૩૧-વાર્તા અલકમલકની-
August 16, 2021 at 4:04 am 3 comments
પ્રમોશન
આજે શામનાથનું ઘર આખો દિવસ જાણે ધાંધલથી ધમધમતું રહ્યું. શામનાથની પત્ની સાંજની મિજબાનીની તૈયારીમાંથી માંડ પરવાર્યા હતા. શામનાથ પણ અજંપામાં આમથી તેમ, એક રૂમમાંથી બીજા રૂમમાં વ્યર્થ આંટા મારતા રહ્યા.
અંતે સાંજના પાંચેક વાગ્યા સુધીમાં બધી તૈયારી સંપૂર્ણ થઈ. પાછળ બહારની ઓસરીમાં ટેબલ, ખુરશી, ફૂલદાની, વગેરે ગોઠવાઇ રહ્યું હતું. અચાનક શામનાથના મનમાં મા નો વિચાર આવ્યો અને એ આંટા મારતા અટકી ગયા.
“મા….એનું શું કરીશું?”
“એમને એમની સખીના ત્યાં મોકલી દઈએ. ભલે કાલ સુધી ત્યાં રહેતાં.” વ્યવહારદક્ષ પત્નીએ રસ્તો કાઢ્યો.
“ના ભઈ ના, હું નથી ઇચ્છતો કે એ ડોસીની આપણાં ઘરમાં ફરી આવનજાવન શરૂ થાય. એનાં કરતાં મા ને કહી દઈએ કે મહેમાન આવે એ પહેલાં જમીને પાછળની કોઠીમાં જતી રહે.”
“હા, પણ એ ઊંઘી ગયાં તો એમના નસકોરાં બહાર સુધી સંભળાશે એનું શું?” શામનાથ કરતા પત્ની વધુ ચોક્કસ હતી.
“એને કહી દઈશું કે ઊંઘવાના બદલે ખુરશીમાં બેઠી રહે. કોઠી બંધ કરીને બહારથી તાળું મારી દઈશું.”
વાત જાણે એમ હતી કે શામનાથે એમના ચીફને આજે દાવત પર બોલાવ્યા હતા. આ બધું કરવા પાછળનો આશય પ્રમોશનનો હતો. ચીફ મહેમાનગતિ માણીને ખુશ થાય તો પ્રમોશન પાક્કું હતું.
પણ આખી વાતમાં મા નડતી હતી. ઘરમાં વચ્ચે ન નડે એટલે સાંજ પડે પાછળની ઓસરીમાં એ બેસતી પણ આજે એની એ ટેવ નડવાની હતી. બીમારીમાંથી ઊઠ્યા પછી એનાં નસકોરાંનો અવાજ વધુ મોટો થતો જતો હતો એ પણ નડવાનો હતો. જે આજે કોઈ હિસાબે ચલાવી લેવાય એમ નહોતો.
ચીફની સાથે અન્ય આઠ-દસ ઑફિસર અને એમની પત્નીઓ પણ હશે. ભૂલથી પણ જો મા કોઈની નજરે ચઢી તો શું ઇજ્જત રહેશે એની ફડક શામનાથને સતાવતી હતી.
“આજે તું વહેલી જમી લેજે. ઓસરીમાં એક ખૂણે ખુરશી નાખીને બેસી રહેજે. પગ નીચે લટકતાં રાખીને બેસજે, આ આમ પગ ઉપર લઈને બેસે છે એમ ના બેસતી પાછી. રાતનો સમય થાય ત્યારે પાછળની કોઠીમાં જતી રહેજે અને ત્યાંય બેસી રહેજે, તારા નસકોરાંનો અવાજ બહાર ના આવે એટલે જાગતી રહેજે, ઊંઘતી નહીં. અને હા, આ તારી ખટક ખટક કરતી પાવડીઓ પહેરીને ચાલીશ નહીં. એને તો એક દિવસ હું ફેંકી જ દેવાનો છું. બીજી વાત, કપડાં કયા પહેરીશ?”
“તું કહીશ એ પહેરીશ બેટા.” ઘરમાં ચાલતી ધમાલ પરથી સમજી ગયેલી મા પાસે શરણાગતિ સિવાય બીજો રસ્તો નહોતો.
