૩૨ – સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-
સમય હશે ૨૦૧૩નો…ત્યારે અખબારમાં એક સમાચાર પ્રગટ થયા હતા.
જાણીતા ગીતકાર સંગીતકાર અવિનાશ વ્યાસની ૧૦૧મી જન્મજયંતી અને ૨૯મી પુણ્યતિથી નિમિત્તે ગુજરાત રાજ્ય સંગીત નૃત્ય નાટક અકાદમી અને શહેરની સંસ્થા ગાથા દ્વારા સી.સી. મહેતા ઓડિટોરિયમ ખાતે અવિનાશી અવિનાશ કાર્યક્રમ યોજાયો હતો. રવિવારે રાત્રે યોજાયેલા આ કાર્યક્રમમાં અવિનાશ વ્યાસના ગીતોની રજુઆત દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
આ પ્રસંગે પુરૂષોત્તમ ઉપાધ્યાયે કહ્યું હતું કે, “અવિનાશ વ્યાસે લખેલા ગીતો ફકત ગીતો જ નહી, પરંતુ તેમના જીવનની કહાની બયાઁ કરે છે. જેમાં તેમની અનેક રાતોના ઉજાગરા અને વર્ષોની મહેનત હતી. એમના શબ્દોના પ્રાસ અને લેખની એટલી મજબૂત કે જે વિષય પરનું ગીત હોય તેનો અનુભવ કરાવે જ !”
આજે આ વાત યાદ આવી કારણકે આજે થઈ ૧૭ ઑગસ્ટ. આજથી ત્રણ દિવસ પછી આવશે ૨૦ ઑગસ્ટ…… ૨૦ ઑગસ્ટ ૧૯૮૪નો એ દિવસ અવિનાશ વ્યાસની વિદાયને લઈને સુગમ સંગીત માટે, સુગમ સંગીતના ચાહકો માટે હંમેશ માટે ખાલીપો સર્જતો ગયો.
અવિનાશ વ્યાસ એવા એક ગીતકાર હતા જે હ્રદયની લાગણીઓને સહજતાથી શબ્દદેહ આપી શકતા. મા અંબાજીની પરમકૃપા એમની પર હતી . આ પરમકૃપાનો સાક્ષાત્કાર આપણે એમની રચનાઓમાં અનુભવી શક્યા છીએ. એક વાત તો સૌએ સ્વીકારવી રહી કે ગીત-સંગીત કે કવિતાના કોઈ ક્લાસ કે ટ્યુશન નથી હોતા એ તો ઉપરવાળાની કૃપાથી ઉતરી આવે અને એ કૃપાથી અવિનાશ વ્યાસ સમૃદ્ધ હતા.
ક્યારેક વિચાર આવે કે કોઈપણ જીવ જે ક્ષણે જન્મ લે છે ત્યારથી જ એની અંત તરફની યાત્રા પણ શરૂ થઈ જ જતી હોય છે ફક્ત એનો વિચાર ભાગ્યેજ કોઈ કરે પરંતુ કદાચ કોઈને આવનારા મૃત્યુનો અણસાર આવી જાય તો એ શું વિચારે?
કવિઓ, લેખકો, ગીતકારો જીવન વિશે તો લખે સાથે મૃત્યુ વિશે પણ ઘણું લખે છે.
