Archive for June, 2020

એક અધૂરી પ્રેમકથા…

એક અધૂરી પ્રેમકથા…

મુંબઈ, માનવ વસ્તીથી ઉભરાતું એક મહાનગર. આશરે એક કરોડ ચૌદ લાખની વસ્તી ધરાવતા શહેરમાં પચરંગી નહીં નવરંગ કરતાં વધુ રંગો ધરાવતા જાતજાતના, ભાતભાતના લોકો જોવા મળશે. ધારાવીની ઝૂંપડપટ્ટીમાં આમતેમ આથડતા લોકોથી માંડીને જુહુ બીચ પર મૉર્નિંગ વૉક લેનારા, આગલા દિવસે ભરપેટ ખાઈને બીજા દિવસની સવારે વળી પાછી ફિટનેસ જાળવવા જૉગિંગ કરતાં લોકોથી ઉભરાતું શહેર. 

મુંબઈની ફાસ્ટ ટ્રેનથી માંડીને ઑફિસે પહોંચવાની સતત ઉતાવળને લીધે લોકલમાં લટકતાં લટકતાં મુસાફરીની હાડમારી ભોગવતા લોકો અને લોકલ ટ્રેનની સામે તુચ્છકારથી જોઈને વળી પાછા પોતાની આરામદાયી એરકંડિશન કારમાં અદ્યતન લેપટોપમાં પરોવાઈ જતાં લોકો….

લોકો લોકો લોકો….

ગણ્યાં ગણાય નહીં તેમ છતાં મોહમયી નગરી મુંબઈમાં સમાય એવા લોકોમાંથી આજે એકાદ બે જણની વાત કરીએ.

હા, તો એક છે આપણી વાર્તાનો નાયકપ્રણવ અને બીજી છે આપણી વાર્તાની નાયિકા સંધ્યા.

  પ્રણવના બે રૂપ છે. એક છે દિવસના ભાગે મુંબઈ નગરપાલિકાની ઓફિસમાં કર્મચારીની નોકરી કરતા પ્રણવનું અને બીજું રૂપ છે રાત પડે નાનામોટા સામાજિક પ્રસંગોમાં પોતાની સ્ટેન્ડ અપ કૉમેડીથી છવાયેલા રહેતા પ્રણવનું.

 નાનપણથી આસપાસના લોકોને જોઈ જોઈને એમનું અનુકરણ કરવું ભાઈનો મૂળ શોખ. બેઝનો અવાજ, વાત પ્રસ્તુત કરવાની છટા, વાતમાં બંધબેસે એવી હાવભાવ અને બૉડી લેંગ્વેજ પણ પ્રણવભાઈમાં ખરી. ધીમે ધીમે ટી.વી પર ચાલતા કૉમેડી શૉ જોઈને જરા રિફાઈન થયો વળી રાજુ શ્રીવાસ્તવ કે કપિલ શર્માને જોઈને જરા ઢંગની કૉમેડી કરતાં શિખ્યો અને પછી તો યારોદોસ્તોની મહેફિલથી માંડીને મંગળ પ્રસંગો સુધી પહોંચ્યો અને ધીમે ધીમે આમાંથી થાળેય પડતો ગયો અને આમ આમ કરતાં સાઈડ કમાણીમાંથી વર્ષે તો સેન્ટ્રો કાર પણ લઈ લીધી.

 હવે વાત આવે છે આપણી નાયિકાની, એટલે કે સંધ્યાની.

  સંધ્યાનું એક રૂપ છે. સાદા સીધા મધ્યમ પરિવારની કૉમર્સ ગ્રેજ્યુએટ સંધ્યાને મમ્મીએ સરસ રીતે ટ્રેઈન કરી છે. કહો કે સાસરીમાં સરસ રીતે સમાઈ જાય એવી રીતે એને પળોટી છે. એનું ગ્રેજ્યુએશન પૂરું થયું કે સમર વેકેશનમાં કૂકિંગ ક્લાસમાં મુકી દીધી. હાસ્તો ભાઈ, આગળ જતાં તો કામમાં આવવાનું છે ને?

 ચાલો કૂકિંગ ક્લાસના કોર્સ પણ પુરા થઈ ગયા, હવે શું? તો હવે માંડો મુરતિયા જોવા. અત્યારથી જોતા રહીએ તો ચાર મહિના કે વરસમાં ઠેકાણું પડે ને?

