૨૯ – સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ
કહે છે શબ્દો ક્યારેક તીર લાગે તો શબ્દો ક્યારેક લકીર લાગે… અવિનાશ વ્યાસના શબ્દો જ નહીં અવિનાશ વ્યાસ પણ લકીર બનીને આપણા મન પર કોતરાઈ ગયા છે.
૨૧મી જુલાઈ- અવિનાશ વ્યાસના જન્મદિનની દેશ-વિદેશથી અનેક લોકોએ જે રીતે લાગણીસભર ઉજવણી કરી એ જોઈએ ત્યારે સાચે જ સમજાય કે એ સૌ ગુજરાતીઓના મન પર સોનાના લેખની જેમ કોતરાઈ ગયા છે. દેશ-વિદેશથી અવિનાશ વ્યાસના ચાહકોએ એમને યાદ કરીને, એમની અનેરી વાતો કરીને જે સ્નેહાંજલિ આપી એ જોઈએ ત્યારે સમજાય છે કે આટલા વર્ષો પછી પણ એમની પ્રત્યેનો આદર, સ્નેહ જરાય ઓસર્યા નથી.
આનંદની વાત તો એ છે કે ૨૧મી જુલાઈના દિવસે એક નહી અનેક જગ્યાએથી મને એમના વિશે આદરભાવ પ્રગટ કરતાં અનેક સંદેશા મળ્યા જેમાં ક્યાંક પોતાની અંગત લાગણીઓ છલકાતી હતી તો ક્યાંક થોડી જાણેલી-સાંભળેલી વાતો પણ વાગોળવામાં આવી હતી.
આજે મને એમાંથી એકાદ વાત તમારા સુધી પહોંચાડવાનું ગમશે. શક્ય છે મારી જેમ તમે પણ આવી વાતોથી વાકેફ હોઈ શકો…
પુનરોક્તિ થતી હોય તો પણ આજે એક વાત કહેવી છે કે માત્ર ગુજરાત કે ગુજરાતીઓ જ નહીં પણ ભારતભરના ખ્યાતનામ ગાયકો પણ એમને અત્યંત સન્માનનીય માનતા.
સંગીતની દુનિયાના સર્વ શ્રેષ્ઠ કહી શકાય એવા લતા મંગેશકર, મુકેશ અને મહમદ રફી જેવા ગાયકો પણ એમને ગુરુ માનતા, ચરણસ્પર્શ કરતા. કિશોરકુમાર જેવા ટોચના તેમ છતાં અનાડી કહેવાય એવા ગાયક પણ એમને ગુરુ માનીને એમની ચરણરજ માથે ચઢાવી એમના આશીર્વાદ પ્રાર્થતા. કિશોર કુમારે એમને શ્રેષ્ઠ અંજલિ આપતા કહ્યું હતું કે લક્ષ્મીકાંત-પ્યારેલાલ હો યા કલ્યાણજી- આણંદજી, એ સૌ અવિનાશ વ્યાસના અસિસટન્ટ રહી ચૂક્યા છે.
આવી અપાર લોકચાહના ધરાવતા હોવા છતાં એ પ્રકૃતિએ અત્યંત નમ્ર અને સૌજન્યશીલ હતા. હવે જે વાત સાંભળી છે એ તો જાણે અવિનાશ વ્યાસ માટે સાવ અનોખી કહી શકાય એવી છે. ૨૦૧૨ એટલેકે અવિનાશ વ્યાસના ૧૦૦મા જન્મદિને એમની સ્મૃતિમાં એક સમારોહ યોજાયો હતો. સમારોહના સંચાલકે એમના પ્રત્યેનો આદરભાવ રજૂ કરતા અવિનાશ વ્યાસની સિદ્ધિઓ, એમને રચેલા ગીતોની સંખ્યા, એમણે મેળવેલા પારિતોષિકો વિશે જાણકારી આપતા કહ્યું કે , “ આમ તો અવિનાશ વ્યાસ ગુજરાતી ક્ષેત્રે બ્રેડમેન હતા.”
મઝાની વાત એ થઈ કે સમારોહની વચ્ચે સ્ટેજ પર આવીને એક શ્રોતાએ નમ્રતાથી એ સંચાલકની માફી માંગતા તેમ છતાં દ્રઢતાથી કહ્યું કે, “ અવિનાશભાઈ ગુજરાતી ગીતોના બ્રેડમેન છે એમ કહેવા કરતાં બ્રેડમેન ક્રિકેટમાં અવિનાશ વ્યાસ હતા એમ કહેવું વધુ ઉચિત રહેશે.”
