૪૧ -સદાબહાર સૂર અવિનાશ વ્યાસ-
October 19, 2020 at 7:07 am 1 comment
નવરાત્રી, આ એક શબ્દને અનેક અર્થ અનેક સ્વરૂપે આપણે ઓળખીએ છીએ. નવરાત્રી વિશે એક સાદી સીધી અને સર્વવ્યાપી સમજ એટલે માતાજીની પૂજા, અર્ચના, ભક્તિ. નવરાત્રીના આ તહેવારમાં શક્તિ સ્વરૂપ માતાજીની આરાધના કરવામાં આવે છે પણ છેલ્લા કેટલાય દાયકાઓથી નવરાત્રીનું મહત્વ કંઇક જુદા અંદાજે પ્રસ્થાપિત થતું ગયું છે. નવરાત્રી શબ્દનો ઉલ્લેખ થતાની સાથે જ નજર સામે રાસે રમતાં ગરબે ઘૂમતાં, ઉમંગભેર હીલોળે ચઢેલા યૌવનનો એક આખેઆખો માહોલ ઊભો થઈ જાય છે.
આમ તો ગરબો એ લોકસંસ્કૃતિનો એક પ્રકાર છે પણ નવરાત્રી તો જાણે ગુજરાતની આગવી ઓળખ, અનેરી સંસ્કૃતિનું અભિન્ન અંગ બની ગઈ છે. ગરબો ક્યાંથી આવ્યો એનીય રસપ્રદ કથા છે જેમાં ક્યાંક એવું કહેવામાં આવ્યું છે કે પાર્વતીજીએ બાણાસુરની પુત્રી ઉષાને લાસ્ય શીખવ્યું, ઉષાએ દ્વારકાની ગોપીઓને અને દ્વારકાની ગોપીઓએ સૌરાષ્ટ્રની સ્ત્રીઓને શીખવ્યું અને આમ આ લાસ્ય લોકસંસ્કૃતિ સાથે જોડાયું. જો કે આ કથિત વાત કરતાં વધુ પ્રચલિત વાત જરા જુદી છે.
ગુજરાતી ગરબાના ઈતિહાસ વિશે વિચારીએ તો કદાચ એનું મૂળ ૫૦૦૦ હજાર વર્ષ પહેલાની કૃષ્ણની રાસલીલા સુધી નીકળે. ગરબો એટલે વર્તુળ. બ્રહ્માંડના દરેક અંશ, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, તારા બધુ જ વર્તુળમાં ફરે છે. કૃષ્ણએ જાણે આ વર્તુળાકારે ફરતાં બ્રહ્માંડનો પૃથ્વીલોકને પરિચય કરાવ્યો. આમ પણ રાસ-ગરબા વિશે વિચારીએ તો પણ એ આપણને કૃષ્ણની રાસલીલાના વિશ્વ સાથે સાંકળી લે.
પણ વર્તમાન સમયમાં જો આપણે રાસ-ગરબા વિશે વિચારીએ તો એની સાથે ખરા અર્થમાં જોડાયેલું, લોક લાડીલું એક નામ યાદ આવે અને એ છે અવિનાશ વ્યાસ.
અવિનાશ વ્યાસ માતજીના પરમ ભક્ત હતા. માતાજીની સમક્ષ ઊભા હોય અને એના સાક્ષાત્કારરૂપે કોઈ રચના મનમાં આકાર લેતી હોય. આમ પણ કહે છે ને કે ગીત,સંગીત કે કવિતાના કોઈ ક્લાસ કે ટ્યુશન નથી હોતા, એ તો ઉપરવાળાની કૃપાથી ઉતરી આવે છે. માતાજીની આવી કોઈ પરમકૃપા અવિનાશ વ્યાસ પર હતી જેના લીધે આપણને “ માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો’ જેવી સદા અમર એવી રચના ઉપરાંત “માડી તારા મંદિરીયે ઘંટારવ થાય, વાગે નગારું ને ખાચમ્મર વિંઝાય.” , “હવે મંદિરના બારણા ઉઘાડો મોરી માત, ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત” જેવી ઉત્તમ રચનાઓ આપણને મળી.
