૩૬ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ
September 14, 2020 at 7:07 am 1 comment
આ આદિ-અંતની સંતાકૂકડીમાં હું જેની સાથે આથડું,
આજ મારા શબદનો શણગાર થાતું લાકડું,
પ્રાણ, પ્રકૃતિ, પરમતત્વ-પરમેશ્વર, પતિ-પત્ની, પ્રિયા-પ્રિયતમ…. જ્યાં જીવ છે, જ્યાં ચેતના છે અને જે ચેતનમય છે એવા દરેકને સૌ કવિઓએ, ગીતકારોએ પોતાના શબ્દોમાં વણ્યા છે, જાણે શબ્દો થકી સજાવ્યા છે પણ આ લાકડું? સજીવ સંબંધોને સૌએ સંગીતમાં સજાવ્યા છે ત્યારે એક સવાલ થાય કે જે ચેતનવંતુ છે એનામાં તો કદાચેય સંગીતનો સૂર સંભળાય પણ જે જડ છે એને શબ્દો થકી સજીવ કરી શકાય?
અવિનાશ વ્યાસે સાવ નિર્જીવ એવા પદાર્થને પણ એમના શબદથી શણગાર્યું છે. અહીં વાત છે લાકડાની એવા લાકડાની જે માનવ અસ્તિત્વના આદિથી એના અંત સુધી સતત એની સાથે જોડાયેલું છે અને તેમ છતાં ક્યારેય નોંધ સુદ્ધા આપણે નથી લેતા એવું આ લાકડું ક્યારેય કોઈનું લાડકું તો નથી જ બન્યું.
આજે આ આપણા જન્મથી માંડીને મરણ સુધીના સતત એવી સાથીદારને અવિનાશ વ્યાસે એમના શબ્દોમાં રજૂ કર્યા છે એની વાત કરવી છે.
માને ખોળે પડી આંખ ઉઘડી આંખ સામે જે ખડું,
પ્રથમ પગથિયે જાત ઝુલાવે ઘોડિયું તે લાકડું
આજના સમયની પેઢીને કદાચ આ ગીત, આ વાત જરા અસંગત લાગે કારણકે સમય બદલાયો એમ આપણી આસપાસનું વાતાવરણ, આસપાસની સગવડો બદલાઈ, સગવડો આપતા ઉપકરણો બદલાયા પણ જે સમયે આ ગીત લખાયું હશે ત્યારે આ લાકડું જાણે જીવનપર્યંતનું જોડીદાર હતું.
નવ મહિના માતાના ગર્ભમાં રહ્યા પછી બહારની દુનિયામાં માતાના ખોળા જેવી હૂંફ આપે એ લાકડાના ઘોડિયાના બે છેડાની જોડે બાંધેલા કપડાના ખોયામાં બાળક કેવું નિરાંત ભાવે ઉંઘતું હોય એ આપણી પેઢીએ તો જોયું છે અને એટલે જ અવિનાશ વ્યાસ એમના શબ્દોમાં એને શણગારે એ ઉચિત છે.
પેસિફાય.. એટલે જે શાંત કરે, સાંત્વન આપે એના પરથી આવ્યું પેસિફાયર…નાનકડું બાળક ભૂખ-તરસથી રડતું હોય ત્યારે એક પેસિફાયર કહો કે સકિંગ ટૉય એને આપે એ આજની પેઢીએ જોયું છે. સમય હતો ત્યારે બાળકને માતાની હાજરી ન હોય ત્યારે એની અવેજી-પ્રૉક્સિ તરીકે શાંત રાખવા આપવામાં આવે એ ધાવણી. ઘોડિયું હોય કે ધાવણી એ તત્ક્ષણ પુરતી માતાની ગરજ સારે અને એ બંનેય લાકડાના, કમાલની વાત છે ને? માતાના હાથની કુમાશ, એની ગોદની હૂંફની ખોટ પણ પૂરે આ લાકડું કે એના વહેતા અમૃતની ધારની અવેજીમાં પણ આ લાકડું બાળકને ઘડી-બેઘડી રાહત આપે.
બાળપણમાં ભુખના દુઃખે રડતું મનનું માંકડું,
ત્યારે ધાવણીના રૂપમાં માડી મુખમાં મૂકે લાકડું.
કોઈ નિર્જીવ, સંવેદનારહિત તત્વમાં પણ સંવેદનાઓને સાચવી લેવાની તાકાત છે ખરી અને આ તાકાતને શબ્દોમાં ઓળખાવી અવિનાશ વ્યાસે.
