૩૭- વાર્તા અલકમલકની –
‘અભાસી સુખ‘
દૂર પહાડી પર એ ખૂબ ઝડપથી લાંબી લાંબી ડાંફો ભરતો ચાલી રહ્યો હતો પણ એની નજર નીચે સપાટ ખેતરોમાં ચાલ્યા આવતા પેલા બે આદમી તરફ હતી. પહાડી ઉપરથી એ બે આદમી રમકડાં જેવા દેખાતા હતા અને એમના ખભા પરની બંદૂકો જાણે નાના પંખી ગોઠવાયેલા હોય એવી દેખાતી હતી.
એ એટલે કાશિર. એને ખબર હતી કે પેલા દૂર દેખાતા બે આદમી એનો જીવ લેવા પાછળ પડ્યા છે. પણ એ થોડો નિશ્ચિંત હતો કારણકે એ જ્યાં હતો ત્યાં સુધી પહોંચવામાં એ બંનેને ઓછામાં ઓછા ચાર કલાક લાગવાના હતા. નીચે કરેલી નજર જરા ઉપર ઊઠાવીને કાશિરે પહાડની ટોચ તરફ જોયું. એને આશા બંધાઈ કે એ પહાડની ટોચે પહોંચી જશે પછી એના જીવને કોઈ ખતરો નથી. એક કલાકમાં તો એ સારદો પહાડની બાર હજાર ફૂટની ઊંચાઈ સુધી પહોચી જશે. પછી શરૂ થશે સારદો પહાડની બીજી બાજુ ગડિયાલીનું ગાઢ જંગલ. જેના એક એક ખૂણાને જંગલના જાનવરોની જેટલું એ જાણતો હતો. એક વાર એ પહાડી પરથી ઉતરીને આ જંગલમાં ઊતરી જશે પછી તો એ ક્યાં કોઈનાય હાથમાં આવવાનો છે? જંગલની પેલે પાર એના ગામની સરહદ હતી. હા, એ સરહદ સુધી પહોંચવાનો પુલ તો ડાયનેમાઇટથી ઊડાડી દેવામાં આવ્યો હતો. પણ તેથી શું? કાશિર તો અચ્છો તરવૈયો હતો એટલે ગડિયાલી નદી પાર કરીને પોતાના ગામ પહોંચી જશે એટલો એને વિશ્વાસ હતો.
કાશિર જુવાન હતો. આટલી દૂરી પાર કરવી એના માટે રમતવાત હતી એટલે દુશ્મન એને પકડી નહીં શકે એનીય ખાતરી હતી. હવે એ થોડો પોરો ખાવા ઊભો રહ્યો. જો કે જેમ એ પેલા બે આદમીઓને જોઈ શકતો હતો એવી રીતે એ બંને પણ કાશિરને જોઈ શકતા હશે એવું એ જાણતો હતો. નીચે ખેતરોથી અહીં સુધી આવવાના રસ્તો સાવ ઉઘાડો હતો. વચ્ચે થોડી છૂટીછવાઇ નાની નાની એવી ઝાડીઓ હતી, જેમાં એ ક્યાંય જાતને સંતાડી શકે એમ નહોતો.
એણે બહુ હોંશિયારીપૂર્વક આગળનો રસ્તો કાપવાનો હતો. આ ક્ષણે એને એક અફસોસ થતો હતો કે ગામમાંથી ભાગવાના સમયે એ પોતાની સાથે રાઈફલ નહોતો લાવી શક્યો. નહીંતર કોઈની મજાલ હતી કે એનો પીછો કરે? પોતાની રાઈફલની રેન્જમાં આવનારને એ આસાનીથી ઊડાડી શકે એમ હતો.
પણ અત્યારે તો એની પાસે કોઈ શસ્ત્ર છે નહીં. અને એને પેલા આદમીઓના નિશાનથી જાતને બચાવીને આગળ વધવાનું હતું. એનો પીછો કરવાવાળાની પાછળ દૂર સુધી લહેરાતાં દેખાતાં હતાં, અને ખેતરોની આગળ પ્લમ, જરદાલૂથી લચી રહેલાં વૃક્ષો અને એનાથી આગળ મોગરીનું ગામ દેખાતું હતું.
ક્ષણભર એનું મન પર ઘેરી ઉદાસીની છાયાથી વ્યથિત બની ગયું. મોગરીની યાદથી જાણે દિલમાં ખંજર ભોંકાયું હોય એવી પીડા ઊઠી.
