૪૪ – સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-
November 9, 2020 at 7:07 am 1 comment
૧૯૬૦થી ૧૯૮૦નો દાયકો એક અલગ સૂરીલો અંદાજ લઈને આવ્યો. આ સમય દરમ્યાન આપણા ગુજરાતી કવિઓ, ગીતકારો એટલા તો સમૃદ્ધ ગીત-સંગીત લઈને આવ્યા કે ઘર-ઘર સુધી, લોકોના મન સુધી એ વ્યાપ્યાં. એ સમયે ક્યાં આટલી સોશિઅલ પ્લેટફોર્મ હતા ? આજની જેમ ટી.વી પર યોજાતી ટેલેન્ટ હંટના નગારા તો દૂર દૂરથીય સંભળતા નહોતા. ત્યારે એ સમયે પ્રભાવ હતો રેડિયોનો, રેડીયો પર ગુજરાતી ગીતો સાંભળીને સૌ ગાતા-માણતા થયાં.
પણ આ ગીતો એટલે શું? એ વિશે વિચારીએ તો એના માટે સૌના મનમાં કંઇક અલગ વિચાર, અલગ અનુભૂતિ હશે. મને પણ ક્યારેક થતું કે ગીત અને કવિતા કે કાવ્યમાં શું અલગ પડતું હશે? નેટના માધ્યમે શોધતા કેટલાક જવાબો મળ્યાં.
કવિ સુંદરમ કહે છે એમ “ગીત એ કવિતા અને સંગીતના સહિયારા સીમાડા પર ઊગતો છોડ છે. ગીત માત્ર નાજુક લલિત હળવી ઊર્મિલ રચના છે.”
લાભશંકર પુરોહિત કહે છે કે “ઉત્કટ ભાવોદ્રેકની લયપૂર્ણ ગાનાભિવ્યક્તિ એટલે ગીત.”
રમેશ પારેખે કહ્યું કે “ગીત એ શબ્દ અને કલ્પન દ્વારા મુક્ત અને લયાત્મક અભિવ્યક્તિ માથે મથતું કાવ્યતત્વ.”
ડૉ, વિનોદ જોશીના મતે “ગીતને આકાર નહીં અનુભૂતિ સાથે નાતો છે.”
જો કે ગીત કે સંગીત વિશે કંઈપણ કહી શકું કે લખી શકું એટલી મારી જાણકારી નથી કે ગીત કે સંગીત વિશે કહેવા કે લખવાની મારી કોઈ ક્ષમતા નથી પરંતુ જીજ્ઞાસા થાય ત્યારે એ અંગે કશુંક જાણવાની ઇચ્છા જાગે. આવી કોઈ જીજ્ઞાસાવશ જે કંઈ જાણકારી મળી એ અહીં રજૂ કરી છે.
ગીત કે સંગીતને કોઈ એક વ્યાખ્યામાં બાંધી શકાય કે કેમ એ તો કોઈ તજજ્ઞ જ કહી શકે એક સંગીતને સમજતી વ્યક્તિએ કરેલા વિશિષ્ઠ વિશ્લેષણને જોઈએ તો એમાં ગીતની થોડીક સમજાય એવી લાક્ષણિકતા જડી. સંગીતનું આતરિક તત્વ એટલે ઉત્કટભાવોર્મિનું બે માત્રાથી માંડીને આઠ માત્રાઓમાં લય આવર્તન અને પ્રાસની યોગ્ય ગોઠવણી. ગીતનું કેન્દ્ર ભાવ હોય છે. ધ્રુવ પંક્તિ સાથે અંતરનું અનુસંધાન, લય, રાગ, ઢાળનું વૈવિધ્ય અને એનું યથા યોગ્ય નિરુપણ. પ્રતીક, કલ્પન, અલંકારનો સહજ ઉપયોગ.
કોઈપણ સફળ ગીતકારની રચનામાં આ તમામ કથિત બાબતોનો સુભગ સમન્વય હોય ત્યારે એ ગીત આપણી ઊર્મિઓને સ્પર્શે. હવે જ્યારે ગીતની રચના થાય એ પછી એ સ્વરબધ્ધ થાય. સ્વરાંકન થાય અર્થાત સંગીતરૂપી પ્રાણ ઉમેરાય. હવે જો ગીત કોઈ અન્ય ગીતકાર લખે અને સ્વરાંકન અન્ય સંગીતકાર કરે ત્યારે સુરેશ દલાલ કહે છે એમ સંગીતકારે કવિ કે ગીતકારના ઊર્મિતંત્રમાં પ્રવેશ કરવો પડે. એના માટે સુરેશ દલાલ પરકાયા પ્રવેશ શબ્દનો ઉપયોગ કરે છે, એ કહે છે કે કોઈપણ ગીત કેવી રીતે લખાયું હશે, શા માટે, શેના માટે લખ્યું હશે અથવા એને શું અનુભવ થયો હશે એ સમજવું પડે. એ અનુભવ જો સંગીતકાર ન કરી શકે તો સંગીતકાર ગીત કંપોઝ કરી ના શકે. એ ગીતમાં રહેલા ભાવ કે ઊર્મિ લોકો સુધી ન પહોંચાડી શકે.
