૩૮- વાર્તા અલકમલકની-
October 4, 2021 at 7:07 am 2 comments
કંટક-વનના ફૂલ
ફાગણ મહીનાની સાંજ અને એ ગુલાબી ઠંડી. સવારથી પોતાના ચણની શોધમાં નીકળેલાં પંખીઓનું ટોળું લયબદ્ધ રીતે પોતાના માળા તરફ પાછું ઊડી રહ્યું હતું. ઘેરાયેલાં વાદળોથી ઓથેથી રેલાઈ આવતાં સૂર્યકિરણોની લાલિમા ઓછી થવા માંડી હતી. પશ્ચિમ દિશામાં રંગોનો આ ઉત્સવ હું જોઈ રહી હતી અને અચાનક નોકરે આવીને કહ્યું કે બહાર કોઈ વૃદ્ધ સજ્જન મને મળવા માટે આવ્યા છે.
હજુ તો કવિતાની પ્રથમ કડી લખાઈ હતી. મન થોડું ખાટું થઈ ગયું. મારા કામથી વધીને, અન્ય બીજું કઈ કામ હોઈ શકે ભલા? પ્રાણ પ્રતિષ્ઠા થાય એ પહેલા મૂર્તિ ખંડિત થઈ હોય એવા ભાવથી મન ખિન્ન થઈ ગયું. કવિ હોવાનો મદ મન પર છવાયેલો હતો. સારું થયું કે સાથે, માણસ પણ છું, એ યાદ આવ્યું અને એ વૃદ્ધને મળવા બહાર આવી. અનપેક્ષિત આગંતુકને જોઈને હું સ્તબ્ધ બની ગઈ. નાનપણમાં કોઈ ચિત્રકારે બનાવેલું કણ્વ ઋષિનું ચિત્ર જાણે સજીવ બનીને મારી સામે ઊભું હતું. સફેદ દૂધ જેવા વાળ અને એવી જ સફેદ પૂણી જેવી દાઢી ધરાવતા એ ચહેરા પર સમયના થપેડા ચઢી ચૂક્યા હતા. ક્યારેક સતેજ લાગતી આંખો એવી લાગતી હતી કે, કોઈએ ચમકતા દર્પણ પર ફૂંકથી એને ધૂંધળો ના બનાવી દીધો હોય? ધૂળથી ખરડાયેલાં પગ, ઘસાઈ ગયેલી ચંપલ, પરસેવા અને મેલથી કાળી પડી ગયેલી ખાદીની ટોપી જોઈને મેં કહી દીધું, “ હું તમને ઓળખતી નથી.”
અનુભવથી મલિન પણ આંસુઓથી ઉજળી, એમની દૃષ્ટિ પળવાર મારી સામે મંડાઈ. પછી જાણે વ્યથાના ભાર કે લજ્જાના ભારથી એ ઝૂકી ગઈ.
ક્લાંત પણ શાંત કંઠે એ બોલ્યા, “બારણે આવીને ઊભેલા માંગવાવાળાનો શું પરિચય હોઈ શકે? મારી પૌત્રી એક વાર તમને મળવા અતિ વ્યાકુળ છે. આજે સાહસ એકત્રિત કરીને આવ્યો છું. એને મળવાનું સ્વીકારશો? કષ્ટ આપવા બદલ માફી માંગું છું. બહાર ટાંગાવાળો ઊભો છે.”
આશ્ચર્યથી હું એ વૃદ્ધને તાકી રહી. સૌ જાણે છે કે હું ક્યાંય આવતી-જતી નથી.
“કેમ એ આવી શકે એમ નથી ?”
એમની બીમાર અને હતભાગી પૌત્રીએ આઠ વર્ષની ઉંમરે માતા-પિતા ગુમાવી બેઠી અને અગિયાર વર્ષે વિધવા થઈ હતી. એવું એ બોલ્યા પછી હવે, વધુ તર્ક-વિતર્કનો અવકાશ નહોતો. માની લીધું કે એમની પૌત્રી મરણાસન્ન હશે. હું કોઈ ડૉક્ટર કે વૈદ નહોતી. પણ તેમ છતાં એમના ચહેરા પરના ભાવ જોઈને, હું જવા તૈયાર થઈ.
