૩૧ – સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-
શ્રાવણના આ દિવસોમાં આમ તો ચારેકોર ઉત્સવ અને ઉલ્લાસનું વાતાવરણ સર્જાવા માંડે. શક્ય હોય ત્યાં મંદિરોમાં અથવા સૌ પોત-પોતાના ઘરમાં જ કૃષ્ણને આવકારવા ગોકુળિયું સજાવવા માંડશે. કૃષ્ણ તો સૌનો પ્રિય, સૌનો લાડકો દેવ. એને તો દેવ કહેવો, મિત્ર કહેવો કે ગુરુ કહેવો એ તો સૌ સૌની ભાવના પર આધારિત છે કારણકે કૃષ્ણ તો હર સ્વરૂપે હર કોઈને પોતાનો જ લાગે.
રાધા, મીરાં, ગોપી એ સૌએ તો એને અનન્ય ભાવે નિહાળ્યો છે પણ આપણા જેવા સૌને પણ એનું અજબ જેવું આકર્ષણ તો રહ્યું જ છે એવા કૃષ્ણ તો કવિ, લેખકો અને ગીતકારોના પણ અતિ પ્રિય. આજ સુધીમાં સદીઓથી એના માટે ઘણું લખાયું છે અને લખાતું રહેવાનું છે ત્યારે અવિનાશ વ્યાસે એના માટે શું લખ્યું હશે એ જાણવાનું મન થાય એ સ્વાભાવિક છે.
અવિનાશ વ્યાસની રચનાઓની વાત આવે ત્યારે એમની સાથે આપોઆપ શબ્દ, સૂર અને સંગીતનો તાલમેલ જોડાઈ જાય.
મોટાભાગે સંગીત શબ્દ ગાયન કે વાદનના અર્થમાં જ લેવાય છે પરંતુ કહેવાય છે કે ખરેખર તો સંગીત એટલે ગાયન, વાદન અને નૃત્યનો સમન્વય. વિશ્વની મોટાભાગની કળા એવી છે જેમાં એકવાર સર્જન થઈ જાય પછી કળાકાર અને કૃતિ બંને ભિન્ન અસ્તિત્વ બની રહે. ચિત્ર, શિલ્પ કે ગીતને પણ આ કક્ષાએ મુકી શકાય. ચિત્રથી ચિત્રકાર, શિલ્પથી શિલ્પકાર, ગીતથી ગીતકાર કે કથા લખાયા પછી કથાકાર બંને ભિન્ન અસ્તિત્વ અર્થાત સર્જન જ્યાં પહોંચે ત્યાં સુધી એનો સર્જક નથી પહોંચતો જ્યારે નૃત્ય એક એવી કળા છે જ્યાં કલા છે ત્યાં જ કલાકાર છે. એ બંનેનું અસ્તિત્વ અભિન્ન અને આવા અભિન્ન અસ્તિત્વ એવા નૃત્યની વાત આવે ત્યારે અચૂક કૃષ્ણ અને એની રાસલીલા યાદ આવે.
‘રાસ દુલારી’-
અવિનાશ વ્યાસની આ એવી અનોખી ભેટ છે જે શબ્દ, સૂર અને સંગીતના સમન્વયથી સંકળાયેલી છે. કૃષ્ણનું નટખટ બાળપણ, ગોપીઓ સાથેની અટખેલીઓ, રાધા સાથેના અલૌકિક પ્રેમની સરવાણીને એટલી તો સરસ રીતે સાંકળી છે કે એ એમની અમર કૃતિ બની રહી છે.
રાસ દુલારી શરૂ થાય છે જ કાનુડાના મસ્તીભર્યા અસ્તિત્વના એંધાણથી…
“વૃંદાવનનો શામળો, ઓઢીને કાળો કામળો
ધૂમ મચાવે વૃંદાવનમાં ….
આટલા શબ્દો જ એ મસ્તીખોર નંદકિશોરની હાજરીનો અનુભવ કરાવવા પર્યાપ્ત છે. માત્ર આ થોડા જ શબ્દોમાં અવિનાશ વ્યાસે કૃષ્ણની બાળપણની જે છબી સૌના મનમાં છે એ નજર તાદ્રશ્ય કરી દીધી છે.
