આર્તનાદ- ગુજરાત દર્પણમાં પ્રસિદ્ધ નવલિકા

October 10, 2020 at 3:21 pm

aartnadnavlika

“કોંગ્રેજ્યુલેશન તૃપ્તિ, લક્ષ્મી જ જોઈતી હતીને તારે ડીકરા?”

બસ આટલું સાંભળતાં જ એ ઝૂમી ઊઠી. આગલા નવ નવ મહિનાની આતુરતા અને છેલ્લા નવ કલાકની વેદના વરાળ બનીને ઉડી ગઈ અને એ ઉડી ગયેલી વરાળમાંથી જ જાણે ખુશીના વાદળ બંધાયા અને એની આંખોમાંથી વરસી પડ્યા. છલકાતા આંસુ અને મલકાતા ચહેરે તૃપ્તિએ બેડ પર સૂતા સૂતા જ ઉપરથી નીચે ડોકું જ હલાવીને હા પાડી બાકી એના શરીરમાંથી તાકાત તો સાવ નિચોવાઈ ગઈ હતી. થોડી વાર પહેલાનો સાવ નિસ્તેજ દેખાતો ચહેરો આ ખુશીથી ચમકી ઊઠ્યો.

“અરે! આ શું? ઓકે ઓકે સમજી ગયો બાવા, આ તો માંગ્યા મેઘ વરસ્યા છે એ જ તારી આંખમાંથી છલકાયા છે ને ડીકરી?

પચાસની ઉંમરે પહોંચેલા ડૉકટર અંકલેશ્વરિયા માટે તો એમની દરેક પેશન્ટ દીકરી જ હતી. અત્યંત માયાળુ સ્વભાવના આ ડૉક્ટર અને એમના પત્ની મિસિસ અંકલેશ્વરિયાની પ્રેક્ટિસમાં એમના હાથે કેટલાય નવજાત બાળકોના જન્મ થઈ ચૂક્યા હતા પણ આ ગાયનેક દંપતિ પોતે બાળક સુખથી વંચિત જ રહી ગયા હતા. જો કે અત્યંત ભલા અને સાચા અર્થમાં માયાળુ એવા આ દંપતિ માટે તો એમના નર્સિંગહોમમાં આવતી દરેક મા અને એનું બાળકેય એમનું છે એમ સ્વીકારીને રાજી રહેતા.

સપનના જન્મ સમયથી તૃપ્તિને એમની સાથે માયા બંધાઈ ગઈ હતી જે આજે સાત વર્ષે પણ એને અહીં જ લઈ આવી હતી.

****

“હવે એક બીજા બાળકનો સમય થઈ ગયો છે તૃપ્તિ. થોડા થોડા સમયના અંતરે બંને બાળક ઉછરી જાયને તો ખબરેય ના પડે અને હજુ તો મારા હાથ-પગ ચાલે છે ત્યાં સુધી તને ટેકો રહેશે પછી તો મારે તારો ટેકો લેવાનો આવે એવા દહાડા આવશે.” સપન અઢી વર્ષનો થયો ત્યારે કેતનના બાએ કહ્યું હતું.

કેતન, તૃપ્તિ અને સપનની દુનિયા જ એમની દુનિયા હતી. સપનને લાડે-કોડે ઉછેર્યા પછી બાએ સાચી સલાહ આપી.

એમની વાત સાચી હતી. સંધિવાથી હાથ-પગ જકડાવા માંડ્યા હતા. ક્યારેક આ ફરતો વા એમના કયા અંગને જકડી લે નિશ્ચિત નહોતું રહેતું અને પછી તો એમને ટેકો આપીને ઊભા કરવા પડતા અને તેમ છતાંય એ કડે-ધડે હતાં.

સમય સરતો જતો હતો. અઢીના પાંચ અને એના પછીના વર્ષેય બીજા બાળકના કોઈ એંધાણ દેખાતા નહોતા. કેતનને તો જો કે કોઈ ફરક પડતો નહોતો. એ તો એ ભલો અને એનું કામ ભલું પણ હવે તૃપ્તિને બાની વાત સમજાતી હતી. એના મનમાં હવે એક દીકરીની ઝંખના જાગી હતી.

