Archive for September 21, 2020
૩૭ – સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ
આજે આપણે હથેળીમાં સમાઈ જતા નવી ટેક્નૉલોજિની દેન સમા મોબાઈલથી આખા વિશ્વ સાથે જોડાઈ શકીએ છીએ અને દેશ વિદેશ સુધી પ્રસરી શકીએ છીએ. થોડાક વર્ષો પહેલાં ક્યાં આ શક્ય હતું અને ત્યારે પણ અવિનાશ વ્યાસના ગીતો, ગરબા દેશ-વિદેશ સુધી પહોંચ્યા હતા. અવિનાશ વ્યાસ માટે એવું કહેવાય છે કે નાનપણથી જ એમને ગાવાનો શોખ હતો. મુંબઈ એક એવું શહેર છે જ્યાં આગળ વધવાની અનન્ય તકો મળી રહે. અવિનાશ વ્યાસે પણ મુંબઈની નેશનલ ગ્રામોફોન કંપની સાથે એક ગીત રેકોર્ડ કર્યું. ત્યારપછી આકાશવાણી પરથી તેમના ગીતો પ્રસારિત થવા માંડ્યા. અવિનાશ વ્યાસે મુંબઈમાં તેમના સૌ પ્રથમ નૃત્યરૂપક ‘જય સોમનાથ’નું સર્જન કર્યું. તેમણે લખેલા ગીત-ગરબાના સંગ્રહમાં મેંદીના પાન (૧૯૪૭) દૂધગંગા, (૧૯૪૮) સથવારો(૧૯૫૨)વર્તુળ વગેરે મુખ્ય છે.
ક્યારેક અનાયાસે એવી કોઈ માહિતી મળે જેને દસ્તાવેજી પુરાવાની જેમ સાચવી રાખવાની હોય. કહે છે કે પૂજ્ય સંત શ્રી શાંત્વનદાસજી મહારાજને અવિનાશ વ્યાસે કેટલાક પત્રો લખેલા જેમાં એમની આંતરિક યાત્રાની સમૃદ્ધિ છે. એમાં એમણે જીવ અને સદાશીવ વચ્ચેનો સેતૂ સાધ્યો છે અને જયશંકર સુંદરીના પુત્ર ડૉ. દિનકર ભોજકે એનું સંપાદન કર્યું છે. આ પુસ્તકમાં જુદા પ્રકારની છણાવટ કરવામાં આવી છે.
કહેવાય છે કે મા જગદંબા અને મા નર્મદા પર અવિનાશ વ્યાસની શ્રદ્ધા અખૂટ હતી. એનો ધ્વની આ એક પત્રમાં રજૂ થયો છે.
૧૧ /૭ / ૧૯૭૭નો પત્ર
પ્રેરણામૂર્તિ
ગુનેગાર લખે એમ લખું છું, કેટલીકવાર દેનાર અને લેનાર એમ બંને દોષિત હોય છે. અત્યારે હું જે પુરેપુરો પ્રવૃત્તિમય બની રહ્યો છું એનો જશ જગદંબા કે મા નર્મદાને હોય પણ હવેલીના સાતમા માળે પહોંચવા જેમ સોપાનની જરૂર પડે એમ અને હવામાં ઉડવા એરક્રાફ્ટની જરૂર પડે એમ પરમેશ્વરીનું સાનિધ્ય સાધવા શાંત્વનજીની જરૂર પડે છે. એમનું માધ્યમ જ કારણ બની શકે . રામચંદ્રજીને નૈયાના નાવિકે કહ્યું ” હે રામ તમે તો ભવસાગર પાર કરાવનાર ભગંવત છો. હું તમને નદી પાર ઉતારું કે તમે મને ભવ પાર ઉતારો ? આ બધી મૂંઝવણ આ પ્રકારની છે. હું તો એક ઊંટ જેવો છું. ગમે ત્યાં ભવરણમાં ભટકું પણ મ્હોં તો મારવાડ ભણી જ . મુંબઈ યાદ તો આવે જ. ગુંગળાઈ ગયો છું. અકળાઈ ગયો છું પણ ઘડપણને ભૂલવા પ્રવૃત્તિ જેવુ બીજું ઔષધ કયું હોઈ શકે . હવે જમીન પર ઉતરું?
