૩૩ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ
આમ તો આજે થઈ ૨૪ ઓગસ્ટ…તારીખ વાર બદલાતા જાય એમ ઘરમાં કૅલેન્ડરના પાના પણ ફેરવાતા જાય અને આપણે એક નવા દિવસની શરૂઆત કરવા સજ્જ થઈએ. ગઈકાલ ભૂતકાળ બનીને સ્મરણરૂપે અંકિત થઈ જાય. આ સ્મરણો વહાલા હોય કે વસમા પણ બંને રીતે આપણા મન પર એની અંકિત થયેલી છાપ તો રહી જાય.
આવી આપણા મન પર અંકિત થયેલી યાદ ફરી એકવાર આ ૨૦ ઓગસ્ટના દિવસે સળવળી. ૨૦ ઓગસ્ટ એટલે ગુજરાતી સુગમ સંગીતને એક નવા આયામ સુધી લઈ જનાર અવિનાશ વ્યાસની પુણ્યતિથિ.
આજથી પાંચ વર્ષ પહેલાં એટલે કે ૨૦૧૫ની ૨૦મી ઓગસ્ટે સૌના લોકલાડીલા અને અતિ ખ્યાતનામ ગીતકાર-સંગીતકાર અવિનાશ વ્યાસે લખેલા સાત ગરબાઓનું આલ્બમ “તાળીમાં કંકુ વેરાય”નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ આલ્બમના તમામ ગરબાઓ આશા ભોંસલેએ ગાયા છે. અવિનાશ વ્યાસ માટે આશા ભોંસલે જેવી અનેક પ્રખ્યાત વ્યક્તિઓ અત્યંત સન્માન ધરાવતા હતા એ વાત જાણીતી છે.
આટ-આટલા માન સન્માન પછી કોઈ વ્યક્તિ આપખુદ બનતી જાય. એનામાં આપખુદી આવતી જાય પરંતુ એવું લાગે છે અહીં વાત જરા જુદી છે. અવિનાશ વ્યાસની ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અનન્ય હશે એવું એમની અનેક રચનાઓ પરથી અનુભવાય છે. જ્યારે જે મળ્યું એ ઈશ્વરની ઇચ્છાનુસાર છે, ઈશ્વરે નિર્ધારેલું છે માટે એ યથાયોગ્ય જ હોય એવી એમની સ્વીકૃતિ, એવી ભાવના એમના ભજનો કે ગીતોમાં વર્તાય છે.
એ કહે છે,
“મારા રામના રખવાળા ઓછા હોય નહીં,
એના ધોયેલા ધોવણમાં ધાબા હોય નહીં.
રામના રખવાળા પર જેને અપાર શ્રદ્ધા હોય, અગમનિગમની વાણી પર ભરોસો હોય, ઈશ્વરે આપેલી એંધાણીના અણસારા પારખવા જેટલી જાગૃતિ હોય એને વળી આવતીકાલની શું ચિંતા?
એનુ ઢોલ અગમથી વાગે, અગમ-નિગમની વાણી ભાખે
એજી એના આંખ્યુંના અણસારા ધોખા હોય નહિ
કાયા જ્યારે કરવટ બદલે, પરખાયે એ પગલે પગલે
એજી એની જ્યોતિ ઝબકારા ઓછા હોય નહિ
ઈશ્વર પર જેને સંપૂર્ણ શ્રદ્ધા છે, જેનામાં એના રામ પ્રત્યે સંપૂર્ણ સમર્પણની ભાવના હોય એ જ ઈશ્વરે નિર્ધારેલા માર્ગ પર નિશ્ચિંત થઈને ચાલી શકે છે. મીરાંબાઈ પણ એમ જ જીવ્યા હતા…
રામ રાખે તેમ રહીએ ઓધવજી
આપણે ચીઠ્ઠીના ચાકર છૈએ ઓધવજી
આશરે ૧૫મી સદીમાં કહેલી મીરાંબાઈની વાત ઘણા વર્ષો પછી એવા જ ભાવ આપણા ગીતકાર અવિનાશ વ્યાસના શબ્દોમાં પડઘાય છે ત્યારે એમ થાય કે ફક્ત સમયનું જ અંતર છે બાકી આ બે પેઢીના ભાવોમાં અનેરું સામ્ય હતું. રામ નામમાં રહેલી એમની શ્રદ્ધાએ એમને વિચારો, ભાવનાની એક સમાન સપાટીએ લાવીને મુક્યા હતા.
સુખ દુ:ખના તડકા છાયા, માયામાં મૂંઝાતી કાયા
એજી એના પાપણનાં પલકારા ઓછા હોય નહિ .