સાત વર્ષની ઉંમરે પહોંચેલા સપનનું હવે અલગ વિશ્વ હતું અને કંપનીના સી.ઈ.ઓના પદે પહોંચીને  કેતન કંપનીના કામને વિસ્તૃત કરવામાં મથ્યો રહેતો હતો. બાએ માયા સમેટવા માંડી હોય એમ ધીમે ધીમે દેવ દર્શન ,આધ્યાત્મ-પૂજન તરફ વધુ વળતા હતાં. બા જ્યારે કથા-પારાયણમાં જાય ત્યારે તૃપ્તિને એકલતા લાગતી.

મંદિરની મંડળી સાથે બા ચારધામની યાત્રાએ ગયા ત્યારે તો સાચે જ તૃપ્તિને એવું લાગ્યું કે જાણે એ આટલા વિશાળ, ચાર બેડરૂમના ફ્લેટમાં સાવ એકાકી બની ગઈ છે. આજ સુધી એણે સપન અને કેતનથી અલગ પોતાનું વિશ્વ હોય એવું વિચાર્યું જ નહોતું અને વિસ્તાર્યુંય નહોતું. એ પાંખ ફેલાવીને બહાર ઉડવા નહોતી માંગતી પણ એના પોતાના આસમાનમાં હવે એને સૂરજની સાથે ચંદ્રની રોશનીની ઝંખના થવા માંડી હતી.

“જોજેને મારી આ યાત્રાનું ફળ તો હું તારા માટે જ માંગવાની છું.” અને સાચે જ બાની યાત્રા તૃપ્તિને ફળી હતી.

કેતનને સમય ન હોય ત્યારે ડૉક્ટરના ત્યાં બા આવતા. સતત એ તૃપ્તિના પડખે જ રહેતાં.

અને એ દિવસ આવી ગયો જેની સૌ રાહ જોતા હતા. સપનનો જન્મ અત્યંત સરળતાથી ઝાઝી પીડા વગર થઈ ગયો હતો એટલે તૃપ્તિને આ વખતે ઝાઝો ભય નહોતો પણ દર વખતે ધાર્યું એ જ થાય એવું નથી બનતું . આખી રાત અને સવાર સુધીની કારમી પીડાદાયક વેદના પછી પણ તૃપ્તિને છૂટકારો થતો નહોતો. પીડાથી અમળાતી અને ન સહન થાયે એવી વેદનાભરી એ રાત હતી. અંતે સિઝેરિયનનો નિર્ણય લેવાઈ ગયો.

આ ક્ષણે સાવ નંખાઈ ગયેલી તૃપ્તિમાં તો બાળકીને હાથમાં લેવાની તાકાત નહોતી પણ કેતને જાણે ખોબામાં ફૂલોનો ઢગલો ભરી લીધો હોય એમ એ નવજાતને લઈને ઊભો હતો. બાજુમાં અત્યંત ખુશહાલ સપન એની તરફ મીટ માંડીને ઊભો હતો.

બાએ આગળ આવીને તૃપ્તિના માથે હાથ પસવાર્યો, “ બહુ પીડા વેઠી મારી દીકરીએ? સહુ સારા વાના થશે હોં. જોજેને બે દિવસમાં તો ઊભી થઈ જઈશ.”

તૃપ્તિને શીતળતાનો અનુભવ થતો હતો. એના બા તો હતા નહીં પણ સુભીબાએ એને જરાય ખોટ લાગવા દીધી નહોતી.

*******

“બા જુવોને માહીને દૂધ પીતા જ નથી ફાવતું. કેટલું મથું છું તોય એ સરખું લઈ જ નથી શકતી. થોડા દિવસ તો તૃપ્તિને સિઝેરિયનના લીધે સરખું બેસતાં ફાવતું નહોતુ એવું માનીને બા એને જુદી જુદી રીતે  એ માહીને લઈ શકે એવા પ્રયત્ન કરતાં રહેતા. આજ કાલ કરતાં એક મહિનો પસાર થઈ ગયો પણ માહી તો એની એ જ રહી. તૃપ્તિના દૂધ ઉપરાંત બોટલ કે ચમચીથી પ્રયત્ન કરવા છતાં એમાં સફળતા નહોતી મળતી. સતત પ્રયાસો અને મથામણ ચાલુ હતા. સમય જતાં બાની અનુભવી આંખે એક વાત નોંધી કે હજુ માહીમાં દોઢ મહિનાની બાળકી જેટલું કૌવત નથી. સામે નજર માંડતી માહીની આંખોમાં એક જાતની શૂન્યતા હતી. એ દૂધ માટેય ક્યારેય રડી નથી.

