૪૯ – સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ
સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ લેખમાળાનો આરંભ થયો ત્યારથી માંડીને આજે આ ૪૯મા લેખ સુધી પહોંચ્યા પછી જરા નજર ફેરવીને પાછું જોઉં છું ત્યારે સમજાય છે કે આ એક લેખમાળાથી કશુંક વિશેષ હતું.
આજ સુધી સાંભળેલા, હ્રદયને સ્પર્શેલા, ચિત્તમાં કોરાઈ ગયેલા ગીત, ગરબા, ભજનોને આ પહેલાં ગમતાં ગીત, ગરબા કે ભજન તરીકે જ સાંભળ્યા હતાં, માણ્યાં હતાં પણ જ્યારથી આ લેખમાળા શરૂ થઈ ત્યારથી એ ગીતો, ગરબા કે ભજન માણવાની સાથે એને જરા જાણવાની જીજ્ઞાસા થઈ ત્યારે એ તમામ રચનાઓ એક નવા સ્વરૂપે ઉઘડતી ગઈ.
અવિનાશ વ્યાસે એમની સ્વલિખિત રચનાઓને સ્વરબદ્ધ કરીને સુગમસંગીતની ઓળખ સાથે લોકજીભે રમતી કરી, લોકહૈયે વસતી કરી.
ગયા લેખમાં કહ્યું એમ જ્યારે આ સુગમસંગીત વિશે વધુ જાણવા પ્રયત્ન કર્યો તો વળી વધુ એક વાત વાંચવામાં આવી, “ સુગમસંગીતમાં જો ગીત, ચીજ કે બંદીશને શણગાર વગર પ્રસ્તુત કરી હોય તો પણ એ રચના સાંભળવી ગમે.એવી હોય છે.” સુગમસંગીત ભારતીય સંગીતવિદ્યાનું એક એવું અંગ છે જે સરળતાથી શીખી કે ગાઈ શકાય, જેને નિયમોથી બાંધવામાં ન આવ્યું હોય, જે લોકોમાં પ્રિય હોય તેને સુગમ સંગીત તરીકે ઓળખવામાં આવે છે. લોકપ્રિય ગીત, લોકપ્રિય સંગીત, ભજન વગેરે આ પ્રકારના સંગીતની શ્રેણીમાં આવે છે. ગીતમાં શબ્દ, સૂરની સાથે લય, રાગનો સમન્વય સચવાય તો એ સાર્થક બને. (જેમના લેખમાંથી મને આ જાણકારી મળી એ શ્રી જયદેવ ભોજકનો સાદર આભાર માનું છું.)
હવે આ લય એટલે નૃત્ય, ગાન અને વાદનનો સુમેળ અથવા ગીત અને તાલના ઠેકાની એકરૂપતા-રીધમ.
લય સચવાય એ ગીત-સંગીત સુમધુર જ લાગે. લયપ્રધાન ગીતોમાં મોટેભાગે લયની ઝડપ વધારે હોય છે જે અવિનાશ વ્યાસના ગીતોમાં છે. જેમકે,
છેલાજી રે મારે હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો, તારી બાંકીરે પાઘલડીનું ફૂમતુ રે.., સૂના સરવરિયાના કાંઠલે હું બેડલું મેલીને ન્હાવા ગઈ, ઊંચી તલાવડીની કોર પાણી ગ્યાતા પાણી પર ત્યારે જોયો સાહ્યબો – એ તે લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ..-હે રંગલો જામ્યો કાલિંદરીને ઘાટ.કે પછી હુ તુ તુ તુ હોય કે ચરર ચરર ચકડોળ મારું ચાલે હોય.
આવા તાલની સાથે તાનમાં લાવી દે એવા તો અનેક ગીતો છે જે લોકમાનસમાં સચવાયેલા છે. આ બધા ગીતો મનેય ગમે છે પણ આજે એ બધાને ઓળંગીને એક એવું મસ્ત મઝાનું ગમતું ગીત યાદ આવ્યું. તમનેય ગમશે..
“એક પાટણ શહેરની નાર પદમણી
આંખ નચાવતી ડાબી ને જમણી
સૂરત જાણે ચંદા પૂનમની બીચ બજારે જાય
ભાતીગળ ચૂંદડલી લહેરાય
ઝાંઝરીયું ઝમક ઝમક ઝમક ઝમક થાય.”
