Archive for March 22, 2021
૧૦- વાર્તા અલકમલકની
રાગી- વૈરાગી
એનો પરિચય મને થયો એ દિવસ આજે પણ યાદ છે. બેંકની ચેકબુકમાં મારી સહી કરવા જતા પેનની શાહી કદાચ ખતમ થવા આવી હતી. મેં પેન ઝાટકીને ફરી લખવા પ્રયાસ કર્યો. એ જ ક્ષણે એક હાથ લંબાયો અને મારા હાથમાં પેન થમાવી દીધી. એ આંગળીઓ, આંગળીઓ પરની હીરા-પન્નાની વીંટીનો ચમકાર, એના હાથમાં પકડેલી અજગરની સ્નીગ્ધ ચામડીમાંથી બનેલી પર્સ પણ યાદ રહી ગઈ અને એથી વિશેષ યાદ રહી ગયો હતો એમનો શાંત ભવ્યતાથી ઓપતો ચહેરો.
એકાદ ઔપચારિક સ્મિત અને આભાર વ્યક્ત કરીને અમારે છૂટા પડવાનુ હતું એના બદલે એ મુલાકાત ગાઢ મૈત્રીમાં પરિણમી. અમારા વચ્ચે સમાજ, વિચારોથી માંડીને ઘણી બધી અસમાનતા હતી તેમ છતાં અમે મળતાં રહ્યાં
એ હંમેશા ભગવાન અને ભક્તિને પ્રાધાન્ય આપતી. ત્યાં સુધીય મને સમસ્યા નહોતી પણ એ ભગવાધારી ભગતોને મહત્વ આપતી ત્યારે એ મને માફક નહોતું આવતું. ભગવાન કે ભક્તિ સામે મને કોઈ વાંધો નહોતો પણ આ ભગવાધારી ભગતો પર મને વિશ્વાસ નહોતો. આમ બે વિરોધાભાસી વલણ હોવા છતાં અમારી મૈત્રીના વેગમાં કોઈ ઓટ ન આવી.
એક પત્નિ અને મા હોવાના નાતે જીવનનો અનુભવ મારામાં એના કરતાં વધુ હતો. મોટાભાગે એ પોતાના અધ્યાપિકાના વ્યવસાયમાં વ્યસ્ત રહેતી. એ એકલી હતી, પોતાની રીતે જીવવા મુક્ત હતી. એના પિતાની અઢળક સંપત્તિની એ એક માત્ર વારસદાર હતી. પહેલા માતા અને પછી પિતાના મૃત્યુ બાદ એકલી પડતાં એક માત્ર સગપણમાં માસી બનારસમાં હોવાના લીધે એ અહીં આવીને રહી.
એ એટલે અનુ પટેલ.
આજે આશરે ચાલીસીએ પણ એટલી સુંદર દેખાતી હતી તો એના યૌવનકાળમાં કેટલીય સુંદર દેખાતી હશે! અને એટલે જ એને જોઈને વિચાર આવતો કે જો એણે ધાર્યું હોત તો સ્વયંવર રચીને મન ગમતો વર મેળવી શકે એમ હતી. કોઈ યોગ્ય પાત્ર નહીં મળ્યું હોય કે પછી લગ્નને યોગ્ય ઉંમર હશે ત્યારે પાત્રની યોગ્યતાની ચોકસાઈમાં સમય ગુમાવ્યો હશે અને ઉંમર વધતા જ્યારે પાત્રતા સાથે સમાધાન કરવાનું શરૂ કર્યું ત્યારે પાત્રો જ ન રહ્યા? મારા મનમાં સવાલો અનેક હતા જેના જવાબમાં એણે જે કહ્યું એ અણધાર્યું હતું.
એની મુગ્ધાવસ્થા સમયની સુંદરતા તો ભલભલાને આકર્ષે એવી હતી પણ એ એક પ્રખર બૌદ્ધિક યુવક તરફ આકર્ષાઈ. પ્રચુર પ્રણય, મુક્ત મિલનનો એ સમય હતો પણ અનુના પિતાને એ સંબંધમાં ઉત્તરથી દક્ષિણ સુધીનું, ગુજરાતી અને મદ્રાસી સંસ્કારોનું સામાજિક અંતર સ્પષ્ટ દેખાતું હતું. પિતાને પોતાની સમૃદ્ધિની સામે સરસ્વતિનું પલ્લુ નીચું દેખાતું હતું, ધનનાં વૈભવ સામે વિદ્યાનો વૈભવ તો દેખાતો જ નહોતો. એનું નામ હતું મધુકર.
