Archive for September 7, 2020
૩૫ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ
અવિનાશ વ્યાસ માટે એવું કહેવાય છે કે એમના ભજનો એટલે શબ્દની આંખે અને સ્વરની પાંખે આતમને જગાડતા ભજનો.
એક સુગમ સંગીતના કાર્યક્રમમાં અવિનાશ વ્યાસ માટે કહેવાયેલી વાત આજે યાદ આવે છે, “ માણસ જ્યારે ભીતરથી શાંત અને સભર હોય ને ત્યારે બહાર એ કોલાહલ , દેકારો , કે ખળભળાટ ઓછો કરશે..”
અવિનાશ વ્યાસ પણ કદાચ એટલે જ આટલા શાંત હતા કારણકે એ અંદરથી સભર હતા. અવિનાશ વ્યાસના ભજનોમાં આ બળ છે જે આપણને અંદરથી સભર અને શાંત કરે છે.
અંદર સભર હોવું એટલે અપેક્ષારહિત હોવું. જે અંદરથી સભર અને અપેક્ષારહિત છે એ સ્વકેંન્દ્રી ન રહેતાં સર્વકેન્દ્રી બની રહે. જેના મનમાં સર્વ માટેનો ભાવ છે એમના માટે પરજન પણ સ્વજન સમા.. એવો આપણે સીધો સાદો અર્થ કરીએ તો એ વાત પણ અવિનાશ વ્યાસ માટે કરી શકાય.
અવિનાશ વ્યાસ માત્ર ગીતકાર કે સંગીતકાર તરીકે નહીં, માનવી તરીકે કેવા હતા એની વાત કરતાં ગુજરાતી ફિલ્મોના સિનિયર ગીતકાર કેશવ રાઠોડે પોતાનો અનુભવ વર્ણવ્યો છે એ કહે છે કે, ‘એક ફિલ્મનાં ગીતો હું લખતો હતો. મારા પરિવારમાં એક નિધન થતાં મારે ત્યાં દોડવું પડયું. ફિલ્મનું એક ગીત અવિનાશભાઇએ રચીને રેકોર્ડ કરાવી લીધું. મહેનતાણાની વાત આવી ત્યારે એમણે પ્રોડયુસરને કહી દીધું કે કેશવ રાઠોડ આ ફિલ્મના ગીતકાર છે. મહેનતાણું એમને આપી દો…”
ક્યારે કોઈ આવું કહી કે કરી શકે ? મનમાં કશે પહોંચી જવાની કે કંઇક પામવાની લાલસા ન હોય કે કોઈ સ્પર્ધા કે અપેક્ષાના ભાવ ન હોય ત્યારે જ ને?
સ્વભાવની આવી સરળતા હોય ત્યારે જ ભગવાનનું નામ આસાનાથી હૈયે આવે. આજે અવિનાશ વ્યાસના એવા ગીતો જેને આપણે ભજનની કક્ષાએ મુકી શકીએ એવા ગીતોની વાત કરવી છે.
અવિનાશ વ્યાસના ભજનોમાં એવું બળ છે જે આપણને અંદરથી, અંતરથી શાંત અને સભર કરી દે. આગળ કહ્યું તેમ અન્યની જેમ અવિનાશ વ્યાસને ભજનિકોની કક્ષાએ મુકી શકાય કે કેમ એ એક સવાલ છે પરંતુ એમના ભજનો સાંભળીએ તો એ આપણો આત્મા જાગ્રત તો જરૂર થાય છે જ.
સામાન્ય રીતે ભજનો માટે એવું કહેવાય છે કે ભજનો કે ભગવાનનું નામ આત્માનો ઉદ્ધાર કરે એ પહેલાં આત્માને ઉદ્ધાર માટે સજ્જ કરે છે. અવિનાશ વ્યાસના ભજનો આપણા ભીતરના આત્માની ચેતના જાગ્રત કરતાં ભજનો છે. પણ જ્યારે આપણા ભીતરના ભેરુ જેવો આત્મા જ ખોવાયો હોય ત્યારે શુ?
આડી-અવળી ચાલી જતી ડગર પર કોઈ એક તો ભોમિયો છે જે આપણને આ ભવાટવીમાં ભૂલા નહીં પડવા દે એવી નિશ્ચિંતતાથી ચાલ્યા જતા હોઈએ અને અચાનક એવું લાગે કે જેના ભરોસે આગળ વધી રહ્યા હતા એ જ મારગને ચીંધનારો ક્યાંક અટવાયો છે ત્યારે ? આપણા જીવનપથનો સાચો માર્ગદર્શક છે આપણો આત્મા પણ ક્યારેક મૂંઝાય કે અટવાય ત્યારે ?
