Archive for July, 2021
૨૮-વાર્તા અલકમલકની-
કલ્યાણી
નાછૂટકે માલતીને કલ્યાણીને મૂકીને જવું પડ્યું. જતાં પહેલાં એણે બુધિયાની મા ને પૂરતી તકેદારી રાખવાનું સમજાવી દીધું. કલ્યાણીને પણ પરદામાં રહેવાનું કહી દીધું પણ હવે બદલાતા સંજોગોમાં આગળ વધતી વાત કયો રંગ લાવે છે એ જોઈએ.
*********
હવે જયકૃષ્ણ ઑફિસે મોડા જતા અને વહેલા પાછા આવતા તો વળી ક્યારેક ઑફિસે જવાનું પણ માંડી વાળતા. જયકૃષ્ણના કડપથી ડરતી બુધિયાની મા એ ખાવા-ખવડાવવાની જવાબદારી કલ્યાણીને સોંપી દીધી. જયકૃષ્ણ એ જ તો ઇચ્છતા હતા.
“કલ્યાણી, તેં તારા ભાવિ માટે શું નિર્ણય કર્યો?” જમતા જમતા એક દિવસ જયકૃષ્ણે કલ્યાણીને પ્રશ્ન કર્યો. આવા પ્રશ્નોના બહાને એ કલ્યાણીને વાતોમાં રોકી રાખતા.
કલ્યાણી પાસે બહારી દુનિયાનો ક્યાં કોઈ અનુભવ હતો કે એ કોઈ નિર્ણય કરી શકે? ગામમાં વિધવા માસીનો આશરો હતો અને હવે અહીં જયકૃષ્ણનો. વિધવા માસી તો આ દુનિયામાં રહી નહોતી. એ જાય તો પણ ક્યાં જાય?
જયકૃષ્ણે સૂચવેલી પુનઃલગ્ન કે શાળામાં ભણવા જવાની વાતના પણ એની પાસે જવાબ હતા.
કલ્યાણી કહેતી કે જો લગ્નથી સુખ મળવાનું જ હોત તો વૈધવ્ય ના મળ્યું હોત, એટલે પુનઃલગ્ન માટે એનું મન માનતું નહોતું. મોટી ઉંમરે પહોંચ્યા પછી શાળામાં ભણવા જવાનીય શરમ આવતી હતી.
જયકૃષ્ણે સૂચવેલા તમામ ઉકેલો પર એને હસવું આવતું હતું અને એનું હાસ્ય જ જયકૃષ્ણના રોમે રોમ ઝંકૃત કરી દેતું. આજ સુધી ઓઝલમાં રહેલી કલ્યાણીનું સૌંદર્ય આટલી નજીકથી એ આટલા વખતે જોઈ રહ્યો હતો.
એ દિવસે વાતોમાં સમય સરતો જતો જતો. સાંજ રાતમાં ઢળવા માંડી હતી પણ જયકૃષ્ણ અને કલ્યાણીની વાતો ખૂટતી નહોતી. પહેરો દેવા નિયુક્ત કરેલી બુધિયાની મા નિરાંતે નસકોરાં બોલાવતી ઘોરી રહી હતી.
આટલા સમયથી ઘરમાં ચૂપચાપ રહેતી કલ્યાણીની વાચા આજે ખુલી હતી. એ કહેતી હતી,
“રાધારમણે તો દયાભાવથી પ્રેરાઈને મારું પાણિગ્રહણ કર્યું હતું એટલે મારામાં એમના પ્રત્યે અપાર શ્રદ્ધાના ભાવ જાગ્યા હતા, પણ મીલનના સંયોગ ઊભા થાય એ પહેલાં વિયોગ આવી ગયો. ન તો હું પતિનો પ્રેમ પામી શકી કે ન તો હું પતિને પ્રેમ કરી શકી. પરંતુ પ્રેમ કોને કહેવાય એનો પરિચય તો મને એ દિવસે થયો જ્યારે મેં તમને સીડી પર ચઢીને ઉપર આવતા જોયા હતા. આજ સુધી આપના પ્રત્યે માત્ર શ્રદ્ધા ધરાવતી હતી અને હવે આપને પ્રેમ પણ એટલો જ કરવા લાગી છું. તેમ છતાં આપની સાથે પુનઃલગ્નની વાત તો એકદમ અસંભવ છે.”