ફૂલો જેવી ખૂબસૂરત, કાજળથીય ઘેરી આંખોવાળી, અંગારા જેવા ગરમ ગરમ હોઠોવાળી ઓગણીસ-વીસ વર્ષની મોગરી જ્યારે હસતી ત્યારે, એની દાંતની શ્વેત પંક્તિઓ એવી લાગતી કે જાણે ડાળીઓ પરથી ફૂલો ખરી રહ્યાં છે. આવું હાસ્ય આજ સુધી કાશિરે કોઈનુંય જોયું નહોતું. મોગરીની યાદથી એનું લોહી ગરમ થઈ ઊઠ્યું. મોગરીના ગરમ ગરમ હોઠ પર એના હોઠ ચાંપી દેતો ત્યારે એને એવું લાગતું કે શરીરમાં અંગારા દહેકી રહ્યાં છે. એના મનનો પ્રબળ આવેશ એના શરીરમાં વહેતાં લોહી પણ ગરમ કરી દેતો. આગની જેમ ભડકી ઊઠેલી એની લાગણીઓ વળી પાછી મોગરીના ચુંબનથી ઓગળી જતી. એ જેમ મોગરીની નજીક જતો એમ મોગરીના શ્વાસો એના શ્વાસમાં ભળી જતાં. મોગરી એના નાજુક હાથોથી કાશિરના ચહેરા પર તમાચાં ચોઢી દેતી ત્યારે એ માંડ મોગરીથી છૂટો પડતો.
છૂટી પડેલી મોગરી ચિત્કારી ઊઠતી, “ પાગલ જાનવર.”
પોતાના પ્રબળ આવેગને માંડ રોકી એ બોલતો, “અને તું? આગ છું.”
“કોઈ જાણતું નથી કે હું દુશ્મનના દીકરાને પ્રેમ કરું છું.”
“મારા સિપાઈઓમાંથી પણ કોઈ નથી જાણતું કે ગડીયાલીના જંગલમાં હું કોને મળવા આવું છું.”
ગડિયાલીના જંગલમાં જ્યારે એ મોગરીને મળતો ત્યારે દેવદારના તૂટેલા વૃક્ષનું થડ પણ એને કોઈ દિવાન- એ- ખાસ એવું લાગતું.
મોગરી સીતાફળ, નાસપતી, કેળા, જલદારુ. અખરોટ કે મકાઈના ભુટ્ટા લઈને આવતી ત્યારે થોડીવારમાં જ એની ટોપલી ખાલી થઈ જતી અને કાશિર આવતો ત્યારે સિપાઈઓ સમજીને ત્યાંથી ખસી જતા.
પણ એક દિવસ મોગરીએ આપેલી બાતમીથી જ્યારે દુશ્મનોએ ગડિયાલીનો પુલ ડાઇનેમાઈટથી ઉડાડી દીધો ત્યારે કાશિરના દિલ ચકનાચૂર થઈ ગયું. એને થયું કે ગડિયાલીનો પુલ તો ફરી બનશે પણ ચૂરચૂર થઈ ગયેલા એના દિલનો પુલ ક્યાંથી બનશે? એને દિલ ફાડીને રડવું હતું, પણ આંખના આંસુ વરાળ બની ગયાં. મોગરીને ગાળો દેવાનું મન થયું પણ એને કોસવા શબ્દો હોઠ સુધી ન આવ્યા. સિપાઈઓની તીક્ષ્ણ નજરથી એ વીંધાતો રહ્યો. જ્યારે એ નજરોનો સામનો કરવા અસમર્થ બની ગયો ત્યારે રાઈફલ સાથે જ ગડિયાલી નદીમાં કૂદી પડ્યો.
પાગલની જેમ ભૂખ્યો, તરસ્યો એ તમામ જગ્યાએ ઘૂમતો રહ્યો જ્યાં એણે અને મોગરીએ સમય વિતાવ્યો હતો. એણે એ તમામ ક્ષણો ભૂલવાનો વ્યર્થ પ્રયાસ કર્યો. દરેક જગ્યાએ એને મોગરીની મોજૂદગી વર્તાઈ. હર એક ફૂલમાંથી એ મોગરીના તનની સુવાસ અનુભવી રહ્યો. પાંદડાની સરસરાટમાં મોગરીના પગલાંનો ધ્વનિ સંભળાતો. ઝાડની ડાળીઓ પરથી ટપકતી પાણીની બુંદોમાં મોગરીના ભીના વાળમાંથી ઊઠતી શીકરનો ભાસ થતો. ગળું ફાડીને ચીસો પાડવાનું એને મન થયું. આંખની ભીનાશના લીધે ચારેકોર ઘેરું ધુમ્મસનો ભાસ થયો. પોતાના નખથી એ ધુમ્મસ ચીરી નાખે તો મોગરીનો અસલી ચહેરો દેખાય ખરો? એના બેબાકળા મને વિચાર્યું. મન પરનો બોજો એટલો વધી ગયો કે એને લાગ્યું કે જંગલના ઊંચા ઝાડ તૂટીને એની પર પડ્યા છે. ગભરાઈને એ જંગલની બહાર ભાગ્યો. ગડિયાલીનું જંગલ વટાવીને એ મોગરીના ગામ પહોંચી ગયો. કેટલાંય દિવસ સુધી એ વેશ બદલીને ગામમાં ઘૂમતો રહ્યો.