સપન ખૂબ ઉધમાતિયો હતો. જેટલો શાંતિભર્યો એનો જન્મ હતો એનાથી સાવ અલગ એનું શૈશવ હતું. તૃપ્તિને એ સતત રોકેલી જ રાખતો.  દિવસેય ઓછું ઊંઘતો સપન રાત્રે પણ તૃપ્તિને ઉજાગરા કરાવતો. દરેક વાતમાં આકળો-ઉતાવળો સપન બહુ ઝડપથી શીખતો હતો હતો. એની સરખામણીમાં માહી શાંત હતી, વધારે પડતી શાંત હતી. એ બસ એમ જ પડી રહેતી. જાણે એની કોઈ જરૂરિયાતો નહોતી.

અને એ દિવસે કેટલાય સમયથી મનમાં ઘોળાતી ચિંતાને લઈને આજે એ ચાઇલ્ડ સ્પેશલિસ્ટ મળી.ચાઇલ્ડ સ્પેશલિસ્ટે માહીને જોઈને જે કહ્યું એનાથી તો તૃપ્તિના પગ નીચેથી કોઈએ જમીન સેરવી લીધી હોય એવું લાગ્યું. માહીના જન્મ પહેલાની પીડાઓ કરતાં અનેકગણી પીડા વધી ગઈ. શરીરમાં કોઈ વલોણું ફેરવતું હોય એમ એ ઉપર-તળે થઈ ગઈ અને ધડામ કરતી એ જમીન સરસી પછડાઈ ત્યારે એ ભળતી દુનિયામાં પહોંચી ગઈ એવું લાગ્યું જેમાં આસપાસ માત્ર ઘેરો અંધકાર ભર્યો હતો. એ ચાલી ચાલીને પણ કશે પહોંચી શકે નહીં એવા લાંબા બોગદામાં સરી ગઈ હતી કે પછી ઊંડા પાણીના એવા તળિયે પહોંચી ગઈ  જ્યાં એ શ્વાસ લેવા ઉપર આવવા તરફડીયા મારે છે તોય ઉપર આવી શકતી નહોતી. છાતી પર એ પાણીની ભીંસ અનુભવી રહી. શ્વાસ લેવા મથતી તૃપ્તિને પાણીમાં ઉઠતા પરપોટામાંથી, બુડબુડ તથા અવાજમાંથી માત્ર એટલું જ સાંભળાતું હતું કે માહી માનસિક કે શારીરિક રીતે સ્વસ્થ નથી. એ એવી મેન્ટલી ચેલેન્જ ચાઇલ્ડ છે જેની કોઈ દવા નથી.

માહીના જન્મ પહેલાંની પીડા સહન કરવામાં એક ઉજળી આશા હતી. પોતાના અંશને આ ધરતી પર લાવવા એ નિમિત્ત બનતી હતી એનું જોમ હતું પણ આજે તો એ ક્યાંયની રહી નહીં એવું લાગ્યું. થોડા સમય પહેલાં કેતનના હાથમાં જે ખુશ્બુદાર ફૂલોના ઢગલા જેવી દીકરીને જોઈ હતી એ આજેય દેખાતી તો હતી એવા જ ખીલેલા ફૂલો જેવી કોમળ, ગોરી ગુલાબી ત્વચા ગુલાબની પાંદડી જેવી પણ એમાં ખુશ્બુ નહોતી.. એ માત્ર એના ઘરના ડ્રોઇંગરૂમમાં સજાવેલા ડ્રાય ફ્લાવર એરેન્જમેન્ટ જેવી હતી. હવાના ઝોકાથી એની પાંદડીઓ ફરફરવાની નહોતી.

“કેતન, મને આ ડ્રાય ફ્લાવર નથી ગમતાં. મને તો રોજે રોજ બદલી શકું એવા ફૂલોની સજાવટ ગમે છે.” એ કેતનને કહેતી.

હસીને કેતન એને કહેતો કે, “ ડ્રાય ફ્લાવર જ સારા તૃપ્તિ, એ હંમેશા આવા જ દેખાયા કરે. એની પાછળ તારે રોજે રોજની ઝંઝટ તો નહીં. એકવાર ગોઠવ્યા એટલે વાત પુરી.”