આ લયબદ્ધ રીતે ગવાતા ગીતોમાં લોકગીતોનો પણ સમાવેશ થઈ શકે. ક્યારેક નદીમાં હલેસા મારતા નાવિકને ગાતા જોઈએ (જે ફિલ્મોમાં અત્યંત સુમધુર રીતે ગવાયા છે) અથવા ટીપ્પણીનો તાલ, ઉખડખાબડ રસ્તા પર હંકારાતા ગાડાનાં પૈડા પર કે બળદોના ગળે બાંધેલા ઘૂઘરાનો ઉઠતો રણકાર અને અજાણપણે એ અવાજના લય સાથે ભળી જતાં સૂર, પોતાના તાનમાં રહીને ઉઠતા સૂર, સ્વ મસ્તીમાં ગવાતાં ગીત એ બધાને આપણે લોકગીત કે લોકસંગીત તરીકે જાણીએ, માણીએ છીએ. આ છે નિજ આનંદની અવસ્થા.
એકવાર આ અવસ્થાથી ઉપર ઊઠીને માણસ પરમાનંદ અવસ્થા તરફ આગળ વધે ત્યારે એ પરમતત્વને શોધવા, પામવા મથે અને ત્યારે એમાંથી સર્જાય ભક્તિસંગીત. ભક્તિસંગીતમાં મોટેભાગે રાગ અથવા મેલૉડીનુ પ્રાધાન્ય હોય..
આવા ગીતોમાં વિશેષ કરીને ચિંતનપ્રધાન. શાંત રસવાળા કે કરૂણ ગીતો આવે. જેમકે….
માડી તારું કંકુ ખર્યુ ને સૂરજ ઊગ્યો, હરિ મારું ગાડું તું ક્યાં લઈ જાય ,કાંઇ ન જાણું… રાખના રમકડાં, ભીતરનો ભેરુ મારો, પંખીડાને આ પીંજરુ, ધૂણી રે ધખાવી, ઓ નીલ ગગનના પંખેરું, હરિ હળવે હળવે હંકારે મારું ગાડું ભરેલુ ભારે..
આવા શાંત, ઊંડાણભર્યા ગીતોની વાત આવે ત્યારે મોરારીબાપુએ કહેલી એક વાત યાદ આવે છે. એમણે કહ્યું હતું કે, “ સત્ય, પ્રેમ અને કરૂણા. સત્ય એટલે શબ્દ, પ્રેમ એટલે સૂર અને કરૂણા એટલે સ્વર. અવિનાશ વ્યાસની રચનાઓમાં શબ્દ, સૂર અને સ્વરનો ત્રિવેણી સંગમ છે અને જ્યાં આ સંગમ હોય ત્યાં બ્રહ્મ. અવિનાશ વ્યાસનો શબ્દ ક્યાં ગોઠવાયેલો છે? એ તો આપમેળે જન્મેલો શબ્દ છે. પ્રેમ બેસૂરો ન હોય, કરૂણા સ્વરમાં હોય અને જેના શબ્દ સૂરમાં કરૂણા હોય એ તો સૌને પહોંચે.”
સુગમસંગીતની કોઈપણ વ્યાખ્યામાં નામ લઈ શકાય એવી તો એમની કેટલી રચનાઓ છે માટે તો એમના માટે કહેવાયું છે કે “સુગમ સંગીતના પર્યાય એવા ગીતકાર સંગીતકાર એવા અવિનાશ વ્યાસના ગીતો માટે એવું કહેવાય છે કે અવિનાશ વ્યાસનું કોઈ એક જ યાદગાર ગીત પસંદ કરવું એટલે ચોખાના ઢગલામાંથી ચોખાનો માત્ર એક જ દાણો પસંદ કરવો..”
આજે એ ચોખાના ઢગલામાંના દાણા પસંદ કરવાના હોય ત્યારે એમાનાં મનને સ્પર્શતાં બે-ચાર નહીં કદાચ બાર ગીતો કે ભજનો તો આમ જ યાદ આવી જાય, જેમકે..
માડી તારું કંકુ ખર્યુ ને સૂરજ ઉગ્યો, ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની, ભીતરનો ભેરુ મારો આતમો ખોવાયો, ”પંખીડાને આ પીંજરું જૂનું જૂનું લાગે, બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરું માંગે”
શક્ય છે આવી અનેક રચનાઓમાંથી તમારી ગમતી ઘણી રચનાઓ હોઈ શકે… આ તો માત્ર ચોખાની ઢગલીના બે-ચાર દાણ છે.
Entry filed under: સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ, Rajul.
Recent Comments