દુષિત પાણી ભરેલાં નાળાં, રોગના કીટાણું જેવા આમ તેમ ઘૂમતાં નાગાપૂગા છોકરાઓથી ઊભરાતી સાંકડી ગલીઓ વટાવતાં અમે એમના ઘેર પહોંચ્યા. ત્રણ સીડીઓ ચઢીને ઊપર ગયાં. સામે જ મેલી ફાટેલી ચટાઈ પર દીવાલના ટેકે બેઠેલી સ્ત્રીને જોઈ. જેના ખોળામાં એવાં જ મેલા કપડાંમાં લપેટાયેલા પિંડ જેવું કંઈક હતું.
“આવો.” એક ઉદાસ સ્વર સંભળાયો. એ આવકાર આપનારની મુખાકૃતિ આશ્ચર્યજનક રીતે એ વૃદ્ધ સાથે મળતી આવતી હતી. જાણે એ જ ચહેરો, ક્યારેક ચમકતી પણ આજે ધૂંધળી દેખાતી આંખો, એવા જ કાંપતા હોઠ. સૂકા વાળ અને મેલાં વસ્ત્રો.
“ઘણી મહેરબાની કરી આપે. ભગવાન જાણે છે કે છેલ્લા પાંચ મહિનાથી કેટલું કષ્ટ ઊઠાવી રહ્યાં છીએ. પણ આ છોકરીની જીદ તો તોબા. અનાથાલયમાં મૂકીને આવવા કે ક્યાંક પણ મૂકીને આવવાની વાત કરીએ તો અન્ન-જળનો ત્યાગ કરી દે છે. કેટલી વાર સમજાવ્યું કે ન જાન- ન પહેચાન અને આવી મુસીબતને ઘરમાં ક્યાં સુધી રાખવાની, પણ સાંભળે છે કોણ? હવે તો તમે સમજાવો તો ઉદ્ધાર થાય.” આટલી લાંબી-ચોડી પ્રસ્તાવનાથી હવે જરા વસ્તુસ્થિતિ મને સમજાવા માંડી.
સામાજિક વિરૂપતાનું નિરુપણ મેં અનેકવાર કર્યું છે, પણ જીવનની કઠોર ભીષણતાનો આજે પહેલી વાર પરિચય થયો. મારા સમાજ સુધારાવાદી દૃષ્ટિકોણને લક્ષ્યમાં રાખીને આ પરિવાર મારી પાસે કોઈ અપેક્ષા સેવી રહ્યો હતો. અનેકવાર સૌને કહ્યું છે કે, કીચડ ધોવા માટે કીચડ કામમાં ન આવે. એના માટે તો નિર્મળ જળ જ જોઈએ. પોતાની પાંખડીઓ પર પાણીનું બિંદુ પણ ન ટકવા દેતી કમળ જેવી સ્વચ્છતા જ એને કાદવમાં ખીલવાની શક્તિ આપે છે. પણ અહીં એવું કહેવાનો અર્થ નહોતો.
વૃદ્ધ મને ત્યાં જ મૂકીને ઓરડાની બીજી બાજુ બહાર છજામાં જઈને ઊભા, જ્યાંથી એમના થાકેલા તન અને તૂટેલા મનની ધૂંધળી છાયા દેખાતી હતી. આખું ચિત્ર કરુણ લાગતું હતું.
હવે મને મારી જાત પર શરમ આવતી હતી. પેલી સ્ત્રીના ખોળામાંના એ પિંડને જોવા શાલ ખસેડી. જાણે અંદર-બહાર પ્રલય મચ્યો હોય એવો શોર અનુભવી રહી. મલિન આવરણ નીચે કોમળ મુખ, પસીનાથી ચીકણાં કાળા ટૂંકા વાળ, અર્ધ મિંચાયેલી આંખો, લાલ કળી જેવા હોઠ પર જાણે કોઈ સુંદર સ્વપ્ન જોઈ રહ્યુ હોય એમ વિચિત્ર લાગતું સ્મિત. એના આવવાથી કેટલાંયના હૃદય દ્રવી ઊઠ્યાં હશે, કેટલાંયની સૂની આંખોમાં પૂર આવ્યું હશે, એનું આ અવાંછિત અતિથિને જ્ઞાન હશે ખરું? એના આગમનથી કોઈની દૃષ્ટિમાં એના માતા પ્રત્યે આદર નહીં રહ્યો હોય. એના સ્વાગતમાં મેવા-મીઠાઈ નહીં વહેંચાયા હોય કે નહીં વધાઈના ઉમંગભર્યા ગીતો ગવાયા હોય. કોઈએ એનું નામકરણ કર્યું હશે કે કેમ? માત્ર એટલું જ નહીં, એના ફૂટેલા નસીબમાં વિધાતાએ પિતાનું નામ પણ નહીં લખ્યું હોય.
