Archive for August 9, 2021
૩૦- વાર્તા અલકમલકની-
મરુભૂમિમાં લાગણીનું વાવેતર
સંબંધો કેવા ખોખલા અને સાવ ઉપરની સપાટીના થઈ ગયા છે કે જેને મનથી નહીં પણ ધનથી તોળવમાં આવે છે. સંવેદનાઓ જડ થઈ ગઈ છે. ભાવનાઓની જમીન એટલી ખારાશવાળી, એટલી સૂકી ભઠ્ઠ થઈ ગઈ છે કે હવે અહીં લાગણીઓનાં વાવેતર વ્યર્થ છે.
આવા તો કેટલાય વિચારો મારા મનને વ્યથિત કરી ગયા.
ઝાંસીથી સુનિલકાકાનો ફોન હતો,” ગુડિયા, એક ખરાબ સમાચાર છે. આપણો નિકી-નિખીલ આપણી વચ્ચે રહ્યો નથી.”
ખરાબ સમાચાર શબ્દ સાંભળીને મારું હ્રદય એક ધબકાર ચૂકી ગયું હતું પણ ખબર આટલી ખરાબ હશે એવી કલ્પના નહોતી. હવે કંઈ હું ગુડિયા રહી નહોતી. બે છોકરાઓની મા હતી અને તેમ છતાં આ ખરાબ શબ્દનો અર્થ પણ ત્યારે મને સમજાતો નહોતો. પણ શું કરું, નિકીકાકાના આ સામાચાર, નિકીકાકાનો ગોરો ચીટ્ટો ચહેરો હવે નજરથી ઓઝલ થઈ ગયો એ સ્વીકારવા મન કોઈ રીતે તૈયાર નહોતું. પણ સ્વીકારવું જ રહ્યું. મને સ્વસ્થ થતા ઘણી વાર લાગી.
“આ ક્યારે થયું? અને નિકીકાકાને શું થયું હતુ?” માંડ માંડ મારો અવાજ ખુલ્યો.
“કોણ જાણે, કદાચ નવ કે દસમી તારીખે થયું હશે. આ ભારત અને અમેરિકા, કેનેડાના સમય અંતર અને તારીખોનું મને ઝાઝું ધ્યાન નથી રહેતું. પણ મેસિવ હાર્ટ અટૅક હશે.”
“પણ એવી કોઈ હિસ્ટ્રી તો નહોતી.”
“હા નહોતી, પણ લાગે છે કે પહેલો અટૅક હતો. આ તો સારું થયું કે એણે અમ્બ્યુલન્સને ફોન કરી દીધો હતો નહીં તો કોઈને ખબર ના પડત અને રૂમમાં લાશ પડી પડી સડતી રહેત.”
લાશ? અરે! છ ફૂટની ઊંચાઈ ધરાવતા નિકીકાકા હવે લાશ બની ગયા! મારો જીવ કકળી ઊઠ્યો.
“હવે? “ મારાથી પૂછાઈ ગયું.
“હવે શું, બૉડિ મૉર્ગમાં પડ્યું છે.”
આ બૉડિ શબ્દ વાગ્યો પણ એને મન પર ખંખેરીને પૂછ્યું, “ના મારા કહેવાનો મતલબ એ હતો કે હવે શું કરવાનું છે?”
“કરવાનું શું, તારા સુશીલકાકાનેય ફોન કર્યો છે, જોઈએ હવે શું કરી શકાય છે.”
કાકા મારી સાથે વાત કરતા હતા ત્યારે પાછળથી કાકી એમની હૈયા વરાળ ઠાલવતાં હતાં. કાકી કહેતાં હતાં કે જો એમના દીકરા રાહુલને નિકીકાકા એમની સાથે કેનેડા લઈ ગયા હોત અને કંઈક ઠેકાણું પાડીને એમની સાથે રાખ્યો હોત તો એમની છેલ્લી ક્ષણોમાં રાહુલ એમનું ધ્યાન રાખી શક્યો હોત. પણ રાહુલની ફિતરત એવી હતી કે કોઈ એની જવાબદારી લેવા તૈયાર નહોતું.