પણ અહીં વાત પુરી નહોતી થતી. અહીંથી શરૂ થતી હતી એક સતત વણથંભી કૂચ. ક્યારેય ન અટકે એવી દડમજલ.

ડૉક્ટર કહેતા હતા કે, “તમારું સ્વજન જીવલેણ દર્દથી અંત તરફ ધકેલાતું હોય ત્યારે પણ તમે છેલ્લી ક્ષણ સુધી એને બચાવવાના બધા પ્રયાસ કરો છો ને? આ નાનકડા જીવનું હજી જીવન શરૂ થાય છે ત્યારે આમ હતાશ થશો એ કેમ ચાલશે? એની સામે તો હજુ ઘણી લાંબું જીવન છે જેનામાં તમારી મમતા, સતત કાળજી અને મહેનત સંજીવનીનું કામ કરશે. ઈશ્વર બધે નથી પણ મા એનું એવું સ્વરૂપ છે જે નજરે જોઈ શકાય છે, એનો પ્રેમ અનુભવી શકાય છે. ઈશ્વરના આ સર્જનની માવજત તમારે કરવાની છે અને જેટલી ધીરજ અને સ્વસ્થતાપૂર્વક તમે આ કામ કરશો એનું પરિણામ તો તમે પણ જોઈ શકશો આ વાત તમે સમજી લેશો પછી આગળનો પરિશ્રમ કરવાની તાકાત આપોઆપ તમારામાં આવશે.”

તૃપ્તિ અને કેતન ઘેર આવ્યા ત્યારે બા એમની રાહ જોતા બેઠા હતાં. તૃપ્તિનો ચહેરો જોઈને બા પરિસ્થિતિ પામી ગયા એમ એકપણ સવાલ કર્યા વગર માહીને કેતનના હાથમાંથી લઈને અંદરના રૂમમાં સુવડાવી આવ્યા.

આવીને તૃપ્તિના માથે હાથ મુકીને એટલુ જ બોલ્યા, “ હું છું ને, ઘરની, કેતનની કે સપનની ચિંતા કર્યા વગર માહીને સાચવી લેજે.”

માથે ફરતા બાના હાથના સ્પર્શથી આટલા સમયથી ખદબદતા લાવા જેવી માનસિક સ્થિતિ પછી ફરી એકવાર તૃપ્તિને શીતળતાનો અનુભવ થયો.

અને શરૂ થઈ તૃપ્તિની એક સાવ નિર્જીવ જેવા લાગતા એ જીવમાં સ્નેહની કૂંપીથી ટીપે ટીપે સંજીવની રેડવાની અવિરત સાધના.

****

તૃપ્તિએ આજ સુધી જે દુનિયા જોઈ હતી, જે દુનિયામાં એ જીવતી હતી એનાથી સાવ અલગ આ દુનિયા હતી. સપનની સ્કૂલે એ કેટલીય વાર ગઈ હતી જ્યાં કેટલાય બાળકો હતા, ભરપૂર જીવનથી, અદમ્ય ઉત્સાહથી હસતાં-રમતાં અને કૂદકફૂદક કરતાં રંગબેરંગી પતંગિયા જેવા.

અહીં પણ કેટલાય બાળકો હતા પણ સાવ બેજાન, ચાવી વગરના પૂતળા જેવાં. એમની માનસિક સ્થિતિ તો હજી તૃપ્તિ સમજી શકે એટલા દિવસો નહોતા થયાં પણ એમની શારીરિક સ્થિતિ જોઈનેય એને કમકમાટી છૂટી જતી.  

સપનની સ્કૂલમાં એક જ સ્તરે, એક સમાન લાઈફસ્ટાઈલ ધરાવતા માતા-પિતાના સંતાનો હતાં જ્યારે અહીં અલગ સ્તરે જીવતાં, અલગ લાઈફસ્ટાઈલ ધરાવતાં અને તેમ છતાં દેવના દીધેલાં આવા સંતાનોને સાજા કરવાના ધ્યેય સાથે આવતાં અને સંતાન સાજુ થવાનું છે એવી શ્રદ્ધાની એક સમાન સપાટીએ જીવતાં માતા-પિતા હતાં.

અહીં આવતા પહેલાં એ સાઇકાયટ્રીસ્ટને પણ મળી હતી. એમણે કહેલો શબ્દેશબ્દ એના કાળજે કોતરાયેલો હતો. એમણે કહ્યું હતું ..

