૩૮ – સદાબહાર સૂર – અવિનાશ વ્યાસ
સમય કપરો ચાલી રહ્યો છે. ચારેકોર અજાણ્યો, અદ્રશ્ય એવો એક આતંક ફેલાયેલો છે. ક્યાંય કોઈનાય વાંક ગુના વગર પણ એ ગમે ત્યારે ગમે તેને પોતાના ભરડામાં લેતો જાય છે. ગમે તેની પર એનો કાળ કોરડો વિંઝતો જાય છે અને સાવ અસહાય એવા આપણે કશું જ કરી શકતા નથી ત્યારે માત્ર અને માત્ર ઈશ્વર પર શ્રદ્ધા રાખીને એના હાથમાં આપણાં જીવતરનાં ગાડાંની રાશ સોંપીને, જીવતરને સાર્થક કરવાની નેમ રાખીને સમય પસાર કરવાનો છે ત્યારે અવિનાશ વ્યાસની એક રચના યાદ આવે છે.
તારા દુ:ખને ખંખેરી નાખ .. તારા સુખને વિખેરી નાખ
પાણીમાં કમળની થઈને પાંખ, જીવતરનું ગાડું હાંક ..
સંસારી રે … તારા રામનો ભરોસો તું રાખ ..
કેટલી સમજણપૂર્વ એ જીવન જીવી લેવાની વાત કરે છે? જન્મથી માંડીને માનવ સુખ અને દુઃખ વચ્ચે તાલમેલ મેળવવાનો પ્રયત્ન કરતાં કરતાં જીવતરનું ગાડું હંકારે જાય છે. ઈશ્વરે સૌના નસીબમાં એક સરખા સુખ કે દુઃખના પડાવો નિશ્ચિત નથી કર્યાં. શાસ્ત્રોની વાત સ્વીકારીએ તો એ આપણાં કર્મને આધિન અવસ્થાઓ છે. એ અવસ્થાઓ આ જન્મની હોઈ શકે અથવા પૂર્વજન્મની હોઈ શકે. જો કે પૂર્વજન્મ કે પૂર્વજન્મમાં કરેલા કર્મો વિશે તો આપણે કોઈ નિર્ણયાત્મક રીતે કહી શકીએ એમ નથી પણ આ જન્મના કર્મોને અનુરૂપ સંજોગો ઘડાતા હોય તો એ વર્તમાનમાં આપણાં દ્વારા થતાં કર્મો આપણાં હસ્તક છે પરંતુ એ પછીના ફળ સ્વરૂપે મળતા સંજોગો આપણાં હસ્તક નથી એટલે ત્યારે જેવો સમય આવે કે જે સંજોગો ઊભા થાય એને સ્વીકારી લેવાની તથસ્થતા કેળવી લેવાની અવિનાશ વ્યાસ વાત કરે છે. પાણીની વચ્ચે ખીલતા કમળની પાંદડીઓને પાણી સ્પર્શતું નથી એમ સુખ કે દુઃખ આપણા મનને સ્પર્શે નહી એવી અવસ્થા કેળવી લેવાની વાત છે. જળ કમળવત શબ્દ આજ સુધીમાં આપણે અનેકવાર સાંભળ્યો છે પણ સાચે એવી અવસ્થા આપણે કેળવી શક્યા છીએ ખરા? જેમ જળબિંદુઓ કમળની પાંદડીઓ પર પડવા છતાં તેને સ્પર્શતા નથી એવી અલિપ્તતાનો ભાવ કેળવવાની વાત અવિનાશ વ્યાસ કરે છે.
આશરે પાંચસો વર્ષ પહેલાં પણ નરસિંહ મહેતાએ આ જ વાત કહી,
“સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં
ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથના જડિયાં”
જે સુખ કે દુઃખ આપણા નસીબ સાથે જોડાઈને આવ્યું છે, રઘુનાથે જે નિશ્ચિત કર્યું છે એ થવાનું જ છે. એને કેમે કરીને ટાળી શકાય એમ ન હોય તો એ મન પર હાવી ન થાય એટલી સ્થિરતા કેળવવાની છે. એથી આગળ વધીને વિચારીએ તો રઘુનાથ એટલે કે રામને પણ ક્યાં ખબર હતી કે એમના માટે નિશ્ચિત થયેલા
રાજ્યાભિષેકના બદલે વનવાસનું નિર્માણ થશે?
“થવાનું ન થવાનું કહે નજૂમી કોણ એવો છે?
ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે?”