મધુકરનો પરિવાર પણ વેરવિખેર હતો એવી અનુના પિતાને જાણ હતી. આજ સુધી મધુકરે અનુને આપેલી પોતાના પરિવાર વિશે સાચી ખોટી માહિતીને છેતરી હતી પણ એની પાછળનું સત્ય અનુના પિતા જાણતા હતા અને જે સત્ય આજે અનુ પાસે ખુલ્લુ પડ્યું એ એના માટે અસહ્ય હતું. એના પિતા કોઈ અભિનેત્રીની હત્યા બદલ જેલ ભોગવતા હતા અને માતાનું એ આઘાતના લીધે અપમૃત્યુ થયું હતું. હવે આજ સુધીના અજાણ્યા અને હવે સમજમાં આવેલા સત્ય કરતાં પણ મધુકરે આજ સુધી પોતાને છેતરી એ વાત અનુ માટે વધુ અસહ્ય હતી અને એ પિતા સાથે નૈરોબી પાછી ચાલી ગઈ. પિતાએ નક્કી કરેલા યુવક સાથે વિવાહ કરી લીધા પણ સિરોસીસના લીધે અનુનું વૈવાહિક જીવન લાંબુ ટક્યું નહીં. આ અસહ્ય આઘાત પછી પિતાનું મૃત્યુ થતા અનુ એના નામે મૂકેલી અઢળક સંપત્તિ સમેટીને નૈરોબી છોડી એ ભારત પાછી આવી ગઈ. આજે એ વિશ્વ વિદ્યાપીઠમાં અંગ્રેજીની પ્રાધ્યાપિકા તરીકે ઉચ્ચ પદે બિરાજતી હતી. તમામ ભૌતિક સુખ સગવડની માલિક હતી. એની પાસે પૈસો, પદ, પ્રતિષ્ઠા બધું જ હતું પણ એના હ્રદયનો ખૂણો તો ખાલી જ હતો. જીવનમાં રિક્તતા હોવા છતાં એના ચહેરા પર ક્યારેય ઉદાસીના વાદળ જોયા નહોતા.
પણ હમણાંથી અનુના જીવનમાં એક વ્યક્તિનો ઉમેરો જોયો. એનો પ્રિય વિદ્યાર્થી- પ્રિયતમ મહંતી. ઓગણીસ-વીસ વર્ષની ઉંમર, સ્ફટિક જેવું ગૌર ભાલ,સપ્રમાણ નાક નકશી, સુગઠિત બાંધો, ખભા સુધી પહોંચતા લાંબા સોનેરી વાળ. એમ.એ.ના સૌથી તેજસ્વી આ છાત્ર માટે અનુને સવિશેષ ભાવ હોય એ સ્વાભાવિ હતું..
એમ.એ.માં આ વર્ષે એ સૌ પ્રથમ સ્થાને પાસ થનાર છાત્ર તરીકે એનું નામ જાહેર થયું એ તો અનુ માટે અત્યંત આનંદની વાત હતી. આનંદના એ અવસરમાં અનુની હું સહભાગી બનું એ પહેલા તો અત્યંત આઘાત આપતા સમાચાર મને મળ્યા કે અનુ અને એનો આ પ્રિય વિદ્યાર્થી અચાનક ક્યાંક ખોવાઈ ગયા.
બૌદ્ધિક લોકો તરફ અનુ વધુ આકર્ષાતી એવું હવે હું સમજી શકી હતી.
કદાચ બધું સમેટીને વિદેશ ચાલ્યા ગયા. આજ સુધી અનુ માટે મારા મનમાં જે માન, સન્માન કે અભિમાન હતું ક્ષણભરમાં ઓગળી ગયું. પોતાના પુત્રથી પણ કદાચ ઓછી ઉંમરના એ યુવક સાથે અનુ? છી… મારું મન ઘૃણાથી છલકાઈ ગયું. મહિનાઓ સુધી એ આખા શહેરમાં ચર્ચાનો વિષય બની ગઈ.
જો કે સમય જતાં સૌ ભલભલા ગુના અને ગુનેગારોને ભૂલી જાય છે તો આ ઘટનાય સમય જતા ભૂલાતી ચાલી. ક્યારેક મારા મનમાં અનુના બે પ્રેમી- મધુકર અને પ્રિયતમ મહંતીના વિચારો કબજો જમાવી લેતાં. ક્યારેક હું અનુની કથની લખવા કલમ હાથમાં લેતી અને એ જાણે કોઈ દુષ્ટ પ્રેતાત્મા હોય એમ એમના વિચારોથી મન વિચલિત થતાં એ અટકી જતી પછી તો ધીમે ધીમે લોકોની જેમ મેં પણ અનુના વિષયમાં વિચારવાનું છોડી દીધું.