ત્યારે અવિનાશ વ્યાસના આ શબ્દો યાદ આવે….…
“ભીતરનો ભેરુ મારો આતમો ખોવાયો,
મારગનો ચીંધનારો ભોમિયો ખોવાયો રે,
વાટે વિસામો લેતા જોયો હોય તો કહેજો …
આમ તો ઈશ્વરને કોણે જોયા છે? એ એક અદીઠ તત્વ અને તેમ છતાં આપણે એનામય થઈ શકીએ છીએ. એને જોતાં નથી તેમ છતાં એની હાજરી, એનું અસ્તિત્વ છે એમ સ્વીકારી શકીએ છીએ. એનું કારણ આપણી એના પરની શ્રદ્ધા પણ ક્યારેક એવું બને કે જાણે આપણી અંદરથી એક જાતનો ખાલીપો સર્જાય. આપણી ચેતામાં જાણે કોઈ શૂન્યાવકાશ સર્જયો હોય એવું લાગે. કોઈ સૂઝબૂઝ કામે ન લાગે એવી સ્થિતિમાં અવિનાશ વ્યાસના આ શબ્દો, આ રચના આપણા માટે જ લખાઈ હોય એવી અનુભૂતિ થાય.
એ કહે છે,
એના રે વિના મારી કાયા છે પાંગળી,
આંખ છતાંય મારી આંખો છે આંધળી,
મારા રે સરવરિયાનો હંસલો રીસાયો રે
સરવરમાં તરતો કોઈએ જોયો હોય તો કહેજો…
પા પા પગલી માંડતું બાળકને જેની આંગળી ઝાલીને ચાલતા શીખે ત્યારે એ અણસમજુ બાળકને પણ અંદરથી એક વિશ્વાસ હોય કે જે મારો હાથ ઝાલીને દોરે છે એ મને પડતા પહેલાં સાચવી લેશે. એવા જ અનન્ય વિશ્વાસ સાથે આપણે ઈશ્વર સાથે જોડાયેલા હોઈએ છે. એ છે તો આપણી અંદરનું, આપણી આસપાસનું વિશ્વ સલામત છે પણ કોઈ એવી કાચી ક્ષણે ઈશ્વર પરની અપાર શ્રદ્ધા હોવા છતાં ક્યારેક આપણે ભીતરથી ડગમગી જતા હોઈએ એવી લાગણી થાય. અચાનક આપણે અનુભવીએ કે જાણે આપણા ભીતરી વિશ્વને, આપણા આત્માને ઈશ્વરની સાથે આપણને, જોડી રાખતો સેતુ તુટ્યો છે. દિશાસૂચક દિવાદાંડી ભલે દૂર છે પણ એ છે ત્યાં સુધી આપણે સાચી દિશાએ જઈ રહ્યા છીએ એવા વિશ્વાસ સાથે સફર આદરી હોય અને ઘેરા ધુમ્મસ આડે એ દિવાદાંડી જ ન દેખાય તો કેવી કપરી દશામાં આપણે ફંગોળાઈ ગયા હોય એવો ભય જાગે. એવી રીતે આ ભવસાગરની સફરમાં આત્માને ઉજાસ આપતી દીવાની શગ જેવી ઈશ્વર પરની શ્રદ્ધા આડે મનમાં અવઢવની જે આંધી ઉમટે અને ક્યારેક નિસહાયતા અનુભવાય. બ્રહ્માંડમાં સૌથી વધુ તાકાતવર ઈશ્વરીય શક્તિ પછીની શક્તિ છે આપણું મન , આપણો આત્મા. ઈશ્વર સાથે સૂર સાધતો આત્મારૂપી તાર-લય તૂટે અને આખી સૂરાવલી જાણે છૂટી જાય અને પ્રલય જેવી આંધી ઉમટી હોય એમાં સઘળું ડામાડોળ થઈ જાય.
તનડું રુધાણું મારું, મનડું રુંધાણું,
તાર તૂટ્યો રે અધવચ ભજન નંદવાણું,
કપરી આંધીમાં મારો દીવડો ઝડપાયો રે,
આખો સળગતો કોઈએ જોયો હોય તો કહેજો…..
શક્ય છે આ ભાવ, આ અનુભૂતિ આપણા જીવનમાં પણ ક્યારેક સંભવી હોય ફક્ત એ વ્યક્ત કરવા માટે આપણી પાસે શબ્દો નહીં હોય જે અહીં અવિનાશ વ્યાસ પાસે છે.
Recent Comments