કહેવાય છે કે ખરો ગરબો એ જ કે જેમાં ભાવ અને ભાવનાનું સંવેદન હોય, શબ્દ, સૂર અને લયનું સંયોજન હોય અને ઠેસ સાથે વર્તુળાકારે ઘૂમવાનો પૂરતો અવકાશ હોય. આવા ઠેસ લઈને વર્તુળાકારે ઘૂમી શકાય એવાય અનેક ગરબા અવિનાશ વ્યાસે ગુજરાતને, ગરવી ગુજરાતણોને આપ્યા.
“લાગ્યો લાગ્યો ચૂંદડીએ રંગ લાગ્યો, હોવે હોવે ચૂંદડીએ રંગ લાગ્યો”
“તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે”
“માલા રે માલ લહેરણીયો લાલ, ઘમમર ઘમામર ચાલે રે ચાલ”
“હે મુને એકલી મૂકીને રમે રાસ, રંગીલા રાજા હવે ના આવું તારી પાસ’
એવા કેટલાય ગરબા પર ખેલૈયા થાક્યા વગર ઘૂમતા હોય.
એક લાલ દરવાજે તબું તાણીયા રે લોલ ,
“નહીં મેલું રે તારા ફળિયામાં પગ નહીં મેલું, છોને લાગ્યું છબીલા મને તારું ઘેલું”
અને આજ સુધીનો સૌથી લોકપ્રિય ગરબો,
“હે રંગલો જામ્યો કાલિંદરીના ઘાટ છોગાળા તારા, છબીલા
હોરે રંગીલા તારા, રંગભેરુ જુવે તારી વાટ”
એ કેમ ભૂલાય? આ ગરબાએ તો બોલીવુડને પણ ઘેલું કર્યું છે.
અવિનાશ વ્યાસ રચિત રાસ-ગરબા ગુજરાતથી વિસ્તરીને ગ્લોબલ બન્યા. અવિનાશ વ્યાસના ગીતો, ગરબા જેમણે સૌથી વધુ ગાયા છે એવા આશા ભોંસલેએ એક વાર નવરાત્રીના સમયે અવિનાશ વ્યાસને ફોન કરીને તાત્કાલિક લંડન આવવા આગ્રહ કર્યો કારણ?
કારણકે એ ઈચ્છતા હતા કે અવિનાશ વ્યાસ લંડન આવે અને જુવે કે એ અને એમના ગીતો ત્યાં પણ કેવા લોકપ્રિય છે. કેટલીક ઘટનાઓ એવી હોય છે જે ક્યારેક વાંચી હોય, ક્યારેક સાંભળી હોય અને સમયાંતરે ફરી માનસપટ પર ઉભરી આવે.
અવિનાશ વ્યાસ વિશે એવી એક જાણેલી વાતનો અહીં ઉલ્લેખ કરું છું.
દિલ્હીના રાષ્ટ્રપતિભવનના એક કાર્યક્રમમાં ઓડિયન્સમાં પંડિત રવિશંકર બેઠા હતા. ગુજરાતી ગરબાની રજૂઆત થઈ ત્યારે તેમણે કહ્યું કે ગુજરાતી સ્ત્રીઓની સ્ફૂર્તિ કાબિલે દાદ છે અને તે સ્વરાંકનને પણ તેમણે બિરદાવ્યું હતું. મઝાની વાત એ છે કે એ ગરબો અવિનાશ વ્યાસનો હતો અને એટલા માટે ગુજરાતી સંગીતને અવિનાશી યુગનું નામ ચોક્કસ આપી શકાય.
અવિનાશ વ્યાસના ગરબાના શબ્દો ભક્તિસભર પણ છે અને ઉમંગભેર ગરબે ઘૂમી શકાય એવા શક્તિસભર પણ છે.
Entry filed under: સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ, Rajul.
1.
readsetu | October 20, 2020 at 12:09 pm
સરસ લેખ. ઉત્તમ અંજલિ
LikeLiked by 1 person