૧૨-વાર્તા અલકમલકની
April 5, 2021 at 7:07 am 1 comment
મનનો માણીગર
સુધા,
એક સાધારણ, સાંવલી સૂરત ધરાવતી, બેહદ શાંત અને શર્મિલી ઘરેલુ યુવતિ હતી. એની આંખોમાં સતત ઉદાસીની છાયા ડોકાતી. હા, ભણવામાં હોશિયાર, રસોઈ, સીવણકલા જેવી બધી જ આવડત પણ દેખાવમાં સાવ મામૂલી છોકરી. એનામાં એવી કોઈ ખૂબી નહોતી જેનાથી કોઈ સાધારણ યુવકને પણ એના માટે આકર્ષણ થાય.
એ નાનપણથી જ એવી હતી. એ એકલી એકલી એની ઢીંગલીઓ જોડે વાતો કર્યા કરતી કે ઘર ઘરની રમત રમ્યા કરતી. એ ઢીંગલીઓ જ તો એની સખીઓ હતી. કોઈ આવીને એનું માટીનું ઘર બગાડે તો શાંતિથી ફરી એક નવું ઘર બનાવીને એ રમવા માંડતી.
કૉલેજમાં પણ એવી જ હતી. બસ પોતાની જાતમાં જ ખોવાયેલી શાંત, સાધારણ, ખામોશ અને નીચી નજર, પોતાનામાં મસ્ત અને વ્યસ્ત. એને જોઈને કોઈ યુવક એની તરફ આકર્ષાય એવી કોઈ શક્યતા નહોતી કે નહોતી એના પિતાની હેસિયત જે જોઈને કોઈ મા-બાપ સુધાને ધ્યાનમાં લે.
બાપને જેટલી એની ચિંતા હતી એના કરતાં અનેકગણી ચિંતા મા ને હતી પણ કરે શું? સુધાનો દેખાવ કે પોતાની આર્થિક સ્થિતિ બંને સાવ સાધારણ એટલે એનો ઉકેલ પણ જલદી આવે એવી કોઈ શક્યતા નહોતી. સુધાની ઉંમરની છોકરીઓ, કોઈ પોતાના પિતાની હેસિયતથી તો કોઈ પોતાની ખાસિયતથી એક પછી એક ઠેકાણે પડતી ગઈ. હવે તો સુધાના માતા-પિતા પણ ઈચ્છતા કે સુધા પોતાની પસંદગીનો યુવક શોધી લે પણ એવુંય કશું ન બન્યું. મા એ બે ત્રણ જગ્યાએ વાત ચલાવી, સાઈકલ ખરીદવાની હેસિયત નહોતી એ પિતાએ સ્કૂટર આપવાની કે થોડું વધારે દહેજ આપવાની પિતાએ પણ તૈયારી કરવા માંડી અને તો પણ પરિણામ શૂન્ય… અરે, જરા સારા દેખાવડા છોકરાઓ સુધાને ના પડે એ તો સમજ્યા પણ જે પોતે પણ આંખને જચે એવા ન હોય એ છોકરાઓ પણ સુધાને નાપસંદ કરે ત્યારે બંનેને ખૂબ આઘાત લાગતો.
પણ સુધા જેનું નામ, એનો તો કોઈ ફરક નહોતો પડતો. સુધાનું આંતરિક જગત સાવ જુદુ હતું. બહારથી શાંત સુધા અંદરથી લાવા હતી. સાવ ચૂપ રહેતી સુધાના વિચારોની દુનિયા વિશાળ હતી. સમાજે દોરેલા સાંકડા, અંધારા વિશ્વની બહારના એના કલ્પનાના મનોજગતમાં એ કેવીય ઊંચી ઊડાન ભરતી, એ ક્યાં કોઈને ખબર હતી? બહારથી સાવ મામૂલી લાગતી સુધાની અંદર એક અલગ ચમકતી જીંદગી હતી જેમાં એ રાચતી હતી. કોઈ સાધારણ દેખાતી વ્યક્તિ કે એની સાદગી જોઈને એની સમૃદ્ધિનો અણસાર ન આવે એમ સુધાને જોઈને કોઈ એની અંદરની દુનિયાનો વ્યાપ માપી શકતું નહીં. જેને બાહ્ય સૌંદર્યનો મોહ છે એને પોતાના આંતરિક સૌંદર્યનો પરિચય આપવાની જરૂર સુદ્ધા એને લાગતી નહીં.
“આ કેવી છોકરી તેં જણી છે, જ્યારે જુવો ત્યારે નીચી નજર. મોઢા પર ક્યારેય હાસ્યની એક રેખા નહીં, આખો દિવસ કામ કામ ને કામ.. એની ઉંમરની છોકરીઓને જો, ફૂલોની જેમ મહેંકતી અને પંખીની જેમ ચહેકતી, ઘરને ગુલઝાર બનાવે છે અને આ એક સુધા…” મા પર અકળાયેલો બાપ વાક્ય અધૂરું છોડી દેતો..
