Archive for April, 2021
૧૫- વાર્તા અલકમલકની-
વાચક મિત્રો, ચંદ્રલોકની પોલીસની જેમ આપ સૌનેય માતાદીનની થીયરી જાણવાની આતુરતા જાગી હશે તો આવો જાણીએ ઈન્સ્પેક્ટર માતાદીનની એ અદ્ભૂત થીયરી જેનાથી ચંદ્રલોકની પોલીસમાં રામરાજની પોલીસ જેવી ક્ષમતા કેળવાઈ ખરી? તો ચાલો જોઈએ માતાદીનની થીયેરી
*********
*****ચાંદ પર ઈન્સ્પેક્ટર માતાદીન*****
હવે?
હવે માતાદીન કઈ અને કેવી થીયરી પ્રમાણે કામ કરશે એની આતુરતા ચંદ્રલોકની પોલીસને જાગી. એમની થીયરી થોડી અટપટી હતી જે ચંદ્રલોકની પોલીસ માટે સમજવી જરા અઘરી હતી પણ ધીમે ધીમે ચંદ્રલોકની પોલીસ માતાદીનની થીયરી સમજવા પ્રયત્ન કરી રહી હતી.. માતાદીનને સાચી કે ખોટી રીતે પણ અપરાધી કોણ છે એ જ સાબિત કરવામાં રસ હતો.
એમના મતે અપરાધ સાબિત થવામાં બે વાત મહત્વની છે, એક તો એ કે એ માણસ પોલીસને રસ્તામાં નડે છે? બીજું એ કે એને સજા અપાવવામાં ઉપરના લોકો ખુશ થશે?
ચંદ્રલોકની પોલીસ જાણતી હતી કે એ માણસ આમ તો ભલો છે, પોલીસને ક્યાંય નડતો નથી પણ એ વર્તમાન સરકારની વિરોધી રાજનીતિવાળો હતો એ વાત સાચી હતી.
માતાદીને ટેબલ પર હાથ પછાડતા આ પૂરાવો જડબેસલાક છે એમ કહી દીધું કારણકે એમાં ઉપરવાળાનો સપોર્ટ પણ મળવાની ખાતરી હતી.
“અરે, પણ આમાં તો એક નિર્દોષ, નિરપરાધ, ભલા ઈન્સાનને સજા આપવાની વાત થઈ.” ચંદ્રલોકના ઈન્સ્પેક્ટરના ગળે હજુ માતાદીનની વાત ઉતરતી નહોતી.
માતાદીનનું માથું ફટક્યું, આટલી નાની વાત આ હોદ્દા પર બેઠેલા ઈન્સ્પેક્ટરને સમજાતી નહોતી,
“જો ભાઈ મેં તો પહેલાં જ સમજાવ્યું કે દરેક માણસમાં ઈશ્વરનો અંશ છે, સજા આને થાય કે કાતિલને પણ ફાંસી પર તો ઈશ્વર જ ચઢશેને? તમને આના કપડા પર લોહીના ડાઘ મળ્યા છે એ છોડીને તમારે બીજે ક્યાં પૂરાવો શોધવા જવો છે? ચાલો કામે લાગો અને એફ.આઇ.આર, તૈયાર કરવા માંડો.”
બીજા દિવસે વળી કોટવાળ આડા ફાટ્યા,
“સરજી, આમાં અમારા માથે મોટી આફત આવી છે. આજ સુધી અમારા ચંદ્રલોકમાં આવું બન્યું નથી તેમાં ચંદ્રલોકના તમામ ભલા માણસોએ આ બેકસૂરને આરોપી સાબિત કર્યો છે એની સામે સખત વાંધો લીધો છે. આમાં તો અમારે શરમથી મરવા જેવું થયું છે.”
