૩૬-વાર્તા અલકમલકની-
‘વરના મિયાં રાહત ભી આદમી થે કામ કે’
આમ તો લોકો મને કવિ માને છે, એ એમની ભૂલ છે. હું પણ મારી જાતને કવિ માનતો હતો, એ મારી પણ ભૂલ હતી. હું જ્યાં સુધી મિયાં રાહતને મળ્યો નહોતો ત્યાં સુધી હું પણ મને કવિ માનવાની ભૂલ કરતો રહ્યો.
ભલે મિયાં રાહતની ઝાઝી નામના નથી. એમની કોઈ રચના આજ સુધી પ્રકાશિત નથી થઈ અને ક્યારેય પ્રકાશિત થશે પણ નહીં. એ ક્યારેય કોઈ મુશાયરામાં નથી જતા. એક વાર એમણે મુશાયરામાં પોતાની ગઝલ વાંચી. અને એવી તો દાદ મળી કે એ પોતે ગભરાઈ ગયા, અને ત્યારથી મુશાયરામાં ગઝલ ન વાંચવાની કસમ ખાધી. પણ મિયાં રાહત વાસ્તવમાં સાચા અર્થમાં અનોખા કવિ છે.
ઊંચા-પહોળા ચાલીસ-પચાસની ઉંમરે પહોંચેલા ગોળમટોળ ચહેરા પર શીતળાના ડાઘ, સુરમો આંજેલી મોટી મોટી આંખો, ફાંદ સુધી પહોંચે એવી દાઢી, ચિકનનો કુરતો, જાડા કપડાંનો પહોળો પાયજામો પહેરેલા કોઈ માણસને મારા વરંડામાં બેઠેલા જુઓ તો સમજી જજો કે એ મિયાં રાહત છે.
તમે આવશો તો એ ઊભા થઈને તમને સલામ ભરશે. અદબભેર તમારું નામ પૂછશે, ખુરશી પર બેસાડીને તમારા આવ્યાની મને જાણ કરશે. પણ એથી કરીને એમને મારા નોકર સમજી લેવાની જરાય જરૂર નથી. હું પણ એમની સાથે માલિક જેવો વ્યહવાર નથી રાખતો. વયોવૃદ્ધ એવા એ મિંયા રાહત માટે મને ખૂબ માન છે.
મિયાં રાહતને હું ઘણાં સમયથી જાણતો હતો પણ એમની ખરી ઓળખ ત્રણ વર્ષ પહેલાં થઈ. અલ્હાબાદના સ્ટેનલી રોડ અને કૈનિંગ રોડના ચાર રસ્તા પર ખાકી વર્દી અને લાલ પાઘડી પહેરીને, ત્યાંથી પસાર થતાં સવારોને રસ્તો બતાવતા એમને મેં જોયા છે. એક્કાવાળા એમને સલામ કરતા અને એમનું ક્ષેમ-કુશળ પૂછતા. સાવ સરળ એવા મિયાં સૌને હસીને જવાબ આપતા.
હા, ક્યારેક સવારોને એમના ભાગ્યના ભરોસે છોડીને ચાર રસ્તાના એક ખૂણા પર બેઠેલા મિયાંને એમની નોટબુકમાં કંઈક ટપકાવતાય જોયા છે. પહેલાં તો એવું માની લીધું કે એ કોઈનું ચલાન ભરતા હશે. પણ લખવાની સાથે એમને ગણગણતા સાંભળ્યા ત્યારે મને એ શું લખતા હશે એ સમજાઈ ગયું.
એ દિવસે સાંજનો સમય હતો. અલ્હાબાદના શોખીન અમીરો પોતાની મોટરો લઈને ફરવા નીકળી પડ્યા હતા. હું પણ સ્ટેનલી રોડ અને કૈનિંગ રોડના એ ચાર રસ્તા પર પહોંચ્યો. જોયું તો રસ્તાની એક ધાર પર મિયાં કાગળ પર કંઈક ટપકાવતા હતા. બસ, એ સમયે ચાર રસ્તાની જમણી બાજુએથી એક કારને સડસડાટ આવતી મેં જોઈ, જે લગભગ મિંયાને પોતાની અડફટમાં લેવાની જ હતી ને મારા મ્હોંમાંથી રાડ નીકળી ગઈ, “મિયાં, ભાગો…નહીં તો જાન ગઈ સમજો.”
મિયાં ચમક્યા, “લાહૌલ વિલા કુવત” બોલીને ઉછળીને રસ્તાની કોરાણે તો ખસ્યા પણ તેમ છતાં એ કારના ધક્કાથી એ રસ્તા પર પછડાયા અને એમના ઘૂંટણ અને કોણી તો છોલાયાં જ. માથા પરથી રગડી ગયેલી પાઘડી અને વર્દી પરની ધૂળ ખંખેરીને એ ઊભા થયા.
કાર આગળ જઈને ઊભી રહી. એમાંથી એક ચોવીસ-પચ્ચીસ વર્ષની એક સુંદર યુવતી ઊતરીને મિયાં પાસે આવી. જરા હસીને પૂછ્યું, “વાગ્યુ તો નથી ને?”
મિયાં એની તરફ તાકીને બોલ્યા,
“ના ખાસ નથી વાગ્યુ, પણ જરા જોઈ સંભાળીને કાર ચલાવો તો ઠીક.”