મારા સાંભળતા કાકા-કાકીનો વાદ વિવાદ આગળ વધે એ પહેલાં કાકાએ ફોન મૂકી દીધો. ફોન મૂકાયો અને હું રડી પડી.
આ નિકીકાકા નામ પણ મેં આપેલું. નાની હતી ત્યારે નિખીલકાકા બોલતા ફાવે નહીં એટલે નિકીકાકા કહેવાનું શરૂ કર્યું અને બસ, ત્યારથી પરિવારમાં સૌ એમને નિકી કે નિકીકાકાના નામથી બોલાવવા માંડ્યા.
આજે એ સૌના લાડીલા નિકીકાકા રહ્યા નથી એ વાત સ્વીકારવા હજુ મારું મન તૈયાર નહોતું. બીજા દિવસે સુનિલકાકા સાથે વાત થઈ તો એમનો અત્યંત ઠંડો પ્રતિસાદ સાંભળીને હું ઠરી ગઈ.
“કોણ જાય કેનેડા સુધી? અને બૉડિ અહીં લઈ આવવામાં પણ પૂરા દોઢ- બે લાખ જેટલો ખર્ચો થાય છે એનો ભાર કોણ લેશે એ વિચાર્યું છે ગુડિયા? કોઈ વ્યવસ્થા વિચારી લઈશું. તારી કાકીના દૂરના સગા છે એમને જવાબદારી સોંપી શકાય તો એ શક્યતા વિચારી લઈશું.”
કાકાની વાતનો સૂર કંઈક એવો હતો કે એ તો દિલ્હીમાં માંડ બે છેડા ભેગા કરી શકતા હતા ત્યાં આ ભાર એ કેવી રીતે વેઠી શકે? અને સુશીલકાકા જો પૈસા આપવા તૈયાર થાય તો ત્યાંય કાકીની કચકચ શરૂ થઈ જાય. કાકાના મતે આ વેસ્ટ ઑફ મની, ફાલતુ ખર્ચ હતો. કાકાનો એક એક શબ્દ તેજ ધારવાળા ચાકૂની જેમ મને આરપાર છોલતો રહ્યો. નિકીકાકાના અવસાનથી જેટલું દુઃખ થયું હતું એનાથી ઘણું વધારે દુઃખ મને આ શબ્દોથી થતું હતું.
આ એ જ સૌ હતા જેમના માટે નિકીકાકા પ્રતિ એક વર્ષ દોડી દોડીને અહીં આવતા હતા. આ સૌના પ્રત્યેના પ્રેમને લઈને નિકીકાકા જેટલી વાર આવતા એટલી વાર અઢળક ડૉલર ખર્ચીને કેટલીય વસ્તુઓ લાવતા, નિકીકાકા આવતા એટલી વાર ભેટરૂપી ખુશીઓનો ખજાનો ખોલી દેતા. એમના આ ખજાનાનો લાભ પરિવારના સૌને મળતો. અમારા સૌના ઘરમાં જેટલી કિંમતી ચીજ-વસ્તુઓ દેખાય, એ બધી જ નિકીકાકાની આપેલી છે.
કેટલી વાર હું કાકાને કહેતી કે આટલી દિલદારી પણ નહીં સારી. એકલા જીવ હતા, એમના બુઢાપા માટે પણ કંઈક બચાવવું જોઈએ ને? ત્યારે એ હસીને કહેતા કે એમના બુઢાપાની જવાબદારી ત્યાંની ગવર્મેન્ટની છે. અત્યારે એમને મોજથી જીવવું છે. અને દર વર્ષે એ એટલે દોડીને આવતા કે એમના ભાઈ-ભાભી સિવાય હવેની અમારી પેઢી પણ એમને પ્રેમથી યાદ રાખે.