“જ્યારે પરિવારને જાણ થાય કે એમનું બાળક મેન્ટલી ચેલેન્જ્ડ છે ત્યારે એ ક્યારેય સાજુ નહીં થાય એમ માનીને સાવ હતાશ થઈને બેસી જાય છે. દુનિયાની નજરે ન ચઢે એવી રીતે એને રાખવા મથે છે પણ અહીં તમારે એક વાત યાદ રાખવાની અને સમજી લેવાની છે કે તમારું બાળક નોર્મલ છે, એ તમારા બીજા બાળક જેવી બુદ્ધિ ધરાવે છે. તમે જે કંઈ કહો છો, કરો છે એ એના સુધી પહોંચે છે. તરત તો નહીં પણ ધીમે ધીમે એ તમને, તમારી વાતોને સમજતું થશે, સ્વીકારતું થશે અને પ્રતિક્રિયા આપતું થશે. બસ, આ પ્રતિક્રિયા આપવાની શરૂ થઈ છે એવું લાગે એટલે સમજી લેજો કે  તમે પ્રથમ પરિક્ષામાં પાસ થયા છો અને હવે બીજી પરિક્ષા આપવાની તૈયારી કરવાની છે. જેટલી પરિક્ષામાં પાસ થતા જશો એટલી કારકિર્દી ઉજળી અને આ ઉજળી કારકિર્દીનો લાભ તમને બંનેને મળશે એવી તમને ખાતરી આપું છું.”

અને હવે તૃપ્તિ સજ્જ હતી. એના જીવનમાં નવેસરથી આવતી તમામ પરિક્ષાઓ આપવા માટે. ઘરમાં હોય ત્યારે માહી સાથે સતત વાતો કરતી, રાજા-રાણીની, પરીની- દેવદૂતની વાર્તાઓ કહેતી, રંગો અને ચિત્રોની ઓળખ આપતી. સપન નાનો હતો ત્યારે એના માટે હાલરડાં ગાતી એ હાલરડાં ગાઈને માહીને ઉંઘાડતી, બા ગાય ત્યારે જોડે એ પ્રભાતિયા ગાઈને માહીને ઉઠાડતી. જોડકણાં ગાતી. એને હસાવવા મથતી.

એની સાથે એ રમી શકે એવી રમતો રમતી, હાથ પગની જુદી જુદી કસરતો કરાવતી, હાથ-પગમાં જાન આવે એ માટે રોજેરોજ માલિશ કરતી. માહીના હાથની પકડ મજબૂત થાય એના માટે સ્પ્રીંગ કે દબાવી શકે એવા બોલથી એને કાર્યરત રાખતી.

બપોરે ફિઝિયોથેરેપી સેન્ટર પર લઈ જતી. જોઈને પણ કાળજું વહેરાઈ જાય એવી કસરતો કાળજું કઠણ રાખીને કરાવતી.

સમય સરતો જતો હતો પણ તૃપ્તિ માટે એ સમય પેલી કાચની બોટલમાં ભરેલી રેત જેવો સમય હતો. ઉપરથી સરીને નીચે ઉતરતી જતી રેત જેવો જે પાછી ઉંધી કરેલી કાચની બોટલમાંથી ફરી ઉપરથી નીચે જ સરતો જવાનો છે. ક્યારે શું હાથમાં આવશે એનો ઝાઝો વિચાર કર્યા વગર કાચની શીશી ઉપરથી નીચે ફેરવ્યા કરવાની હતી. તૃપ્તિએ હવે દિવસો જ નહીં મહિનાઓ પણ ગણવાના છોડી દીધા હતા. કેલેન્ડરના બદલાતા પાના પર પણ એની નજર ભાગ્યેજ જતી. શું ફરક પડવાનો હતો? એનો સમય તો માહીનું એકાદુ નાનકડું હલનચલન નજરે ચઢે ત્યારે આગળ ખસ્યો એમ એને લાગતું. બે મહિનાની માહી બે વર્ષની થઈ એ એના શરીર પર વર્તાતું પણ મગજથી તો હજુ એ બે મહિનાથી કદાચ માંડ જરાક જ મોટી થઈ હતી.

*****

વસંતની રાહ જોતી તૃપ્તિના જીવનમાં આકરા ઉનાળાની સાથે સાથે પાનખર બેસવા માંડી હતી. અણધારી જીવનલીલા સંકેલીને બાનું જીવન સંકેલાઈ ગયું હતું. એ કાચની શીશીને તો ફરી ઉંધી કરી શકાય એમ નહોતી. સરેલી રેતી એક જ જગ્યાએ સ્થિર થઈ ગઈ હતી.

