૪૦ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ
ઈશ્વરને માનતાં, ઈશ્વરને પૂજતાં, ઈશ્વર પર અપાર શ્રદ્ધા રાખીને જીવતાં લોકોની સામે ઈશ્વર છે કે નહીં એ અંગે સવાલ કરનારાં રૅશનલ લોકો પણ એટલા જ છે. ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ સુગમ નથી એ વાત જરાય અજાણી નથી. ઈશ્વર છે કે નથી એ અંગે જુદા જુદા મંતવ્યો કે વાદ-વિવાદ પણ ચાલ્યા કરે છે અને એનો કદાચ ક્યારેય કોઈ અંત નથી કારણકે આ દિલ અને દિમાગ વચ્ચેનો દ્વંદ છે અને એને સાબિત કરી શકાય એવા કોઈ પૂરાવાય નથી.
ઈશ્વરનું અસ્તિત્વ છે એ સૌની અંગત માન્યતા કે વિશ્વાસ પર અવલંબિત છે અને એ શ્રદ્ધા કે અશ્રદ્ધાના પાયા પર બે અલગ માન્યતાવાળા અર્થાત આસ્તિક અને નાસ્તિક લોકોની વિચારસરણીને લઈને અલગ પડે છે. શ્રદ્ધા અને તર્ક એક સાથે એક પલ્લામાં ક્યારેય સમાતા નથી.
કોઈનો ઈશ્વર મૂર્તિ સ્વરૂપે આકાર પામ્યો છે તો કોઈનો ઇશ્વર નિરાકાર છે. જે મૂર્તિ સ્વરૂપે આકાર પામ્યા છે એને આપણે ભગવાન કહીને પૂજીએ છીએ. ઈશ્વર અને ભગવાન, આમ તો આ બંને શબ્દો પર્યાયવાચી લાગે પરંતુ જરા વિચારીએ તો આ બંને માટેનો ભાવ અલગ અનુભવાશે. એટલું જ નહીં આધ્યાત્મની દૃષ્ટિએ સમજવા પ્રયત્ન કરીએ તો સમજાશે કે ઈશ્વર એક શક્તિ છે અને ભગવાન એક એવી વિશેષ વ્યક્તિ છે જેણે ઈશ્વરને જાણી લીધા છે. ઈશ્વર પૂર્ણ સ્વરૂપ, પરમ શક્તિ અને અનંત વ્યાપક ઉર્જા છે. જ્યારે જેણે ઈશ્વરના સંપૂર્ણ સ્વરૂપનો, અનંત વ્યાપકતાનો અનુભવ કર્યો, પોતાનામાં રહેલા ઈશ્વરની અનુભૂતિ કરવામાં સફળ થયા એ ભવ્ય આત્માને આપણે ભગવાન કહીને પૂજીએ છીએ. આ બ્રહ્માંડના દરેક જીવ જે આ પરમ શક્તિ દ્વારા સુરક્ષિત છે, જે શક્તિ થકી બ્રહ્માંડની સૂક્ષ્મ સ્થિતિ, ગતિવિધિ વ્યવસ્થિત રૂપે ચાલી રહી છે એ ઈશ્વર છે. જ્યારે ભગવાન પાલક નહીં માર્ગદર્શક છે જે મનુષ્ય દેહમાં ઈશ્વરની અનુભૂતિનો માર્ગ દર્શાવે છે.
અને તેમ છતાં આપણે પ્રત્યેક પગલે ઈશ્વરને બાહ્ય આવરણોમાં શોધવા મથીએ છીએ. અવિનાશ વ્યાસ આ આપણી ખોટી મથામણો માટે શું કહે છે એ જોઈએ. એ કહે છે,
“ચાલ્યા જ કરું છું…આ જગત જન્મ્યું જ્યારથી,
ચાલ્યા જ કરું છું,
સંસારની પગથારને કોઇ ઘર નથી,
મારાજ ઘરમાં ક્યાં જવું એ મુજને ખબર નથી…
શ્રધ્ધાનો દીવો દિલમાં પ્રગટાવ્યા કરું છું,
ચાલ્યા જ કરું છું.
