૨-વાર્તા અલકમલકની *-પૂસ કી રાત- પ્રેમચંદ મુનશી*
-પૂસ કી રાત- પ્રેમચંદ મુનશી-
હલ્કૂ આવ્યો અને એણે સ્ત્રીને કહ્યું, “સહના આવ્યો છે તારી પાસે જે રૂપિયા હોય તે આપ એને આપી દઉં એટલે બલા ટળે.”
મુન્ની સફાઈ કરી રહી હતી. પાછળ વળીને બોલી , “ત્રણ રૂપિયા છે, આપશો તો કામળો ક્યાંથી આવશે? આ શિયાળાની રાતો કેવી રીતે કાઢશો? તેને કહો, તે પાક તૈયાર થશે એટલે આપી દઈશ”
હલ્કુ અનિશ્ચિત સ્થિતિમાં એક ક્ષણ માટે સ્થિર થઇ ગયો. પોષ મહિનો માથા પર આવી રહ્યો છે.અને કામળી વિના રાતો કેવી રીતે જાશે ? પણ આ સહના માનશે નહિ કેટલી તો ગાળો દેશે અને અડ્ડો જમાવી માથા પર ઉભો રહેશે.ઠંડીમાં ઠૂંઠવાશું પણ અત્યારે તો એક બલાને ટાળો. એવું વિચારીને કે તેણે પોતાનો ભારે મન સાથે સમાધાન કરી તેની પત્નીને કહ્યું, “આપ જોઉં કામળી માટેના અન્ય કોઈ ઉપાય કરશું.”
મુન્ની આંખોમાં આંસુ સાથે બોલી “ખાક ઉપાય કરશો! કોણ આપશે તમને કામળી દાનમાં?કોણ જાણે કેટલા ઉધાર બાકી છે કે ચુકવતા જ નથી !હું કહું છું આ ખેતી કેમ છોડી નથી દેતા ?આખો દિવસ મરી મરીને કામ કરો તોય દેવું ચૂકવાતું નથી. એને કહી દો ઉપજ થાશે ત્યારે બાકીના ચૂકવીશ અત્યારે એને રવાના કરો. પૈસા ચૂકવવા માટે તો આપણે જન્મ્યા છે. હું રૂપિયા નહીં આપું , નહીં આપું.”
હલ્કુએ ઉદાસીથી કહ્યું, “તો મારે શું ગાળ ખાવાની ?
મુન્નીએ વેદનાથી કહ્યું, “તમને શું કામ ગાળો આપે એનું રાજ ચાલે છે ? પત્નીની ઉગ્રતા જોઈ હલકું થોડો ઢીલો પડી ગયો.
પણ બંનેના જીવનનું એક કઠોર સત્ય તેમને ઘૂરકિયા કરીને જોઈ રહ્યું હતું. મુન્નીએ અંદર જઈ પોતાના સાચવેલા રૂપિયા આપતા બોલી, “તમે ખેતી છોડી દયો ને આપણે મજૂરી કરી રોજે રોજનું પેટ્યું રળશું. મુજૂરીમાં બે રોટલી તો ખાવા મળશે. કોઈના લાળા તો ચાવવા નહિ પડે. તો ખેતી કરો અને ઉપરથી આ બધાનો રૂવાબ.”
હલ્કૂ રૂપિયા લઈને હુદય કાઢીને આપતો હોય તેમ સહનાને આપવા ગયો .એક એક પાઈ ભેગી કરીને રાખી હતી બિચારીએ, દરેક પગલા સાથે, તેના અપમાનના વજનથી અને ગરીબીથી તેનું માથું ઝૂકી રહ્યું હતું પણ ધાબળો લેવા એકઠા કરેલા રૂપિયા હલ્કૂને એના દેવા પેટે આપી તો દેવા જ પડે છે.
મુન્ની કોઈ ફાટેલાં કપડાંના ટુકડાઓથી ધાબળામાં થીગડાં મારીને કામચલાઉ કે આંશિક ઉકેલ આણી દે છે. પોષ મહિનાની રાતની કારમી ઠંડી હવે આવા ફાટેલા ધાબળાથી તો સહન થાય એવી નથી એટલે બે-ચાર છાણાંનું તાપણું કરીને કે ચલમની બે-ચાર ફૂંક મારીને, હલ્કૂ થોડી રાહત મેળવવાના વ્યર્થ ફાંફા મારતો ઠંડીમાં ઠુંઠવાતો માંડ રાત પસાર કરે છે.
અતિ દરીદ્રતામાં જીવતો હલ્કૂ એક વાતે સમૃદ્ધ છે. કોઈ એની સાથે હોય કે ન હોય પણ આવી કપરી રાતમાં એની આસપાસ ફરતો એક માત્ર એનો સાથી કૂતરો હંમેશા એને સાથ આપે અને રાત પણ તેની સાથે જ વાતો કરતા કાપે.