માતાદીને કોટવાળને સમજાવ્યું,
“એમાં ગભરાવાની જરૂર નથી, શરૂઆતમાં આવા કામમાં શરમ આવશે અને પછી તો કોઈ બેકસૂરને છોડવામાં તમને શરમ આવશે અને તમને કોઈ પૂછે તો કહી દેવાનું કે આ બધુ ઉપરથી દબાણ છે એટલે એમાં અમે કંઇ ના કરી શકીએ.”
“પણ એ લોકો એસ.પી. પાસે જશે તો?” હજુ કોટવાળમાં માતાદીન જેટલી હિંમત નહોતી.
“એસ.પી., આઈ.જી., પોલીસ મંત્રી બધાને કહી દેવાનું કે આ બધું ઉપરથી જ થાય છે.” માતાદીને એને હિંમત આપતાં શીખવાડ્યું
“અને પ્રધાન મંત્રી પાસે જશે તો?” કોટવાળે ડરતા ડરતા એનો સંશય રજૂ કર્યો.
“પ્રધાન મંત્રીએ પણ એ જ કહેવાનું કે ઉપરથી હુકમ છે,” માતાદીને ઉકેલ આપ્યો.
“હેં? “ કોટવાળનું મ્હોં આશ્ચર્યથી પહોળું થઈ ગયું, “ પ્રધાન મંત્રીથી ઉપર કોઈ છે જ ક્યાં?”
“કેમ ઈશ્વર નથી અને ઈશ્વરને જે પૂછવા ગયું છે એમાંથી કોણ આજ સુધી પાછું આવ્યું છે કે એ લોકો આવશે?”
કોટવાળ આ મહાન પ્રતિભાથી અંજાઈને અવાક બની ગયો.
“અરે ‘આ ઉપરથી દબાણ છે’ એ તકિયા કલમથી તો કેટલાય વર્ષોથી અમારી સરકાર ટકી રહી છે તમે પણ એ શીખી લો. બહુ કામમાં આવશે. ચાલો હવે ૪-૬ ચશ્મદીદ ગવાહ, એટલે કે હાજર હોય એવા સાક્ષીઓ શોધી લાવો.” ત્વરાએ કામે લાગવાનો ઈશારો કરતા માતાદીને ચપટીઓ વગાડી.
“પણ ક્યાંથી લાવું સાહેબ, એને મારતાં તો કોઈએ જોયો નથી.” કોટવાળ બઘવાઈ ગયો.
માતાદીને માથે હાથ ઠોક્યો.
“કેવા કેવા બેવકૂફોની વચ્ચે મને ધકેલી દીધો છે. કોઈને કેસ સોલ્વ કરવાની એ.બી.સી.ડી સુધ્ધાં નથી આવડતી..ચશ્મદીદ ગવાહ એટલે જેણે નજરોનજર જોયું છે એ નહીં પણ જે એમ કહી શકે કે મેં આ ઘટના જોઈ છે.”
“એવું કોઈ શું કામ કહેશે?” કોટવાળના મનમાં હજુ સંશય હતો.
“સમજણ નથી પડતી, કેવી રીતે ડિપાર્ટમેન્ટ ચલાવો છો, સાક્ષીઓની યાદી તો પોલીસ પાસે પહેલેથી હોવી જોઈએ. જ્યારે જે જરૂર પડી એને સાક્ષી બનાવી દેવાનો. અમારા ત્યાં તો કેટલાંય લોકો તૈયાર જ હોય છે જે આવા દંગા-ફિસાદમાં સાક્ષી બનીને કોર્ટમાં જુબાની આપે અને કોર્ટને એની દૈવી શક્તિની જાણ હોય છે. કોર્ટ પણ સમજે છે કે ક્યાં કેવી દુર્ઘટના બનશે એની આગોતરી જાણકારી આ સાક્ષીઓ પાસે હોય છે. જાવ, જઈને ૮-૧૦ ઉઠાવગીરને બોલાવી લાવો, કોઈ મારપીટ, ગુંડાગીરી કરતા હોય, જુગાર રમતા હોય કે શરાબની ભઠ્ઠી ચલાવતા હોય એવા લોકોને બોલાવી લાવો, સાક્ષી કેવી રીતે ઊભા કરવા એ હું શીખવાડું”
બીજા દિવસે શહેરના આવા ૮-૧૦ નવરત્નોને પોલીસ ચોકીમાં હાજર કરવામાં આવ્યા.