“જે છોકરીઓની વાત કરો છો એમના બાપની હેસિયત તમે જોઈ છે? એકનો બાપ સુપરિટેંડન છે, બીજીનો ઓફિસર, ગણીને ચારસો રૂપિયા લઈને આવો છો. સુધા પાસે બે જોડી કપડાં છે અને તમે જેની વાત કરો છો એ દિવસમાં બે જોડ કપડાં બદલે છે એ તમે નથી જાણતાં?” મા પણ બાપનું સાંભળી સાંભળીને સહનશક્તિની હદ વળોટી ગઈ હતી.
બાપની પરિસ્થિતિ મા એ બનાવેલી પાણી જેવી પાતળી દાળ કરતાંય પાતળી હતી. મૌન રહેવા સિવાય બીજું એ શું કરે? દાંત ભીંસીને એ ચૂપ થઈ જતો. પછી તો સુધાને પિતાએ પોતાની હેસિયત હતી ત્યાં સુધી જ ભણાવી. જો કે સુધાને એનાથી પણ કોઈ ફરક ન પડ્યો.
બીજા બે વર્ષ પસાર થઈ ગયા. સુધાની બીજી સહેલીઓના પણ લગ્ન થતાં ગયાં. સુધાને એક ફર્મમાં ટાઈપિસ્ટ તરીકેની નોકરી મળી ગઈ. એ પહેલાં કરતાંય વધુ શાંત, વધુ મહેનતુ બનતી ગઈ. સુધાની કમાણી ઉમેરાતાં ઘરની હાલત સુધરતી ગઈ. ઓફિસના કામ પછી એણે સ્ટેનોનું કામ શીખવા માંડ્યું. એને બી.એ કરવાની પણ ઈચ્છા હતી.
હવે તો એના પિતા જીવન રામ અને મા મગહીના સુધા માટે વર શોધવાના પ્રયાસો વધુ જોશીલા બનતા ગયા. ઘર ખર્ચમાં કાપ મૂકીને, પૈસા બચાવીને સ્કૂટર લેવા જેટલી મૂડી એકઠી કરવા માંડી. વળી એક મુરતિયો સુધાને જોવા આવશે એવી આશા બંધાઈ. વિવાહની રકમ, દહેજમાં આપવાની રકમ, સોનું વગેરે નક્કી કરીને એ સુધાને જોવા આવ્યો.
યુવાન ગોરો અને સાચે જ દેખાવડો હતો. નામ એનું મોતી. ઘેરા બ્રાઉન રંગનો સુટ પહેરીને એ આવ્યો હતો. સુધાને પહેલી વાર કોઈ યુવકમાં રસ પડ્યો. સાજ સજીને ચા લઈને આવેલી સુધા સામે એણે સ્મિત ફરકાવ્યું અને સુધાનું દિલ મીણની જેમ પીગળવા માંડ્યું. ચાનો કપ આપતા મોતીની આંગળીઓના સ્પર્શથી એના રોમેરોમમાં દીવા પ્રગટ્યાં. સુધાને પહેલી વાર કોઈ યુવક ગમી ગયો. મોતીની એ પહેલી અલપઝલપ મુલાકાત પછીની એ રાતે સુધા ઊંઘી ન શકી. જાગતી આંખે એ મોતીના સપના જોતી રહી. આખી રાત મોતીનો સોહામણો ચહેરો એની નજર સામે તરવરતો રહ્યો. એની આંગળીઓનો સ્પર્શ એ અનુભવતી રહી. મોતી સાથે મનોમન સંસાર રચતી રહી પણ બીજા દિવસે એનું એ સોહામણું સપનું ચૂરચૂર થઈ ગયું. મોતીને સુધા પસંદ નથી એવા સમાચાર આવી ગયાં.
મા મગહીનો ગુસ્સો અને જીવન રામની હતાશાથી અનેકગણી વધારે હતાશાથી એ ઘેરાઈ ગઈ. સુધા પહેલી વાર કોઈને દિલ આપી બેઠી હતી. એ જાત સાથે વધુ ઊંડી ઉતરતી ગઈ. વધુ શાંત બનતી ગઈ. એના ચહેરાની નર્મી ધીમે ધીમે સખતાઈ ધારણ કરતી ગઈ. જાણે એક જીવતી લાશ બની ગઈ. ઓફિસના કામમાં વધારે ખૂંપતી ગઈ.
