે એ પણ આવતા બંધ થઈ ગયા.
અંતે સુભદ્રાએ કોઈપણ ભોગે યુરૉપ જવાનો નિર્ણય કરી લીધો. ઘર-પરિવારના લોકોને સંમત કરવા સહેલા નહોતા. સુભદ્રાની જીદ સામે એમણે નમતું જોખ્યું. થોડી આર્થિક સહાય કરી. યુરૉપ જઈને એને કેશવના કામમાં ડખલ નહોતી ઊભી કરવી. માત્ર કેશવને જોઈ શકે એવી રીતે એ પોતાની વ્યવસ્થા કરી લેશે એવા મક્કમ નિર્ણય સાથે લાંબી દરિયાઈ મુસાફરીએ નીકળી. એના જેવી અનેક સ્ત્રીઓની સાથે દરિયાઈ મુસાફરી થોડી સરળ રહી.
લંડન પહોંચીને સાવ સાધારણ કહેવાય એવી જગ્યાએ રહેતા કેશવની થોડે દૂર એક રૂમમાં રહેવાની વ્યવસ્થા એણે કરી લીધી. દરિયાઈ મુસાફરી દરમ્યાન થયેલી ઓળખના લીધે બે મહિલાઓને ભારતીય સંગીત અને હિંદી ભાષા શીખવાડવાનું કામ મળી ગયું. બાકીના સમયમાં કપડાં સીવવાનું કામ શરૂ કર્યું. કેશવની પાસે આવીને એને મળ્યા વગર રહેવાનું કઠતું હતું, પણ કેશવને એના કામમાંથી એ વિચલિત નહોતી કરવા માંગતી. રૂમની બાલ્કનીમાંથી રસ્તા પર આવતા-જતા કેશવને જોવા એ કલાકો બેસી રહેતી.
નીચેથી પસાર થતાં યુગલોને જોઈને એનું મન કેશવને મળવા અધીર થઈ જતું. અંતે એની તપસ્યા જાણે ફળી. કેશવને એણે દૂરથી આવતો જોયો. પણ એ એકલો નહોતો. એની સાથે કોઈ યુવતી હતી. હાથમાં હાથ, જાણે ક્યારેય ન છૂટે એવો સાથ. બંને અત્યંત ખુશહાલ દેખાતા હતાં. સુભદ્રાના માથે આભા તૂટ્યું હોય એવી ભ્રાંતિથી એ હતપ્રભ બની ગઈ.
યુવતી એવી રૂપાળી નહોતી. શ્યામલ ચહેરો, ભારતીય પહેરવેશ, બસ એથી વિશેષ કંઈ દેખાતું નહોતું. સુભદ્રા ઘર બંધ કરીને લગભગ એમની પાછળ દોડી. પણ એટલામાં તો સાંકડી ગલી પસાર કરીને બંને કોઈ દિશામાં વળી ગયાં. આ ગલી પસાર કરીને સુભદ્રા ઘણે લાંબે સુધી ચાલતી જ રહી. બહાર મુખ્ય રસ્તા પર કેટલીય ઝગમગાતી દુકાનો, હોટલો હતી. ક્યાં શોધવા બંનેને?
નિરાશ થઈને પાછી વળી. ન એને ખાવાની સુધ રહી કે ન એની આંખોમાં એ રાત્રે ઊંઘ ડોકાઈ. બાલ્કનીમાં મોડે સુધી કેશવની રાહ જોઈને જાગતી બેસી રહી.
બીજા દિવસે સુભદ્રા પોતાના કામે જવા તૈયાર થતી હતી કે એક યુવતી આવીને ઊભી રહી. રેશમી સાડીમાં લપેટાયેલી એ કન્યા સુંદરતાની પરિભાષામાં જરાય બંધબેસતી નહોતી. શ્યામલ ચહેરો, પહોળું મ્હોં, ચપટું નાક, આંખો પર ચશ્મા, નાનું કદ અને સ્થૂળ શરીર. પણ એની આંખોમાં વશીકરણ હતું. જાણે સરસ્વતીનું વરદાન મળ્યું હોય એમ સયંમિત વાણીમાં વિનમ્રતા અને અવાજમાં મધુરતા હતી. એની પાસે સુભદ્રાને પોતાની જાત તુચ્છ લાગી.
એણે યુવતીને આવકાર આપ્યો. યુવતીના લગ્ન થવાના હતા, એને વૈદિક વિધિથી લગ્ન કરવા હતા એટલે ભારતીય કપડાં સીવડાવવા હતાં. બંને વચ્ચે પહેલાં ઔપચારિક અને પછી અંગત વાતો થતી રહી. યુવતી એટલે કે ઉર્મિલા ખરેખર તો લગ્નના બંધનમાં બંધાવા માંગતી જ નહોતી. પણ એ યુવકને મળીને લગ્ન ન કરવાની પ્રતિજ્ઞા જ ભૂલી ગઈ. એ યુવકને મળીને ઉર્મિલાને સમજાયું કે પ્રેમની અનુભૂતિ કેટલી આનંદમય હોઈ શકે.