કહે છે કે મૃત્યુ જેની સમજમાં આવી જાય એના માટે જીવન મહોત્સવ બની જાય. જેનામાં નખશિખ માનવતા ભરી હોય એ મૃત્યુને મહોત્સવ બનાવી શકે. અવિનાશ વ્યાસની માનવતા વિશે અનેક વાતો છે જેની વાત ક્યારેક ભવિષ્યમાં કરીશુ પણ આજે એ માનવતાની મૂર્તિ સમા ગીતકારે જીવનને કેવા તટસ્થભાવે જોયું હશે અને મૃત્યુ વિશે શું વિચાર્યું હશે એ જાણવાની જીજ્ઞાસા થાય છે તો એના જવાબમાં આ ગીત યાદ આવ્યું…
હરિ તું ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ના જાણુ
ધરમ કરમના જોડ્યા બળદિયા ધીરજની લગામ તાણુ,
એક ધર્મ અને બીજું કર્મ એવા બે બળદને સહારે ચાલતું આ જીવનનું ગાડું ધીરજની લગામ થકી સુપેરે હાંકવા મથીએ પણ અંતે તો હરિ જે કરે એ જ સાચું એવી અપાર શ્રદ્ધા જેનામાં હોય એ સમજે છે કે આ જીવનમાં સુખ-દુઃખ તો દિવસ અને રાતની જેમ આવ્યા જ કરવાના પણ હરિ જેમ કહે એમ કરવું બાકીનું પરહરવું. શબ્દો થોડા જુદા પણ નરસિંહ મહેતા પણ એ જ કહી ગયાને, “ સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં..
અવિનાશ વ્યાસની વાતમાં કેટલી સાદગી છે, એ જીવનરથ નથી કહેતાં એ જીવનને ગાડું કહે છે. ન કોઈ ઠાઠમાઠ કે ઠઠેરો બસ સરળતાથી ચાલ્યા કરતું જીવન જે હરિને મંજૂર હોય એમ જીવવાનું.
“સુખ ને દુઃખના પૈડા ઉપર ગાડુ ચાલ્યુ જાય
કદી ઉગે આશાનો સૂરજ કદી અંધારુ થાય
મારી મુજને ખબર નથી કઇ ક્યાં મારું ઠેકાણું, કાંઇ ના જાણું
એથી આગળ અવિનાશ વ્યાસ જે વાત કરે છે એમાં જીવનના ગહન સત્યને સાવ સરળતાથી વ્યક્ત થતું સમજાય છે. સૌ જાણે છે એમ ક્યારે અને ક્યાંથી આવ્યા અને ક્યારે ક્યાં જવાના એની કોઈનેય ક્યાં ખબર છે? આ શરીર આપણા આત્માને ધરી રાખતું, સાચવતું એક પીંજર છે એ ક્યારે ઘસાતું જશે કે જૂનું થશે એની આપણને જાણ નથી ત્યારે હરિ જ્યાં જેમ દોરે એમ દોરાવું
ક્યાંથી આવું ક્યા જવાનું ક્યાં મારે રહેવાનું,
અગમ-નિગમનો ખેલ અગોચર, મનમાં મુંઝાવાનું
હરતું ફરતું શરીર તો છે પિંજર એક પુરાણું, કાંઇ ના જાણું
શરીરને પીંજરું કહેતા અવિનાશ વ્યાસની એક આ રચના મને સૌથી વધુ સ્પર્શી છે. હ્યદયને અડીને આજ સુધી રહી છે અને હંમેશા રહેશે.
પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે
બહુ એ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે
ઉમટ્યો અજંપો એને, પંડના રે પ્રાણનો
અણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો
અણદીઠે દેશ જાવા, લગન એને લાગે
બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે…
કેમ લખ્યું હશે આ ગીત?
બહુ બધીવાર વિચાર આવતો કે એવું તો એમણે શું જોયું હશે, અનુભવ્યું હશે કે અંદરથી આવો અજંપો ઉમટ્યો હશે? મનમાં કેવા ભાવ ઉમટ્યા હશે ત્યારે આ રચના કરી હશે? એ કોઈને સમજાવવા મથતા હશે કે પછી પોતાની જાત સાથેની વાત હશે?
હા જો ઢળતી ઉંમર હોય, તન થાક્યુ હોય, મનમાં જીવવાની જીજીવિષા ન રહી હોય ત્યારે માણસને પોતાનો દેહ જર્જરિત પીંજરા જેવો લાગવા માંડે ત્યારે એને નવા ક્લેવર ધારણ કરવાના, નવા પીંજરામાં પૂરાવાના કોડ જાગતા હોય એ સમજી શકાય છે પણ ચારેકોર સુખની શૈયા હોય, સુંવાળું જીવન હોય એને ત્યજીને કોને આ અજાણી ભોમકાની વાટે જવાનું મન થયું હશે?