એને જન્મ આપવા સમાજના ક્રુર વ્યંગબાણથી બચવા ઘોર નરક જેવા અજ્ઞાતવાસમાં કેટલુંય એની મા પીડાઈ હશે. એવી માતાના દહેકતાં અંગારા જેવા શ્વાસોથી જાણે આ કોયલા જેવો બની ગયો હશે! આ કેવી રીતે જીવશે એની ચિંતા કોઈને હશે ખરી? પોતાના માથે હત્યાનું પાપ લીધા વગર જ એને જીવનથી મુક્તિ મળે એવું જ વિચારતાં હતાં આ લોકો. જ્યારે મારા મન પરનો વિષાદ અસહ્ય બની રહ્યો ત્યારે મેં એ બાલિકાને જોવાની ઇચ્છા પ્રગટ કરી. ઉત્તરમાં પેલી વિરક્ત જેવી સ્ત્રીએ પરસાળની બીજી તરફ એક અંધારી કોઠરી તરફ આંગળી ચીંધી.
અંદર ગઈ તો પહેલાં કશુંજ સ્પષ્ટ દેખાયું નહીં. કેવળ કપડાંની સરસરાહટથી ખાટલા પર કોઈ છે એવું સમજાયું. અંધારાથી આંખો ટેવાઈ. પાસે પડેલો દીવો સળગાવ્યો.
ખાટલા પર મેલી ચાદર, તેલના ધબ્બાવાળો તકિયો અને એક અત્યંત દયનીય ચહેરો દેખાયો. યાદ નહોતું અવતું કે આવી કરુણા બીજે ક્યાંય જોઈ હોય! જે દૃશ્ય નજર સામે હતું એનું ચિત્ર પણ રજૂ કરવું કપરું છે. એ માંડ અઢારે પહોંચી હશે એવું લાગ્યું. સૂકા હોઠ, શ્યામળો પણ પૂરતા પોષણના અભાવે પીળો લાગતો ચહેરો. એની આંખો જાણે તેલ વગર બળતો દીવો.
એની અસ્વાભાવિક લાગતી નિસ્તબ્ધતાથી એની માનસિક સ્થિતિનું અનુમાન કરી શકાતું હતું. અચાનક અકારણ મારા મનનો વિષાદ ક્રોધમાં પલટાવા માંડ્યો.
એના અકાળ વૈધવ્ય માટે એને દોષ ન દઈ શકાય. એની સાથે કોઈએ દગો કર્યો એની જવાબદારી પણ એની નથી. ફક્ત એના આત્માનો, એના હૃદયનો અંશ જે એની સામે હતો, એના જીવન-મરણનું ઉત્તરદાયીત્વ એનું હતું. કોઈ પુરુષે એનો સ્વીકાર નથી કર્યો એટલા માટે થઈને, જીવનના સત્યનો, આ બાળકનો એણે અસ્વીકાર કરવાનો?
સંસારમાં એને કોઈ કોઈ પરિચાત્મક વિશેષણ ન મળે પણ બાળકની માતા તરીકેની ગરિમા તો એ પામી જ શકે. આ લોકો એના કર્તવ્યના અસ્વીકારનો પ્રબંધ કરી રહ્યાં હતાં. માત્ર એટલા માટે કે એ સમાજમાં સતી વિધવાના સ્વાંગમાં પાછી ફરીને ગંગા-સ્નાન, વ્રત-ઉપવાસ, પૂજા-પાઠ કરી શકે. અથવા કોઈ વિધવાશ્રમમાં પશુની જેમ લિલામી પર ચઢીને ક્યારેક ઊંચી-નીચી બોલી પર વેચાય. અથવા ઝેરનું એક એક ટીપું પીને ધીમે ધીમે પ્રાણ આપે.