“કેમ કલ્યાણી, એમાં કઈ આપત્તિ નડે છે? “ કહેતા જયકૃષ્ણે કલ્યાણીનો હાથ પોતાના હાથમાં લઈ લીધો.
કલ્યાણીએ હળવેથી પોતાનો હાથ પાછો ખેંચી લેતા, જયકૃષ્ણ તરફ સંદિગ્ધ નજરે જોયું. જયકૃષ્ણ જરા ભોંઠા પડી ગયા અને તરત જ પોતાની ભૂલ સ્વીકારતા કલ્યાણીને આશ્વાસન આપ્યું કે ક્યારેય એની મરજી વિરુદ્ધ એનો સ્પર્શ નહીં કરે.
એક વાતે જયકૃષ્ણને સમજાતું નહોતું કે હિંદુ શાસ્ત્ર પ્રમાણે પુરુષ એકથી વધુ લગ્ન કરી શકતો હોય અને કલ્યાણી જો એમને ખરેખર પ્રેમ કરતી હોય તો લગ્નની અસંભવના કેવી રીતે હોઈ શકે? કલ્યાણીની મરજી હોય તો એના પુનઃલગ્ન કરાવવાનું તો રાધારમણ પણ કહી ગયા હતા. એ સૌભાગ્ય જો કોઈને પ્રાપ્ત થવાનું હોય તો એમને પ્રાપ્ત થઈ જ શકે ને?
“છીઃ પુનઃલગ્ન માટે તો વિચારવુંય મારા માટે તો અસંભવ છે. હિંદુ નારી એક વાર જેને પ્રેમ કરે એની પાછળ આખું જીવન સમર્પિત કરી દે. મેં આપને પ્રેમ કર્યો છે અને કરતી રહીશ. હું મારા પ્રેમનું પ્રતિદાન નથી માંગતી.” કલ્યાણીના અવાજનું ગાંભીર્ય જયકૃષ્ણને સ્પર્શી ગયું.
“કલ્યાણી, તું માત્ર તારું જ વિચારીશ? તારા મનની વાત તો તેં કહી દીધી પણ મારો તો વિચાર કર. તારા વગર તો હું પાગલ થઈ જઈશ. એક પળ પણ હવે હું તારા વગર રહી શકુ એમ નથી. પણ હા, સાથે એટલો વિશ્વાસ જરૂર રાખજે કે આજ સુધી તું મારી પાસે જેટલી સુરક્ષિત હતી એટલી જ સુરક્ષિત હંમેશા રહીશ. અડધી રાત્રે પણ એક સગા ભાઈ પાસે કોઈ બહેન સુરક્ષિત હોય એવી જ રીતે તું અહીં રહી શકીશ. હું પણ તને પ્રેમ કરુ છુ. તને પામવાની ઇચ્છા ધરાવું છું પણ સાચા અને સ્વીકૃત માર્ગે. કોઈ ખોટી રીતે તને પામવાનું તો દૂર સ્પર્શ પણ નહીં કરુ.” જયકૃષ્ણના અવાજમાં નરી આર્જવતા હતી.
“હું નથી મારું વિચારતી કે નથી હું તમારું વિચારતી. હું તો માત્ર માલતીદીદીનું વિચારું છું કે અજાણતાંય મારાથી એમના સૌભાગ્ય પર કોઈ કઠુરાઘાત ન થઈ જાય. મારા ખરાબ સમયમાં એમણે મને આશ્રય આપ્યો છે. એમનું હું ભલુ ઇચ્છું છું. મને મારા પ્રેમનું બલિદાન આપવાનું મંજૂર છે પણ એમના જીવનમાં કાંટો બનીને નહીં રહું.”
“પણ મારું જીવન કંટકમય બની જશે એનું શું?” જયકૃષ્ણે ઠંડી આહ ભરતા, એક તૃષ્ણા સાથે કલ્યાણીની સામે જોયું.”
“આ એક માનસિક વિકાર છે. થોડા દિવસમાં એ દૂર થઈ જશે. તમે એમ માનો છો કે મને કોઈ કષ્ટ નથી? એક સ્ત્રી થઈને પણ હું બધું જ સહન કરવા તૈયાર છું. એક પુરુષ થઈને કઠિનાઈ સામે હારી જાવ એ કેમ ચાલે? મેં માલતીદીદીને પત્ર લખી દીધો છે. એ આવશે એટલે હું અહીંથી વિદાય લઈશ. વિદાય લેતા પહેલાં એક પ્રાર્થના છે. ફક્ત જતા પહેલાં હું તમારી ચરણરજ માંગું છું . બસ મારે આટલું જ જોઈએ છે. તમે મારા માટે દેવ સમાન છો.” કલ્યાણી હજુય સ્વસ્થ હતી.