એ દિવસે તો એણે સાંજના બદલે રાત ઢળવા આવી ત્યાં સુધી ઓફિસમાં કામ કરે રાખ્યું અને થાકીને સીધી બહારના આસિફ અલી પાર્કમાં જઈને બેઠી. સાવ એકલી, ચૂપચાપ. ઘણીવાર સુધી એ બેસી રહી. પાર્ક પણ ખાલી થવા માંડ્યો હતો, તેમ છતાં એને ઊભા થવાની કોઈ ઈચ્છા ન થઈ કે ન એણે એવી કોઈ ચેષ્ટા કરી. એ એકાંત ઈચ્છતી હતી કે એકલતા અનુભવતી હતી એ તો એનેય ન સમજાયું પણ એ પછી તો દિવસો સુધી આમ જ આવીને આ બેંચ પર બેસવાનો એનો નિત્ય ક્રમ બની ગયો. એકલતા કે અંધકાર, એ કશાથી વિચલિત થયા વગર બેસી રહેતી.
આજે પણ એ આમ જ બંધ આંખે બેઠી હતી અને એક અવાજ એના કાને પડ્યો.
“અરે આમ કેમ એકલી બેઠી છું?”
આંખ ખોલીને જોયું તો મોતી. એ જ બ્રાઉન સુટ, એ જ સોહામણો ચહેરો, સફેદ દાંતોથી ઝગમગતી મુસ્કાન. સુધા કઈક બોલવા ગઈ પણ એ બોલી ન શકી.
“તને મારી પર ગુસ્સો આવે છે ને, બહુ ખરાબ લાગે છે ને?”
સુધા ચૂપ..
મોતી એની પાસે આવીને બેસી ગયો. એટલો પાસે કે એના શરીરનો સ્પર્શ અને સુગંધ એ અનુભવી રહી. સુધાની આંખોમાં આંસુ આવી ગયા.
“અરે, એમાં રોવાની ક્યાં જરૂર છે? કોઈ વ્યક્તિની પોતાની પસંદ-નાપસંદ હોય કે નહીં?”
હવે સુધાની આંખોના આંસુ એના ગાલ પર રેલાવા માંડ્યા. મોતીએ પોતાનો રૂમાલ કાઢીને એના આંસુ ઝીલી લીધાં.
“પણ તું આમ અહીં એકલી કેમ બેઠી છું?”
સુધા હજુ ચૂપ હતી.
“સારું,ચલ હવે મને એ તો કહે કે તેં મારામાં શું જોયું હતું?”
હવે સુધાથી ચૂપ ન રહેવાયું, “ મેં તારામાં શું જોયું એની વાત જવા દે, તેં મારામાં શું જોયું કે મને નાપસંદ કરી ? તેં મારા હાથની રસોઈ ચાખી હતી, તેં મારા દિલની લાગણી અનુભવી હતી, તું મારા શરીરના રંગથી ડરી ગયો? મારા ચહેરાની સખતાઈ જોઈ પણ તેં મારું હાસ્ય કે કે મારા આંસુંય ક્યાં જોયા છે, તારા આ ઘુંઘરિયાળા વાળમાં ફરતી મારી આંગળીઓનો સ્પર્શ ક્યાં અનુભવ્યો છે, તારા શર્ટનું બટન ટાંકતી મારી આંગળીઓની નજાકત ક્યા જોઈ છે, મારું આ કુંવારું શરીર તારામાં ઓગળતું ક્યાં અનુભવ્યું છે, તારું એ બાળક જે મારી કોખમાં ઉછરી રહ્યું હતું એનો ફરકાટ તેં ક્યાં અનુભવ્યો હતો કે મને ના પાડીને ભૂલી ગયો?”
સુધાને સમજણ ના પડી કે એ આટલું બધું કેવી રીતે બોલી ગઈ. મોતીના ખભા પર માથું ઢાળીને બસ એ બોલતી ગઈ અને મોતી એને સાંભળતો રહ્યો, એની પીઠને પોતાના પૌરુષીય હાથોથી પંપાળતો રહ્યો. સમય પસાર થતો રહ્યો અને પછી ધીરેથી એ બંને છૂટા પડીને પોતાના રસ્તે ચાલ્યા ગયાં.
એ દિવસથી સુધાના તેવર બદલાઈ ગયા.
મન્ટોના સમકાલિન એવા, પ્રગતિશીલ વિચારધારા ધરાવતા હિંદી, ઉર્દૂ કથાકાર કૃષ્ણ ચંદરની વાર્તા’ શાહજાદા’ પર આધારિત ભાવાનુવાદ.
વધુ આવતા અંકે
Entry filed under: વાર્તા અલકમલકની, Rajul.
1.
Dr Induben Shah | April 6, 2021 at 5:39 pm
વાહ સુધા બોલતી રહી .. આવતા અંકની આતુરતા…
LikeLiked by 1 person