૨૫ – સદાબહાર સૂર- અવિનાશ વ્યાસ-
June 29, 2020 at 4:04 pm 2 comments
અવિનાશ વ્યાસ એટલે પત્થરમાં પણ પ્રાણ પ્રતિષ્ઠા કરે એવા ગીતકાર. શહેરોને પણ બોલતા કરી દે એવા ગીતકાર, બેજાન સડકોમાં પણ એમને કાવ્યત્વ દેખાય. પ્રકૃતિમાંથી પ્રગટતા સંગીતને એ શહેરોની ઈમારતોમાંય સાંભળી શકે અને આપણને પણ સંભળાય એવી રીતે એ શહેરોને બોલકા કરી દે.
મુંબઈ એક એવી નગરી જ્યાં હરએક પ્રતિભાવંત વ્યક્તિને પોતાની જાતને સિદ્ધ કરવાનું પ્લેટફોર્મ મળે. આપણા આ સવાયા ગુજરાતી ગીતકારને પણ મુંબઈમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ એટલે એમણે અમદાવાદની જેમ મુંબઈને પણ ગાતું કર્યું. અમદાવાદ એમની જન્મભૂમિ હતી તો મુંબઈ એમની કર્મભૂમિ બની રહી. સ્વાભાવિક છે જન્મભૂમિ માટે ગીતરચનાઓ કરી એવી રીતે કર્મભૂમિ માટે પણ કરી છે એટલું જ નહીં પણ એમણે મોહમયી મુંબઈથી માંડીને રંગીલા રાજકોટ અને પાટણને પણ પ્યારું ગણીને એની પર રચનાઓ કરી હતી. એમણે મુંબઈના લોકો, મુંબઈની રહેણીકરણી, મુંબઈની આબાદીને એક કરતાં વધારે ગીતોમાં ઢાળી છે. આજે એમાનાં કેટલાંક ગીતોનો અહીં ઉલ્લેખ કરવો છે.
આ મુંબઈ છે, જ્યાં ભઈ કરતાં ઝાઝી બઈ છે..
આ મુંબઈ છે………..
નહી એકરંગી, નહી બેરંગી, જ્યાં પચરંગી વસ્તી,
અરે જોગી, ભોગી,રોગી સૌની સરખી તંદુરસ્તી,
અરે વાટે, હાટે, ઘાટે જ્યાં મોંઘવારી સસ્તી,
ને પેટ ભૂખ્યું પણ તનને માટે ટાપટીપ છે સસ્તી,
અરે છેલછબીલી અનેકની પણ કોઈની ક્યાં રહી છે? .
આ મુંબઈ છે…
મુંબઈના આ ગીતમાં તો સાચે જ એ દિવસોથી માંડીને આજના મુંબઈને એમણે આબેહૂબ વણવ્યું છે. આ રંગબેરંગી મુંબઈને જે જાણે છે એમનેય ખબર છે કે અહીં એક તરફ જીવનભરની આબાદીના કિસ્સા છે તો એની બીજી બાજુ જીવવા માટે મરણીયા થતાં લોકોની બરબાદીનાય કારમા કિસ્સા છે.
મુંબઈમાં શેઠ, શરીફ, ગરીબ, નોકર અને ઘરઘાટીથી ઉભરાતી ચોપાટીની મદમાતી સાંજ પણ છે. અહીં પેટે પાટા બાંધીને જીવતા લોકો છે તો પત્થર પર પાટું મારીને પૈસા પેદા કરતાં લોકોય છે. અવિનાશ વ્યાસ પાસે શબ્દોનો એવો વૈભવ હતો જેનાથી એ આપણી નજર સમક્ષ મુંબઈને એમણે જેવું જોયું, જાણ્યું છે એવું તાદ્રશ્ય કર્યું છે.
આવા મુંબઈ માટે વળી એમણે બીજા ગીતમાં એમ પણ લખ્યું છે કે….
“લોકો સૌ કહે છે કે મુંબઈમાં છે બહુ કમાણી
પણ મુંબઈની કમાણી મુંબઈમાં જ સમાણી..
જેવું ના સૂકાયે મુંબઈના દરિયાનું પાણી,
એવી ના સૂકાયે કોઈ દિ મુંબઈની જવાની…”
મુંબઈમાં ચપટીમાં બસ્સો પાંચસો વાપરી નાખતા લોકો છે અને દિવસ દરમ્યાન માત્ર બસ્સો પાંચસો પર ટકી રહેતા લોકો પણ છે. મુંબઈની કમાણી કેમ કરીને મુંબઈમાં સમાણી એ તો મુંબઈના વતની જ જાણે પણ આજે આંધળી માનો કાગળ યાદ આવી ગયો. એવા કેટલાય મા-બાપ હશે જેમણે પેટે પાટા બાંધીને આ મહાનગરમાં કમાવા મોકલેલા સંતાનોની કમાણી અહીંની અહીં જ હોમાણી હશે !
