Archive for February 22, 2021
૬-વાર્તા અલકમલકની’
‘તમારું ઘર, તમારી દુનિયા’
આજે ઘરમાં લાંબા સમય પછી જરા આનંદનો, આરામનો માહોલ હતો. પ્રસન્નનું સત્ર બે દિવસ પહેલા સમાપ્ત થયું અને પિંકીની પરીક્ષાઓ પણ કાલે પૂરી થઈ એટલે જાણે ઘર પરથી અને છોકરાઓના મન પરથી કેટલોય બોજ ઉતરી ગયો હોય એવું હળવું ફૂલ જેવું વાતાવરણ હતુ. હવે પરિણામની ચિંતા થોડા દિવસ સુધી આગળ ઠેલીને આઝાદી માણવાના દિવસો શરૂ થયા હતા.
વેકેશનમાં ક્યાંક બહાર જવાના અયોજનને લઈને જમવાના ટેબલ પર કલબલાટ મચ્યો હતો. હર એક જણ પાસે જાત જાતની ફરમાઈશ અને જાત જાતના સુઝાવ હતા.
પિંકી અને પ્રસન્નના પિતા મિ.પ્રસાદે થોડીવાર આ શોરબકોર ચાલવા દીધો અને પછી વાતનો દોર પોતાના હાથમાં લેતા બોલ્યા, “ બધી વાત બરાબર પણ તમને એ તો ખબર છે ને કે પપ્પાની ઓફિસમાં વેકેશન નથી હોતું.”
“અરે, તો પછી તમે આરામથી ઘરે બેસી રહેજો પણ હું તો છેવટે દસ પંદર દિવસ માટેય ક્યાંક તો જઈશ. તમને તો ઓફિસ સિવાય બીજુ ક્યાં કઈ યાદ રહે છે, આ છોકરાઓની પરિક્ષાનો ભાર મેં એકલીએ વેઠ્યો છે. મારે હવે કોઈ ચેન્જ જોઈએ જ છે” મમ્મી બોલી.
અમે બે અમારા બેની વ્યાખ્યા પ્રમાણેનો આ નાનકડો, સુખી પરિવાર હતો પણ સુખની વ્યાખ્યા સૌ કોઈની જુદી હતી.
“હું એમ વિચારતો હતો કે..” મિ.પ્રસાદ થોડા અચકાતા અવાજે બોલ્યા…સૌ એમની સામે તાકી રહ્યા. સૌની સામે એક સરસરી નજર નાખીને એ ફરી બોલ્યા, “હું એમ વિચારતો કે આ શનિવારે જઈને બાપુજીને લઈ આવું.”
“ઓહ…નો.” બંને છોકરાઓ એક સાથે કોરસમાં બોલી ઊઠ્યા.
“આટલી જલ્દી?” મમ્મીએ પતિ સામે તીખી નજરે જોતા કહ્યું.
“જલદી ક્યાં છે. એમને માયાના ત્યાં ગયે બે મહિના થઈ ગયા.”
માયા એટલે મિ.પ્રસાદની બહેન.
બસ આ વાત પર સૌના મત અલગ પડતાં હતાં. છોકરાઓના મતે હવે દીકરો-દીકરીના ભેદ રહ્યા નહોતા જ્યારે પપ્પાને ખબર હતી કે બાપુજી માટે એ વાત સ્વીકારવી ઘણી અઘરી હતી. દીકરીના ઘરનું પાણી પણ ના પીવાય એવું માનતી એ પેઢી માટે આટલા બધા દિવસનું રોકાણ અકળાવનારુ હશે એવું એ જાણતા હતા. હવે આ ઉંમરે એમના વિચારો બદલે એવી કોઈ શક્યતા નહોતી.
પપ્પા છોકરાઓને અને પત્નીને કહેતા હતા કે, “આ તો ઠીક છે કે માયા એકલી રહે છે તો એના ઘેર રહેવાનું એમણે મંજૂર રાખ્યુ, બાકી છાયાના સંયુક્ત પરિવારમાં તો એ એક દિવસ પણ રહેવા તૈયાર ન થાય.”