માણસ માત્ર જન્મે ત્યારથી ચાલ્યા જ કરે છે. આ જન્મ મળ્યો છે એ પામીને શું કરવાનું છે, ક્યાં પહોંચવાનું છે, એની કોઈ નિશ્ચિત દિશા જાણ્યા વગર એ ચાલ્યા જ કરે છે. સંસારમાં રહીને એનો ઉદ્દેશ નક્કી નથી હોતો તો પણ એ અજાણી દિશાને એનું લક્ષ્ય માનીને વ્યર્થ શોધવા મથે છે.
હસ્તી નથી એની જ હસ્તી ધારી લઇને,
બુધ્ધિ કરે જો પ્રશ્ન એને મારી લઇને…
મંદિરમાં જઇ ઘંટને બજાવ્યા કરું છું,
ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું…
જેની દેખીતી રીતે કોઈ હસ્તિ જ નથી એની હસ્તિ છે એમ ધારીને એને મંદિરમાં દેવાલયોમાં શોધવાની મથામણ કરીએ છીએ. અહીં એ જ વાત આવે છે, દિલ અને દિમાગના દ્વંદની કારણકે જ્યારે શ્રદ્ધાની વાત આવે છે ત્યારે નાજુક એવું દિલ પણ મક્કમતાની એક હદે પહોંચી જાય છે. અહીં બુદ્ધિ જે જવાબ આપે છે એ એને મંજૂર નથી. વાત છે જાતને જગાડવાની. ખોટી ભ્રામક માન્યતાઓમાંથી બહાર આવવાની એના બદલે
જાતને જગાડવાના બદલે ઈશ્વરને જગાડવા મંદિરમાં જઈને ઘંટારવ કર્યા કરીએ છીએ. જે અંદર છે એને બહાર શોધવા આમ તેમ આથડીએ છીએ. એક બીજી રીતે વિચારીએ તો આપણા જ અંતર આત્મામાં ઈશ્વર બિરાજમાન છે . અંતરમાં એની ઝાંખી કરવાના બદલે બહાર પત્થર અને આરસના બનેલા દેવાલયોમાં એને મળવા નીકળી પડીએ છીએ. મળે છે કે નહીં એ ખબર નથી પણ મળશે એવી આસ્થા લઈને એને શોધ્યા કરીએ છીએ.
નાટક કરું છું જે હું નથી તે હું થઇને,
મરું છું કોઇ વાર મીઠું ઝહર લઇને…
જેણે બનાવ્યો એને હું બનાવ્યા કરું છું,
ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું…
મઝાની વાત તો એ છે કે આપણી ખોજ ક્યારેય પૂરી નથી થતી. આપણા સંતોષ ખાતર એક નહીં અનેક દેવાલયો ઊભા કરતાં જઈએ છીએ અને દરેકમાં એકથી વધીને અનેક ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા, અંજનશલાકા કરીએ છીએ અને એટલે જ અવિનાશ વ્યાસ કહે છે કે જેણે આપણને બનાવ્યા, જેણે આપણું સર્જન કર્યું એને આપણે બનાવવા માંડ્યા.
ક્યાં અને ક્યારે જઈને અટકશે આ શોધ એની તો આપણને ખબર નથી ત્યારે અવિનાશ વ્યાસ એક જરા જુદી વાત કહે છે.
બે ફૂલ ચઢાવે મૂર્તિ પર, પ્રભુ નહી મળે સસ્તામાં,
ઈશ્વર પડ્યો નથી રસ્તામાં.
નહી મળે ચાંદી સોનાના અઢળક સિક્કામાં,
નહી મળે કાશીમાં કે મક્કામાં, પણ નસીબ હોય તો મળી જાય
તુલસીના પત્તામાં,
ઈશ્વર પડ્યો નથી રસ્તામાં
અવિનાશ વ્યાસ એક નહીં અનેક છે એટલે એમના વિચારો અનેક છે. એ કહે છે ઈશ્વર મળશે પણ કેવી રીતે? ઈશ્વર તો સચરાચર છે, અજરામર છે. એને પામવા શબરી, સુદામા, રાધા, મીરાં, કબીર કે નરસિંહ બનવું પડે.
Entry filed under: સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ, Rajul.
Recent Comments