સોને મઢેલ બાજઠિયો ને રૂપે મઢેલ ઝૂલો
હીરે મઢેલ વીંઝણો મોતીનો મોઘો અણમોલો
પાગલ ન બનીએ ભેરુ કોઇના રંગ રાગે
બહુએ સમજાવ્યુ તોયે પંખી નવુ પિંજરુ માંગે
કશું ન હોવાની વ્યથા હોય તો સમજાય પણ બધુ અભરેભર્યું હોય તેમ છતાં જીવન પરથી મન ઊઠી જાય ત્યારે કેવો અજંપો મનને સતાવતો હશે ?
અન્યની તો ખબર નથી પણ આજે થોડી હું અંગત થઈ રહી છું. સંથારો શબ્દ છે જેમાં વ્યક્તિ પોતાની આસપાસથી, આપ્તજનોથી માયા સંકેલવા માંડે ત્યારે એની જોડે રહેનારને આ પ્રશ્ન જરૂર થાય કે આટ-આટલી સુખ સાહ્યબી હોવા છતાં આ ઘર છોડીને અણદીઠે દેશ જાવાની તત્પરતા એનામાં કેમ આવી હશે?
આ રચના સાંભળું ત્યારે હંમેશા યાદ આવે છે મહાપ્રયાણની તૈયારી કરતી મારી મા…એને જોઈ છે. ત્યારે થતું કે આમ ભરપૂર જીવન જીવતી વ્યક્તિને અચાનક બધું છોડવા વિચાર કેમ આવતો હશે?
અથવા જેણે ભરપૂર જીવન જીવી લીધું છે એના મનમાં કોઈ ઇચ્છાઓ બાકી નહી રહેતી હોય એટલે આવી સાહજિકતાથી માયા સમેટી શકતી હશે?
મારી મા અને એની અલિપ્તતાને જોતી ત્યારે અવિનાશ વ્યાસની આ રચના યાદ તીવ્રતાથી યાદ આવતી અને આજે આ રચના સાંભળું છું ત્યારે એના શબ્દોમાં મને એમાં મારી મા અનુભવાય છે.
મહાપ્રયાણ કરવાની તૈયારી સાથે સમય પસાર કરતી વ્યક્તિની મનોવસ્થા જ્યારે આ રચનાના અંતિમ ચરણને સમજીએ ત્યારે સમજાય છે.
જન્મ ધરીને પીંજરે જીવ્યા હારોહાર
પણ જ્યાં સૂરજ માંડ્યો ડૂબવા ત્યાં તૂટ્યો તંબૂરાનો તાર
અધૂરું ભજન સંગાથી ઉમળકો ભાગે
પંખી વાણી ઓચરે આખર જવું એક દાહડે
આ નથી નિજનું ખોળીયું આ તો મકાન રાખ્યું ભાડે
પોઢવાને કાજે પાગલ સારી રાત જાગે
બહુએ સમજાયું તોયે પંખી નવુ પીંજરું માંગે……
જેની હારોહાર જીવ્યા હોય એવી વ્યક્તિ વગર ભરી ભરી આ દુનિયામાં ખાલીપો સર્જાય, સઘળું વ્યર્થ થઈ જાય ને ત્યારે ભલેને પીંજરું સોનાનું હોય પણ એના પરથી મોહ છૂટી જાય.
આ લખી રહી છું ત્યારે ફરી શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયે કહેલા આ શબ્દો આજે યાદ આવે છે અને એનું સત્ય સમજાય છે કે અવિનાશ વ્યાસની રચનાઓ જે વિષયને અનુલક્ષીને લખાઈ હોય એનો સીધો જ અનુભવ આપણને પણ થાય છે.
Entry filed under: સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ, Rajul.
Recent Comments