વાતાવરણ ડહોળાઈ ગયું. છોકરાઓ ચૂપચાપ જમીને ઊભા થઈ ગયા. પત્નીની ઈચ્છા હતી કે બાપુજીને લાવવાનું આઠ-દસ દિવસ ઠેલાઈ જાય તો સારુ કારણકે છોકારોની પરીક્ષા હમણાં પૂરી થઈ છે અને એમને થોડા રિલેક્સ થવાનો સમય આપવો જોઈએ. ઘરમાં વડીલ હોય તો છોકરાઓના હસવા-બોલવા, ખાવા પીવા પર થોડું બંધન જેવું તો થઈ જાય.
“તો પછી શું કરું? એમને ત્યાંજ રહેવા દઉ?” પતિના અવાજમાં તીખાશ ભળી.
“ના. સાવ તો એવું નહીં પણ પછી આપણે જ તો…” જીભ સુધી આવેલા વેઠવા શબ્દને એમણે પાછો ધકેલી દઈ વાક્ય અધુરુ મૂકી દીધુ પણ કેટલીક વાર ન બોલાયેલા શબ્દો પણ ઘણું કહી જાય. પતિ પણ એ ન બોલાયેલા શબ્દોનો સૂર પારખી ગયા. એમને આ ક્ષણે પોતાની જાત લાચાર લાગતી હતી.
માતાના અવસાન પછી કેટલાય સમય સુધી પિતાજી અહીં આવવા તૈયાર નહોતા. એ તો મિ.પ્રસાદ હતા કે જે દોડી દોડીને પિતાની ખબર લઈ આવતા અને જેટલી વાર જતા એટલી વાર પિતાની ઉંમરનો થાક એમના શરીર પર જોઈ શકતા. ચાલીસ વર્ષનો સાથ હતો જેનો એ પત્ની એમને છોડીને ચાલી નીકળી હતી એની વ્યથા એ ખમી શકતા નહોતા. અંતે દીકરા-વહુની આજીજી અને છોકરાઓના આગ્રહથી એ થોડા નરમ થયા અને અહીં આવી ગયા પણ ધીમે ધીમે જે એ અનુભવી શક્યા કે સ્વાગતમાં જે ભાવ હતો એ હવે ઓસરી રહ્યો હતો. બાપુજી આમ તો નરમ સ્વભાવના હતા, એમની જરૂરીયાતો પણ ઘણી ઓછી અને દખલ કરવાની તો જરાય આદત નહોતી. એવું નહોતું કે બાપુજી પહેલી વાર અહીં આવ્યા હતા. પહેલા એ અને મા બંને સાથે આવતાં. આઠ દસ દિવસ રહેતાં ત્યારે બંને એકબીજાનું ધ્યાન રાખતાં એટલે બીજા કોઈના માથે ખાસ ભાર નહોતો. છોકરાઓ નાના હતાં તો દાદા-દાદી સાથે ગોઠવાઈ જતાં ત્યારે દાદા-દાદી સાથે સૂવા બંને વચ્ચે મીઠો ઝગડો થતો પણ હવેની વાત જુદી હતી. બંને મોટાં થઈ ગયા હતાં. હવે સ્વતંત્રતા ગમતી. બાપુજીને કોની સાથે સૂવાડવા એ સમસ્યા થઈ ગઈ. ત્રણે બેડરૂમ રોકાયેલા હતા. અંતે બાપુજીનું સ્થાન લિવિંગરૂમમાં નિશ્ચિત થયું. ત્યાં એમના ચશ્મા, પાણી. દવાઓ ગોઠવાઈ પણ બાપુજીને બાથરૂમ તો પ્રસન્નાનો વાપરવો પડતો. મોડા સુધી જાગીને વાંચતા પ્રસન્નાને બાપુજી વહેલી સવારના નિત્યક્રમથી ખલેલ પહોંચતી.