 ***** વાતની કહો કે વાર્તાની શરૂઆત હવે થાય છે.

 એક દિવસની વાત છે. મધ્યમવર્ગી ફ્લેટની નીચે એક કાર આવીને ગેસ્ટ પાર્કિંગ માટેના એરિયામાં પાર્ક થઈ..ગાડીમાંથી ઉતરીને યુવકે સાઈડ મિરરમાં પોતાનો હુલિયો જરા સરખો કરી લીધે. નાનકડું હેરબ્રશ કાઢીને વાળ સરખાં કરી લીધા. ડાર્ક બ્રાઉન લાઈનિંગથી શોભતા આછા બ્રાઉન કલરના શર્ટને ફરી એકવાર ખેંચીને ડાર્ક બ્રાઉન પેન્ટમાં સરખી રીતે ટક કરી લીધું. ફ્લેટના ગેસ્ટ પાર્કિંગમાંથી બહાર નિકળી સામે દેખાતા બ્લેક બોર્ડમાંથી બીજા માળે રહેતા શ્રી સુધીર મહેતાનું નામ કન્ફર્મ કરીને લિફ્ટ તરફ આગળ વધ્યો.

 ટ્રીન….ટ્રીન…..બેલ સાંભળતા સુધીરભાઈએ ધર્મપત્નિ પલ્લવીને સાદ પાડ્યો……” મહેમાન આવી ગયા લાગે છે. સંધ્યા તૈયાર છે ને?” બોલતા દરવાજો ખોલ્યો.

 આવો આવો પ્રણવકુમાર, તમારી રાહ જોવાય છે.”.. બે દિવસ પહેલાં ફોટા સાથે મળેલા બાયોડેટાના લીધે એમને પ્રણવને ઓળખતા જરાય વાર લાગી.

 પલ્લવીબેને પણ સસ્મિત પ્રણવકુમારને આવકાર આપ્યો.

 પ્રણવકુમાર એટલે આપણી વાર્તાના નાયક. પ્રણવકુમારની ઘરમાં પધરામણી થતાં સુધીરભાઈની નજર બહાર લોબીમાં લંબાઈ અને લિફ્ટ સાથે અફળાઈને પાછી વળી.

 કેમ એકલા આવ્યા છો? તમારા મમ્મીપપ્પા ?”

 સુધીરભાઈનો સવાલ સાવ સહજ હતો. વેવિશાળની વાત હોય તો મુરતિયો સાવ આમ એકલો થોડો આવે?

 વાત જાણે એમ છે કે મળવા યોગ્ય કન્યાઓમાંથી આજની મુલાકાતનો ચોવીસમો નંબર છે.. શરૂઆતમાં લોકો આવતા પણ હવે તો હું એકલો આવું છુ. વાત જાણે એમ છે કે વાત કંઇક જામે તો એમની સાથે મુલાકાત કરાવવાનો અર્થ એટલે હવે મેં તો એમને દર વખતે સાથે આવવાની ના પાડી દીધી છેપલ્લ્વીબેને ટ્રેમાં ધરેલા પાણીનો ગ્લાસ ઉચકતાં પ્રણવ બોલ્યો. “વાત જાણે એમ છે પ્રણવકુમારની તકિયા કલામ હોય એવું સુધીરભાઈને લાગ્યું સાથે તટસ્થ રીતે વિચારતા લાગ્યું કે પ્રણવકુમારની વાત સાચી છે.

 સુધીરભાઈ પાસે ઠાલું હસવા સિવાય ક્યાં બીજો કોઈ ઉપાય હતો? આમ તેમ આડી અવળી વાત ચાલતી રહી ત્યાં આપણી નાયિકા એટલે કે સંધ્યાની એન્ટ્રી થઈ. કપાળમાં નાનકડી બિંદીથી શોભતી સંધ્યાના ચહેરા પર લજ્જાયુક્ત ગરિમા હતી. લખનવી વર્કના આછા ગુલાબી રંગના પંજાબીમાં પણ એની સાદગી અને સૌમ્યતા જોનારને સ્પર્શી જાય એવી હતી તો પછી પ્રણવકુમાર એમાંથી ક્યાં બાકાત રહે? સંધ્યાએ તૈયાર કરેલી ચા અને નાસ્તાને ન્યાય આપ્યા પછી પ્રણવને જરા આઘોપાછો થતો જોઈને સંધ્યાએ કહ્યું, “ચાલો આપણે બહાર બાલ્કનીમાં જઈએ.”

