૭- વાર્તા અલકમલકની-
March 1, 2021 at 7:07 am 2 comments
‘ ખોલ દો’
અમૃતસરથી બપોરે બે વાગે ઉપડેલી સ્પેશિયલ ટ્રેન રાત્રે દસ વાગે મોગલપુરા પહોંચી. રસ્તામાં કંઈ કેટલાય લોકો ઘવાયા, કપાયા, મર્યા. ટ્રેનના ડબ્બામાં જાણે લોહીની નદીઓ વહી રહી. ચારેકોર રૂદનના અવાજો, ક્યાંક કોઈની દબાયેલી ચીસો, ક્યાંક ચિત્કારોથી સ્ટેશન પરનો માહોલ ખળભળતો રહ્યો. જે કોઈ બચ્યા એ ઠામ ઠેકાણાં વગરના આમથી તેમ ભટકતાં થઈ ગયાં.
ભારત-પાકિસ્તાનના ભાગલા એ માત્ર જમીન વચ્ચે ખેંચાયેલી રેખાઓથી થયેલા ભાગલા નહોતા. એ ભાગલા તો બે કોમના માનવીઓ વચ્ચે ખેંચાયેલી પાશવી રેખા હતી જેનાથી માનવતા ક્ષતવિક્ષત થઈ ગઈ હતી.
એક તરફથી ગંતવ્ય સ્થાને જતી ટ્રેનોમાં ચઢતાં માનવીઓ, ટ્રેન જ્યાં પહોંચે ત્યાં એ જીવતાં માનવીઓ હશે કે લાશોના ખડકલાં એ તો સૌ સૌની તકદીર પર નિર્ભર હતું.
આવા થોડાં જીવિત લોકો, થોડી લાશોના ખડકલાં વચ્ચે ઘણાં લાંબા સમય સુધી મૃતપ્રાય અવસ્થામાં પડેલા સિરાજુદ્દિનની આંખો ખુલી ત્યારે એને પોતાની જાત ઠંડી જમીન સ્પર્શતી હોય એવું લાગ્યું અને પોતાની આસપાસ અજાણ્યા પુરુષો, સ્ત્રીઓ અને બચ્ચાઓનો ઉભરતો પ્રવાહ જોયો, જાણે એની આસપાસ ઉમટ્યો હોય એવો એક ભયાવહ માનવ મહેરામણ..
માંડ માંડ એ પોતાના નબળા હાથોના ટેકે ટેકે ઊભો થવા મથ્યો. આજુબાજુ નજર કરી. કેમ્પમાં આમ તો શોરબકોર હતો પણ બુઢ્ઢા સિરાજુદ્દિનના કાનો જાણે બધિર થઈ ગયા હતા કે પછી એ ચીસો, એ અવાજો એના કાન સુધી અફળાઈને પાછા આવતા હતા. એની તરફ જોનારની નજરમાં એ જીવિત છે કે લાશ એ કળવું મુશ્કેલ બને એટલી હદે એ સ્થિર બની ગયો હતો. એનું વજૂદ, એનું અસ્તિત્વ જાણે શૂન્યમાં લટકી રહ્યું હતું. ક્ષુબ્ધ થયેલું મન વધુને વધુ હતપ્રભ બની ગયું. દૂર દૂર આસમાન સુધી એ એકીટસે નિહાળતો રહ્યો. એની વૃદ્ધ આંખોમાં અનેક સવાલો, અઢળક વ્યથા હતી. આસમાન તરફ તાકી રહેલી આંખોમાં સૂરજની રોશની ઉતરી આવી. એ જાણે જાગ્યો અને કોઈ એક નવી આશાનો સંચાર થયો હોય એમ એ જરા સળવળ્યો.
સૂરજની એ રોશનીની સાથે આંખોમાં કેટલીય તસવીર ઉપસી આવી આગ, ભાગંભાગ, સ્ટેશન, બંદૂકમાંથી ઝબકારા સાથે વછૂટતી ગોળીઓ અને સકીના…
અરે! સકીના ક્યાં?
સિરાજુદ્દિન એકદમ ચોંકીને ઊભો થઈ ગયો. એની સકીના ક્યાં?
“સકીના…સકીના” બૂમો મારતો બહાવરો બનીને એ ત્યાં કેમ્પમાં માણસોના ટોળાં વચ્ચે દોડતો રહ્યો. પૂરા ત્રણ કલાક સુધી એ જીવ પર આવીને સકીનાને શોધતો રહ્યો પણ એને એની જવાન, માસૂમ દીકરી સકીના ક્યાંય ન દેખાઈ. ચારેકોર હાહાકાર મચેલો હતો. કોઈ પોતાનું બાળક શોધતું હતું તો કોઈ પતિ,પત્ની, મા-બાપને શોધતાં હતાં.