બા હતાં ત્યાં સુધી તો કેતન અને સપન સચવાઈ જતાં. ઘર સચવાઈ જતું. માહીને સાચવતી તૃપ્તિનો માનસિક ટેકો બની રહેલો ટેકો જ ભગવાને ખસેડી લીધો ત્યારે તૃપ્તિ જાણે સફાળી જાગી. બાએ એને સતત હામ આપી હતી. એ તુટતી ત્યારે બા એનો સધિયારો બની જતાં.

ઘરનો મજબૂત મોભ ખસી ગયો હતો અને ઘરની દિવાલોમાં તીરાડો દેખાવા માંડી હતી. તૃપ્તિ જોઈ શકતી હતી કે હવે એની-માહીની અને કેતન-સપનની દુનિયા અલગ રીતે વિસ્તરતી જાય છે. એ માહી માટે જે કરે છે એ બરાબર છે એમ માનીને એની કે માહીની દુનિયામાં ડોકિયું કરવાનો કેતનને સમય નહોતો કે  નહોતી સપનમાં સમજણ તો સપન અને કેતન સાથે તાલમેલ મેળવી શકે એટલી એનામાં શક્તિ રહી નહોતી. એની સમસ્ત માનસિક-શારીરિક તાકાત માહી પાછળ જ ખર્ચાઈ જતી. બા હતાં ત્યાં સુધી આ કોઈનાય ધ્યાનમાં નહોતું આવ્યું પણ હવે ખુલ્લે ખુલ્લું સત્ય સામે આવી ગયું હતું.

કેતનની કંપની જે રીતે વિકસી રહી હતી એનો શ્રેય કેતનને મળતો ત્યારે બાકીને તમામ વાતો એના માટે ગૌણ બની જતી. આમ પણ માહી તો ઘણાં સમયથી એના જીવનનું ગૌણ અસ્તિત્વ બની ગઈ હતી. ખુલ્લા આકાશમાં ઉડવા માંગતા કેતન માટે માહી બંધન હતી. ભારતભરમાં વર્ચસ્વ વધારતી જતી કંપની, એના વધતા જતાં શેરોના ભાવ અને વધતા જતા વેતનની આડે જો કેતનને બીજું કંઇપણ દેખાતું તો એ હતો સપન. સપનમાં એ પોતાની છબી જોતો. સપન પણ હતો એના જેવો મહત્વકાંક્ષી. સ્કૂલમાં પ્રથમ રહેવાની એની જીદ કેતનને ગમતી. એ જીદ પૂરી કરવા એ દરેક સગવડો પૂરી પાડતો.

ક્યારેક સપન અને માહી વચ્ચે કેતનના અલગ વ્યહવાર વિશે તૃપ્તિ છંછેડાતી. ત્યારે એ કહેતો કે, “ વિચાર કર તૃપ્તિ, કોઈ સમજદાર વ્યક્તિ કોની સાથે વેપાર કરે? માંદી, વળતર ન આપી શકે એવી કંપની સાથે કે જ્યાં માતબર મળતર મળવાનું હોય એવી કંપની સાથે અને માહી માટે તો તું છે ને?”

ઓહ, તો હવે કેતન માટે લાગણીના વ્યહવારો પણ વ્યાપારની કક્ષાએ પહોંચી ગયા છે?

હવે તો માહી માટે એને પ્રેમ છે કે નહીં એવું વિચારવાનું તૃપ્તિએ છોડી દીધું હતું. એ સમયે તો એને કેતન પણ એક માંદી કંપની જેવો જ લાગ્યો જ્યાં વહાલના વ્યહવારનો કોઈ અવકાશ નહોતો. બંજર ભૂમિ પર તૃપ્તિએ પણ લાગણીના વાવેતર કરવાનું માંડી વાળ્યું હતું. સપનને પૂરતો સમય ન આપી શકવાનો એને કાયમ અફસોસ રહેતો. માહી સિવાયનો સમય સપન માટે રહેતો પણ સમય જતાં હવે સપનને મમ્મી કરતાં પપ્પા સાથે વધારે અનુકૂળ આવતું.