નિકીકાકાની વિચારધારા સૌ કરતા જુદી હતી. એમને માત્ર એમના માટે નહીં, સૌ માટે જીવવું હતું. એમને સૌને કંઈક આપીને સામે માત્ર સૌનો પ્રેમ જોઈતો હતો. કંઇક લઈને આવે તો દર વર્ષે સૌ એમની રાહ જુવે ને? એવું કહેતા કે ખાલી હાથ આવેલા મહેમાનને મળતો આવકાર પણ અધૂરો હોય.
દુનિયામાં એક માત્ર મા નું ઘર જ એવું હોય જ્યાં માણસ કોઈ બેધડક જઈ શકે. દીકરો બહારગામથી આવે ત્યારે એની હાજરી માત્રથી મા રાજી થઈ જાય છે, બાકી પિતાના પ્રેમમાં પણ થોડીક અપેક્ષા તો હોય છે. કાકાને દાદીની યાદ બહુ આવતી. દાદી મરી ગયાં પછી એ મારી મમ્મીમાં એમની મા ની ઝલક જોતાં. મમ્મીના અવસાન પછી એ મારામાં મમ્મીની છબી શોધતા. આમ એ અને હું, બંને એકબીજા સાથે કોઈ અજબ સ્નેહથી બંધાયેલા હતાં. અને એટલે જ હું કાકાના અવસાનથી અત્યંત વ્યથિત હતી.
કાકા જેટલી વાર દિલ્હી આવતા એટલી વાર ભોપાલ મારા ઘરે બે-ચાર દિવસ માટે અવશ્ય આવતા. કાકા આવવાના હોય ત્યારે મારા ઘરમાં જાણે દિવાળી આવવાની હોય એવી તૈયારી કરતી. ઘરમાં દરેક ચીજ નવી લઈ આવતી. મારા આનંદનો પાસ મારા ઘરના ખૂણે ખૂણે છલકાતો.
ક્યારેક મારા પતિ મારી મજાક કરતા કહેતા, “ભોપાલમાં એક માત્ર તારા માટે જ કાકા આવે છે? “
મને મળવા ઉપરાંત એક બીજુ આકર્ષણ પણ હતું જેના માટે એ ભોપાલ આવતા એવું મારા પતિદેવનું માનવું હતું. વાત એમની સાચી હતી. મારા સિવાય એક બીજી વ્યક્તિ પણ હતી જેના માટે કાકા આવતા.
એ વ્યક્તિ એટલે શેફાલી દાસગુપ્તા. એ કાકાની સાથે કૉલેજમાં ભણતી હતી અને આજે એક મોટા આઈ.એસ. ઑફિસરની પત્ની હતી.
કાકાની નજરે પરફેક્શનનું જો કોઈ દ્રષ્ટાંત હોય તો એમાં શેફાલી દાસગુપ્તાનું નામ સૌથી ટોચ પર આવે. અપ્રતિમ સુંદરતાની સાથે બુદ્ધિનો સમન્વય બહુ ઓછા લોકોમાં હોય જે શેફાલી દાસગુપ્તામાં હતો. એમની ડ્રેસ સેન્સ, હેર સ્ટાઈલ, અભિજાત્યપણું, સંસ્કારિતા, એમની ઘર સજાવટ, બધું જ અલ્ટિમેટ હતું.
હું હંમેશા વિચારતી કે કાકાએ લગ્ન ન કર્યા એ સારું થયું નહીંતર કાકીને જીવનભર શેફાલી આંટીની પ્રશસ્તિ સાંભળ્યાં કરવી પડત. ક્યારેક વિચારતી કે કાકાને લગ્ન ન કર્યા એનું કારણ શેફાલી આંટી જ હોવા જોઈએ.
કાકા જ્યારે ભોપાલ આવતા ત્યારે મારે પણ એમની સાથે મને -કમને એમની સાથે શેફાલી આંટીના ત્યાં જવું પડતું. કાકા એમના માટે પણ ઘણી કિંમતી ભેટ લઈ આવતા.