અહીં મહેલ જેવા મકાનોમાં એકલદોકલ રહેતા લોકોની કથા છે અને ચાલીની બાર ફૂટની ઓરડીમાં માંડ સમાતા લોકોની વ્યથાય છે. મુંબઈમાં જેટલી કોમ એટલી ભાષા છે. કોણ ક્યાંથી આવ્યું છે એની પરવા કર્યા વગર એને સમાવી લેતું મુંબઈ છે અને અવિનાશ વ્યાસે આ મોહમયી, માયાવી મુંબઈના સારા-નરસાં પાસાને શબ્દોમાં ઢાળી સંગીતમાં મઢ્યા છે.
આખો દિવસ અફરાતફરીમાં જીવતાં લોકોથી ખીચોખીચ ભરેલા મુંબઈની સાથે એમણે રંગીલા રાજકોટને પણ મન મુકીને નવાજ્યું છે.
અવિનાશ વ્યાસ તો રાજકોટને તો માલિકની મહેરથી મહોરતા શહેર તરીકે ઓળખાવે છે. જ્યાં માલિકની મહેર હોય ત્યાં લોકો રૂડાં અને દિલના દિલેર હોય એ સહજ છે.
જેની પર માલિકની મહેર છે, રાજકોટ રંગીલું શહેર છે,
લોક રૂડાં ને દિલના દિલેર છે, રાજકોટ રંગીલું શહેર છે.
સૌ જાણે છે કે પેંડા તો રાજકોટના જ પણ રાજકોટના રસ્તા વિશે સાવ અનોખી રીતે અવિનાશ વ્યાસે એના વિશે કહ્યું છે કે
“રોડમાં રોડ એક ધર્મેન્દ્ર રોડ છે,
હેમામાલિની નથી એટલી જ ખોડ છે,
અહીં પેંડાવાળાને લીલાલહેર છે,
રાજકોટ રંગીલું શહેર છે….
“હરિ મારું ગાડું તું ક્યાં લઈ જાય કાંઇ ન જાણું” કે “હરિ હળવે હળવે હંકારે મારું ગાડું ભરેલુ ભારે” જેવા ચિંતનાત્મક ગીતોની રચના કરનાર ગીતકાર આવી હળવી શૈલીમાં, એકદમ મઝાના શબ્દોમાં આવી વાત કરી શકે એ એમની કવિ કલ્પનાના બે અંતિમ છેડાની જાણે અવસ્થા દર્શાવે છે. કેટલી સરસ રીતે એ કોઈપણ વિષયના વૈવિધ્યને પણ એ ખુબ સરસ રીતે ન્યાય આપી જાણે છે !
૧૯૮૧માં પંખીનો માળો ફિલ્મ માટે લખાયેલા આ ગીત પછી તો કદાચ રાજકોટની સૂરત બદલાઈ ગઈ હશે પણ હજુ કેટલીક વાતો તો રાજકોટની પહેલાની જેમ અકબંધ હશે. પેઢી બદલાઈ હશે પણ રાજકોટનો સાંગણવા ચોક અને એનું નામ તો આજે પણ છે. રાજકોટના રેસકોર્સ પર ઘોડલાંના બદલે હાથમાં હાથ નાખીને ફરતાં પ્રેમીઓના જોડલાં ય આજે જોવા મળતાં હશે.
નામ જુઓ રેસકોર્સ મળે નહીં ઘોડલાં,
હાથોમાં હાથ નાખી ફરે અહીં જોડલાં,
પણ ઘોડલાં ને જોડલાંમાં ફેર છે, રાજકોટ રંગીલું શહેર છે….
રેસકોર્સ જ નહીં આજીનો ડેમ પણ જાણે કે નિર્જીવ છે પણ એની પર વિહરતાં પ્રેમીઓને લઈને અવિનાશ વ્યાસે એને પણ જીવંત કરી દીધો છે.
હે આજીના ડેમ પર પ્રેમીઓનો ખેલ છે,
સૌ જાણે કુંવારા પણ ભાઈ પરણેલ છે,
એક રસ્તા પર ને બીજી ઘેર છે, રાજકોટ રંગીલું શહેર છે.
રાજકોટ રંગીલું શહેર તો છે જ પણ અહીં એક અનેરો ઈતિહાસ રચાઇ ગયો છે એની ક્યાં સૌને જાણ છે? અહીંની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ગાંધીબાપુએ અભ્યાસ કર્યો છે એનો ઉલ્લેખ કરીને રંગીલા રાજકોટ અને અહીંના ઉમદા ઉછેરને અવિનાશ વ્યાસે ગૌરવ પ્રદાન કર્યું છે.
Entry filed under: સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ, Rajul.
1.
Valibhai Musa | July 1, 2020 at 11:51 am
અવિનાશભાઈનાં અવિનાશી ગીતો ‘દૂધગંગા’માં એવાં તો હિલોળા લઇ રહ્યાં છે કે ચાહકો મનપસંદ કોઈ એક ઉપાડી લઈને ગાવા મંડી પડે. બહેનજી, આપના લેખે
તો ‘દૂધગંગા’ની યાદ તાજી કરાવી દીધી. ધન્યવાદ.
LikeLiked by 1 person
2.
Rajul Kaushik | July 1, 2020 at 5:41 pm
આભાર વલીભાઈ 🙏🏼
LikeLike