મારા રામના રખવાળા ઓછા હોય નહીં…
રામ પરની અવિનાશ વ્યાસની શ્રદ્ધા અડોલ હોવા છતાં એ મનથી એકદમ તટસ્થ છે. દિલ અને દિમાગમાં વિચારોની સરવાણી જો અલગ રીતે વહેતી હોય તો વ્યક્ત કરવામાં એ એકદમ સ્પષ્ટ છે.
સદીઓથી આપણા આ પુરુષપ્રધાન સમાજમાં સઘળું પુરુષની દ્રષ્ટિએ તોળાય છે. પુરુષ જે કહે, જે કરે એ જ સત્ય એમ માનીને સ્વીકારી લેવાની માનસિકતા ત્યારે પણ હતી અને આજે પણ વધતા-ઓછા અંશે એમ અકબંધ છે ત્યારે અવિનાશ વ્યાસ કહે છે કે રામ ભલે ભગવાન તરીકે પૂજ્ય હશે પણ એક પતિ તરીકે તો ઊણા ઉતર્યા છે અને એ વાત એમણે ડંકાની ચોટ પર કહી છે.
રામ …..
દયાના સાગર થઈને કૃપા રે નિધાન થઈને,
છોને ભગવાન કહેવરાવો
પણ રામ તમે સીતાની તોલે ન આવો..
એક બાજુ એમ કહેવાય છે કે ‘યત્ર નાર્યેસ્તુ પૂજયન્તે, રમન્તે તત્ર દેવતા…જ્યાં નારીને પૂજનીય ગણવામાં આવે ત્યાં દેવતાનો વાસ હોય અને તેમ છતાં આ દેવ તરીકે પૂજાતા રામે સીતાનો ત્યાગ કર્યો? અને માટે જ ભલે …..
સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે
ફૂલ ને ચંદનથી છો પૂજાઓ પણ
રામ તમે સીતાની તોલે તો ન જ આવો.
એક બાજુ જો પતિને પરમેશ્વર માનવામાં આવે છે તો જે પરમેશ્વર પત્નીના સતને પારખી ન શક્યા અને એક અદના આદમીની વાત માત્રથી જેણે ચૌદ વરસ એમની સાથે વનવાસ વેઠ્યો એવા સીતાની અગ્નિ પરીક્ષા લેવા તૈયાર થઈ ગયા એ યોગ્ય કહેવાય?
કાચા રે કાન તમે ક્યાંના ભગવાન
તમે અગ્નિ પરીક્ષા કોની કીધી
તારો પડછાયો થઇ જઇ ને
વગડો રે વેઠ્યો એને લોકોની વાતે ત્યાગી દીધી
પતિ થઇને પત્નીને પારખતાં ન આવડી
છો ને ઘટઘટના જ્ઞાતા થઇ ફુલાઓ
પણ મારા રામ તમે સીતાની તોલે ન આવો.
વિચારોની ભિન્નતા હંમેશા રહેવાની જ. જેમને રામ તરફ માત્ર શ્રદ્ધા જ છે એ તો રામે કર્યું એ સાચુ એમ આજેય માને છે. થોડા દિવસ પછી વિજ્યાદશમી આવશે. ઠેર ઠેર રામનો જય જયકાર થશે અને રાવણના પૂતળા બળશે પણ એવી ભક્તિને , એવા ભક્તો માટે અવિનાશ વ્યાસ એક સવાલ કરે છે કે ભલે તમે રામને વિજયી કહેવડાવો. પણ શસ્ત્ર ઉપાડ્યા વગર માત્ર પોતાના સ્ત્રીત્વના બળે સીતાએ રાવણમાં રહેલા પુરુષને હંફાવ્યો, રાવણમાં રહેલા દૈત્યને જે રીતે હરાવ્યો એવા રાવણને માર્યો એમાં રામે કયું પરાક્રમ કર્યુ?
તમથીયે પહેલા અશોક વનમાં
સીતાજીએ રાવણને હરાવ્યો
દૈત્યોના બીચમાં નિરાધાર નારી તોયે
દશ માથાવાળો ત્યાં ના ફાવ્યો
મરેલાને માર્યો તેમાં કર્યું શું પરાક્રમ
અમથો વિજયનો લૂટ્યો લ્હાવો … મારા રામ તમે.
રામને, રામમાં રહેલા દૈવત્યને ભજવું એ વાત સાચી પણ સાથે એમના સીતા સાથેના વ્યહવારથી મનને જે પીડા પહોંચી છે એને આવી નિર્ભિકતાથી વ્યકત અવિનાશ વ્યાસ જ કરી શકે.
ત્રાજવાનું પલ્લુ એકપણ તરફ ન નમે એવી તટસ્થતા રાખીને જે સારું છે એને સરસ કહેવું અને યોગ્ય હોય ત્યાં સત્યને ઉજાગર કરવું એ અવિનાશ વ્યાસે આપણને શીખવ્યું છે.
Entry filed under: Rajul.
Recent Comments