હવે જો કોઈ એક ગીતકારને એમના જ શબ્દો માટે સંગીત આપવાનું હોય ત્યારે એમના માટે એ અનુભવ સાવ પોતિકો જ બની રહે. એ ગીતની સંવેદના, ગીતની ભાવોર્મિને સાવ સહજતાથી સંગીતમાં સજાવી, સમજાવી, વ્યક્ત કરી શકે. અવિનાશ વ્યાસ એક એવા ગીતકાર હતા જે પોતાના શબ્દોને સંગીતની સૂરાવલિમાં પોરવતા.
એમની કેટલીય રચનાઓ છે જેમાં ગીતકાર અને સંગીતકાર એમ બંને માટે અવિનાશ વ્યાસ લખાય છે અને જે ગીત અને સંગીત બંને દ્વારા લોક હ્રદયે વસી છે.
આપણે આભમાં દેખાતા તારાઓ માટે કહેતા કે
‘ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં તોય મારા આભલામાં માય.’
એવી રીતે અવિનાશ વ્યાસના અતિ લોકપ્રિય ગીતો વિશે કહેવું હોય તો એમ કહી શકાય કે
‘ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં અને વરસો સુધી ભૂલાય નહીં.”
એમની કેટલીય રચનાઓ તો એવી કે અવિનાશ વ્યાસ નામ લેતા માનસપટ પર ટકોરા માર્યા વગર યાદ આવી જાય. એમણે રચેલા ગીત, ગરબામાંય કેટલું વૈવિધ્ય?
ગીતોમાં એમણે અમદાવાદ, રાજકોટ, મુંબઈ જેવા શહેરોની યાત્રા કરાવી. સાસરી પિયરના સંબંધોની મીઠાશને શબ્દોમાં આલેખી. સાસરે જતી દીકરી માટેનું વિદાય ગીત હોય કે સાસરીમાં રહીને પિયરની યાદ કરતી કન્યાની વાત હોય, આજે પણ આંખ ભીની કરી દે છે. એમણે જ્યારે પ્રેમગીતો રચ્યા તો એમાં મિલન અને વિરહને વાચા આપી.
અવિનાશ વ્યાસના ભક્તિસભર ભજન અને ચિંતનગીતો આજે પણ હ્રદયને ખૂબ સ્પર્શે તો એમણે લખેલા શેરીથી માંડીને સ્ટેજ પર રજૂ થતા ગમતીલા ગરબાનું ફલક પણ એટલું જ વિશાળ.
ગુજરાત અને ગુજરાતી ભાષાનેય એ નથી ભૂલ્યા તો રાસ દુલારી જેવી નૃત્યનાટિકાઓને આપણે નથી ભૂલ્યા.
કાલિંદરીના ઘાટે રંગીલાની વાટ જોતા રંગભેરુ હોય, બાંકી પાઘલડીના ફૂમતામાં શોભતો પાતળિયો હોય કે પછી પાટણના મોંઘા પટોળા લાવતા છેલાજી હોય, આજે અને આવતી કાલે પણ એ એવા જ ગમતા ગરબાની હરોળમાં પ્રથમ સ્થાને રહેવાના.
ચરરર ચરરર ચકડોળ મારું ચાલે, ભીતરનો ભેરુ મારો આતમો ખોવાયો, રાખના રમકડાં, હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઇ ના જાણું, ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની, મારા રામના રખવાળા ઓછા હોય નહીં, પંખીડાને આ પીંજરું જૂનુ જૂનું લાગે જેવી ચિંતનાત્મક રચનાઓએને લઈને એ સદા અમર અવિનાશ, અવિનાશી અવિનાશ કહેવાયા.
આ તો થોડા ગણ્યાગાંઠ્યા ગીતો કે ગરબા છે બાકી તો આગળ કહ્યું એમ ગણ્યા ગણાય નહીં, વીણ્યાં વીણાય નહીં અને વરસો સુધી ભૂલાય નહીં.”
Entry filed under: સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ, Rajul.
1.
Devika Dhruva | November 9, 2020 at 5:13 pm
સરસ અને સચોટ આલેખન.
LikeLiked by 1 person