કેટલા સમય પછી આવા લોકો જોવા મળ્યાં? કેવી ખોટ લાગતી હતી આ બધા વગર! એમને જોઈને માતાદીન અત્યંત ગદગદ થઈ ગયા.
“તમે લોકોએ એને લાઠી મારતા જોયો હતો?” માતાદીન કામે લાગ્યો.
“ના સાહેબ, અમે ત્યાં હતા જ નહીં તો કેવી રીતે જોઈએ?”
માતાદીનને ખબર હતી કે આ બધા માટે તો આ પહેલો અનુભવ છે, એમને બરાબર તૈયાર કરવા પડશે.
“તમારા ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે. બોલો એ કામ ચાલુ રાખવા છે કે જેલમાં જવું છે?”
માતાદીનના રામરાજને થીઅરી કામે લગાડી, અને સાક્ષીઓ પાસે જે બોલાવવું હતું એ બોલાવી લીધું. કોટવાળ આ ચમત્કાર જોઈને માતાદીનના પગમાં આળોટી પડ્યો.
“સાહેબ તમે મારા ગુરુ, મને તમારા ચરણોમાં સ્થાન આપો પ્રભુ.”
માતાદીને એને કેવી રીતે એફ.આઈ.આર. બદલવાની, કેસની ફાઈલમાં વચ્ચેના પાના કેવી રીતે ઉમેરવા કે ફાડવા, સાક્ષીઓને ઉઠાવાના કે તોડવાના, એ બધું શીખવાડી દીધું. પેલા ભલા નિર્દોષ આદમીને વીસ વર્ષની સજા થઈ.
હવે ચંદ્રલોકની પોલીસ બરાબર ઘડાઈ ગઈ હતી. એમની હોશિયારી, ચાલાકી. તત્પરતા ભારત સરકારના સહયોગને આભારી હતી. ચંદ્રલોકની સરકારે ધન્યવાદનો એક પ્રસ્તાવ તૈયાર કર્યો. માતાદીનનો સત્કાર સમારંભ થયો. ફૂલોથી શણગારેલી જીપમાં એમને ફેરવવામાં આવ્યા. કેટલાય લોકોએ એમનો જય-જયકાર બોલાવ્યો. માતાદીનને ચંદ્ર પર ધોતી, કુર્તા, ટોપી ન લાવવાનો અફસોસ થયો. ભારતના પોલીસ મંત્રી ટી.વી. પર આ અનુપમ દ્રશ્ય જોઈને ખુશ હતા કે એમની સદ્ભાવનાના પરિણામે ચંદ્ર પરનું વાતાવરણ બદલાઈ રહ્યું હતું.
થોડા મહિનાઓ આમ જ પસાર થઈ ગયા. ચંદ્ર પર ધડાધડ કેસ વધવા માંડ્યા. જેલો ભરાવા માંડી.
પણ….પણ…
એક દિવસ ચાંદ પર ગુપ્ત અધિવેશન બોલાવવામાં આવ્યું કારણકે પોલીસની કાર્યવાહીને લઈને લોકોમાં રોષની લાગણી ફેલાવા માંડી હતી. સરકારે રાજીનામું આપી દેવું જોઈએ એવી માંગણી કરવામાં આવી હતી.
પ્રધાન મંત્રીએ માતાદીનને બોલાવીને આભાર માન્યો અને પૃથ્વીલોક પાછા ફરવા વિનંતી કરી, છૂટકો જ ક્યાં હતો?