એક રાત્રે તક સાધીને એ મોગરીના ઘરમાં ઘૂસ્યો. મોગરી એકલી હતી. એને ખબર હતી, મોગરીના ઘરમાં કેવી રીતે ઘૂસી શકશે. ખભેથી રાઇફલ એક બાજુ ખૂણામાં મૂકી. હળવા દબાતા પગલે એ મોગરીની નજીક સરક્યો. ભેટ પરથી ખંજર કાઢીને હાથમાં લીધું. ચારેકોર અંધારું હતું. મોગરીનો ચહેરો દેખાતો નહોતો, પણ મોગરીના શ્વાસ સંભાળી શકતો હતો. એક ઊંડો શ્વાસ લઈને કાશિરે મોગરીના શ્વાસોશ્વાસને પોતાની અંદર જાણે સમાવી લીધો. માચીસ સળગાવીને મોગરીનો ચહેરો જોઈ લેવાની પ્રબળ ઇચ્છાને એણે માંડ રોકી.
હળવેથી એ મોગરીના ચહેરા પર ઝૂક્યો. બસ એક આખરી ચુંબન અને અલવિદા…પણ એ જેમ મોગરીના ચહેરા પર ઝૂકતો ગયો એમ એના શ્વાસોની રફતાર તેજ બનતી ચાલી. એણે પોતાના હોઠ મોગરીના હોઠ પર સખતીથી બીડી દીધા. મોગરીના ગળામાંથી ઊઠેલી ચીસ બહાર ન આવી શકી. અંધકારમાં અનેક લોકોના ચુંબનોથી મોગરી ટેવાયેલી હતી. કોને કેટલું નજીક આવવા દેવું એ પણ એ જ નક્કી કરતી.
એ ક્ષણે અંધકારમાંય મોગરીએ પોતાના હોઠ પર ચંપાયેલા હોઠ પારખી લીધા. મોગરીના ઠંડા શરીરમાં કાશિરના ચુંબનથી હંમેશની જેમ ગરમી પ્રસરી. ગાઢા અંધકારમાંય એણે કાશિરનો સ્પર્શ પારખી લીધો. થોડી વાર પછી કાશિરના શરીરની ગરમીથી બરફની જેમ એ પીગળવા માંડી. થરથર કાંપતા શરીરે એ કાશિરને વળગી પડી. સંભવત પ્રેમ અને નફરતની અવઢવમાંથી વચ્ચેય એના તન-મનમાં હજારો દીવા પ્રગટ્યા હોય એવો ઉજાસ ફેલાઈ ગયો જે એ જોઈ નહોતી શકતી માત્ર અનુભવી રહી. કાશિરને તો એ પણ ચાહતી હતી સ્તો?
ઘણીવારે કાશિરની આંખો ખૂલી ત્યારે એણે મોગરીને પોતાની મજબૂત ભુજામાં સમાઈને સૂતેલી જોઈ. તન-મનનો આવેશ ઓસરતાં મોગરી ઘેરી નિંદ્રામાં સરી પડી હતી. સહસા જાણે કાશિર આસમાનથી સીધો જમીન પર પટકાયો. એણે પાસુ બદલીને આસ્તેથી ખંજર કાઢ્યું અને સીધું જ મોગરીના હૃદયના ઊંડાણ સુધી ઊતારી દીધું. મોગરીના ગળામાંથી ચીસ પણ ન નીકળી. ધીમે ધીમે એનું શરીર ઠંડુ પડવા માંડ્યું. કાશિરે છેલ્લી ક્ષણ સુધી મોગરીને પોતાની સાથે જકડી રાખી. મોગરીના ઠંડા હોઠને ચૂમી ભરીને એને અલગ કરી.
હળવેથી બારણું ખોલીને બહાર નીકળ્યો. આંગણાની દીવાલ ઠેકીને ભાગ્યો. હવે એના મનમાં પળે પળે પાછળ આવતા ખતરાની ઘંટડી વાગતી હતી. આખું ગામ ઘેરી નિંદ્રામાં હતું એટલે કોઈના કાન સુધી એના મનનો શોર પહોંચ્યો નહીં. ખેતરો વટાવીને એણે સારદોના પહાડ પર ચઢવા માંડ્યુ.
સવારે મોગરીના ભાઈઓએ મોગરીની લાશ અને દીવાલ પર ટાંગેલી રાઇફલ જોઈ પણ ત્યાં સુધીમાં કાશિરને ચાર કલાકનો સમય મળી રહ્યો હતો. કાશિર પોતાના રસ્તે સલામત હતો.
કૃષ્ણ ચંદરની વાર્તા ‘આધે ઘંટે કા ખુદા’ પર આધારિત ભાવાનુવાદ
Entry filed under: વાર્તા, વાર્તા અલકમલકની, Rajul.
Recent Comments