“ખબર નથી પડતી આ ઠંડી ક્યાંથી આવે છે ? જાગો, જાગવું તો પડશે થોડી રાત કાપી! ચિલ્લમ પીતા હલ્કૂ બોલે છે, “આજ તો છે ખેતીની મજા! જબરા ભગવાન બધાની સાથે છે. શિયાળો પસાર થવા દો. ભાગ્યનું ગાડું ચાલશે તો આપણે પણ મજા કરીશું , ચાલ અત્યારે તો આવી જ મજા કરીએ! ”
હલ્કૂ ઊભો થયો, ખાડામાંથી એક નાનો અંગાર લેતા તેના કૂતરા જબરાને કહ્યું ચલમ પી જો ઠંડી તો જવાની હશે તો જશે પણ મન તો બદલાઈ જશે. જબરો પણ પ્રેમથી એના માલિકને જોઈ રહ્યો. જબરા આજનો દિવસ ઠંડી ખાઈ લે કાલે કૈંક વ્યવસ્થા કરશું. જબરો એના માલિકની નજીક ગયો અને હલ્કૂએ એની ઉષ્મા સાથે ગરમાટો અનુભવ્યો. ચલમ પી હલ્કૂએ એક નિર્ણય સાથે લંબાવ્યું કે બસ હવે હું સૂઈ જઈશ પણ ઠંડી ભૂતની જેમ એને વળગી એ સૂઈ ન શક્યો એણે જબરાને પોતાની બાજુમાં કામળીની અંદર લઇ લીધો. કૂતરાના શરીરમાંથી કઇક ગંધ આવવા છતાં તેને ખોળામાં આનંદની અનુભૂતિ થઈ રહી હતી, જે તેને મહિનાઓથી અહીં મળી નહોતી. હલ્કૂ જબરાને તેના કોઈપણ મિત્ર અથવા ભાઈ હોય એવા ઉત્સાહથી ગળે લગાડતો. જબરાના શરીરના ગંધથી એને ક્યારેય નફરત નહોતી થતી.
એક કલાક વીતી ગયો. રાત્રે પવન સાથે ઠંડીનો કડાકો શરૂ થયો. હલ્કૂએ બેઠા બેઠા બંને ઘૂંટણને છાતી સુધી ખેંચીને તેમાં પોતાનું માથુ છુપાવી દીધું છતાં ઠંડી ઓછી થતી ન હતી. એવું લાગ્યું કે બધે લોહી થીજી રહ્યું છે ધમનીઓમાં લોહીને બદલે બરફ વહી રહ્યો છે. તેણે ઊંચે નજર કરીને આકાશ તરફ જોયું, હવે કેટલો સમય બાકી છે! સપ્તર્ષિ આકાશમાં અડધો પણ ચડ્યો નથી. હજી રાત ઘણી બાકી છે.
વળી એ જબરા સામે જોઈ રહ્યો, “જબરા આ ઠંડી સહન નથી થતી ચાલ પાંદડા ભેગા કરી આગ પેટાવીએ.” અને હલ્કૂએ બગીચા તરફ ચાલવા માંડ્યું,
“જબરા તને સુગંધ આવે છે? ઝાડમાંથી ટપકતા ઝાકળનાં ટીપાં, મહેંદીના ફૂલોની ગંધ સાથે એક એક પગલે હ્લ્કુના શ્વાસનો નિસાસો સંભાળતો હતો. પણ જબરો તો પાંદડાના ઢગલામાંથી મળેલો હાડકાનો ટુકડો ચૂસવામાં મસ્ત હતો. હલ્કૂએ આગ પેટાવી.ગરમાટો મળ્યો અને એણે શરીરને પડતું મૂકી લંબાવ્યું જાણે ઠંડીને કહેતો ન હોય “તારે જે કરવું હોય તે કરી લે હું તો આ સૂતો”.અને હસ્યો તે ઠંડીની અપાર શક્તિને જીતીને વિજયના ગૌરવને છુપાવી શક્યો નહીં.
આગ બુઝાવા આવી હતી ફરી હલ્કૂ કામળી ઓઢી ગીત ગાતા બેસી રહ્યો. ઠંડી વધતી જતી હતી હલ્કૂ આળસ દબાવી બેસી રહ્યો. ત્યાં જબરો જોરથી ભસ્યો અને ખેતર તરફ દોડી ગયો. હલ્કૂને ખબર પડી કે પ્રાણીઓનો ટોળું ખેતરમાં આવી ગયું છે. સંભવત: નીલગાયનો ટોળું હતું. તેના કૂદકા અને દોડવાના અવાજો સ્પષ્ટ કાનમાં આવી રહ્યા હતા. પછી તેમનો ચાવવાનો અવાજ સંભળાયો તેમ છતાં તે મનોમન બોલ્યો ‘ના, જબરાને કારણે કોઈ પ્રાણી મેદાનમાં આવી શકશે નહીં. હું ખોટી મૂંઝવણમાં છું.! મને પણ કેવા ખોટા ભાસ થાય છે!”
જબરાને બોલાવા તેણે બૂમો પાડી, ‘જબરા, જબરા.’
