૩૯ – સદાબહાર સૂર -અવિનાશ વ્યાસ
આમ તો વર્ષના બારે મહિનાના ત્રણસો પાંસઠ દિવસ એક નવી સવાર લઈને ઊગે અને કોઈ નવા રંગ રૂપે આથમે.
આજે વાત કરવી છે ઑક્ટોબરની. યુ.એસ.એ.માં ઑક્ટોબર મહિનો શરૂ થાય અને કુદરત જાણે કરવટ બદલે. અત્યાર સુધી ચારેકોર વેરાયેલી લીલીછમ જાજમથી માંડીને નજર પહોંચે ત્યાં સુધી દેખાતા આંખને ટાઢક આપતા અને દિલને શાતા આપતા લીલાછમ જાજરમાન વૃક્ષો એમનો મિજાજ બદલવા માંડે. આ મિજાજ એટલે કોઈ જાતના ગર્વની અહીં વાત નથી હોં. વાત છે પ્રકૃતિની. પ્રકૃતિએ ઈશ્વરે બક્ષેલી મહેરની.
એ સમયે યાદ આવતી હતી અવિનાશ વ્યાસની રચના,
લીલી લીલી ઓઢણી ઓઢી ધરતી ઝૂમે રૂમઝૂમ
ફૂલડાં ખીલ્યા ફૂલડાં પર ભવરાં બોલે ગુનગુન
નજર ઊંચી કરીને જોવા પડે એવા વૃક્ષો હજુ ગઈકાલે તો લીલાછમ હતા અને આજે? આજે નજર માંડી તો જાણે ગગનમાં ઊગેલા સૂર્યની કેસરી રંગની ઝાંય પોતાનામાં ઝીલી લીધી હોય એમ એની ટોચ પણ લાલાશ પડતા કેસરિયા રંગે રંગાઈ ચૂકી હતી.
આ તો માત્ર ઉડતી નજરે કરેલી તસવીરની આછી ઝલક છે. હાથમાં સ્મરણોનું આલબમ લઈને બેઠા હોઈએ અને એક પછી એક પાનુ ફેરવતા જઈએ અને જીવનના માધુર્યથી ભરેલી યાદો એક પછી ખૂલતી જાય એમ અમેરિકાના નોર્ધન ઈસ્ટ એટલેકે ઉત્તરપૂર્વીય તરફના રાજ્યોમાં જ્યાં જાવ ત્યાં નજર પહોંચે ત્યાં સુધી મોસમે બદલેલી કરવટનો નજારો દેખાય.
ઘરની બહાર નિકળીએ અને ઈશ્વરે સર્જેલા કોલાજના એક પછી એક અવનવા રંગો આપણી સમક્ષ ઉભરતા દેખાય. માનવીય સંદર્ભે વિચારીએ તો પાનખર એટલે ઢળતી ઉંમર પણ કુદરતની પાનખર અહીં સાવ અનોખા રંગ રૂપ ધારણ કરીને લહેરાતી જોવા મળે.
ઉંમર ઢળતી જાય એમ વ્યક્તિને એના જીવનના અલગ અલગ પડાવ, અલગ અલગ મનોદશાના ચિતાર નજર સામે આવે. એમાં ક્યાંક ફૂલગુલાબી યાદો હોય. જીવનમાં માણેલી શુભ ક્ષણોનો સરવાળોય હોય. એ સરવાળામાંથી મનને ભીની કરી જતી ભીનાશ પણ હોય તો ક્યાંક કશુંક ગુમાવ્યાની, વિમુક્ત થયેલા સ્વજનોની યાદોના રંગથી ઝાંખો થયેલો ઉદાસ કરી દે એવો ઘેરો કે ભૂખરા રંગનો ભૂતકાળ પણ હોય. આંખે આછા થતાં અજવાળામાં કદાચ ઉદાસીનતાના, એકલતાના ઉપસી આવેલા ઘેરા રંગો પણ હોય.
પણ અહીં તો કુદરતમાં કશું ગુમાવાની અથવા જે આજે છે એ કાલે નહીં હોય એની ક્યાંય વ્યથા નથી. અહીં તો આજે જે મળ્યું છે એ માણવાનો રાજીપો છે અને એ રાજીપો પાનખરના લાલ,પીળા, કેસરી, શ્યામ ગુલાબી, પર્પલ, કિરમજી, આછા ભૂખરા કે તપખીરિયા રંગોમાં છલકાતો દેખાય છે.