હારી થાકીને ઢગલો થઈ ગયેલા સિરાજુદ્દિનને દિમાગ પર જોર આપવા છતાં યાદ નહોતું આવતું કે એનાથી સકિના ક્યારે, ક્યાં છૂટી પડી. વિચારોના અલગ અલગ મોડ પર ફરીને અંતે તો એનું મન ત્યાં જઈને ઊભુ રહ્યું જ્યાં એની નજર સામે સકિનાની અમ્મીનો મૃતદેહ દેખાતો. લાશ બની ગયેલી પત્નીના આંતરડાં બહાર આવી ગયા હતા. કેટલી નિર્દયતાથી એને રહેંસી નાખી હતી! કમકમાં આવી ગયા એને અને બસ, એનાથી આગળ એ કશું વિચારી ન શક્યો. એની નજર સામે જ પત્નીએ અંતિમ શ્વાસ લીધો હતો. મરતી પત્નીએ આજીજી કરી હતી કે એની પરવા કર્યા વગર એ સકિનાને લઈને ભાગે અને એ સકિનાને લઈને સાવ ખુલ્લા પગે ત્યાંથી ભાગ્યા હતો.
હવે બધું યાદ આવતું ગયું. ભાગતી વખતે સકિનાનો જમીન પર પડેલો દુપ્પટ્ટોય એણે ઉંચકી લીધો હતો. અરે હા! એ દુપ્પટ્ટો અત્યારે પણ એના કોટના ઉપલા ખીસામાં સલામત હતો પણ સકીના ક્યાં? ગમે એટલું યાદ કરવા છતાં એને યાદ નહોતું આવતું કે એ સકીના એનાથી છૂટી ક્યારે પડી? રસ્તામાં જ્યારે તોફાનો કરવાવાળાઓએ ટ્રેનને રોકીને એમાં ચઢી આવ્યા ત્યારે એ બેહોશ થઈ ગયો ત્યાં સુધીનું યાદ આવ્યું. તો એનો અર્થ કે એની બેહોશી દરમ્યાન એ લોકો સકીનાને ઉઠાવી ગયા?
આગળ વિચારવાની એનામાં હિંમત નહોતી. એને આશ્વાસનની, સધિયારાની જરૂર હતી પણ આ હોહામાં કોણ કોનું સાંભળવાનું હતું? એને બૂમો મારીને રડવાનું મન થયું પણ આંસુઓએ પણ સકિનાની જેમ એનો સાથ છોડી દીધો હતો.
દિવસો પસાર થતાં ગયા. કોઈ પરિણામ ન મળતાં જે લોકો સૌને મદદ કરતા હતા એવા લોકોને જઈને મળ્યો. આ આઠ નવજવાનો પાસે લાઠીઓ, બંદૂક હતી. ક્યાંય પણ જઈને એ લોકો ખોવાયેલાઓને શોધવાનો ખરેખરો પ્રયાસ કરતા હતા.
બાપે એકની એક દીકરીની ઓળખ આપી. ગોરો રંગ, મોટી પાણીદાર આંખો, કાળા વાળ, સત્તર વર્ષની ખૂબસૂરત સકિનાના ડાબા ગાલ પર મોટો કાળો તલ હતો એ ય એણે કહ્યું.
ખંતીલા નવયુવાનોએ સિરાજુદ્દિનને આશા બંધાવી કે સકિનાને ગમે તેમ કરીને શોધી લાવશે.
“યા ખુદા, મદદ ખુદા.. કી વો મેરી બેટીકો ઢૂંઢકે જલદીસે મેરે પાસ લે આયે.” બાપે એમની કામયાબી માટે દુવા માંગી.
આઠે નવજુવાનોએ જીવ પર આવીને પ્રયાસો આદર્યા. ટ્રક લઈને અમૃતસર સુધી ગયા. માણસોના ખડકલામાંથી શોધી શોધીને જીવિત બચ્ચાં, બુઢાઓને સલામત જગ્યાએ ખસેડ્યા. સાચે જ ઉમદા, માનવતાભર્યું એ કામ હતું પણ સકિના ના મળી. દીવસો પસાર થતા ગયા.
આજે દસમો દિવસ હતો. મદદની ભાવનાથી ફરી એ લોકો અમૃતસર જઈ રહ્યા હતા ત્યાં રસ્તાના ખૂણા પર એક છોકરીને જોઈ. ટ્રક રોકી.
એ સત્તર વર્ષની ખૂબસૂરત યુવતિનો ગોરો રંગ, મોટી પાણીદાર આંખો, કાળા વાળ, ડાબા ગાલ પરનો કાળો મોટો તલ સકિનાની ઓળખ છતી કરી રહ્યો હતો.
એક સામટા આઠ આઠ યુવાનોને જોઈને એ ગભરાઈ, ભાગવા મથી પણ એ યુવાનોએ એને આંતરી, ખૂબ ભાવથી એની સાથે વાત કરી, એને સધિયારો આપ્યો, દૂધ અને ખાવાનું આપ્યું. હવે સકિનાને ખાતરી થઈ કે સાચે જ એ સલામત હાથોમાં છે. એક યુવાને પોતાનો કોટ ઉતારીને સકિનાના દુપટ્ટા વગરના ખૂલ્લા બદનને ઢાંક્યું.