જબરો ભસતો રહ્યો પણ તેની પાસે ન આવ્યો તે ના જ આવ્યો. હલ્કૂને થયું કે એણે પણ ખેતરમાં આંટો મારવો તો જોઈએ પણ આ શિયાળામાં ખેતરમાં જવું અને પ્રાણીઓની પાછળ દોડવું એને અસહ્ય લાગ્યું. તે તેની જગ્યાએથી હટ્યો નહીં.
પ્રાણીઓ નિરાંતે ચરવા લાગ્યા હશે એવું એને લાગ્યુંય તો ખરું. ખેતરમાં પાક તૈયાર હતો, ખરેખર ખેતી સારી થઈ હતી, પરંતુ આ દુષ્ટ પ્રાણીઓ તેનો નાશ કરી નાખશે એમ વિચારી એ મન મક્કમ કરી બચાવવાના સંકલ્પ સાથે ઉભો થયો અને બે-ત્રણ પગલા ચાલ્યો, પણ અચાનક ઠંડીનો ચમકારો આવ્યો, ઠંડીમાં વીંછીના ડંખને અનુભવ્યો અને તે ફરીથી તાપણા પાસે બેસી ગયો અને રાખને કચડીને પોતાના ઠંડા શરીરને ગરમ કરવાનું શરૂ કર્યું. જબરો ગળું ફાડીને ભસતો રહ્યો અને નીલગાય આખા ખેતરને સાફ કરી ગઈ. નિષ્ક્રિયતાએ દોરડાની જેમ, તેને બધી બાજુથી પકડી રાખ્યો હતો. ઠંડીનો માર્યો એ રાખની નજીકની ગરમ જમીન હૂંફમાં પથારી સમજી સૂઈ ગયો.
તે વહેલી સવારે જાગ્યો ત્યારે સૂર્યપ્રકાશ ચારે બાજુ ફેલાઈ ગયો હતો અને મુન્ની કહેતી હતી કે, ‘હજી તમે સુતા જ રહેશો? આ જો આખું ખેતર ચવાઈ ગયું!”
હલ્કૂ ઉભો થયો અને બોલ્યો, “તું ખેતરમાં થઇ ને આવી?”
મુન્નીએ કહ્યું, “હા, આખું ખેતર નાશ પામ્યું છે. આમ કેમ સૂઈ રહ્યા કે પછી દારૂના નશામાં પડ્યા રહ્યા? ‘
હલ્કૂ વ્યંગ કરતા બોલ્યો , “હું મરીને બચી ગયો, તને ખેતરની પડી છે. મારા પેટમાં કેવું શૂળ ઉપડ્યું હતું એની તને કેવી રીતે ખબર પડે આ ફક્ત હું જ જાણું છું!” ‘
બંને ખેતરની હાલત જોઈ રહ્યા હતા. મુન્નીના ચહેરા પર ઉદાસી હતી, પરંતુ હલ્કૂ ખુશ દેખાતો હતો .
મુન્ની હૈયાફાટ રડતી હતી એને આવતીકાલની ચિંતા હતી..એ બોલી “હવે તમારે મજૂરી કરવી પડશે.”
હલ્કૂએ ખુશહાલ ચહેરા સાથે કહ્યું, “હા હવે મારે રાત્રે ઠંડીમાં અહીં સૂવું નહીં પડે.” અને એ તદ્દન નિશ્ચિંત થઈને કામળો માથે ઓઢી પડખું ફરીને સૂઈ ગયો.”
*****
પ્રેમચંદ મુનશીજીને સૌ આધુનિક હિંદી વાર્તાના પિતામહ અને નવલકથા સમ્રાટ તરીકે ઓળખે છે એ સૌ જાણીએ છીએ. એવું કહેવાય છે કે હિંદી સાહિત્યમાં એમનાથી યથાર્થવાદની શરૂઆત થઈ. મુનશીજીના સાહિત્યમાં દલિત તેમજ નારી સાહિત્યનું પ્રાધાન્ય જોવા મળતું. લમહી જેવા નાનકડા ગામમાં જન્મેલા મુનશીજીનું જીવન સંઘર્ષમાં પસાર થયું હતું અને કદાચ એટલે જ એમની વાર્તાઓમાં જીવનને ઘસાઈને વહી જતા સંઘર્ષની છાયા દેખાય છે.
આજની વાર્તા ‘પૂસ કી રાત’માં આવા સંઘર્ષમય જીવન જીવતા, ત્રણ સાંધતા તેર તૂટે એવા દલિત ખેડૂતની વાત છે. જરાક અમસ્તા કપરા ચઢાણ આવે તોય માણસ તૂટીને વિખેરાઈ જાય. અહીં લેખકે એક અભણ, દલિત વ્યક્તિના સહજભાવે સંજોગો સ્વીકારી લેવાની તાકાતનો, અલગ મિજાજનો પરિચય કરાવ્યો છે. આજે પ્રસ્તુત હતી આ અલગ મિજાજની વાત, પ્રેમચંદ મુનશીની નજરે, મુનશીના શબ્દોમાં.
Entry filed under: વાર્તા અલકમલકની, Rajul.
Recent Comments