એ પછી આવે ઠેલણગાડી… માતા કે પિતા હાથ પકડીને ચાલતા શીખવે પણ હંમેશ એ પકડેલો હાથ સાથે ન હોય ત્યારે કામ આપે ઠેલણગાડી. કેટલા વિશ્વાસ સાથે આ ઠેલણગાડીના ટેકે બાળક ઊભું થતાં કે ડગ માંડતા શીખે છે અને ઠેલણગાડીના સહારે ઊભેલા કે આગળ વધતા બાળકને જોઈને મા-બાપ પણ નિશ્ચિંત !
પા પા પગલી ભરતાં ભરતાં ઘડી ચાલું ને ઘડી પડું,
કેમ ચાલવું જગમાં શીખવે ઠેલણગાડી લાકડું……..
કંકુ શ્રીફળ માણેકસ્તંભ માંડવો, ચતુરપંખનું પાંદડું,
કહેશે ક્યારે કોની સાથે નથી સંકળાયું લાકડું……
ઓશિયાળા એંશીં વર્ષે જ્યારે અંગ બને છે વાંકડું,
ઘડપણનો સથવારો હાથે લાકડીએ લાકડું……
સંગ સુનારી નારી અહીં રહી રડતી કેવળ રાંકડું
સંગ સુતું ચિતાની સાથે ભવભવનો સાથી લાકડું…..
જન્મ કે મરણ, અવસર કે અનવસર, ટાણું કે કટાણું… દરેક સમયે આપણે ઈચ્છીએ આપણી પાસે કોઈને કોઈનો સાથ હોય પણ જ્યારે માણસ માણસની સાથે નથી રહી શકતો ત્યારે પણ આ લાકડું તો કોઈપણ સ્વરૂપે હાજર જ.
જીવનનો એક નવો અધ્યાય શરૂ થાય લગ્નથી ત્યાં પણ સૌ પહેલાં માણેકથંભ રોપાય. સપ્તપદીના ફેરા લેતાં જીવનભર સાથ નિભાવાના કોલ અપાય પણ એ કોલ આપનારનો સાથ છૂટી જાય ત્યારે ય ઘડપણની સાથી પણ લાકડી જેના સહારે લડખડતી કાયાને ટેકો મળી જાય. વળી અંતિમ પ્રયાણ સમયે પણ જે આપણો ભાર વહે છે એ નનામીય લાકડાની અને અંતે આ પાર્થિવ શરીરને પણ લાકડાની ચિતાનો જ સાથ.
ઘોડિયાથી માંડીને ઠેલણગાડી હોય કે માણેકસ્તંભ અરે! ઘડપણની સાથી લાકડીને આજ સુધી અનેક રંગ રૂપે, સરસ રીતે શણગારેલી જોઈ પણ આજ સુધી આટલી અને આવી રીતે શબ્દથી લાકડાને શણગારેલું ક્યાંય જોયું જાણ્યું નથી.
ગીતની પંક્તિના અંતે લાકડું સાથે આથડું, વાંકડું, માંકડું, પાંદડું, રાંકડું જેવા અત્યાંનુપ્રાસથી લય, તાલમેલ સચવાયો છે એ આ ગીતની ખૂબી છે.
એક સરસ વાત આજે વાંચી. સંગીત શું છે?
સંગીતમાંથી ‘ત’ દૂર થાય તો રહે ‘સંગી’. સંગી એટલે મિત્ર
સંગીતમાંથી ‘ગી’ દૂર થાય તો રહે સંત.
‘સ’ દૂર કરીએ તો રહે ‘ગીત’… સારા અને સંત એવા મિત્રનો સંગ છે તો જીવનમાં ગીતની વસંત છે. જીવનમાં સંગીત છે.
અવિનાશ વ્યાસે આ ગીતમાં આપણા જીવનમાં આદિથી અંત સુધીમાં અનેકવિધ સ્વરૂપે સંગી બનેલા, જીવનમાં કૂંપળ ફૂટ્યાની વેળાથી માંડીને જીવનની વસંત, પ્રખર તાપ, વર્ષા અને પાનખરના દરેક પડાવે મોજૂદ એવા એક નિર્જીવ તત્વના અસ્તિત્વને શબદના શણગાર થકી ઉજાગર કર્યું છે.
આ આદિ-અંતની સંતાકૂકડીમાં હું જેની સાથે આથડું,
આજ મારા શબદનો શણગાર થાતું લાકડું,
Entry filed under: સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ, Rajul.
1.
readsetu | October 6, 2020 at 5:51 am
આ ગીત બહુ ગમ્યુ. સરસ શોધી લાવ્યા.
LikeLike