 નાનકડા ફ્લેટમાં મમ્મીપપ્પાની હાજરીથી જરા દૂર મોકળાશથી વાત કરી શકાય હેતુથી સંધ્યાએ પ્રણવની સામે જોઈને કહ્યું અથવા મમ્મીપપ્પાની સાથે નિશ્ચિત થયેલી પૂર્વયોજનાને અનુસરીને પણ હોઈ શકે અને પ્રણવને પણ મોકળાશ ગમી.

 બહાર બાલ્કનીમાં આવીને શું વાત કરવી એની અવઢવમાં ઉભેલા પ્રણવને હળવો કરવા સંધ્યાએ પહેલ કરી.

 ઘર શોધતા તકલીફ તો નથી પડી ને?” બંને જાણતા હતાં વાહિયાત શરૂઆત હતી પણ શું થાય? ક્યાંકથી તો શરૂ કરવું રહ્યું ને?

 અને પછી તો ધીમે ધીમે વાતોનો દોર આગળ વધતો રહ્યો, બંને જણ કમ્ફર્ટ લેવલે આવી જાય એવી રીતે વાતો થતી રહી. જોનારને લાગે કે બંને એકબીજાને ગમી ગયા છે. હવે કોણ પહેલાં હા બોલે એની રાહ જોવાય છે.

 વાતો વાતોમાં પ્રણવે સંધ્યાને પૂછીને જાણી લીધું કે સંધ્યા માટે તો સૌથી પહેલો મુરતિયો છે જેને

મળી રહી છે અને સાથે એણે એ જણાવી દીધું કે સંધ્યાનો તો નંબર ચોવીસમો છે. સંધ્યાને અજાયબી થઈ.

 આટલા બધામાંથી એક પણ પસંદ આવી?”

 ના, સાવ એવું નહોતું. કોઈને હું પસંદ આવ્યો, કોઈ મને ગમ્યું અને જે ગમી એની સાથે જન્માક્ષર મળ્યા નહીં

 ઓહ, તો શું લાગે છે?  આપણે ફરી મળીએ એવી કોઈ શક્યતાઓ છે ખરી કે પછી …..? કહીને સંધ્યાએ બાકીના શબ્દો અધ્યાહાર રહેવા દીધા

ચોક્કસ, પણ પહેલાં એક મહત્વની વાત, ફરી મળતાં પહેલાં અમારા ઘરની પરંપરા મુજબ આપણા જન્માક્ષર તો મેળવવા પડશે, જો મળી ગયા તો આપણે પણ મળી શકીશું.”  કહીને પ્રણવે સંધ્યાના હાથમાં જન્માક્ષર મુકી દીધા.

*****

વાર્તાનો અંક બીજો

ટ્રીન ટ્રીન……બોરીવલી ઈસ્ટના એક પહેલા જેવા મધ્યમવર્ગી ફ્લેટનો ડોરબેલ વાગ્યો. રસોડામાં કામ કરતી ગૃહિણીએ આવીને બારણું ખોલ્યું…….

 યસ, ?”

 માફ કરજો તમને ડિસ્ટર્બ કર્યા. હું કોર્પૉરેશનમાંથી વસ્તી ગણતરી માટે આવ્યો છું. આપનો થોડો

સમય લઈશ..”

 આગંતુકે ખચકાઈને જવાબ આપ્યો. આમ તો ગૃહિણી પણ આગંતુકને જોઈને જરા ખમચાઈ તો હતી પણ પછી સ્વસ્થતા મેળવીને બારણામાંથી ખસીને એને અંદર આવવા જગ્યા કરી.

 અને પછી તો જે વ્યહવારિક જાણકારી લેવી હતી લેવાઈ ગઈ. ઘરમાં પતિપત્ની અને એક પુત્ર છે એવી રજીસ્ટરમાં નોંધ ઉમેરાઈ ગઈ.

 ચાલો ત્યારે હું રજા લઉં.” કહીને આગંતુક ઉભો થયો.

 બેસો ને હું કોફી બનાવું છુંકહીને  ગૃહિણીએ એને રોકી લીધો.

 પાંચેક મિનિટમાં કોફીના બે મગ લઈને આવી. એક કપ આપી બીજો કપ લઈને સામેના સોફા પર ગોઠવાઈ.