આ ગીત લખાયું એની પણ એક મઝાની વાત છે. અમદાવાદની અર્ચન નૃત્ય અકૅડમિ અવિનાશ વ્યાસ કૃત રાસ દુલારી ભજવવાની હતી. પ્રેક્ટિસ ચાલતી હતી ત્યારે સ્ટેજ પર કૃષ્ણનો પ્રવેશ કેવી રીતે કરાવવો એની મીઠી મૂંઝવણ ચાલતી હતી અને બસ પળવારમાં અવિનાશ વ્યાસે આ ગીતની રચના ફોન પર લખાવી.
આટલી ત્વરાથી ગીતની રચના કરી શકે એ ગીતકારની કેવી અદ્ભૂત અંતઃસ્ફૂર્ણા!
મોરનું પીંછુ માથે, ગોવાળિયાની ટોળી સાથે
આવે કાળુડો કાન, માંગે ગોપીઓથી દાન,
મારે ગોપીને કાંકરિયા માથે…..
અને ગોપીઓનો ભાવ અવિનાશ વ્યાસના મનમા જાગ્યો હોય એમ એ લખે છે,
‘સારા જગને દેનાર, મુજથી રે શું લેનાર,
તારી જુગતી ન જાયે કળી, હું તો મહી વેચવા નીકળી..”
વાત તો સાચી છે, જે સમસ્ત જગતને દેનાર છે એને તો વળી કોઈની પાસેથી શું માંગવાનું હોય? તેમ છતાં એ કોઈનીય પાસે કંઈપણ માંગે ત્યારે રાધાય અકળાય. એની અકળામણમાં કૃષ્ણ માત્ર એનો જ છે એવી સ્ત્રી સહજ આધિપત્યની ભાવનાનો રણકો સંભળાય.
અવિનાશ વ્યાસ ક્યારેક કૃષ્ણ, ક્યારેક રાધા તો ક્યારેક ગોપીના ભાવ અત્યંત સહજતાથી નિરૂપે છે. અહીં એમના શબ્દોમાં રાધાના ભાવ વ્યક્ત થાય છે …
“આવું ન થાય શ્યામ મોરા, તું તો મારા મનનો ચોર
તુંથી માખણ ન ચોરાય,
ગોપ ગોપીની ટોળી જોડે, મારે કાંકરિયાને મટકી ફોડે,
મુજથી ના સુણાય….
કૃષ્ણ પાસે તો સૌની ફરિયાદના ઉત્તર. એ રાધાનું મન પારખતા કહે છે,
કોઈ મન ચોરે, કોઈ તન ચોરે, કોઈ ધન ચોરે આ જગમાં
હું તો કેવળ માખણ ચોરુ ને વસુ તારી રગરગમાં….
કૃષ્ણ તો સૌને એક અલગ ઓળખ સાથે મળ્યા છે. સૌએ એને પોતાની રીતે પામ્યાનો આનંદ છે.
પછી તો કાનાની આ સતામણીની ફરિયાદ પહોંચે જશોદાના દરબારમાં…
‘સુણજો જશોદા મૈયા, મારે કાંકરિયા, ફોડે ગાગરિયા
મારે ઘેર વર કે સાસુ નણંદિયા, આવા કોઈના હશો નહીં છૈયા…”
આગળ કહ્યું એમ સંગીત એટલે ગાયન, વાદન અને નૃત્યનો સમન્વય. સ્ટેજ પર ભજવાતી ‘રાસ દુલારી’ નૃત્યનાટિકા જેણે જોઈ છે એ સૌએ આ ત્રણનો અદ્ભૂત સમન્વય અનુભવ્યો છે.
કૃષ્ણની માખણ ચોરીને ખાવાની વાત કેટલીય વાર આપણે સાંભળી છે ત્યારે અવિનાશ વ્યાસ એ પ્રસંગને કેવી રીતે વર્ણવ્યો છે એ જોઈએ.
“આમ ભાળી તેમ ભાળી, હળવે હળવે પગલે ચાલી
કાનુડો માખણ ચોરે હે..