આજની બધી વ્યવસ્થા શામનાથે પોતાને હસ્તક રાખી હતી. શું રસોઈ બનાવવી, ક્યાં શું ગોઠવવું, બારી પર કયા રંગના પરદા લગાવવાનાથી માંડીને પત્નીએ શું પહેરવાનું, એ બધી ચીવટ એમણે રાખી હતી. મા ને પણ જરા ઢંગના સફેદ કુરતા-પાયજામાની સાથે ચૂડીઓ પહેરવાનું કહી દીધું. મા પાસે શું હતું એની શામનાથને ક્યાં ખબર હતી? બસ કહી દીધું.
“ચૂડી ક્યાંથી લાવું? તને ખબર તો છે કે બધા દાગીના તો તારા ભણતર પાછળ વેચાઇ ગયા છે.”
શામનાથને તીરની જેમ આ શબ્દો વાગ્યા પણ ઉપરથી કડકાઈ બતાવતા બોલ્યા, “વળી પાછો ક્યાં આ નવો રાગ છેડ્યો? દાગીના નથી એમ સીધે સીધું કહી દેવાનું અને એ વેચ્યાં તો નકામા તો નથી ગયાં ને? કંઈક બનીને આવ્યો છું.”
મા લાચાર હતી. પણ બધું સમજતી હતી. અંતે તો દીકરાના પ્રમોશનની વાત હતી ને?
“અને હા, જો સાહેબ આવે ત્યારે શાંતિથી, સરખી રીતે સમજીને જવાબ આપજે. પૂતળું બનીને બેસી ના રહેતી.”
“એના કરતાં પહેલેથી તારા સાહેબને કહી દેજે ને કે મા અભણ છે, એ કંઈ સમજતી કે જાણતી નથી એટલે કશું પૂછે જ નહીં.” ગરીબડી મા વધુ ગભરાઈ. ઑફિસરને જોઈને તો અમસ્તોય એને સંકોચ થતો અને આ તો પાછો અમેરિકન ઑફિસર. ભૂલથીય ભૂલ થઈ જાય તો દીકરાનું પ્રમોશન રોકાય.
ઢગલાબંધ સૂચનાઓ આપીને શામનાથ તૈયાર થવા ચાલ્યા અને મા મ્હોં વકાસીને જોઈ રહી.
*******
એક પછી એક મહેમાનો આવવા લાગ્યાં. પાર્ટીનો દોર શરૂ થયો. જામ પર જામ ખાલી થતાં રહ્યાં. અંતે જમવાનો સમય થયો અને શામનાથે મહેમાનોને પાછળ ઓસરી તરફ દોર્યા. એ તરફ જતા એમનું હ્રદય એક ધબકારો ચૂકી ગયું.
સૂચના આપ્યા પછીય મા કોઠરીમાં જવાના બદલે પગ ખુરશીની ઉપર ચઢાવીને બેઠી હતી. આછી ઊંઘમાં સરી ગયેલી મા નું માથું ડાબે-જમણે ઝૂલતું હતું. અધ ખુલ્લા મ્હોંમાંથી નસકોરાંનો અવાજ આવી રહ્યો હતો. થોડા ઘણાં રહી ગયેલા વાળને બાંધ્યા પછી પણ છૂટીને વિખેરાઈ ગયા હતા.
એ જોઈને ક્રુધ્ધ થયેલા શામનાથને થયું કે મા ને એક ધક્કે ઊઠાડી દે પણ મહેમાનોની હાજરીમાં એમ કરવાથી એમની શોભા ઓછી થતી હતી.
મા ને આવી સ્થિતિમાં જોઈને અન્ય ઑફિસરની પત્નીઓ હસી પડી. ત્યાંથી પસાર થતાં ચીફથી બોલાઈ ગયું, “Poor dear.” શામનાથ ક્ષોભથી સંકોચાઇ ગયા.
અવાજથી હડબડાઈને જાગી ગયેલી મા દીકરા કરતાંય વધુ ભોંઠપ અનુભવી રહી. જાતને માંડ સંભાળતી એ ઊભી થઈ પણ પગ ડગમગી ગયાં. હાથ ધ્રુજવા માંડ્યા. ચીફના નમસ્તેનો જવાબ ના આપી શકી. બોલવાના ફાકા પડવા માંડ્યા.
“હાઉ ડૂ યુ ડૂ.” ચીફે સલૂકાઈથી પૂછ્યું.
શામનાથે શીખવાડ્યું એમ બોલવા ગઈ, “હો ડૂ યુ ડૂ.” .
વળી હસાહસ અને શામનાથન કાપો તો લોહી ના નીકળે એવી દશામાં આવી ગયા.