સ્ત્રી પોતાના બાળક સાથે જેટલી નિર્ભર છે એટલી બીજી કોઈ અવસ્થામાં ન હોઈ શકે. એ પોતાના સંતાનની રક્ષા માટે ઉગ્ર રણચંડી બને એવી ભૂમિકા બીજી કઈ હોઈ શકે? કદાચે આ લોપુપ સંસાર એનું આ કવચ છીનવી લેવા મથે ત્યારે કાશ એ પોતાના શિશુને ગોદમાં લઈને કહેવાની તાકાતથી કહી શકે કે, “ઓ હેવાનો, તમે મારું પત્નીત્વ, નારીત્વ છીનવી શકશો પણ મારું માતૃત્વ કોઈ સંજોગોમાં નહીં છીનવવા દઉં.” તો એમની સમસ્યા ઉકલી જાય.
જે સમાજ એમની વીરતા, સાહસ અને ત્યાગસભર માતૃત્વનો સ્વીકાર નથી કરી શકતો એ સ્ત્રીઓની કાયરતા કે દીનતાની પૂજા પણ નહીં કરે. યુગોથી પુરુષ સ્ત્રીને એની શક્તિ માટે નહીં, સહનશક્તિ માટે દંડ આપતો રહ્યો છે.
હું મારા ભાવાવેશમાં સ્થિર હતી ત્યારે એણે ખાટ પરથી ઊઠીને એના દુર્બળ હાથોથી મારા પગ પકડી લીધા. ચૂપચાપ વરસતી આંખોના અનુભવથી મારું મન પશ્ચાતાપથી વ્યાકુળ થઈ ઊઠ્યું.
એના અસ્ફૂટ સ્વર મારા સુધી પહોંચતા હતા. એ કહેતી હતી કે એનું સંતાન એ આપવા નથી માંગતી. એના દાદા રાજી ન હોય તો એના માટે પ્રબંધ કરવા મને વિનવી રહી હતી. દિવસમાં સૂકો રોટલો મળી જાય, મારા ઉતરેલા કપડાં મળી એનાથી વિશેષ કોઈ ખર્ચ પણ માંગતી નહોતી. એનું બાળક મોટું થાય ત્યારે જે કામ કહું, એ જીવનભર કરતી રહેશે એવો વિશ્વાસ આપતી હતી.
એ ફરી કોઈ અપરાધ ન કરે તો એને હું દીકરીની જેમ રાખુ કે મમતાભરી ઓથ આપું એટલું એ માંગતી હતી જેથી એના બાળક સાથે એ સુરક્ષિત રહી શકે. આવી યાચના કરતી સ્ત્રી એવું ક્યાં જાણતી હતી કે, પાનખરમાં ફૂલો નહીં મળે, પણ સ્ત્રીને ક્યારેય કાદવની અછત નહીં રહે.
પણ, ૨૭ વર્ષની ઉંમરે મારે ૧૮ વર્ષની છોકરી અને ૨૨ દિવસના સંતાનનો સ્વીકાર કરવો જ પડ્યો.
પેલા વૃદ્ધને પોતાના કઠોર-નઠોર, સંવેદનાહીન સમાજમાં પાછા ફરવું હતું. ક્રુર સમાજ વ્યવસ્થાનો સ્વીકાર હતો, પણ માનવતાની માંગનો સ્વીકાર નહોતો.
આજે તો કોણ જાણે એ કયા અજ્ઞાત લોકમાં હશે. પણ મલયાનિલની જેમ આવ્યા અને મને એવા કંટક-વનમાં ખેંચી લાવ્યા અને બે ફૂલની ધરોહર સોંપી. જેનાથી મને સ્નેહની સુરભિ પ્રાપ્ત થઈ. એમાંથી એક ફૂલની ફરિયાદ છે કે મને એની ગાથા સાંભળવાનો અવકાશ નથી મળતો અને બીજા ફૂલની ફરિયાદ છે કે હું એને રાજકુમારની કથા નથી કહેતી.
મહાદેવી વર્માની વાર્તા- દો ફૂલને આધારિત ભાવાનુવાદ.
Entry filed under: વાર્તા, વાર્તા અલકમલકની, Rajul.
1.
શૈલા મુન્શા | October 7, 2021 at 6:12 pm
અતિ કરૂણ સામાજિક પરિસ્થિતિનુ, એક વિધવા સ્ત્રી પુરૂષની વાસનાનો શિકાર થઈ બાળકને જન્મ આપે એ વ્યથા શબ્દે શબ્દે અનુભવાય છે.
LikeLike
2.
Rajul Kaushik | October 7, 2021 at 8:06 pm
હા, શૈલાબહેન,
કોઈ પણ વાંક વગર જ્યારે નિર્દોષ દંડાય ત્યારે એ અત્યંત દુઃખદ લાગે .
LikeLike