ખાતા ખાતા મ્હો બગાડી,ઊંચા વાસણ નીચે પછાડી
કાનુડો માખણ ચોરે હે…
પ્રસ્તુત થાય ત્યારે તો કોની પ્રસંશા કરવી ? ગાયનની, વાદનની કે નૃત્યની એવી સમગ્ર પેક્ષકોની અનુભૂતિ હતી. વર્તમાન ટેક્નોલૉજિના સમયમાં વર્ષો નહીં સદીઓ પહેલાંની વાતો કે વ્યક્તિની માહિતી ગુગલ અને અન્ય સર્ચ એન્જીન પરથી મળી જાય છે પરંતુ સ્વાનુભવની વાત કંઈક અનોખી છે એટલે આજે અહીં એ વાત લખવાનું મન થયું. એ સમયે ત્યાં એક આખો માહોલ સર્જાયો હતો અને એમાં સૌ રસતરબોળ હતા. એક જાતના ટ્રાંસમાં હોઈએ એવી લાગણી હતી. કૃષ્ણથી કોણ અભિભૂત નથી?
અવિનાશ વ્યાસ માટે એવું કહેવાયું છે કે,
”ગામમાં ઘર હોય ને ત્યાં એના નાનકડા ખોરડામાં ય લીંપણ તો હોય જ…કવિના શબ્દો આ લીંપણ છે તો એની પર ઓકળીઓ બીછાવવાનું કામ સંગીતકાર કરે છે. અવિનાશ વ્યાસે તો ગુજરાતી ભાષાના ગીતો રચીને એને સંગીતે મઢીને આ લીંપણ અને ઓકળીઓ એમ બંનેથી ગુજરાતના ખોરડાને શોભાવ્યું છે.”
બાકી એમ જ કંઈ સ્ટેજ પર ગોકુળિયું સર્જાય છે?
અને પછી તો જશોદા સુધી પહોંચેલી ફરિયાદોનો સૂર પકડીને જશોદાનો અમથો અમથો ગુસ્સો, દેખાવ ખાતર કરેલી લાલ આંખ, હાથમાં આવે એ દોરડાથી ખાંડણિયા સાથે કાનુડાને બાંધવું, કાનુડાનો સ્વ બચાવ એમ એક પછી એક બનતા બનાવને સાંકળીને અવિનાશ વ્યાસે લગભગ બારેક જેટલા ગીતોથી રાસ દુલારી નૃત્યનાટિકા રચી છે જેમાં રાધાનો કૃષ્ણ માટેનો રાગ અને રાવ એમ બંને પણ અત્યંત ભાવવાહી રીતે વ્યકત થયા છે.
-કેમ રે વિસારી ઓ વનના વિહારી,
તારી રાધા દુલારીને કેમ રે વિસારી…
-નહીં જાઉં, જમના ઘાટ, મુરલી મને નથ ગમતી,
દિન રજનીભર શ્યામસુંદરના અધર પર એ રમતી
મુરલી મને નથ ગમતી,
આ ગીત માટે સાંભળેલી એક વાતનો અત્રે ઉલ્લેખ કરવાનું મન થાય છે. ‘રાસ દુલારી’ સ્ટેજ શો માટેનું રેકોર્ડિંગ અમદાવાદના સ્ટુડિયોમાં થયું હતું. મુંબઈમાં જાણીતા ઉદઘોષક શ્રી સુહાગ દિવાનનો ડબિંગ અને એડિટીંગ સ્ટુડિયો હતો. જ્યારે આ રેકોર્ડિંગ એડિટિંગ માટે મુંબઈ મોકલવામાં આવ્યું ત્યારે એમને ‘કેમ રે વિસારી; ગીત એટલું ગમ્યું કે એને ગુજરાતી ફિલ્મમાં લેવામાં આવ્યું. ‘રાસ દુલારી’ માટે હર્ષિદાબેન રાવલે ગાયેલું ફિલ્મમાં આશા ભોંસલે દ્વારા ગવાયું.
અહીં વાત આટલી જ છે કે કોઇપણ ગીતકાર પાસે એક અપેક્ષા તો ચોક્કસ જ હોય કે એમના શબ્દો ભાવ સમસ્ત સુધી પહોંચે…. આપણી અપેક્ષાઓ અવિનાશ વ્યાસની તમામ રચનાઓ થકી સાચા અર્થમાં પૂર્ણ થઈ છે. જો કે આ તો રાસ દુલારીની ઝલક માત્ર છે. થોડામાં ઝાઝુ સમાવાની વાત છે બાકી અવિનાશ વ્યાસની યાદ અનંત છે.
Entry filed under: સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ, Rajul.
Recent Comments