પણ માતાદીન જેનું નામ, ચૂસ્ત સિદ્ધાંતવાદી, ડગલું ભર્યું કે ના હટવું એવો જેનો નિયમ, ટર્મ પૂરી કર્યા વગર, એમ તે કંઈ આદર્યા અધૂરા મૂકીને જાય? પ્રધાન મંત્રીએ બમણાં, ત્રણ ગણાં પૈસાની ઓફર સ્વીકારીને પણ માતાદીનને એમની ટર્મ પૂરી થવાની રાહ જોયા વગર પાછા જવા વિનંતી કરી. માતાદીને કહી દીધું કે એ ટર્મ તો પૂરી કરીને જ જશે. આખરે ચંદ્રલોકના પ્રધાન મંત્રીએ ભારતના પ્રધાન મંત્રીને એક ખાનગી પત્ર લખ્યો જેના પરિણામે ચોથા દિવસે માતાદીનને પાછા ફરવાનો આઈ,જી તરફથી ઓર્ડર મળી ગયો.
માતાદીનની વિદાય સમયે ચંદ્રલોકની પોલીસ અત્યંત દુઃખી થઈ, અરે! કેટલાક તો રડી પડ્યા. એમને સમજાયું નહીં કે આવા બાહોશ ઓફિસરને એકદમ કેમ પાછા બોલાવી લેવામાં આવ્યા.
માતાદીનને પાછા બોલાવાનું કારણ તો ખબર ન પડી પણ એમના વગર ચંદ્રલોકની પોલીસમાં સોપો પડી ગયો.
અંતે એક દિવસ ચંદ્રલોકના પ્રધાન મંત્રીએ લખેલા પત્રની કોપી જૂની ફાઈલમાંથી મળી આવી. જેમાં લખ્યું હતું કે, “ઈંસ્પેક્ટર માતાદીનની સેવા પ્રદાન કરવા બદલ ધન્યવાદ.. અમે ભારતને અમારો મિત્ર દેશ સમજતાં હતાં પણ તમે અમારી સાથે શત્રુવત વ્યહવાર કર્યો છે. અહીંના ભોળા લોકોનો વિશ્વાસઘાત કર્યો છે. તમારા માતાદીને અમારી પોલીસને એવી તાલિમ આપી છે જેના પરિણામે અહીં કોઈ મરતાં માણસ પાસે જતું નથી કારણકે એમને ડર છે કે મદદ કરવા જતાં એની હત્યાના મામલે એમને સજા થશે. કોઈ દીકરો બીમાર બાપની સેવા કરતા ડરે છે કે બાપ મરી ગયો તો એની હત્યાનો આરોપ એની પર આવશે. ક્યાંય કોઈ એ ડરથી બાળકને બચાવવા નથી દોડતું કે એની પર બાળકની ઉઠાંતરીનો આરોપ આવશે. રખેને ઘર સળગાવવાનો આરોપ એની પર મૂકાઈ જાય એ બીકે ક્યાંક કોઈનું ઘર સળગી રહ્યું હોય તો એને બૂઝવવા કોઈ આગળ નથી આવતું, અહીં માનવીય સંબંધો મરતાં જાય છે. આદમી જાનવરથીય બદતર બની ગયો છે. માતાદીને અમારી સંસ્કૃતિ નષ્ટ કરી દીધી છે માટે હવે એમને તુરંત રામરાજ પાછા બોલાવી લેવામાં આવે. આભાર.”
જય હો રામરાજ
હ્યુમર એટલે કે વિનોદ, જેમાં હાસ્ય પ્રેરિત વાત કહેવાઈ હોય.
સટાયર એટલે કે ઉપહાસ, જેમાં હસતા હસતા વિચારતાં કરી દે .
હરિશંકર પરસાઈની વાર્તાઓમાં ભારોભાર આવા ઉપહાસ જોવા મળે છે. આજે આપ સૌએ માણી એમની એક આવી એક વાર્તાનો ભાવાનુવાદ.
Recent Comments