ઈશ્વર જેવો અદ્ભૂત કોઈ કલાકાર છે જ નહીં એવી સતત પ્રતીતિ કરાવતી રંગછટાનો અહીં વૈભવ દેખાય છે. ત્યારે એમ થાય છે કે ખરતા પાન પણ આવો વૈભવ પાથરી શકે? આજે જોયેલા લૂમીઝૂમી રહેલા લીલાછમ પાન બીજા દિવસની સવારે જોઈએ તો કેસરી કે લાલ દેખાય, વળી બીજા બે-ચાર દિવસે પીળા કે તપખીરિયા થઈને ખરી પડેલા દેખાય. આ ખરીને ધરતી પર વેરાયેલા પાનનો ઠાઠ પણ અનેરો. જે ખીલીને વાતાવરણને લીલુંછમ બનાવી દે એવા પાન ખરીને પણ ધરતીને લાલ, પીળા કે કેસરી રંગોથી સજાવી દે. આ ખરી પડેલા પાન જતાં જતાં પણ કશુંક આપીને જાય.
છે આપણી આવી તૈયારી? જેનો આરંભ છે એનો અંત છે એવી જે વાત કુદરત આપણને કહી જાય છે એ સમજવાની, સ્વીકારવાની તૈયારી છે આપણી? જે ઉગ્યુ છે એ આથમવાનું છે એ સ્વીકારવાની આપણી તૈયારી છે ખરી?
વાદળની આડશ પાછળ આશાના પ્રતીક સમી દેખાતી રૂપેરી કોર મનને ઉર્જિત રાખે છે એ વાત સાચી સાથે એ રૂપેરી કોરને કદાચ થોડા સમય પછી વાદળ પૂરેપૂરી એની આડશમાં લઈને ઢાંકી દે તો એ સહજભાવે સ્વીકારી લેવાની તૈયારી છે ખરી?
આજે પૂરબહારમાં ખીલેલી વસંત તો કાલે પાનખર જેવું આપણું જીવન છે. પાછળ નજર કરીને જોઈએ તો એવું લાગે કે એ પસાર થઈ ગયેલું જીવન હતું કે રાત્રે ઘેરી નિંદ્રામાં જોયલું શમણું? એવું લાગે કે જાણે સવાર પડશે અને એ શમણું વિખેરાઇ જશે. સ્મૃતિમાં રહી જશે કદાચ એ શમણાંની આછી યાદ. આપણી આ ક્ષણો તારલિયાની જેમ ઝગમગતી હશે તોયે એ આથમી જશે. જીવનમાં જે સુંદર છે એ સત્ય બની રહે તો તો સારું પણ જીવનના મેઘધનુષી રંગની સાથેના મેઘાડંબરની પાછળ શક્ય છે અંધકાર પણ હોય. આજે જે મળ્યું છે એ કાલે વિખેરાઈયે જાય. વિનાશનો વીંઝણો વાય તો જીવન ઉપવનમાં ડાળે ડાળે ખીલેલી ફૂલોની રંગત વેરાઈ પણ જાય, આ પ્રકૃતિની પાનખર તો ખરીને ખરા અર્થમાં વૈભવી, સમૃદ્ધ બની રહે છે.
ત્યારે યાદ આવે છે અવિનાશ વ્યાસની આ રચના.
“શમણું છે સંસાર, શમણું છે સંસાર
આથમી જાશે ડગમગતી ઓલી તારલિયાની હાર
મેઘધનુષના રંગે રમતી વર્ષા કેરી ધાર,
કોઈ ના જાણે વાદળ ઓથે છૂપાયો અંધાર
જીવન વનની ડાળે ડાળે ખીલી ફૂલની બહાર,
વિનાશનો વીંઝણલો વાશે તૂટશે તનનો તાર
શમણું છે સંસાર.
આપણે તો બસ શમણાંની જેમ સરી જતા જીવનને પ્રકૃતિની જેમ આથમતા પહેલાં, વિરમતાં પહેલાં સાર્થક કરી શકીએ એવું ઈશ્વર પાસે માંગીએ.
Entry filed under: સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ, Rajul.
Recent Comments