“મારી મા ગામડાની છે. ઉંમરભર ગામમાં રહી છે એટલે તમારાથી શરમાય છે.” શામનાથે ગળાની નીચે માંડ થૂંક ઉતારતા બોલ્યા.
સાંભળીને ચીફ ખુશ ખુશ.
“અરે, મને ગામડાના લોકો બહુ ગમે, તમારી મા ગીતો ગાતી હશે, નાચતી પણ હશે ને?”
ભોંઠપ અનુભવતા શામનાથ માટે આ તો એક પછી એક આંચકા હતાં. ચીફની ઇચ્છા, ફરમાઈશને કેમ ટાળી શકાય? ચીફની ખુશી પર પ્રમોશનનો આધાર હતો. કચવાતા મને મા ને ગીત ગાવા કહ્યું.
મા એ જે આવડ્યું એ, જેવું આવડ્યું એ ગીત ગાયું. ઑફિસરની પત્નીઓ ખુશ. ચીફ તો તાળીઓ પાડતા અટકતા નહોતા. મા નો તો ભારે વટ પડી ગયો. એ જોઈને શામનાથની ચીઢ પ્રસન્નતામાં પલટાવા માંડી. ખુશીથી ચહેરો ખીલી ઊઠ્યો.
હવે ચીફને પંજાબની હસ્તકલા વિશે જાણવાની ઇચ્છા થઈ. બહુ રાજીખુશીથી શામનાથે પંજાબી હસ્તકલાના વિવિધ સેટ ચીફને ભેટ આપવાની તૈયારી દર્શાવી પણ ચીફને ઘરની સ્ત્રીઓએ સ્વહસ્તે બનાવેલી ચીજોમાં રસ હતો. મા એ સ્વહસ્તે ફૂલોનું ભરત ભરેલી જૂનું થઈ ગયેલું ફુલકારી કામ બતાવ્યું. ચીફને એ ફુલકારી કામ બહુ ગમ્યું.
શામનાથે મા તરફથી ફુલકારી કામ કરેલી ભેટ ચીફને આપવાની રાજીખુશીથી સંમતિ આપી પછી, ભલેને મા ને આંખે ઓછું દેખાય કે કોઈ તકલીફ પડે એની શામનાથને ક્યાં ચિંતા હતી? અત્યારે તો મહત્વનું હતું એમનું પ્રમોશન. શામનાથે માની લીધું કે મા દીકરા માટે આટલું તો કરે જ ને!
હવે મહેમાનો જમવાના ટેબલ તરફ ગયાં. મા આસ્તેથી પાછળની કોઠરીમાં સરી ગઈ. દરવાજો બંધ કરીને રડી પડી. રખેને એની કોઈ ભૂલથી દીકરાની નોકરી, પ્રમોશનમાં કોઈ બાધ ન આવે એના માટે ઈશ્વરને પ્રાર્થી રહી.
મોડી રાત્રે સૌ વેરાયા. અડધી રાત્રે એના રૂમનો દરવાજો ખખડ્યો. નશામાં ઝૂલતા શામનાથ આવીને મા ને વળગી પડ્યા.
આજ સુધી જે મા દીઠી સહન નહોતી થતી એ મા આજે અતિ મહત્વની બની ગઈ. આજ સુધી હરદ્વાર જવા માંગતી મા ને હવે તો કોઈ કાળે હરદ્વાર જવા દેવાય એમ હતી નહીં કારણકે મા ચીફ માટે જે ફુલકારી કામ કરવાની હતી એ જોવા ચીફ આવતા રહેવાના હતા.
પ્રમોશનનો આધાર ચીફના રાજીપા પર હતો ને!
ભીષ્મ સાહનીની ‘चीफ की दावत’ વાર્તા પર આધારિત અનુવાદ
Entry filed under: વાર્તા, વાર્તા અલકમલકની.
1.
jayumerchant | August 17, 2021 at 9:04 pm
અનુવાદ અસ્ખલિત થયો છે. વાર્તા તીરની જેમ સનનન્ કરીને સીધી હ્રદયની આરપાર …। મૂળ વાર્તનો પ્રવાહ ક્યાંય અવરોધાતો નથી. અભિનંદન.
LikeLiked by 1 person
2.
Rajul Kaushik | August 17, 2021 at 9:11 pm
Thanks 🙏🏼 Jayshriben
LikeLike
3.
Dr Induben Shah | August 18, 2021 at 10:44 pm
આજકાલના દીકરા કેટલા સ્વાર્થિ !!
LikeLiked by 1 person