તો આ શેર માટીના માનવની શી વિસાત? એને પણ એના ભાવિમાં શું છે એની જાણ ક્યાં છે?
માનવ મન એવું છે કે ભાવિની વાત તો દૂર એને વર્તમાન સમયે, જ્યારે જે મળ્યું છે એમાં એને સંપૂર્ણ સંતોષ નથી હોતો. એને ક્યાંક કશુંક ઓછું પડે છે.
મઝાની વાત તો એ છે કે અત્યંત તેજસ્વી સંન્યાસીને જોઈને સંસારીને સંન્યાસ સારો લાગશે. એને સંસાર ત્યાગીને સંન્યાસી બનવાની ઇચ્છા જાગે તો શક્ય છે કે સંન્યસ્તનો અનુભવ લેતા સંન્યાસીને સંસારમાં પાછા વળવાની ઇચ્છા થાય. જે મળ્યું છે એનાથી કંઈક જુદુ અથવા હજુ કંઈક વધુ મેળવવાની લાલસા મનમાં સતત રહે છે ત્યારે અવિનાશ વ્યાસ કહે છે,
“માટીના રમકડા ઘડનારાએ એવા ઘડ્યા,
ઓછું પડે એને કાંકનું કાક…જીવતરનું ગાડું હાંક ..
સંસારી રે … તારા રામનો ભરોસો તું રાખ
તારા દુ:ખ ને ખંખેરી નાખ .. તારા સુખને વિખેરી નાખ.”
અવિનાશ વ્યાસ ક્યારેક માનવને રાખના રમકડાં કહે છે તો ક્યારેક માટીના રમકડાં કહે છે. માનવ માટીનું રમકડું હોય કે રાખનું પણ એને એના રામના ભરોસે જીવન જીવવાની વાત એ કરે છે. જીવનની આ ઘટમાળમાં માનવી અનેક સપના જોતો હોય. આ સપના એટલે રાત્રે ઊંઘમાં આવતાં સપના નહીં પણ ઉઘાડી આંખે જોયેલા સપનાની વાત છે અથવા એવું સપનું જે ઊંઘતા જગાડી દે. જીવનમાં કંઈક કરવાની, કંઈક પામવાના સપનાની આ વાત છે. સપના જોવા એ સફળતા તરફનું પ્રથમ પગલું છે. ગીતામાં કહ્યું છે એમ ફળની આશા રાખ્યા વગર આ સપનું સાકાર કરવાના સંનિષ્ઠતાપૂર્વક પ્રયાસો પણ કરવાના છે પણ જો એમાં સફળતા ન મળે તો એ જીરવી લેવાની અહીં વાત છે. શક્ય છે આપણે જે કંઈ ઇચ્છ્યું હોય કે ધાર્યું હોય એ ન મળે તો એમાં દુઃખી થવાના બદલે એના દુઃખને મન પરથી ખંખેરી નાખવાની અહીં વાત છે. શક્ય છે આપણે આદરેલા કાર્યોનો અંજામ ઈશ્વરે કંઈક જુદોય નિર્ધાર્યો હોય જેની આપણને જાણ ન હોય તો એનો વસવસો કરવાના બદલે ફરી એકવાર નહીં વારંવાર પ્રયાસ કરવાની હામ હોવી જોઈએ.
તારું ધાર્યું કઈ ના થતું, હરે કરે સો હોય,
ચકલા ચકલી બે માળો બાંધેને, પીંખી નાખે કોય
હે… ટાળ્યા ટળે નહીં લેખ લલાટે, એમાં કોનો વાંક ..?
..જીવતર નું ગાડું હાંક ..
સંસારી રે … તારા રામનો ભરોસો તું રાખ ..
તારા દુ:ખ ને ખંખેરી નાખ .. તારા સુખને વિખેરી નાખ.
જોવા જઈએ તો નરસિંહ મહેતા કે મીરાંબાઈએ અલગ અલગ રીતે પણ આ વાત જ કહી છે ..
મીરાંબાઈ કહે છે,
“રામ રાખે તેમ રહીએ ઓધવજી, આપણે ચીઠ્ઠીના ચાકર છૈએ ઓધવજી, રામ રાખે તેમ રહીએ”
આ સૌના શબ્દો અલગ છે આપણા સૌનો રામ એક જ છે તો બસ આપણે પણ અવિનાશ વ્યાસ કહે છે એમ રામનો ભરોસો રાખીને દુઃખને ખંખેરીને, સુખને વિખેરીને જીવતરનું ગાડું હંકારીએ.
Entry filed under: સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ, Rajul.
Recent Comments