આવી રીતે ક્રિકેટના સર્વકાલીન સર્વશ્રેષ્ઠ બેટ્સમેન સર ડોનાલ્ડ બ્રેડમેનની શ્રેષ્ઠતા દર્શાવવા લોક લાડીલા ગીતકાર પદ્મશ્રી અવિનાશ વ્યાસને યાદ કરવા એ આપણા મતે આપણી જેમ બ્રેડમેને પણ ગૌરવ લેવા જેવી વાત થઈ. સાંભળ્યા મુજબ અવિનાશ વ્યાસ મૂળ તો ક્રિકેટમાં પોતાની કારકિર્દી બનવાવા ઇચ્છતા હતા. જો એમ બન્યું હોત તો ? જેના નામે વિધાતાએ સફળતાના આશીર્વાદ લખ્યા હોય એ તો કોઈપણ ક્ષેત્રમાં સફળતા પામ્યા જ હોત. આ એક રેકોર્ડની વાત છે બીજો એક રેકોર્ડ અવિનાશ વ્યાસના નામે લખાયો હતો એનો ઉલ્લેખ કરવો છે.
ગીત-સંગીત ક્ષેત્રે એમની નામના એટલી વધતી જતી હતી કે ભાવનગર નરેશે પોતાના મહેલમાં તેમની બેઠક રાખીને ‘ ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની’ રેકોર્ડ કર્યું હતું.
કમલેશ સોનાવાલા નામ કદાચ સૌ માટે એટલું જાણીતું નથી. ભારતમાં ઇન્ફર્મેશન ટેકનોલૉજી ક્ષેત્રના નિષ્ણાત કમલેશ સોનાવાલાએ કવિતા ક્ષેત્રે પણ ખેડાણ કર્યું છે. ક્યારેક એમને આ અંગે તદ્દન વિરોધાભાસ ધરાવતા એમના વ્યવસાય અને રસના બે પાસા વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે એમણે જે ઉત્તર આપ્યો એ જાણવા જેવો છે. એમણે કહ્યું કે, “એમના માતા ઉર્મિલા સોનાવાલા આપણા આ ગીતકાર-સંગીતકાર અવિનાશ વ્યાસના સૌ પ્રથમ વિદ્યાર્થીની હતાં. સંગીતની ઘણી બેઠકો એમના ઘરે યોજાય. દર જન્માષ્ટમી તો ખૂબ મોટી ઉજવણી થાય ત્યારે સહકુટુંબ ભેગા થઈને એ પરિવાર રાસ-દુલારી ગાય. જન્માષ્ટમીએ એમના ઘરે અવિનાશ વ્યાસની હાજરી હોય. એમની સાથે અન્ય કવિ, શાયર અને કલાકારો પણ આવે. આમ એમના કહેવા મુજબ એમનું ઘડતર સાહિત્ય-સંગીતના વાતાવરણમાં થયું.”
આજના આ લેખ પાછળ કહેવાનું તાત્પર્ય માત્ર એ કે અવિનાશ વ્યાસની ખ્યાતિને લઈને આપણને ગુજરાતી હોવાનું, આપણા ગુજરાતીપણાનું ગૌરવ થાય અને તેમ છતાં એ પોતાના માટે શું કહેતા એ પણ જાણીશું તો મુઠ્ઠી ઉંચેરી વ્યકતિ તરફ આપણા મનમાં આદરનો સરવાળો નહીં ગુણાકાર આપોઆપ થઈ જશે.
અવિનાશ વ્યાસ કહેતા કે, “ હું આકારને ઓળખતો નથી. હું નિરાકારને ઓળખું છું. હું અંત અને અનંત વચ્ચેના પડદાનો પૂજક છું. પડદા પાછળ શું છે એની મને પડી નથી, જાણવું પણ નથી. હું માત્ર અવિનાશ થઈને રહું એ જ બસ છે.”
એમના આવા ભાવ એમની એક રચનામાં છલકાતા અનુભવાય છે.
પ્રભુ મારે તું રાખે તેમ રહેવું, પ્રભુ મારે તું રાખે તેમ રહેવું
કાંઈ નથી બીજું કહેવું મારે, કાંઈ નથી બીજું કહેવું મારે
જયશ્રી કૃષ્ણ જયશ્રી કૃષ્ણ એક જ નામ લેવું મારે,
તારે દેવું દુઃખ હશે તો હસતે મુખડે સહેવું,
ધન વૈભવની ઈન્દ્રજાળમાં રચ્યા પચ્યા નથી રહેવું
બીજું કાંઈ નથી લેવું દેવું, પ્રભુ તું રાખે તેમ રહેવું,
માયાની ભૂલવણીમાં મારી કાયા ભૂલી પડી છે,
પ્રેમલ જ્યોતિ પાથરવા પ્રભુ તારી જરૂર પડી છે,
મને જગ લાગે મૃગજળ જેવું, પ્રભુ તું રાખે તેમ રહેવું
કદાચ ક્યાંય પોતાના વ્યક્તિત્વને. પોતાના કૌશલ્યને સાબિત કરવાની એમની પ્રકૃતિ જ નહોતી. અત્યંત શાંત, સૌમ્ય, નિતાંત સાદગી, ઓલિયા જેવું એમનું વ્યક્તિત્વ મેં પોતે જોયું છે અને આજે પણ લકીરની જેમ મારી યાદમાં કોતરાયેલો એ ચહેરો અકબંધ છે.
Rajul Kaushik
http://www.rajul54.wordpress.com
Entry filed under: સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ, Rajul.
Recent Comments