આ તો બધા મદદગાર હતા, મસીહા બનીને આવ્યા હતા. કંઈ કેટલાયને એમણે બચાવ્યા, ઉગાર્યા હતા. સિરાજુદ્દિનને વિશ્વાસ આપીને આવ્યા હતા કે એની બેટીને શોધી લાવશે.
*****
આ યુવાનોના ગયા પછી સિરાજુદ્દિન એક એક દિવસ સકિના મળશે એની આશામાં તેમ આથડતો હતો. પેલા યુવાનો સકિનાને લઈને આવશે એવી ઉમેદથી એમની વાટ જોતો હતો. રોજે રોજ એ યુવાનોની કામયાબી માટે દુવા માંગતો.
એક દિવસ સિરાજુદ્દિને કેમ્પ પાસે પેલા લોરીમાં બેઠેલા યુવાનોને જોયા. લોરી ઉપડે એ પહેલા એણે દોટ મૂકી.
“સકિના મિલી?”
“મિલેગી, મિલેગી” એક સાથે આઠે જણ બોલ્યા.
“યા ખુદા, યે નવજવાનોકો મદદ કરના.” એની હાથ ફરી એકવાર દુવા માટે ઊઠ્યા. લોરી ચાલી ગઈ. સિરાજુદ્દિન જતી લોરીની પાછળ નજરના તાર જોડતો ઊભો રહ્યો.
એટલામાં થોડી જ વારમાં એનાથી થોડે દૂર કોલાહલ મચ્યો. કોઈ છોકરી રેલ્વે લાઈન પાસે બેભાન અવસ્થામાં પડી હતી. ચાર જણ એને સ્ટ્રેચરમાં લઈને આવ્યા અને એને હોસ્પિટલમાં દાખલ કરીને ચાલ્યા ગયા. કેમ્પમાં આમ જ બધું યંત્રવત ચાલ્યા કરતું.
સકિના તો નહી હોય એમ વિચારીને સિરાજુદ્દિન એમની પાછળ હોસ્પિટલ સુધી પહોંચ્યો. થોડીવાર તો એ પૂતળાની જેમ ઊભો રહ્યો પછી ધીમે પગલે એ અંદર ગયો. રૂમમાં કોઈ જ નહોતું. બત્તી પણ ચાલુ નહોતી. સિરાજુદ્દ્દિન ડરતો ડરતો એ સ્ટ્રેચરની પાસે ગયો. રૂમમાં અચાનક કોઈએ લાઈટ કરી. ડૉક્ટર હતા. સિરાજુદ્દિને એ લાશની જેમ પડેલી યુવતિના ચહેરા સામે જોયુ. ગોરા ગાલ પરનો કાળો તલ જોયો અને એની રાડ ફાટી ગઈ.
“સકિના…..”
ડૉક્ટરે એ લાશ જેવા દેહની નાડી તપાસી અનેએ યુવતિને હવા મળે એના માટે સિરાજુદ્દિન તરફ જોતા કહ્યું,
‘ખોલ દો, ખિડકિયાં ખોલ દો…”
સકિનાના લાશ જેવા દેહમાં સળવળાટ થયો. એના નિર્જિવ જેવા દેહમાં ચેતન વ્યાપ્યું. બેહોશી જેવી દશામાં એના કાનો પર જાણે અવાજ અફળાતો રહ્યો..
“ખોલ દો, ખોલ દો, ખોલ દો” અને એણે સલવારનું નાડું છોડી નાખ્યું.
“ખોલ દો..ખોલ દો..” હજુ એના કાને અવાજ અફળાતા હતા.
એણે સલવારનું નાડું ખોલીને એની સલવાર નીચે સરકાવા માંડી.
સિરાજુદ્દિને અત્યંત ખુશીથી બૂમ મારી,
“જિંદા હૈ, મેરી બેટી જિંદા હૈ. યા ખુદા મેરી બેટી જિંદા હૈ.. જિંદા હૈ, મેરી બેટી જિંદા હૈ……યા ખુદા મેરી બેટી જિંદા હૈ…
અને ડૉક્ટર પગથી માથા સુધી ઠંડા પસીનાથી નીતરી રહ્યા.
*****
સાદત હસન મન્ટો લિખિત વાર્તા ‘ખોલ દો’ પર આધારિત ભાવાનુવાદ.
સમાજની કઠોર વાસ્તવિકતા અને સત્ય પર લખવા પ્રખ્યાત મન્ટો ભારતના ભાગલા વિશેની વાર્તાઓ માટે જાણીતા છે. એમની વાતો અને વાર્તાઓ ભારોભાર રોષ અને આક્રોશના સૂરથી લખાયેલી છે.
Entry filed under: Rajul.
1.
સુરેશ | March 1, 2021 at 6:49 pm
હજુ પણ અંતિમવાદીઓ ક્યાં બદલાવા તૈયાર છે? મંટોના જીવન વિશે ફિલ્મ નેટફ્લિક્સ પર જરૂર જોજો.
LikeLike
2.
Rajul Kaushik | March 2, 2021 at 4:14 pm
હા જી જરૂર જોઈશ. આભાર સુરેશભાઈ
LikeLike