વાતો વાતોમાં ઉર્મિલાને સુભદ્રાની સંગીતપ્રીતિ વિશે જાણ થઈ. સહસા એ બોલી ઊઠી, “કેશવને પણ સંગીત અતિ પ્રિય છે.”
કેશવનું નામ સાંભળીને સુભદ્રાને જાણે વીંછીએ ડંખ માર્યો હોય એવી વેદના થઈ. પણ એણે મન વાળી લીધું કે કેશવ નામ એક જણનું જ ના હોય ને?
પણ ઉર્મિલાની વાતોમાંથી એક પછી એક પડ ખૂલતાં ગયાં. ઉર્મિલાનો કેશવ પ્રખર બુદ્ધિશાળી હતો. એના કેશવને પણ ભારત સરકારે અહીં વિદ્યાલયમાં ભણવા મોકલ્યો હતો. પ્રોફેસરોનો આદર પામતો એના કેશવ જેવું ભાષણ આજ સુધી એણે સાંભળ્યું નહોતું. ઉર્મિલામાં ન તો રૂપ હતું કે ન તો લાવણ્ય પણ કેશવે એને પસંદ કરી એના માટે પોતાની જાતને ભાગ્યશાળી માનવા લાગી હતી.
બસ આનથી વધારે સુભદ્રાના કાન કે મન સુધી કશુંજ પહોંચ્યું નહીં. ઉર્મિલાના ગયા પછી એ છાતી ફાડીને રડી પડી. આ જ એનો કેશવ હતો? જાણે એના પ્રાણ નીકળી ગયા હોય એમ નિર્જીવ લાકડાં જેવી બની ગઈ. આખા શરીરની જ્ઞાનેન્દ્રિય બધિર બની ગઈ. ઊંચા આસમાનથી નીચે પછડાઈ હોય એવી અનુભૂતિ થઈ.
આ એ જ કેશવ હતો જેને એણે ઉજ્જ્વળ ભાવિ માટે આગ્રહ કરીને અહીં મોકલ્યો હતો? આ એ જ કેશવ હતો જેણે એના જીવનમાં સર્વનાશ વેરી દીધો? કેશવની પ્રેમાતુર આંખો, સરળ સહજ પ્રકૃતિ યાદ આવવા માંડી. પોતે જરા બીમાર પડી હતી, તો પંદર દિવસની રજા લઈને એની જોડે રાત-રાતભર બેસી રહેતો, એ આ કેશવ હતો? ના. કેશવનો આમાં કોઈ વાંક નહીં હોય. ઉર્મિલાએ જ એની મધુર વાણી, વિદ્યા, બુદ્ધિ અને વાકપટુતાથી મોહી લીધો હશે.
એણે કેટલી વાર ભણવાની ઇચ્છા પ્રગટ કરી હતી? પણ કેશવને તો એ જેવી છે એવી, સરળ અને સ્વાભાવિક જ પસંદ હતી. ભણાવીને સુભદ્રા એની સરળતા ગુમાવે એ કેશવને મંજૂર નહોતું. આજે એને લાગ્યું કે કેશવે એની સાથે અન્યાય કર્યો છે. ઈર્ષ્યા, દુઃખ અને ક્રોધથી એ તમતમી ઊઠી. બંધ બારણે ઘાયલ માનુની આમથી તેમ આંટા મારતી રહી. હસતા હસતા કોઈને એનું ગળું ઘોંટી દીધું હોય એવો તરફડાટ અનુભવી રહી.
સહસા એક હિંસાત્મક ભાવથી એનો ચહેરો કઠોર બની ગયો. કેશવની ધૂર્તતા, નીચતા, સ્વાર્થપરાયણતા અને કાયરતા વિશે ઉર્મિલાને એક પત્ર લખવાનું મન થયું. કેશવના પાંડિત્ય, પ્રતિભા અને પ્રતિષ્ઠા પાછળનો અસલી ચહેરો દેખાડી દેવાની અદમ્ય ઇચ્છા થઈ. કેશવની પાસે જઈને સવાલો કરવાનું મન થયું પણ અભિમાને એના પગમાં બેડીઓ નાખી દીધી હોય એમ પગ ન ઉપડ્યાં.
બીજા દિવસે ઉર્મિલા આવી. કેશવને હવે જર્મની જવાનું હતું. અને ઉર્મિલા સાથે આવે તો કેશવની થીસિસ લખવામાં સહાયરૂપ બને એવી ઇચ્છાથી એને સાથે લઈ જવી હતી. અને એટલે બીજા દિવસે લગ્ન કરી લેવાનો નિર્ણય લેવાયો હતો એટલે સીવવા આપેલાં કપડાં માટે ઉતાવળ ન કરવા કહેવા આવી હતી.