****

બીજા બે વર્ષ આમ, આવી જ રીતે વહી ગયાં. તૃપ્તિ અને કેતનના સંબંધો ખોડંગાતા ગયા. તૃપ્તિ પણ સમજતી હતી કે એ માહીને ન્યાય આપવા માટે જાણે-અજાણે પતિ અને પુત્રને અન્યાય કરતી હતી પણ એ જોતી હતી, જાણતી હતી, સમજી પણ ગઈ હતી કે કેતન અને સપન બંનેને એના વિના ખાસ અગવડ નથી. મહારાજ, નોકર-બાઈના લીધે એમની જીવનચર્યા આરામથી સચવાઈ જતી હતી. સપનને જ્યારે મમ્મીની જરૂર હોય ત્યારે તો એ એના પડખે ઊભી જ રહેતી.

આમ તો ખોડંગાતું જીવન હતું તેમ છતાં બધા એક છત નીચે તો જીવી રહ્યા હતા ત્યારે તૃપ્તિને ક્યાં કલ્પના પણ હતી કે એક દિવસ પગ નીચેથી જમીન સરી ગઈ હતી એમ માથેથી છત પણ ખસી જવાની છે?

કેતનની કંપની સિંગાપોરમાં નવી બ્રાન્ચ ખોલી રહી હતી અને એના સેટઅપ માટે કેતનને સિંગાપોર જવાની તક મળતી હતી. આવી તક કોણ હાથમાંથી જવા દે?

એ પૂછતો હતો, “ આવીશ ને તું સિંગાપોર અમારી સાથે તૃપ્તિ? “

“હું? એટલે કે માત્ર હું? માહી? માહીનું શું કેતન? અહીં હવે એ સરસ સેટ થતી જાય છે. એના ફિઝિયોથેરેપિસ્ટને એ ઓળખતી, રિસ્પોન્ડ કરતી થઈ છે અને અહીં પણ તમને ક્યાં ઓછી તક છે? અહીં પદ, પૈસો, પ્રતિષ્ઠા તો ક્યાં ઓછા છે? પ્લીઝ કેતન, જીવનની આ દોડમાં થોડું તો મારી સાથે ઊભા રહો.”

“જરા વિચાર કર તૃપ્તિ, આગળ કેટલું ભાવિ ઉજળું છે એનો તો વિચાર કર.”

“અને આ અંધકાર લઈને આવી છે એના ભાવિને ઉજળું કરવાનું શું? અહીં ક્યાં કશાની ખોટ છે કેતન કે હવે નવી દિશાએ દોટ મુકવી છે?”

“ ઓહો તૃપ્તિ, મને માત્ર એટલું કહે કે તું અત્યારે સાથે આવી શકીશ કે નહીં?” ફરી એ જ વાત…

“ આ તું એટલે શું? તું એટલે માત્ર હું? માહી નહીં?”

“ માહીને પણ લઈ જઈશું. ત્યાં થોડા સેટલ થઈને એના માટે વ્યવસ્થા થાય એટલે એને પણ લઈ જઈશું.”

“ત્યાં સુધી એનું શું? એનું કોણ? કેતન એ વિચાર્યું?”

“કેમ તું જ તો કહેતી હતી કે આવા બાળકો માટે ત્યાં રાખી શકાય એવી સગવડ છે. થોડો સમય ત્યાં ન રાખી શકાય? જે બંધિયાર છે એની પાછળ બંધાઈને સપનને ઊડવા માટેના મોકળું  આકાશ હું છિનવી લેવાના મતનો નથી.”

કેતનને માહી માટે લાગણી રહી છે કે નહીં એ આ ક્ષણે તૃપ્તિ નક્કી કરી શકતી નહોતી.

કેતન કહેતો કે માહી એનીય દીકરી છે. એ માહીની સારામાં સારી ટ્રીટમેન્ટ પાછળ પૈસા ખરચવા તૈયાર તો હતો જ ને? પૈસા હશે તો બધુ શક્ય બનશે. એના મતે તો સિંગાપોર જેવી ડેવલપ જગ્યાએ માહી માટે શ્રેષ્ઠ ઉપચારની એ વ્યવસ્થા પણ કરશે. માત્ર થોડા સમય માટેની તો વાત છે. ચાર છ મહિનામાં ત્યાં બધી વ્યવસ્થા ગોઠવીને માહીને લઈ જવાશે.