બીજા બે વર્ષ આમ જ પસાર થઈ ગયા. કોઈક ફુરસદના સમયે અનુ અને એના નાનકડા પ્રેમીનું શું થયું હશે એ જાણવા જીજ્ઞાસા થતી અને એ જીજ્ઞાસાના જવાબરૂપે જ હોય એમ એક દિવસ એક વ્યક્તિ મારી સમક્ષ ઉપસ્થિત થઈ. પીળી લુંગી, ગેરૂઆ કુર્તો, આંખે કાળા મોટા ચશ્મા, સહેજમાં રણકી ઊઠતી મેખલાબંધની ઝીણી ઘંટડીઓ… જો આ વ્યક્તિના ખભા સુધી લંબાતા સોનેરી વાળ પર ધ્યાન ન જાત તો મારી પ્રિય પ્રૌઢ સખીના પ્રિયતમની ઓળખનો કોઈ અણસાર ન આવત. અનુએ એની સાથે બે વર્ષ પહેલાં લગ્ન કરી લીધા હતા. અનુના સાનિધ્યના પરિપાકરૂપે એનો ચહેરો પણ બે વર્ષમાં જાણે પાકટ બની ગયો હતો.
આટલા સમય પછી એ પોતાની પત્ની એટલે કે અનુની શોધમાં અહીં આવ્યો હતો. અનુ સાથે લગ્ન કર્યા દોમદોમ સાહ્યબી વચ્ચે જીવતી અનુએ એની સાથે વિશ્વભરમાં હનિમૂન મનાવ્યું. અત્યંત ઉત્તેજના, ઊર્મિસભર દિવસો પસાર થઈ રહ્યાં હતાં ત્યાં અચાનક આ સફર દરમ્યાન એમની મુલાકાત અનુના ભૂતપૂર્વ પ્રેમી મધુકર સાથે થઈ.
બસ ત્યારથી અનુ બદલાઈ ગઈ. પ્રિયતમ મહંતીથી એ દૂર થતી ગઈ. પ્રિયતમે એને તન-મનથી રીઝવવાના પ્રયાસ તો કર્યા એ નિષ્ફળ રહ્યો. પ્રેમના આંધળા ઝનૂનને લઈને થોડીક બળજબરી પણ કરી લીધી પણ અંતે અનુ એક પત્ર અને બે-ચાર મહિનાની ખર્ચી એના માટે મૂકીને મધુકર સાથે ચાલી ગઈ. વાત થઈ એ પહેલાં મારા મનમાં એવો વિચાર આવ્યો હતો કે મોટી ઉંમરની પત્નીમાંથી આ યુવાન પતિનું આકર્ષણ ઘટી ગયું હશે પણ અહીં તો સાવ અલગ છેવાડાની વાત લઈને પ્રિયતમ આવ્યો હતો.
અનુને ભૂલવાનો પ્રયાસ કરવા છતાં એને એ ભૂલી શક્યો નહોતો. પ્રિયતમ મહંતી કહેતો હતો કે “અનુને ખબર હતી કે એના વગર એક ક્ષણ પણ હું રહી શકીશ નહીં અને તેમ છતાં એ અને મૂકીને ચાલી ગઈ?”
બેહાલ જેવી અવસ્થામાં મૂકાયેલો પ્રિયતમ મંહતી ગોવાના વિદેશીઓની સંગતમાં જાતને ભૂલવા અનિચ્છનીય કેફી દ્રવ્યોની રંગતના રવાડે ચઢી ગયો અને આવા અભાગીઓના સ્વર્ગ જેવા ગોવામાં સ્થાયી થઈ ગયો હતો
એના સાવ ભોળા બાળક જેવા નિષ્કપટ ચહેરા સામે હું જોઈ રહી. ચહેરા પર દેખાતી ઘેલછા અનુ માટે હતી કે કેફી દ્રવ્યોની અસર હતી? કંઈપણ સમજુ કે જાણું એ પહેલા એ મારા ચરણસ્પર્શ કરીને ચાલ્યો ગયો
પહેલાં એ હંમેશા કહેતો હતો કે અનુ તો એક સંત જેવી વૈરાગી વ્યક્તિ છે, એ કોઈનુય અનિષ્ટ કરી જ ન શકે. હું અનુને ઓળખતી થઈ ત્યારે તો મને પણ એ સંત જેવી વૈરાગી વ્યક્તિ જ લાગી હતી ને?
આજ સુધી મને મારી આંતઃસ્ફૂરણા પર ગર્વ હતો. મને એવું હતું કે કોઈપણ વ્યક્તિને હું બરાબર પારખી શકું છું પણ હું આજે વિચારું છું તો મને એવું સમજાય છે કે કોણ રાગી કોણ વૈરાગી એ નક્કી કરવામાં આપણે ક્યારેય સફળ થઈ શકતાં જ નથી.
******
મૂળ નામ ‘ગોરા પંત’ પણ સાહિત્ય ક્ષેત્રે શિવાની તરીકે જાણીતા લેખિકાની મૂળ કથા ‘ મન કા પ્રહરી’ને આધારિત અનુવાદ.
Recent Comments