સુભદ્રાએ સંકોચનું આવરણ હટાવીને હિંમતભેર કેશવ પરણેલો છે એ સત્ય ઉર્મિલાને જણાવ્યું. સુભદ્રા કેશવને કેવી રીતે જાણતી હતી, એમાં ઊંડા ઊતર્યા વગર ઉર્મિલાએ સુભદ્રાને જે કહ્યું એ એના માટે અસહ્ય હતું.
ઉર્મિલાના કહેવા પ્રમાણે, કેશવે એક નહીં સો વાર લગ્ન કર્યા હોત, તો પણ એને કેશવ સાથે લગ્ન કરવાનો જરાય વાંધો નહોતો. કેશવ પૂર્ણ પુરુષ છે. એના સાનિધ્યમાં એ ફૂલની જેમ ખીલી ઊઠતી. દુનિયાનો વિચાર કરીને જો એ એની સાથે લગ્ન ન કરે તો એને જીવનભર અવિવાહિત જ રહેવું પડત. કેશવના લગ્ન જેની સાથે થયા હતા એ કોઈ સાધારણ, અર્ધશિક્ષિત યુવતી હતી. કેશવ જેવો વિદ્વાન, ઉદારચેતા, મનસ્વી પુરુષનો એવી સ્ત્રી સાથે મનમેળ કેવી રીતે હોઈ શકે કે એ કેવી રીતે એની સાથે પ્રસન્ન રહી શકે?
સુભદ્રા ક્રોધથી તમતમી ઊઠી. ઉર્મિલા એને બીજા દિવસે લગ્નમાં હાજર રહેવા આમંત્રિત કરતી હતી અને બીજી ઘણી વાતો કરતી રહી. એ કહેતી હતી કે, કેશવ એની પ્રથમ પત્નીને ભરણ-પોષણનો પ્રબંધ કરીને છૂટી કરવા માંગતો હતો પણ હિંદુ પ્રથા મુજબ છૂટા ન થવાય તો એ મુસલમાન કે ઈસાઈ થવા તૈયાર હતો. આ જણાવતો પત્ર એની સ્ત્રીને લખવાનો હતો. પણ ઉર્મિલાને એ અભાગણી પર દયા આવતી હતી એટલે એને બહેન માનીને સાથે રાખવા તૈયાર હતી.
ઉર્મિલાના ગયા પછી સુભદ્રાનો એક એક અણુ પ્રતિકાર લેવા તડપી ઊઠ્યો. એને થયું કે આ સમસ્યા જો કેશવ સાથે બની હોત તો, કેશવ એના લોહીનો તરસ્યો ના બન્યો હોત? એને સજા આપવામાં કંઈ બાકી રાખ્યું હોત? પુરુષના માટે બધું ક્ષમ્ય છે એ સ્ત્રી માટે કેમ અક્ષમ્ય? સુભદ્રાનું મન વિદ્રોહી કરી ઊઠ્યું. શું સ્ત્રીઓને આત્મસન્માન જેવું હોય કે એણે માત્ર પુરુષના પગની જૂતી બનવામાં પોતાનું સૌભાગ્ય માનવાનું?
એ પોતાની આવી અવહેલના જરાય નહીં સહી લે. ભલે દુનિયા એને હત્યારી માને પણ એ જરૂર બદલો લેશે. પહેલાં એ ઉર્મિલાના અને પછી કેશવના જીવનનો અંત આણશે. જો કોઈ દુષ્ટ એના સ્ત્રીત્વ, સતીત્વને હણવા મથે તો એનો પ્રતિકાર કરી શકે. તો આ એના આત્મનું હનન છે. કેશવે એના અસ્તિત્વનું અપમાન કર્યું છે.
સુભદ્રા વિચારી રહી. આ એ જ કેશવ છે જેણે, માત્ર પોતાની વાસનાની તૃપ્તિ માટે સુભદ્રા સાથે પ્રેમનો સ્વાંગ રચ્યો? એનો વધ કરવાનું સુભદ્રાનું કર્તવ્ય છે અને એ એમ કરશે જ. જાણે એ લોહી તરસી વાઘણ બની ગઈ. કાલે લગ્ન સમયે એ મંદિરમાં જઈને કેશવના શરીરમાં ગોળીઓ ધરબી દેશે અને પછી પોતાના શરીરમાં. ભલે ને ઉર્મિલાને રડી રડીને જીવન પસાર કરવું પડે. એની પરવા નહીં.
*************
પોતાની નજર સામે અન્ય યુવતી સાથે પ્રભુતામાં પગ માંડતા પતિદેવને પરમધામ પહોંચાડવાના નિર્ણયને સુભદ્રા કેવી રીતે અંજામ આપે છે. એ જોઈએ આવતા અંકે.
પ્રેમચંદ મુનશીની વાર્તા ‘सोहागका शव’ ને આધારિત ભાવાનુવાદ
Entry filed under: વાર્તા, વાર્તા અલકમલકની, Rajul.
Recent Comments