મિસિસ પ્રસાદના પોતાના કાર્યક્રમો રહેતા, સપ્તાહમાં એક વાર માલિશ, પંદર દિવસે મહેંદી અને દર મહિને ઘરમાં યોજાતી લેડિઝ ક્લબની મિટિંગ, આ બધામાં બાપુજીની હાજરી કઠતી. પિંકી, પ્રસન્નાના મિત્રોના ટોળાં ઘરમાં ઘેરાયેલા રહેતાં. બાપુજી આ બધામાં કોઈ કારણ વગર પણ નડતા એવું સૌને લાગતુ, સૌને બહાર જમવાનો શોખ એટલે બાબુજી માટે જમવાની વ્યવસ્થા કર્યા વગર નીકળાતું નહી.
ઓહ્હો, કોઈ એક સમસ્યા હોય તો એનો ઉકેલ આવે પણ આટલી બધી સમસ્યાઓનું શું?
અંતે મિ. પ્રસાદે છોકરાઓની પરીક્ષા પતે ત્યાં સુધી બાપુજીને બહેનના ઘેર મોકલી આપ્યા. હવે પરીક્ષા પતી થઈ એટલે બાપુજીને લઈ આવવા એવો નિર્ધાર કરીને માયાને ફોન કરી દીધો પણ ફોન પર માયાએ જે સમાચાર આપ્યા એ મિ.પ્રસાદ માટે આશ્ચર્યજનક જ નહીં આઘાતજનક હતા.
બાપુજી માયાના ઘેરથી નીકળીને સીધા ગામના પોતાના ઘેર જતા રહ્યા હતા. આ વળી નવી સમસ્યા, પત્નીને જો આ વાતની ખબર પડે તો માયાનું ખરાબ દેખાય કે આટલા થોડા સમય માટે પણ એ બાપુજીને સાચવી શકી નહી.
મિ.પ્રસાદે સમય કાઢીને બાપુજીને મળી લેવાનો અને પાછા અહીં લઈ આવવાનો નિર્ધાર કરી લીધો. એમના મનોચક્ષુમાં નંખાઈ ગયેલા, હારી થાકી ગયેલા, વ્યથિત બાપુજી દેખાતા હતા. ક્યારે પહોંચીને બાપુજીને પાછા લઈ આવુ એવી મનોદશા લઈને પહોંચેલા મિ.પ્રસાદે બાપુજીને જોયા ત્યારે એ સ્તબ્ધ થઈ ગયા.
ઓત્તારી, મઝાના મિત્ર મંડળ વચ્ચે ઘેરાયેલા બાપુજીના ચહેરા પર પહેલાંની રોનક હતી. પત્નીને વિસર્યા નહોતા પણ પત્ની વગરના જીવનને જીવવાનો પ્રયત્ન જરૂર કરી રહ્યા હતા. ઘરમાં જમવા માટે ટેબલ ખુરશી આવી ગયા હતા. જૂના બેઠા ટૉઈલેટના બદલે કમોડનો ઉપયોગ કરતા થઈ ગયા હતા.
“ભાઈ શું થાય, હવે ઉંમર થતી જાય છે એમ નીચે બેસવાનું માફક નથી આવતું.” બાપુજી પાસે બધા કાર્યોના કારણો હતા.
ઘરના પાછળના ભાગની ઓરડી કિસ્ના અને એની પત્નીને રહેવા આપી દીધી હતી. કિસ્નો ઘરનું બધુ કામ કરતો અને એની પત્ની બાપુજી માટે રસોઈ કરતી.