દુનિયાદારીને દ્રષ્ટિએ એની વાત સાવ ખોટી નહોતી પણ તૃપ્તિના દિલને એ ક્યાં મંજૂર હતું. માહી હવે કેવો એનો પાલવ પકડી લેતી હતી! તૃપ્તિનું મન કેમ કરીને માહીને એકલી છોડીને જવા માટે તૈયાર નહોતું. એને આ ક્ષણે ‘લોહીની સગાઈ’ના મંગુ અને અમરતકાકી યાદ આવતા હતાં અને થથરી જતી.

“ત્યાં જઈને સેટલ થાવ, માહી માટે વ્યવસ્થા વિચારો પછી હું એને લઈને આવીશ. ત્યાં સુધી હું અહીં જ બરાબર છું.” અને તૃપ્તિ ત્યાંથી ખસી ગઈ.

કેતન સપનને લઈને જ્યાં વિસ્તરવાનો ઘણો અવકાશ હતો એવી  એક નવી વિશાળ દુનિયામાં ચાલ્યો ગયો.  પાછળ રહી ગઈ તૃપ્તિ અને માહીની એ નાનકડી બંધિયાર દુનિયા. એ જ ધીમી ગતિથી ખોડંગાતો સમય ખસતો રહ્યો.

****

ચાર વર્ષની માહી આજે ચૌદ વર્ષની થવાની છે. તૃપ્તિએ આજ સુધી એના તમામ જન્મદિન આ ફિઝિયોથેરેપી સેન્ટર અને મેન્ટલી-ફીઝીકલી ચેલેન્જ્ડ બાળકોની શાળામાં ઉજવ્યા છે. અહીંથી તો એ થોડી ઘણી જ્ઞાનની જ્યોત પામી છે. હાથ-પગમાં થોડું ઘણું કૌવત પામી છે. આમ તો જે દિવસે માહી કશુંક નવું કરી બેસતી એ દરેક દિવસ એના માટે એક બીજો જન્મદિન હતો.

હવે માહીની ઉંમર વધતી જાય છે એમ તૃપ્તિની શક્તિ ક્ષીણ થતી જાય છે. ચૌદ વર્ષે પહોંચેલી માહીનો શારીરિક વિકાસ પૂર્ણ વિકસિત યુવતિ જેટલો છે. માહીને વીલ ચેર વગર લઈ જવાતી નથી.

કેતને સિંગાપોર જઈને પાછું વાળીને જોયું નથી. હા, પૈસાની ખોટ તૃપ્તિને પડવા નથી દીધી. સતત સપનના પ્રોગ્રેસના સમાચાર એ આપતો રહે છે. ૨૧ વર્ષનો સપન ભણવા અમેરિકા પહોંચી ગયો છે. એને ખબર છે કે એને એક મમ્મી અને એક બહેન છે. પપ્પાની જેમ એ પણ લાગણીના તાણાવાણામાં બંધાઈને ક્યાંય અટકી જવાના મતનો નથી.

એમની રીતે એ સાચા છે તો પછી હું ખોટી છું? તૃપ્તિ વિચારતી.

આજ સુધી ઈશ્વરને જેના ક્ષેમ-કુશળ-મંગળની સતત પ્રાર્થના કરતી અને અવિરત એની સાધનામાં જ રત એવી તૃપ્તિ હવે ઈશ્વરને પ્રાર્થે છે, “ આ એક એવો છોડ છે જે માત્ર વધવાનો તો છે પણ મહોરવાનો નથી. આજ સુધી મારાથી શક્ય બન્યું એટલું મેં કર્યું છે અને કરતી રહીશ પણ જ્યારે મારા કાલની મને ખબર નથી ત્યારે એનું શું? કોણ એની આડશ બનીને એનું જતન કરશે? ઈશ્વર આજ સુધીની એની વ્યથા મેં જોઈ છે. કાલે હું નહીં હોઉ તો એ કોણ જોશે? હવે તો એનું જતન કરવા એને તારી પાંખમાં લે. મારી આટલી પ્રાર્થનાનો હે ઈશ્વર તુ સ્વીકાર કર”

Entry filed under: નવલિકા, Rajul.

૩૯ – સદાબહાર સૂર -અવિનાશ વ્યાસ ૪૦ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ


Blog Stats

  • 143,916 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 128 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

October 2020
M T W T F S S
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

Aksharnaad.com

અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

મારી બારી

દીપક ધોળકિયા

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: