૩૦ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-
કવિ-લેખક શ્રી ધ્રુવ ભટ્ટ કહે છે ને કે ગાય તેનાં ગીત……કેવી સરસ વાત! જે લખે તેનાં તો એ ગીતો હોય જ પણ જે ગાય એને પણ સાવ પોતાના લાગે એવા ગીતો કેવા સરળ શબ્દોમાં લખાયા હશે ત્યારે એને સૌ અપનાવી શક્યા હશે?
અવિનાશ વ્યાસના ગીતો આજ સુધી ગવાતા આવ્યા છે અને હંમેશા ગવાતા આવવાના છે કારણકે એ એવા સહજ અને સરળ શબ્દોમાં લખાયા છે.
દરેક વાચક, શ્રોતાઓનો અલગ અલગ વર્ગ હોય. ક્યાંક કોઈ આધ્યાત્મિક, કોઈ ધાર્મિક તો કોઈ માર્મિક તો કોઈ સામાજિક-પારિવારિક. ત્યારે એવું બને કે એ દરેક ચાહકોને પણ કોઈ નિશ્ચિત લેખક, કવિ, ગીતકારને વાંચવા-સાંભળવા વધુ ગમે. કોઈએક તરફ એમનો ઝોક વધુ હોઈ શકે પરંતુ અવિનાશ વ્યાસ માટે એક સત્ય એવું જોયું છે કે એમની રચનાઓ પ્રત્યેક વાચકોને-શ્રોતાઓને સ્પર્શે છે કારણકે એમની રચનાઓમાં પ્રત્યેકના મન-હ્રદયને સ્પર્શે એવું વૈવિધ્ય છે.
એમણે એમની રચનામાં સંબંધોને સાચવ્યા, તહેવારોને ઉજવ્યા છે અને જ્યારે આ બંનેની વાત કરીએ ત્યારે એ આપણને સીધા જ શ્રાવણમાસની સાથે સાંકળી લે.
શ્રાવણ મહિનો સૌનો લાડકો મહિનો. વર્ષ દરમ્યાન આવતા ધાર્મિક કે સામાજિક પ્રસંગોથી સૌથી એ વધુ સમૃદ્ધ જણાશે. આવા આ સમૃદ્ધ શ્રાવણને અવિનાશ વ્યાસે એવી અનેક રચનાઓથી જાણે વધુ સમૃદ્ધ કર્યો છે. શ્રાવણ આવે એટલે તો સૌ પહેલાં યાદ આવે સંસારના સૌથી વહાલા સંબંધની. કાચા સૂતરના તાંતણે બંધાયેલો સૌથી વધુ સ્નેહાળ સંબંધ- ભાઈ-બહેનનો.
અવિનાશ વ્યાસની આ એક રચનામાં એનો મહિમા ગવાયો છે. કેવો સરસ યોગાનુયોગ ! આજે રક્ષાબંધન અને આ વહાલસોયા અવસરે એમની આ રચના યાદ આવ્યા વગર રહે?
આજ કાચા રે સૂતર કેરા તારનો તહેવાર
નાચો નાચો નરનાર
લઇ ફૂલકેરા હાર, હાલો બંધવાને તાર
આ લાલ-પીળો દોરો
સમસ્ત વિશ્વની બહેના હ્રદયના ભાવ અવિનાશ વ્યાસના આ ગીતમાં ઠલવાયા છે.
એને તાણેવાણે બાંધુ, બંધુ તને દોરો
ભાઇ અને બેનની એવી રે સગાઇ કે
જનમો જનમ ના આવે જુદાઇ
દુખનો પડછાયો કદી આવે નહીં ઓરો
આ લાલ-પીળો દોરો…
રીમઝીમ રીમઝીમ શ્રાવણની ધાર…
કરે બાંધવ કેરો બેડોપાર,
થઇ રક્ષાબંધન અમરતાર ,
વરસે બહેનીને દ્વાર દ્વાર ,
બહેનની ભાવના પણ કેટલી ઉદાત્ત? ભલેને એનો ભાઈ વિશ્વના કોઈપણ ખૂણે કેમ ન હોય, સમસ્ત સંસાર સાથે વહેંચાયેલો કેમ ન હોય પણ એના હ્રદયમાં તો ભાઈ માટે સદાય સ્નેહની સરવાણી જ….એના મનમાં માતાના સ્નેહના ભાગીદાર ભાઈની કે એના પ્રેમમાં ભાગ પડાવનાર ભાભીનીય ઇર્ષ્યા નથી. ભલેને ભાઈ સૌનો થઈને રહેતો પણ બંનેના હ્રદયનો એક ખૂણો તો હંમેશા એકબીજાના મંગળ માટે ધબક્યા કરવાનો છે એવો વિશ્વાસ છે. બહેનના ભાવને અવિનાશ વ્યાસે કેટલી સહજતાથી રજૂ કર્યા છે?
ભલો થાજે લાડકો તું જણનારી માવલડીનો
ભલો થાજે પીયુડો તું ગોરી ગોરી ભાભલડીનો
થજે તું સૌનો , ભાઇ રહેજે મારો
આ થઈ સંસારના સંબંધની વાત પણ સૃષ્ટિના સર્જનહાર-ઈશ્વરનો મહિમા પણ એમણે સરળતાથી ગાયો છે.
અવિનાશ વ્યાસ માટે એવું સાંભળ્યું છે કે, “એમના ભજનો ઘીના ઉજાસ જેવા – આંખોને ચકાચોંધ કરી મુકે એવી ઝળહળા રોશની જરાતરા સમય માટે કદાચ ગમે ય ખરી પણ એ ઉજાસ સહી લેવા માટે આંખ આડે નેજવું ય કરવું તો પડે જ જ્યારે તિર્થધામમાં મુકેલો ઘીનો એ નાનકડો દિવો તો તિર્થના પરિસરમાં પ્રવેશતાં ય બહાર સુધી એનો ઉજાસ રેલાવતો હોય ને? એનો ઉજાસ તો પાછો આંખને અજવાળે અને આત્માને ય અજવાળે. એમ આત્માને અજવાળે એવા એમના ભજનો છે.
પણ આ ભજનો એટલે શું? ભજનો એટલે ભગવાનનું નામ? જે આત્માનો ઉધ્ધાર કરે કે ન કરે પણ આત્માના ઉધ્ધાર માટે સજ્જ કરે ને એ ભજનો…આત્માની ચેતના જાગ્રત કરે એ ભજનો…..જ્યારે આંતર ચેતના જાગ્રત થાય ત્યારે આપોઆપ મન બોલી ઉઠે… જ્યારે મન સંસારની માયામાંથી પરહરીને હરીને યાદ કરે ત્યારે અંતરના ઊંડાણથી અલખના નામની અહાલેક ઊઠે.
ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની….
હરીના એ નામની એ અલખના એ ધામની…
ભૂલો રે પડ્યો એ હંસો
આંગણે ઊડીને આવ્યો
તન-મનથી તરછોડાયો, મારગ મારગ અથડાયો
કોને રે કાજે રે જીવડા ઝંખના તને રે લાગી
કોની રે વાટ્યું જોતા ભવની આ ભાવટ ભાગી
હે તરસ્યું રે જાગી જીવને ભક્તિ કેરા જામની ….
હવે જેમ મીરાંને સંસાર ખારો લાગે એમ જે જીવને ભક્તિ કેરા જામની તરસ જાગી હોય એને સંસારના સાજ બેસૂરા લાગે તો એ શું કહે ? આવી મનોસ્થિતિમાં અવિનાશ વ્યાસ કહે છે …
બેસૂર સાજ સંસાર રે,
મારો મળ્યો મળે નહીં તાર…
મૂળે એ ગીતકાર છે. રાગ તો એમના શ્વાસો શ્વાસમાં…એટલે કહે છે કે અનેકવિધ રાગ ગાયા પરંતુ અંતે તો વૈરાગનો રાગ જ મને ભવાટવીમાંથી બહાર લાવશે. સંગીતના સાત સૂરોને એમણે સાવ સહજ રીતે આ રચનામાં વણી લીધા છે.
ગાયા કંઇયે વિધ વિધ રાગ,
અંતે છેડ્યો મેં વૈરાગ,
લઇ જાશે ભવની પાર રે,
થઇ ભવભવનો સથવાર
આમ પણ સાત સૂરોના સરગમનું સંગીત એકસૂર, એકતાર થઈને રહે તો જ સંગીતની સૂરાવલિ સચવાય એવી રીતે આપણા જીવનમાં સમતા, રહેમ, ઘમંડથી મુક્તિ, હ્રદય મનની મૃદુતા-માર્દવતા, નરસિંહ મહેતા કહે છે એમ પરદુઃખે ઉપકારી વૃત્તિ, આંતરિક ચેતાનું ધન અને નિર્બળતા પર અનુકંપા હોય તો ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ સરળતાથી સચવાય. અવિનાશ વ્યાસ કહે છે,
“સમતાનો જ્યાં ષડ્જ મળે નહીં,
રિષભ મળે નહીં, રહેમભર્યો,
મૃદુવચની જ્યાં મળે નહીં મધ્યમ,
જ્યાં ઘમંડના ગાંધાર રે,
ત્યાં કેમ મળે મ્હારો તાર?
પરદુઃખીનો પંચમ ના બોલે,
ધનિકનો થઇ ધૈવત ડોલે.
નહિ નિર્બળનો નિષાદ રે,
ત્યાં કેમ મળે મ્હારો તાર?
સંસારમાં રહીને પણ આવી અને આટલી જાગૃતિ ? એના માટે ક્યાં કોઈ ભજનિકના લેબલની જરૂર જ છે?
મને એટલે જ અવિનાશ વ્યાસની રચનાઓ અત્યંત ગમે છે. કોઈ બોધ કે ઉપદેશ વગર પણ આપણા ચિત્તને, આત્માને જાગૃત કરી દે તો એવી મસ્ત મઝાની રચનાઓય આપે જે હ્રદય-મનને મોજીલા બનાવી દે.
Entry filed under: સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ, Rajul.
Recent Comments