યુવતીએ પાંચ રૂપિયાની નોટ મિયાંને આપી,
“હવે ધ્યાન રાખીશ. તમારા બચવાની ખુશીમાં ખેરાત કરજો.”
હવે મિયાંએ મ્હોં ફેરવીને કહી દીધું,
“તમારી ખુશનસીબી કે અહીં હું છું, આ રૂપિયાની ખેરાત તમે જ કરી દેજો.”
યુવતી ચાલી ગઈ. મને જરા તાજુબ્બી થઈ,
“કેમ મિયાં, એનુમ ચલાન કેમ ના ભર્યુ?”
“શું કરું સાહેબ, દિલ ના માન્યું. આવી સૌંદર્યમૂર્તિઓની તો ઉપાસના હોય તમે ચલાન ભરવાની વાત ક્યાં કરો છો?”
કહીને મિયાં વળી પાછા પોતાની નોટ-બુક અને પેન્સિલ લઈને એક ખૂણામાં ગોઠવાઈ ગયા. મેં પણ ત્યાંથી ચાલવાની પેરવી કરી. જતાં જતાં મને બે પંક્તિઓ સંભળાઈ જે મિયાં રાહતે એ જ સમયે નોટબુકમાં લખી હશે.
“કોઈ હસીનાની મોટર નીચે દબાઈને મરવાનો,
આનંદ એ યાર, અમારા નસીબમાં નહોતો.”
કોણ જાણે કેમ પણ એ દિવસથી મારા દિલમાં મિયાં માટે અજાણી શ્રદ્ધા ઉત્પન્ન થઈ. મિયાં મારા ઘરે આવતા અને કલાકો સુધી એમની કવિતા સંભળાવતા. એમની કવિતા સમજીને હું એમને દાદ પણ આપતો.
પેલી ઘટનાને ઘણો સમય પસાર થઈ ગયો હતો. સત્યાગ્રહ સંગ્રામ જોરશોરથી ચાલી રહ્યો હતો. એક સાંજે મિયાં મારા ઘરે આવ્યા. પીળો પડી ગયેલો ચહેરો, આંખોમાં પાણી, લડખડાતી ચાલ. એમને જોઈને હું ગભરાઈ ગયો.
એમની ખૈરિયત વિશે પૃચ્છા કરતાં જાણવા મળ્યું કે, એ દિવસે જેમની મોટર નીચે મરતા બચ્યા હતા એ મેમસાબ કોંગ્રેસની કાર્યકર હતી. સુશીલાદેવી એમનુ નામ. આજે એમની ધરપકડ થઈ હતી. કમનસીબે એમની ધરપકડ કરવા થાણેદારની જોડે મિયાંને જવું પડ્યું હતું. જે મિયાંને અકારું લાગ્યું હતું. મિયાંનું કહેવું હતું કે સરકારી નોકરી સાવ નકામી. થોડા રૂપિયા માટે થઈને આત્મા વેચવાના દિવસ આવે છે.
“જાણો છો સાહેબ આજે મેં મારી આત્માનો અવાજ દબાવીને બહુ મોટો ગુનો કર્યો”
“હશે મિયાં, તમે એક નોકર છો, તમે તો માત્ર તમારી ફરજ બજાવી છે અને એના માટે તો તમને પગાર મળે છે.” આશ્વાસન આપતા મેં કહ્યું.
“મારે આવી નોકરી કે આવો પગાર નથી જોઈતો સાહેબ, આવી ગુલામીથી હું ત્રાસી ગયો છું.” મિયાં ચિત્કારી ઊઠ્યા.
“અરે ભાઈ, તમારી બીબી છે, બચ્ચાં છે. એમનું પેટ ભરવાનીય તમારી ફરજ છે. ક્યારેય એમને પૂછ્યું છે કે એમને શું જોઈએ છે? જાવ , તમારું કામ કરો.”
બીબી અને બચ્ચાંની વાત આવતા મિયાં થોડા ટાઢા પડ્યા. એક ઊંડો શ્વાસ લીધો. આંખમાંથી આંસુ સરી પડ્યાં.
બીજા દિવસે કામ પરથી પાછા આવતા રસ્તામાં મિયાંના ઘર પાસેથી પસાર થયો અને જે દૃશ્ય જોયું એ તો હું જીવનભર નહી ભૂલી શકું.
મિયાં રાહત નત મસ્તકે બેઠ હતા. મિયાંની બીબી રોતા રોતા કહી રહી હતી,
“નિગોડા, કાળમુખા, નોકરી છોડીને આવ્યો. આ લે નોકરી છોડવા માટે, આ લે અમને ભૂખ્યા મારવા માટે. આ લે નોકરી છોડવાની મઝા ચખાડું તને.” અને મિયાંના માથા પર તડાતડ તડાતડ ચંપલ મારી રહી હતી.
મિયાં રાહતની આંખોમાંથી ટપ-ટપ આંસુ સરતાં હતાં અને સાથે મોઢેથી શેરના સૂર નીકળતા હતા.
“ઇશ્કને હમકો નિકમ્મા કર દિયા,
વરના હમ ભી આદમી થે કામ કે.”
ભગવતીચરણ વર્મા લિખિત વાર્તા- ‘વરના હમ ભી આદમી થે કામ કે’ પર આધારિત ભાવાનુવાદ.
Entry filed under: વાર્તા, વાર્તા અલકમલકની, Rajul.
Recent Comments