 કોફીના કપમાંથી ઊઠતી વરાળની જેમ એની જીજ્ઞાસા પણ મનની સતહ પર તરી આવી.

 તમે ક્યાં રહો છો?”

 હું બસ અહીં નજીક, બોરીવલી વેસ્ટમાંજવાબ મળ્યો. અચકાતા અચકાતા વાત આગળ ધકેલાઈ.

 પરિવારમાં ?” “ ગૃહિણીએ પૂછ્યું.

 એક દીકરી છે. સાત વર્ષની

 એમ? મારો દીકરો પણ સાત વર્ષનો છે. શેઠ જી.એચ. હાઈસ્કૂલમાં ભણે છે.” ગૃહિણી બોલી.

 અરે મારી દીકરી પણ શેઠ જી.એચ. હાઈસ્કૂલમાં છે અને તેમ છતાં આપણે તો ક્યારેય મળવાનું થયું નહીં

 હા, ક્યારેય મળવાનું થયુ નહીં આપણા સંજોગો એવા હતા અને આપણા ગ્રહો પણ એમ કહેતા હતા ને કે આપણે મળી નહીં શકીએ. ગૃહિણીના હોઠ સુધી વાત આવીને અટકી ગઈ

એક ક્ષણ અટકીને બોલી.. “હશે પણ હવે જ્યારે સ્કૂલમાં પૅરેંન્ટ મિટિંગ જેવું કંઈક હશે ત્યારે યાદ રાખીને મળી લઈશું.”

 વાત આગળ વધારવાના ઈરાદે ફરી પૂછી લીધુંઅમારી જેમ નાનો પરિવાર? પત્ની? શું નામ એમનું? તો સ્કૂલની મિટિંગમાં આવતા હશે ને?”

 વળી પાછી બેપાંચ ખોડંગાતી પળો આગળ વધી અને આગંતુકે સામે બેઠેલી વ્યક્તિથી નજર ખસેડીને જવાબ આપ્યો…“બે વર્ષ પહેલાં કાર અકસ્માતમાં……” આગંતુક આગળ બોલી શક્યો.

વળી સમય જાણે ચોસલું બનીને ગઠાંઈ ગયો

 ગૃહિણીના મનમાં ગોફણની જેમ સવાલ વિંઝાયો…..” જન્માક્ષર મેળવ્યા નહોતાં?” પણ એના સ્વસ્થ સ્વભાવે મનમાં ઊઠેલા સવાલને મનમાં ધરબી દીધો..એનામાં રહેલી શાલીનતાએ એને એમ કરતા વારી

ઓહ !“ આટલું વ્યક્ત કરીને ચૂપ થઈ ગઈ. હવે બંને પાસે આગળ વાત કરવાનો અવકાશ શૂન્યતાની સપાટીએ જઈ પહોંચ્યો.

 હું જઈશ હવે…..” માંડ આટલું આગંતુક બોલી શક્યો અને હાથમાં પકડેલું રજીસ્ટર એની શોલ્ડર બેગમાં સરકાવ્યું.

 અરે ! ગૃહિણીને પણ આગળ શું બોલવું સમજાયું.

 કદાચ બંનેને થયું હશે કે માંડ માંડ વર્ષો પહેલા મળેલી અને હવે ફરી ક્યારે મળશે એવી ક્ષણો, વાતો બસ આમ અધુરી રહી જશે?

 બારણા સુધી પહોંચેલા આગંતુકને ગૃહિણીએ પૂછી લીધું ….

 દિકરીનું નામ?”

 સંધ્યા અને તમારા દિકરાનું નામ?”

 પ્રણવ” ……..

 વર્ષો પહેલાં મળેલી ક્ષણોને તો આજ સુધી વિસરી ક્યાં શક્યા હતાં? ક્યાંથી વિસરે?

કદાચ બંનેનો પહેલો અને વ્યક્ત થયા વગર મનમાં ધરબાઈને અધુરો રહી ગયેલો અને કદી વિસરી શકાય એવો મુલાયમ પ્રેમ હતો જે જન્માક્ષરની જટિલ જાળમાં અટવાઈને અધૂરો રહેવા સર્જાયો હતો.

 

June 23, 2020 at 2:24 pm 2 comments

Older Posts Newer Posts


Blog Stats

  • 138,556 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 129 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

June 2020
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

Aksharnaad.com

અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

મારી બારી

દીપક ધોળકિયા

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!