“અરે! તેં માલતીને ક્યારે પત્ર લખ્યો? લખતાં પહેલાં મને પૂછ્યું સુદ્ધા નહીં.” જયકૃષ્ણના પગ નીચેથી જમીન ખસી ગઈ.
“મેં માત્ર એવું લખ્યું છે કે ઉપમા વગર ઘરમાં ગમતું નથી, બસ, બને એટલા જલદી પાછા આવી જાવ. હું એવું તો ન લખી શકું ને કે તમારી સાથે એકલા રહેવાનું મારા માટે ઉચિત નથી. એવું પણ ન લખી શકું ને કે આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ. અને ખરેખર એવું ઇચ્છતી નથી કે અજાણ ભાવે આપણી વચ્ચે એવું કશું બની જાય જે જીવનભર કલંક બની રહે.” કલ્યાણીએ માત્ર હસીને જવાબ આપ્યો
“તેં જે કંઈ કર્યું એ યોગ્ય જ છે કલ્યાણી. ઘણી રાત વિતી ગઈ છે. હવે તું જઈને સૂઈ જા.”
કલ્યાણી ઊભી થઈને જયકૃષ્ણને પગે લાગી. એની ચરણધૂલિ માથે લગાવીને હળવેથી ઉપર ચાલી ગઈ.
જયકૃષ્ણ આખી રાત પાસા બદલતા રહ્યા પણ એમને ઊંઘ ન આવી.
બીજા દિવસે ઑફિસેથી આવીને જયકૃષ્ણે જોયું તો માલતી આવી ગઈ હતી. ઉપમા રમી રહી હતી. આખી રાતના ઉજાગરાના લીધે એમનો ચહેરો સાવ નિસ્તેજ દેખાતો હતો. જયકૃષ્ણની તબીયતની આશંકાથી માલતીને ફફડી ઊઠી. એણે તરત જ કહ્યું કે,
“કલ્યાણી હજુ ઘરમાં છે તો આમ બનવાનું જ હતું, એ અભાગણીની છાયાથી આજ સુધી સૌ બચ્યા પણ ક્યાં સુધી બચી શકાશે કોણ જાણે? કહ્યુ હતું કે એને ક્યાંક મોકલી દો પણ મારું કોણ સાંભળે છે?”
તો જયકૃષ્ણના મનમાં બીજી જ આશંકા હતી કે માલતી આવે કે તરત કલ્યાણી જવાનું કહેતી હતી તો કોણ જાણે એ હશે કે કેમ?
“કલ્યાણી છે ક્યાં? મેં એને એક કન્યા શાળામાં ભણવા મોકલવાનો નિર્ણય કર્યો છે. જરા એને બોલાવો, એની મરજી જાણી લઈએ.” ધડકતા હ્રદયે એ પૂછી બેઠા.
હાંશ, માલતીનો જીવ હેઠો બેઠો. હવે કલ્યાણી અહીંથી જશે. ક્યાં જશે એની એને ચિંતા નહોતી પણ એ જશે એ વાતથી એને નિરાંત થઈ. જે જલદી વાતનો નિવેડો આવે એ હેતુથી એણે કલ્યાણીને બોલાવવા ઉપમાને મોકલી.
“કાકી તો ઉપર નથી.” ઉપમાએ ઉપરથી જવાબ આપ્યો. ગભરાયેલી માલતી અને પાગલ જેવી હાલતમાં જયકૃષ્ણે આખા ઘરમાં જોઈ લીધું. કલ્યાણી ક્યાંય નહોતી. માત્ર એની પથારી પર એના ઘરેણાંની પેટી અને એની ઉપર એક પત્ર હતા, જેમાં લખ્યું હતું કે,
“જઉં છું. મારી ઉપસ્થિતિથી આપને જે કષ્ટ પડ્યું કે મારાથી કોઈ અપરાધ થયો હોય તો એના માટે માફી માંગું છું. મારી ભાળ કરવાના પ્રયત્નો વ્યર્થ જશે. મારા ઘરેણાં ઉપમા માટે છે.”
અભાગી કલ્યાણી.
સુભદ્રા કુમારી ચૌહાણની વાર્તા ‘કલ્યાણી’ પર આધારિત અનુવાદ.
Recent Comments