“બાપુજી, માયાના ઘેરથી સીધા અહીં કેમ ચાલ્યા આવ્યા? માયાના ઘેર સોરવતું નહોતું તો હું આવીને લઈ જાત, એને કીધું હોત, એ મૂકી જાત. આ બધું શા માટે” મિ.પ્રસાદ સમજી શક્યા કે બાપુજીએ હંમેશા અહીં રહેવાનો પાકો બંદોબસ્ત કરી લીધો છે.
“જો ભાઈ, આ લેવા મૂકવાની ચિંતા તમારે કરવાની જરૂર નથી. મારા હાથ પગ ચાલે છે ત્યાં સુધી હું અહીં જ રહીશ. ત્યાં તમે બધા પોતાનામાં મસ્ત છો. અહીંયા તો મારે મિત્રો છે, પાડોશી છે, બહાર ઊભો રહુ તો પસાર થતાં દસ લોકો જય રામજી કહેતાં જાય છે. તમારી મા તો છે નહીં પણ હું છું ત્યાં સુધી દીકરીઓ માટે પીયરનું ઘર ખુલ્લુ હોય તો એ આવી શકે. તારી મા હતી ત્યારે છાયા, માયા આવે તો એમને મા સાથે હાથો હાથ કામ કરવું પડતું. હવે તો આ કિસ્નાની પત્ની છે તો બંનેને આવશે ત્યારે રાહત મળશે.
મિ.પ્રસાદને કહેવાનું મન થયું કે બહેનો એમના ઘેર આવી શકે પણ યાદ આવ્યું કે જ્યારે એમના આવવાની વાત થતી ત્યારે ઘરમાં કેવું તોફાન મચી જતુ. એ ચૂપ રહ્યા
“અત્યારે તો ચિંતા નથી પણ ઘર વેચાશે ત્યારે આ કિસ્નો પછી ઘર ખાલી નહીં કરે તો?”
“જો ભાઈ, હું જીવુ છું ત્યાં સુધી તો ઘર વેચવાની ચિંતા નથી. તમારે અહીં આવવું નથી અને મારા મર્યા પછી જે ઘર લેશે એણે કિસ્નાનું વિચારવાનું છે. ભોપાલ આવતા પહેલા ઘણી સારી ઓફર આવતી હતી. સારું થયું મારા મનને રોકી રાખ્યું અને બીજી વાત, તારે આ બધા ઝમેલામાં માયાને સંડોવવાની ક્યાં જરૂર હતી. કદાચ જમાઈબાબુને મારું ત્યાં ઝાઝુ રોકાવાનું ન ગમ્યુ હોત તો? માયાની સાથે મારી હાલત કેવી કફોડી થાત? હું કોઈને મ્હોં દેખાડવાને લાયક ના રહેત. ત્યાંથી નીકળી જવામાં જ મને અકલમંદી લાગતી હતી. બસ હવે બહુ વાતો થઈ,તને આખી રાતનો તને ઉજાગરો હશે. જરા આરામ કરી લે હું તારા માટે બજાર જઈને કંઈક લઈ આવુ.”
બાપુજી એ ઘણું વિચારી લીધું હતુ. એમનો સ્પસ્ટ સૂર એ કહેતો હતો ,હવે એ આ અંગે કોઈ ચર્ચામાં પડવા માંગતા નહોતા. જ્યાં એમનું પોતાનું ઘર હોય તો શા માટે એમને બીજાના ઘેર રહેવું પડે?”
મિ.પ્રસાદ પણ સમજી રહ્યા કે બાપુજીને ક્યારેય એ ઘર એમનું લાગ્યુય નહોતું કે લાગવાનુંય નહોતુ.
******
તમારું ઘર, તમારી દુનિયા’-પદ્મશ્રી અવૉર્ડ સન્માનિત મરાઠી લેખિકા માલતી જોશીની વાર્તા’ ’યે તેરા ઘર યે મેરા ઘર’ને આધારિત ભાવાનુવાદ છે.
વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર માલતી જોશીનું સાહિત્ય હિંદી અને મારાઠી ભાષામાં ઉપલબ્ધ છે.
Recent Comments