આગળ લખે છે કે——–
આંખ અવાચક, જીભ આંધળી, કામ કોઈનું કોઈ કરે, આવ્યા સપના આંખ સંઘરે, ઓછું એ જીભથી નિસરે? આંખને જીભ નથી, આંખ અવાચક, બોલી શકતી નથી, જીભ આંધળી દેખી શકતી નથી, સપના આંખને આવે છે, ને વર્ણન કરે છે જીભ, કદાચ જો આંખ બોલી શકતી હોત તો કેવું સારું? પ્રતીક્ષા પણ એક મનગમતી શિક્ષા છે. વિયોગ પછીનો સંયોગ એવો બીજો આનંદ કયો?
કવિતા લખવાની એક મઝા છે , લખાતી કવિતાઓનું એક સંગીત હોય છે જે કવિતાના શબ્દો કવિના કાલાઘેલા શબ્દોનું આસામી છે પરંતુ લખાઈ ગયા પછી કવિના શબ્દોમાં કાવ્ય પ્રગટે છે. એનું સંગીત કવિના લયમાં ખોવાઈ જાય છે પણ સાચા સંગીતકારને એ અનાયાસે જડી જાય છે.
આવા પુસ્તકો સમય જતાં દસ્તાવેજી પુરાવા બની રહે છે. આવો જ દસ્તાવેજી પુરાવા જેવો એક પત્ર શ્રી રજનીકુમાર પંડ્યાના સૌજન્યથી મળ્યો છે એ પ્રસ્તુત છે. આ પત્રમાં ‘દૂધગંગા’ પછી ‘સથવારો’ અંગે અવિનાશ વ્યાસના ભીતરની વાત એમના શબ્દોમાં રજૂ થઈ છે.
પ્રસ્તુત છે અવિનાશ વ્યાસ લિખિત પત્ર..
“દૂધગંગા પછી મ્હારા નવનીત ગીત અને સંગીતકમનો ‘સથવારો’ લઈને દોડ્યો આવતો હતો, ત્યાં ઠેસ વાગી. યુરોપ જવાની ઉતાવળમાં, થોડાંક રહી ગયેલાં વધારે ગીત અને સ્વરદર્શનથી શણગારવો હતો એટલો ‘સથવારા’ને શણગારી શકાયો નથી. દૂધગંગાના પ્રકાશ પ્રસંગે ઝંખેલી “ઝંખના” પછી થોડાંક વર્ષોનો નાનકડો ગાળો ગુજરી ગયો. એ દરમ્યાન મારી ઝંખેલી ઝંખનાની ઝોળીમાં ઘણું પડ્યું છે અને ઘણું ઘણું નથી પડ્યું. મ્હારું મન કહે છે કે આછા પાતળા અંધકારમાંયે ગુજરાતને જરૂર કોઈ દિશા જડી છે.
ગુજરાત ગાવા માંડ્યું છે એવો ગર્વ આપણે નહીં અનુભવીએ તો યે ગુજરાત ગુંજવા માંડ્યુ છે એવો સંતોષ સર્વત્ર દેખાય છે ખરો. મણિપુરી, ભરતનાટ્યમ્ કથ્થક કે કથકલી, નોખી નોખી આ નૃત્યની નિશાળનું ગુજરાત નિષ્ણાત નહીં બન્યું હોય પણ જુદાં જુદાં ઝાંઝરનાં રણકારમાં કોનું કયું ઘરેણું છે, એનું પારખું ગુજરાતને જરૂર થતું જાય છે. કુંજનથી કલ્લોલતી કોયલ સરખી નવનીત કવિતાની કેડી ગુજરાતે લાધી છે.
પહોંચવા ધારેલું પેલું પૂર્ણવિરામ દૂર રહ્યું છે તો યે ગુજરાતને ગીત જડ્યું છે. આટલું ઓછું નથી, હોં.
છેલ્લી ઘડીયે / અવિનાશ વ્યાસ
તારીખ ૧૬ -૬- ૫૨
લંડન..
ગુજરાતને જડેલા આ ગીતોમાંથી બાર હજાર ગીતો તો માત્ર યુગપ્રવર્તક ગીતકાર-સંગીતકાર શ્રી અવિનાશ વ્યાસના છે. એમાનું એક ગીત આજે અહીં..
હરિ હળવે હળવે હંકારે, મારુ ગાડું ભરેલ ભારે…
મેં તો લગામ દીધી હાથ હરિને,
હરિ ચાહે તો પાર ઉતારે..
દેવની ડેલી દૂર નથી, કઈ કરણી કરેલ કહી દે
ને વધ્યું ઘટ્યું કંઈ પુણ્ય હોય તો પંડને કાજે દઈ દે
સતનામ જેવી કોઈ મૂડી નથી કે જે આવે હારે હારે….
હરિ હળવે હળવે હંકારે, મારુ ગાડું ભરેલ ભારે…
Recent Comments