“Wow, how cute, simply marvelous” કહીને જે રીતે શેફાલી આંટી એ સ્વીકારતા એ જોઈને જાણે કાકા ધન્ય ધન્ય બની જતા. કાકાને લીધે મારે એમને જમવા બોલાવા પડતા અને વળતા વ્યહવારે એ પણ અમને જમવા બોલાવતાં, પણ બંને વખતે એમના ચહેરા પરની ઉપેક્ષા મારા ધ્યાન બહાર ન જતી. અમારા અને એમના આર્થિક, સામાજિક સ્તરમાં ઘણું અંતર હતું, પણ કાકા તો એમનામાં જ મસ્ત હતા.
શેફાલી આંટીને કાકાના નિધનના સમાચાર આપવા જોઈએ એવો વિચાર આવતા મેં એમને ફોન કર્યો. નિકીકાકા આવે એટલી વાર શેફાલી આંટીને મળવાનું થતું, તેમ છતાં આજે એમને મારે મારી ઓળખાણ આપવી પડી. નિકીકાકા સાથે એમની નિકટતાનો ઉપરછલ્લો આંચળો સરી ગયો. વાતની શરૂઆત કેવી રીતે કરું અને સમાચાર સાંભળીને એમના પ્રત્યાઘાત કેવા હશે એના વિચારે હું ક્ષણભર અચકાઈ. પણ એ સમયે ફોનમાં એમના ઘરમાં પાર્ટીનો શોરબકોર મને સંભળાતો હતો એટલે એ ક્ષણે વાત કરવી યોગ્ય ન લાગતા, મેં બીજા દિવસે ફોન કર્યો
“આંટી બીઝી નથી ને?”
“અરે! બીઝી શું? ક્લબ જવા નીકળતી હતી. સાહેબ તો ગાડીમાં જઈને મારી રાહ જોતા બેઠા છે. બહુ શોખ છે એમને આવો બધો. જો ને કાલે પણ બસ ખાસ કોઈ કારણ વગર પાર્ટી રાખી જ ને? પણ બોલ શું હતું? નિખીલ રાયજાદા આવ્યા છે?”
“આંટી, સમાચાર નિકીકાકાના,મતલબ નિખીલ રાયજાદાના જ છે. એ નથી આવ્યા . Nikikaka is no more now. નવમી તારીખે મૉન્ટ્રીયલમાં એમનું નિધન થયું.”
“ઓહ, બીમાર હતા?” સાવ સપાટ અવાજે એમણે પૂછી લીધું”
“હા, મેસિવ હાર્ટ અટૅક.”
“So sad,He was all alone there right?”
“જી.”
પાછળ દૂરથી આવતો અવાજ સાંભળીને, એમણે કોઈને કીધું, “રામસીંગ, સાહેબને જરા જઈને કહો કે મેમસાબ આવે છે.” એ મને સંભળયું. ફરી મારી સાથે વાતનો તંતુ જોડતા જરા ઉતાવળે બોલ્યા,
“આ જો ને છોકરાંઓ હોર્ન પર હોર્ન મારે છે. મારે જવું પડશે તો આપણે ફરી ક્યારેક વાત કરીશું? તારા અંકલ, He is so impatient and yes convey my heartfelt condolence to your family.”
મને કહેવાનું મન તો થયું કે આંટી તમે નિખીલ રાયજાદાના સન્માન માટે એક દિવસ ક્લબમાં જવાનું ટાળી ન શકો? એટલો તો એમનો હક બને છે પણ એ પહેલાં તો સામેથી એમણે ફોન મૂકી દીધો.
હું જાણું છું કે હવે આ નંબર પર ક્યારેય વાત થવાની નથી. ફોનનું રિસીવર મૂકતાં મારાથી બોલાઈ ગયું,
“નિકીકાકા, જીવનભર તમે લાગણીના વાવેતર કરવાનો પ્રયાસ કર્યો પણ આજે લાગે છે કે તમે ઊસર જમીન પર જ વાવેતર કર્યું. ક્યાંયથી કોઈ અંકુર ફૂટ્યા નહીં”
મારા માટે નિકીકાકાના નિધન જેટલી આ દુઃખન ઘટના હતી.
માલતી જોશીની ‘ઉસર મેં બીજ’ વાર્તા પર આધારિત ભાવાનુવાદ
Recent Comments